'પ્રાર્થના કરતા પહેલાં સહી કરો', મુંબઈની ચર્ચમાં પ્રાર્થના કરવા જતા લોકો પાસે લેખિતમાં કેમ 'બાહેંધરી' લેવામાં આવે છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, જાન્હવી મૂળે
- પદ, બીબીસી મરાઠી, મુંબઈ
- લેેખક, ઝોયા માતીન
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
મુંબઈ અને તેની આસપાસનાં કેટલાંક ચર્ચમાં હવે પ્રાર્થના કરવા આવતા લોકોને લેખિતમાં એક બાહેંધરી આપવાનું કહેવામાં આવે છે કે "હું મારી પોતાની મરજીથી અહીં પ્રાર્થના કરવા આવ્યો છું."
આવનાર લોકો પોતાનું નામ લખે છે, ક્યારેક ઓળખપત્રનો નંબર પણ લખે છે અને સહી કરીને જણાવે છે કે, તેમને ચર્ચમાં આવવા માટે કોઈએ દબાણ કર્યું નથી કે કશી લાલચ આપી નથી.
બીબીસીએ જોયેલી આ ફૉર્મની નકલને કોઈ સત્તાવાર માન્યતા નથી. પ્રાર્થનાના આયોજન સામે કશી ફરિયાદ થાય અને તેમાં ઉપસ્થિત લોકોને ધર્મપરિવર્તન માટે ઉશ્કેરવાનો આરોપ આયોજકો પર મૂકવામાં આવે તો આ પ્રકારની 'બાહેંધરી' ઉપયોગી થઈ શકે એ માટે ચર્ચ આ ફૉર્મ સાચવી રાખે છે.
કેટલાંક ચર્ચમાં આ પ્રથા ઑગસ્ટના અંતમાં શરૂ થઈ હતી. એ સમયે મહારાષ્ટ્રમાં ધર્મપરિવર્તન સામેનો નવો કાયદો અમલમાં આવવાનો હતો. મુંબઈ આ મહારાષ્ટ્રની રાજધાની છે.
આ કાયદા હેઠળ બળજબરી, છેતરપિંડી, દબાણ કે કોઈ પ્રકારની લાલચ આપીને કરાવવામાં આવતા ધર્મપરિવર્તન પર પ્રતિબંધ છે. સ્વેચ્છાએ ધર્મપરિવર્તન કરવા માગતી વ્યક્તિએ પણ વહીવટીતંત્રને આગોતરી જાણ કરવી પડે છે. ગેરકાયદે ધર્મપરિવર્તન બદલ 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને વારંવાર ગુનો કરનાર માટે આ સજા 10 વર્ષ સુધી થઈ શકે છે.
મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, આ કાયદો ખાસ કરીને સામાજિક કે આર્થિક રીતે નબળા લોકોને બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ બદલવા માટે મજબૂર થવાથી બચાવે છે.
પરંતુ ટીકાકારોનું કહેવું છે કે "કાયદામાં કરવામાં આવેલી વ્યાપક વ્યાખ્યાઓ અને આકરી સજાઓ ઉપરાંત સ્વેચ્છાએ થતા ધર્મપરિવર્તન અંગે પણ તપાસની જોગવાઈ છે. તેથી વ્યક્તિના જીવનના અત્યંત અંગત નિર્ણયમાં રાજ્ય અને પોલીસની દખલ થઈ શકે છે."
બીબીસીએ આ અંગે ટિપ્પણી મેળવવા માટે રાજ્ય સરકારનો વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાયદો તમામ ધર્મોને લાગુ પડે છે, પરંતુ તેની અસર અંગેની ચિંતા ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકો, અને તેમાં પણ ખ્રિસ્તીઓ જ્યાં પ્રાર્થના કરવા ભેગા થાય છે, ત્યાં વધુ જોવા મળી રહી છે.
આ સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં લાંબા સમયથી ચાલતો એક વિવાદ છે. જમણેરી સંગઠનો સામાન્ય રીતે એવા આક્ષેપો કરતા આવ્યા છે કે, લોકોને લાભની લાલચ કે દબાણ દ્વારા ધર્મ બદલવા માટે મજબૂર કરવામાં આવે છે.
આ કાયદાને લઈને લોકોમાં પેદા થયેલી ચિંતા દેવદાન ત્રિભુવને નજીકથી જોઈ છે.
ચોથી પેઢીના ખ્રિસ્તી દેવદાન મુંબઈમાં ખ્રિસ્તી સમુદાયને કાયદાકીય મદદ પૂરી પાડતી એક સંસ્થા સાથે સંકળાયેલા છે.
તેઓ કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં લોકો કોર્ટના કેસો અંગે નહીં, પરંતુ પ્રાર્થનાસભાઓમાં પડતા વિઘ્નો અંગે તેમની પાસે આવવા લાગ્યા છે. સાથે જ, નવા કાયદા હેઠળ તેઓ શું કરી શકે અને શું નહીં એ અંગે પણ લોકોના સવાલો વધ્યા છે.
કેટલાક લોકોએ જણાવ્યું છે કે, અજાણ્યા લોકો ચર્ચમાં ઘૂસી આવે છે અને ત્યાં હાજર લોકોને સવાલો કરે છે: "તમારું નામ શું છે? તમે અહીં કેમ આવ્યા છો? શું કોઈએ તમને કંઈ આપવાની ઑફર કરી છે?"
શું માત્ર પ્રાર્થના કરવા માટે ભેગા થવું પણ 'ધર્મપરિવર્તન' ગણાય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રિભુવન કહે છે કે, પ્રાર્થના કરવા આવેલી વ્યક્તિનું નામ ખ્રિસ્તી ન લાગતું હોય, તો સવાલો વધુ સીધા અને કડક બની શકે છે: "શું કોઈએ તમને અહીં આવવા માટે દબાણ કર્યું છે? શું કોઈએ તમને કોઈ લાલચ આપી છે?"
તેમનો સંપર્ક કરનારા ઘણા લોકો કાયદાકીય કાર્યવાહી કરવા માગતા નથી. તેઓ માત્ર એ જાણવા માગે છે કે, પ્રાર્થના કરવા માટે ભેગા થવાથી પણ તેમના પર ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લાગી શકે છે કે કેમ?
જુલાઈમાં 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની તપાસમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે મુંબઈની આસપાસ ખ્રિસ્તીઓની પ્રેયર મિટિંગમાં વિક્ષેપ પાડવાની 5 ઘટનાઓ નોંધવામાં આવી હતી. ત્યાર પછી પોલીસમાં 9 કેસ નોંધાયા હતા. તેમાંથી 7 કેસ પ્રેયર મિટિંગમાં હાજર રહેલા લોકો અથવા તેના આયોજકો સામે અને 2 કેસ હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન બજરંગ દળના સભ્યો સામે હતા. આ કેસો અને તેમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગેના વિગતવાર સવાલોનો પોલીસે પ્રતિભાવ આપ્યો નહોતો.
ત્રિભુવન પૂછે છે,"શું માત્ર પ્રાર્થના કરવા માટે ભેગા થવું પણ ધર્મપરિવર્તન ગણાય?"
મુંબઈમાં ત્રિભુવનનો આ સવાલ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભારતના જુદા-જુદા ભાગોમાંથી અને દેશની બહારથી પણ લોકો અહીં આવીને વસ્યા અને પોતાની સાથે પોતાનાં દેવ-દેવીઓ તેમજ ધાર્મિક રીતરિવાજો પણ લાવ્યા. અહીં મસ્જિદની અઝાનના અવાજની સાથે ચર્ચનો ઘંટ પણ સંભળાઈ શકે છે; એક ધર્મના લોકોનાં દેવસ્થાનમાં બીજા ધર્મના લોકો પણ દર્શન કરવા જતા હોય છે.
અનેક ધર્મના લોકો મુસ્લિમોની દરગાહ હાજી અલી જાય છે. શહેરને ઊંચાઈ પરથી નિહાળતી કેથલિક બેસિલિકા માઉન્ટ મૅરીમાં હિંદુઓ પણ મીણબત્તીઓ પ્રગટાવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગની આસપાસની શેરીઓ લોકોનાં ટોળાંથી ભરાઈ જાય છે અને વર્ષભર લોકો સિદ્ધિવિનાયક મંદિરે જતા રહેતા હોય છે.
મહારાષ્ટ્ર ધર્મપરિવર્તન પર નિયંત્રણ મૂકનાર એક ડઝનથી વધુ રાજ્યોમાં સામેલ થનારું સૌથી નવું રાજ્ય છે. આ રાજ્યોના કાયદા એકસરખા નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર ધરાવતાં રાજ્યોમાં તેની વ્યાપકતા વધી છે. આવા કેટલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે.
આ કાયદાઓના વિસ્તરણ પાછળ હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતા કેટલાક આક્ષેપો પણ છે. તેમનો આરોપ છે કે, ખ્રિસ્તીઓ પૈસા, શિક્ષણ અથવા તબીબી સારવારનો ઉપયોગ કરીને ગરીબ અને આદિવાસી સમુદાયના લોકોને હિંદુ ધર્મથી દૂર કરે છે. એવો પણ આરોપ મૂકવામાં આવે છે કે મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાઓને ધર્મપરિવર્તન કરાવવા માટે તેમની સાથે સંબંધ બાંધે છે. આ કથિત કાવતરાને તેઓ "લવ જેહાદ" કહે છે.
કાયદાની જોગવાઈઓને કારણે મળી રહી છે કનડગતની તક?

ઇમેજ સ્રોત, Reuters
ટીકાકારોનું કહેવું છે કે આવા આક્ષેપોને કારણે ખ્રિસ્તીઓની પ્રેયર મિટિંગોમાં વિક્ષેપ પાડવામાં અને આંતરધર્મીય દંપતીઓને હેરાન કરવામાં આવ્યાં છે. તેમનું કહેવું છે કે આવા કાયદાને કારણે આક્ષેપ કરનારાઓને પ્રાર્થના, લગ્ન અને ધાર્મિક માન્યતાઓ જેવા અંગત મામલાઓમાં પોલીસને સામેલ કરવાની તક મળે છે.
મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, નવો કાયદો લોકોને પોતાની મરજીથી ધર્મ બદલવાની છૂટ આપે છે. સાથે જ, સરકારના મતે બળજબરીથી થતા ધર્મપરિવર્તનના કિસ્સા વધી રહ્યા છે અને તેમને રોકવામાં અગાઉના કાયદા પૂરતા અસરકારક રહ્યા નથી.
ટીકાકારો સવાલ કરે છે કે, કાયદો બળજબરી અને સ્વેચ્છા વચ્ચેની સીમા ક્યાં નક્કી કરે છે.
સુધારાવાદી સંસ્થા મુસ્લિમ સત્યશોધક મંડળના પ્રમુખ સમસુદ્દીન તંબોલીએ કહ્યું, "બળજબરીથી ધર્મપરિવર્તન થતું હોય તો અમે તેને સમર્થન આપતા નથી." પરંતુ તેમની ચિંતા એ છે કે કાયદામાં લાલચની વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવી છે.
કાયદામાં 'લાલચ'ની વ્યાખ્યામાં નોકરી, ધાર્મિક સંસ્થામાં મફત શિક્ષણ, લગ્નનું વચન, "વધુ સારું જીવનધોરણ" અને "દૈવી ઉપચાર"નો સમાવેશ થાય છે. એક ધર્મને બીજા ધર્મ કરતાં ચડિયાતો ગણાવવો પણ આ વ્યાખ્યામાં આવી શકે છે.
મુંબઈ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અભય થિપ્સેએ કહ્યું, "આ વ્યાખ્યા એટલી અસ્પષ્ટ રાખવામાં આવી છે કે વ્યક્તિને મળતો લગભગ કોઈ પણ લાભને લાલચ ગણાવી શકાય અથવા તેને લાલચ તરીકે રજૂ કરી શકાય."
તેમણે સવાલ કર્યો, "કોઈ વ્યક્તિને કોઈ લાભ મળે અને તે કારણસર સભાનપણે ધર્મપરિવર્તન કરવાનો નિર્ણય લે, તો તેને કેમ ખોટું ગણવું જોઈએ?"
કાયદો માતાપિતા, ભાઈબહેન અને અન્ય સંબંધીઓને પણ કથિત ગેરકાયદે ધર્મપરિવર્તન અંગે પોલીસમાં ફરિયાદ કરવાની મંજૂરી આપે છે. આવી ફરિયાદ થયા પછી ધર્મપરિવર્તન કરાવવા અથવા તેમાં મદદ કરવાનો આરોપ જેના પર હોય, તેણે પોતાનું ધર્મપરિવર્તન કાયદેસર હતું એ સાબિત કરવું પડે છે.
ટીકાકારોનું કહેવું છે કે, આંતરધર્મીય દંપતીઓ માટે આ જોગવાઈ લગ્નમાં વધુ એક અડચણ ઊભી કરી શકે છે. આવાં લગ્નનો પરિવાર તરફથી પહેલેથી જ વિરોધ થતો હોય છે.
ભારતીય કાયદો જુદા જુદા ધર્મના લોકોને ધર્મ બદલ્યા વિના લગ્ન કરવાની મંજૂરી આપે છે, પરંતુ તેના માટે 1 મહિના અગાઉથી નોટિસ આપવી પડે છે. આંતરધર્મીય દંપતીઓને કોર્ટની સુરક્ષા મેળવવામાં મદદ કરી ચૂકેલાં વકીલ લારા જેસાણીએ કહ્યું કે આ નોટિસના સમયગાળા દરમિયાન થનારાં લગ્નની વિગતો ક્યારેક સંબંધીઓ અને આવા લગ્નનો વિરોધ કરતા હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનો સુધી પહોંચી ગઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે કે, તેમણે સંભાળેલા કેસોમાં પરિવારના સભ્યો મહિલાઓને લગ્ન રજિસ્ટ્રારની કચેરીમાંથી પણ બળજબરીથી લઈ ગયા છે.
હવે તેમને ભય છે કે, નવો કાયદો આવાં દંપતીઓને નિશાન બનાવવા માટે પરિવારજનો અથવા જમણેરી સંગઠનોને નવી તક આપી શકે છે.
"ધર્મ બદલવાનો બંનેમાંથી કોઈનો ઇરાદો ન હોય તો પણ તેમને ભય રહે છે કે કોઈ સંબંધી એક સાથી પર બીજા સાથીને ધર્મ બદલવા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકી શકે છે."
આ મુદ્દે બીબીસીએ મહારાષ્ટ્ર સરકારને વિગતવાર સવાલો મોકલ્યા હતા, પરંતુ સરકારે કોઈ જવાબ આપ્યો નહોતો.
જોકે, કાયદો પસાર થયો ત્યારે રાજ્યના મંત્રી પંકજ ભોયરે કહ્યું હતું કે, તે ધર્મ બદલવાના અધિકાર પર કોઈ અંકુશ મૂકતો નથી.
તેમના જણાવ્યા મુજબ, અગાઉથી જાણ કરવાની જોગવાઈનો હેતુ ધર્મપરિવર્તન સ્વેચ્છાએ થયું છે કે નહીં એ નક્કી કરવાનો છે. સાથે જ, છેતરપિંડી, દબાણ કે લાલચથી કરાવવામાં આવતા ધર્મપરિવર્તન સામે રાજ્યને કાર્યવાહી કરવાની છૂટ મળે છે.
પરંતુ ત્રિભુવન હજુ પણ ચિંતિત છે.
તેઓ કહે છે કે આ ચિંતા ઘરની નજીક યોજાતી નાની પ્રેયર મિટિંગ સુધી પણ પહોંચી ગઈ છે. ચર્ચ દૂર હોય ત્યારે લોકો આ રીતે પ્રાર્થના કરવા ભેગા થાય છે.
તેમના કહેવા મુજબ, આવી સભાઓમાં 50 લોકો હાજર હોઈ શકે છે, તો ક્યારેક 100 લોકો પણ આવે છે. તેમાં ખ્રિસ્તી ન હોય એવી વ્યક્તિ પણ જોડાઈ શકે છે.
તેઓ કહે છે, "કોઈ વ્યક્તિ અમારી સાથે આવીને પ્રાર્થના કરવા માગતી હોય તો અમે તેને રોકી શકીએ નહીં. અમે તેને પસંદગીનો અધિકાર કહીએ છીએ."
નિવૃત્ત ન્યાયાધીશ થિપ્સેના મતે, આ સાવચેતી પાછળ એક મોટો સવાલ રહેલો છે.
તેઓ કહે છે, "કોઈ પુખ્ત વ્યક્તિને કોની સાથે લગ્ન કરવા જેવી મહત્ત્વની બાબતો અંગે નિર્ણય લેવાનો અધિકાર હોય અને તેને મત આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હોય, તો પછી આ બાબતે નિર્ણય લેવાનો અધિકાર તેને કેમ ન હોવો જોઈએ?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























