ગુજરાત સરકારે આઇસક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટની ઓળખ માટે અભિયાન ચલાવવાની જરૂરિયાત કેમ પડી? બંનેમાં શું ફેર હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે ગ્રાહકોને 'આઇસક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેનો તફાવત સમજાવવા તથા ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજ્યવ્યાપી 'ઑપરેશન હેલ્થ' અભિયાનનો પ્રારંભ કર્યો છે.
રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા અને ગ્રાહક જાગૃતિને વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્યના આરોગ્ય વિભાગે ફૂડ ઍન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશન (FDCA) સાથે મળીને 'ઑપરેશન હેલ્થ' શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા લોકોને આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવશે."
એક વિડિયો સંદેશમાં તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલ અંગે ચર્ચા કરવા માટે આરોગ્ય વિભાગના કમિશનર અને ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ વચ્ચે એક મહત્ત્વની બેઠક પણ યોજાઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઉમેર્યું હતું કે, "આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને કાયદેસર રીતે માન્ય ઉત્પાદનો છે, પરંતુ આ બંને વચ્ચેના તફાવત અંગે લોકોમાં જાગૃતિ ઘણી ઓછી છે."
તેમણે સ્પષ્ટતા કરતાં સમજાવ્યું હતું કે, "આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચે ઘણો તફાવત છે, પરંતુ સામાન્ય રીતે લોકો બંનેને આઇસક્રીમ જ માની લે છે. આઇસક્રીમ શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે. બીજી તરફ, ફ્રોઝન ડેઝર્ટ દૂધની ચરબીના સ્થાને વનસ્પતિ તેલ એટલે કે પામ ઑઇલ અને મિલ્ક પાવડર ભેળવીને બનાવવામાં આવે છે. આવા ઉત્પાદનને આઇસક્રીમ ન કહી શકાય, તેને ડેઝર્ટ જ કહી શકાય."
તેમણે દાવો કર્યો હતો કે, 95 ટકાથી વધુ લોકોને એ વાતની જાણ જ નથી કે તેઓ જે આઇસક્રીમ ખાય છે તે દૂધના એક પણ ટીપાં વિના, વનસ્પતિ તેલ એટલે કે પામ ઑઇલ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
આ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાં આઇસક્રીમ વિક્રેતાઓએ ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવું પડશે કે, તેઓ જે ઉત્પાદન વેચી રહ્યા છે તે શુદ્ધ દૂધમાંથી બનેલો આઇસક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ. બંને ઉત્પાદનો વચ્ચેનો તફાવત પણ તેમણે પોતાની દુકાનમાં દર્શાવવો પડશે, એમ મંત્રીએ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાનશેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ અભિયાનનો હેતુ લોકોને આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવાનો તથા શુદ્ધ દૂધમાંથી બનેલો આઇસક્રીમ જ ખાવાનો આગ્રહ રાખવા પ્રોત્સાહિત કરવાનો છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, બંને ઉત્પાદનો દેખાવમાં લગભગ સરખાં હોય છે અને સ્વાદમાં પણ બહુ મોટો તફાવત હોતો નથી; આથી ગ્રાહકો ઘણી વાર બંનેને આઇસક્રીમ જ સમજી લે છે.
લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે FDCA ગુજરાતભરના દરેક વેચાણકર્તા અને ગ્રાહક સુધી આ માહિતી પહોંચાડશે. નાનાં નગરો સુધી પણ આ માહિતી પહોંચાડવામાં આવશે, જેથી લોકો શુદ્ધ દૂધમાંથી બનેલા આઇસક્રીમનું સેવન કરવા તરફ વળે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ઉત્પાદક કંપનીઓએ પણ પોતાની પ્રોડક્ટ પર પોતાના નામ સ્પષ્ટપણે દર્શાવવા પડશે અને તેમનાં ઉત્પાદનો આઇસક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ – તે અંગે પૅકિંગ પર જ સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે.
આઇસક્રીમ શું છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે?

બ્રિટાનિકા અનુસાર, મૂળભૂત રીતે આઇસક્રીમ દૂધની બનાવટ છે. તે ક્રીમ અને દૂધની અન્ય બનાવટો સાથે ખાંડ, સ્વાદવર્ધકો તથા જરૂરિયાત મુજબ સ્ટેબિલાઇઝર્સ અને રંગો જેવાં ઘટકો ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને ઠંડું કરવાની સાથે તેમાં હવા પણ ભેળવવામાં આવે છે, જેથી આઇસક્રીમ એકસરખો અને મુલાયમ બને..મિશ્રણ તૈયાર કરવું, તેને પેશ્ચરાઇઝ કરવું, હોમોજીનાઇઝ કરવું, ચોક્કસ સમય સુધી રાખવું અને ત્યાર બાદ સતત હલાવતા રહીને ઠંડું કરવું- આ બધી પ્રક્રિયાઓને કારણે આઇસક્રીમ માત્ર ખાંડવાળા દૂધને ઠંડું કરી, તેને જમાવી દેવાથી બનતી વસ્તુ કરતાં જુદો પડે છે.
ભારતના ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી (FSSAI)ના નિયમો (વિભાગ 2.1.14) અનુસાર, આઇસક્રીમમાં ઓછામાં ઓછી 10 ટકા મિલ્ક ફૅટ અને 3.5 ટકા પ્રોટીન હોવું જરૂરી છે. તેમાં કુલ ઘન પદાર્થોનું પ્રમાણ ઓછામાં ઓછું 36 ટકા હોવું જોઈએ.
બ્રિટાનિકા અનુસાર, આઇસક્રીમનાં મુખ્ય ઘટકોમાં દૂધ, ક્રીમ, ખાંડ, સ્વાદવર્ધકો અને સ્ટેબિલાઇઝરનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઇસક્રીમ બનાવવાની શરૂઆત તેના માટેનું યોગ્ય મિશ્રણ તૈયાર કરવાથી થાય છે. આ મિશ્રણમાં તાજું દૂધ અને ક્રીમ, થીજાવેલું ક્રીમ, ઘટ્ટ કરેલું અથવા સુકવેલું મલાઈરહિત દૂધ, છાશ, દૂધમાંથી મળતું વ્હે (દૂધનું પ્રવાહી પ્રોટીન) અથવા વ્હે પ્રોટીન કૉન્સન્ટ્રેટ જેવાં વિવિધ દૂધજન્ય ઘટકોનો ઉપયોગ થાય છે.
તેમાં ખાંડ ઉપરાંત કોર્ન સિરપ, મધ અને અન્ય પ્રકારની ચાસણીનો પણ ઉપયોગ થઈ શકે છે. સંગ્રહ દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય ત્યારે બરફના સ્ફટિકો ન બને તે માટે તેમાં થોડી માત્રામાં સ્ટેબિલાઇઝર્સ અને ઇમલ્સિફાયર્સ ઉમેરવામાં આવે છે.
આઇસક્રીમના મિશ્રણને ઓછામાં ઓછા 79 ડિગ્રી સેલ્સિયસ (175 ડિગ્રી ફેરેનહીટ) તાપમાને 25 સેકન્ડ સુધી પેશ્ચરાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય રીતે તેને હોમોજીનાઇઝ કરવામાં આવે છે, જેથી તેની બનાવટ વધુ મુલાયમ બને.
હોમોજીનાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન ચરબીના કણો અલગ પડી જતાં અટકે છે અને મિશ્રણની ઘટ્ટતા પણ વધે છે. ચરબીના નાના કણોની સપાટીનો કુલ વિસ્તાર વધુ હોવાથી દૂધનું પ્રોટીન વધુ પાણી શોષી શકે છે અને તેથી મિશ્રણ વધુ ઘટ્ટ બને છે.
હોમોજીનાઇઝેશન પછી ગરમ મિશ્રણને ઝડપથી ઠંડું કરીને 4.4 ડિગ્રી સેલ્સિયસ (40 ડિગ્રી ફેરેનહીટ) તાપમાને લાવવામાં આવે છે. આ તાપમાને મિશ્રણને ઓછામાં ઓછા ચાર કલાક સુધી રાખવું જરૂરી છે.
આ દરમિયાન ચરબી ઘન બને છે અને તેના કણો એકબીજા સાથે જોડાય છે. આ પ્રક્રિયાને કારણે મિશ્રણ ઝડપથી થીજી શકે છે અને તૈયાર થતો આઇસક્રીમ વધુ મુલાયમ બને છે.
ત્યારપછી મિશ્રણને ઠંડું કરીને જમાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ માટેની બે પદ્ધતિઓ છે: સતત ઠંડું કરવાની પદ્ધતિ અને એકસાથે નિશ્ચિત જથ્થામાં મિશ્રણ ઠંડું કરવાની બેચ પદ્ધતિ. બંને પદ્ધતિઓમાં મિશ્રણને આંશિક રીતે જમાવવાની સાથે તેમાં હવા ભેળવવાનો હેતુ હોય છે.
આ પ્રક્રિયા એક નળાકાર મશીનમાં કરવામાં આવે છે, જેને એમોનિયા અથવા ફ્રીઓન નામના શીતક વડે ઠંડું રાખવામાં આવે છે. આ નળાકાર મશીનમાં સ્ટેનલેસ સ્ટીલની ખાસ બ્લેડ હોય છે, જેને 'ડેશર બ્લેડ' કહેવામાં આવે છે.
આ બ્લેડ મશીનની અંદરની દીવાલ પર જામી ગયેલા મિશ્રણને ખોતરીને દૂર કરે છે અને સાથે-સાથે તેમાં હવા ભેળવે છે. મિશ્રણમાં કેટલી હવા ભળશે તે પંપ અથવા બ્લેડની ગતિ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. સતત ઠંડું કરવાની પદ્ધતિમાં આ પ્રક્રિયા ગણતરીની ક્ષણોમાં પૂરી થઈ શકે છે, જ્યારે બેચ પદ્ધતિમાં આશરે દસ મિનિટ લાગી શકે છે.
ફ્રોઝન ડેઝર્ટ શું છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ધોરણ આ પેટાનિયમનના વિભાગ 1માં આપેલી વ્યાખ્યા અનુસાર ફ્રોઝન ડેઝર્ટ અથવા ફ્રોઝન કન્ફેક્શનને લાગુ પડે છે.
વ્યાખ્યા : વિભાગ 2.1.15
(અ) ફ્રોઝન ડેઝર્ટ અથવા ફ્રોઝન કન્ફેક્શન એટલે એવું ઉત્પાદન, જે 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગલનબિંદુ ન ધરાવતાં ખાદ્ય વનસ્પતિ તેલ અથવા ચરબી, વનસ્પતિ પ્રોટીનની બનાવટો અથવા આ બંનેમાંથી તૈયાર કરેલા પેશ્ચરાઇઝ્ડ મિશ્રણને ઠંડું કરીને બનાવવામાં આવે છે.
તેમાં મિલ્ક ફેટ અને દૂધનાં અન્ય ઘન ઘટકો પણ હોઈ શકે છે. આ ઉપરાંત તેમાં પોષક સ્વીટનર પદાર્થો અને અન્ય માન્ય બિન-દૂધજન્ય ઘટકો ઉમેરવામાં આવી શકે છે. આ ઉત્પાદનમાં હવા ભેળવેલી હોઈ શકે છે અને તેને સખત અથવા નરમ સ્વરૂપે જમાવી શકાય છે.
કાચા માલમાં નીચેનાનો સમાવેશ થાય છે :
- દૂધ અને/અથવા દૂધની બનાવટો.
- વનસ્પતિ તેલ અથવા ચરબી.
- વનસ્પતિ પ્રોટીનની બનાવટો.
માન્ય ઘટકો :
- ખાંડ અને મીઠાશ આપતા અન્ય પોષક સ્વીટનર (જેમ કે ગોળ, ડેક્સ્ટ્રોઝ, ફ્રુક્ટોઝ, પ્રવાહી ગ્લુકોઝ, સૂકો પ્રવાહી ગ્લુકોઝ, હાઈ માલ્ટોઝ કોર્ન સિરપ, મધ વગેરે).
- પીવાલાયક પાણી.
- સ્ટાર્ચ.
જોકે, તેનો ઉપયોગ ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ (GMP) અનુસાર જરૂરી હોય તેટલી જ માત્રામાં કરી શકાય છે. આ માટે નિયમોના પરિશિષ્ટ 'A'માં જણાવેલા સ્ટેબિલાઇઝર્સ અથવા થિકનર (ઘટ્ટ બનાવતા) પદાર્થોના ઉપયોગને પણ ધ્યાનમાં લેવો જરૂરી છે.
ફ્રોઝન ડેઝર્ટ અથવા ફ્રોઝન કન્ફેક્શન
ભારતમાં FSSAIના નિયમો અનુસાર, માત્ર મિલ્ક ફૅટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી બનાવટોને જ આઇસક્રીમ તરીકે ઓળખાવી શકાય છે. મિલ્ક ફૅટના સ્થાને વનસ્પતિ તેલ (જેમ કે પામ, નાળિયેર અથવા સોયાબીનનું તેલ)નો ઉપયોગ કરીને બનાવવામાં આવતાં ઉત્પાદનો પર 'ફ્રોઝન ડેઝર્ટ' અથવા 'ફ્રોઝન કન્ફેક્શન'નું લેબલ લગાવવું ફરજિયાત છે. આ નિયમનકારી તફાવતને કારણે ગ્રાહકોને તેઓ ખરેખર શું ખરીદી રહ્યા છે તેની જાણ રહે છે.
આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અલગ અલગ લક્ષણો ધરાવતાં બે જુદાં ઉત્પાદનો છે. આઇસક્રીમ દૂધ આધારિત બનાવટ છે અને તેમાં મિલ્ક ફૅટનું પ્રમાણ વધુ હોવાથી તેની બનાવટ ઘટ્ટ અને ક્રીમી હોય છે. બીજી તરફ, ફ્રોઝન ડેઝર્ટમાં વિવિધ પ્રકારનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેમાં ફળો અથવા વનસ્પતિ આધારિત વિકલ્પોનો પણ સમાવેશ થઈ શકે છે. ઇચ્છિત બનાવટ અને સ્વાદ મેળવવા માટે ફ્રોઝન ડેઝર્ટમાં ઘણી વાર વિવિધ પ્રકારનાં ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બંને વચ્ચેનો તફાવત જાણવા માટે ઉત્પાદનનાં લેબલ તપાસવાં જોઈએ. સ્વાદ અને બનાવટના આધારે પણ બંનેને અલગ તારવી શકાય છે. સામાન્ય રીતે આઇસક્રીમ વધુ ઘટ્ટ અને ક્રીમી હોય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ પ્રમાણમાં હળવું અને તાજગી આપનારું હોઈ શકે છે.
આઇસક્રીમનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટાનિકા અનુસાર, આઇસક્રીમની શરૂઆત સ્વાદિષ્ટ રસવાળી બરફની વાનગીઓમાંથી થઈ હતી. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં રોમના ઉચ્ચ વર્ગના લોકોમાં આવી વાનગીઓ લોકપ્રિય હતી. રોમન સમ્રાટ નીરો પહાડોમાંથી બરફ મંગાવતો હતો અને તેના પર ફળોના રસ તથા મધ નાખીને ખાતો હતો. એમ કહેવાય છે કે 13મી સદીમાં માર્કો પોલો ચીનથી પાણી અને દૂધમાંથી બરફની વાનગીઓ બનાવવાની રેસિપીઓ લઈને પાછો ફર્યો હતો.
બરફના ટુકડાઓમાં મીઠું ઉમેરવાથી તેનું ઠારબિંદુ (Freezing Point) ઘટે છે, એવી શોધથી આઇસક્રીમ બનાવવાની પ્રથમ વ્યવહારુ પદ્ધતિ વિકસી. લાકડાની ડોલમાં ફરતી પાંખો ધરાવતું ફ્રીઝર શોધાતાં ઘરમાં આઇસક્રીમ બનાવવાનું કામ ઘણું સરળ બન્યું. 1851માં બાલ્ટિમોરમાં પ્રથમ વખત મોટા પાયે વેચાણ માટે આઇસક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
યાંત્રિક રેફ્રિજરેશનના વિકાસ સાથે આઇસક્રીમનું વ્યાપક પ્રમાણમાં વિતરણ શક્ય બન્યું. આઇસક્રીમ પાર્લરો અને દવાની દુકાનોમાં સોડા પીરસવાનાં કાઉન્ટરોની સંખ્યા વધવા લાગી. હવે રેફ્રિજરેટર-ફ્રીઝર ઘરોમાં સામાન્ય ઉપકરણ બની ગયાં છે અને કુલ ફ્રોઝન ડેઝર્ટના અડધા કરતાં વધુનો વપરાશ ઘરોમાં જ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























