6 વર્ષની આ છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે?

બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આઇસા 'ક્યુટિસ લક્સા' (Cutis Laxa) નામના દુર્લભ આનુવંશિક રોગથી પીડાય છે.
    • લેેખક, નંદિની વેલૈયાસામી
    • પદ, બીબીસી તામિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

"જે લોકો મારા બાળકને જુએ છે, તેઓ આ પ્રકારની ટિપ્પણીઓ કરે છે. તેઓ પૂછે છે કે તમે આ બાળકને બહાર કેમ લાવો છો, શું તેણે ઘરે ન રહેવું જોઈએ? પણ મારું બાળક આવું જ છે. તેને બહાર લઈ જવું જરૂરી છે અને લોકોએ પણ તેને જોવું જોઈએ," અંજલિ જણાવે છે.

કેરળના વાયનાડ જિલ્લામાં આવેલા મનન્થવાડી ગામનાં દંપતી અંજલિ અને અખિલ તેમની છ વર્ષની પુત્રી આઇસા સાથે રહે છે. તેમની દીકરી એક દુર્લભ આનુવંશિક બીમારીથી પીડાય છે. તેના કારણે આ પરિવાર સામાજિક ટોણાં અને ઉપહાસનો ભોગ બની રહ્યો છે.

આ તમામ મુશ્કેલીઓ છતાં, આઇસા ડૉક્ટર બનવાનું સપનું જુએ છે. તેનાં માતાપિતા પોતાની દીકરીનું આ સપનું પૂરું કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા કટિબદ્ધ છે.

આઇસા 'ક્યુટિસ લક્સા' (Cutis Laxa) નામના દુર્લભ આનુવંશિક રોગથી પીડાય છે.

આઇસાનાં માતા અંજલિ જણાવે છે, "જ્યારે તે માત્ર છ મહિનાની હતી, ત્યારે તેના શરીર પરની કરચલીઓ દૂર થઈ નહોતી. તેથી અમે તેને હૉસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ કહ્યું કે સમસ્યા જાણવા માટે જિનેટિક ટેસ્ટ (આનુવંશિક પરીક્ષણ) કરાવવું પડશે. એક મહિના પછી રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે બાળકને 'ક્યુટિસ લક્સા' નામનો દુર્લભ રોગ છે."

અઢી વર્ષની ઉંમરે જ બે સર્જરી

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આઇસાનો બાળપણ સમયનો ફોટો.

અંજલિ જણાવે છે કે આ બીમારીના કારણે આઇસાને વારંવાર શરદી, ઉધરસ અને તાવ જેવી આરોગ્યની સમસ્યાઓ થાય છે. મહિનાના ઘણા દિવસો તેને હૉસ્પિટલમાં જ રહેવું પડે છે.

અંજલિ કહે છે કે "દર મહિને અમારે ઓછામાં ઓછી બે કે ત્રણ હૉસ્પિટલમાં જઈને ડૉક્ટરોને બતાવવું પડે છે."

અંજલિ જણાવે છે કે, આઇસા માત્ર અઢી વર્ષની હતી, ત્યારે હર્નિયા અને એક આંખની ખામીના કારણે તેની બે સર્જરી કરવી પડી હતી.

આઇસાની સારવાર કરી રહેલાં ડૉક્ટર અંજનાના જણાવ્યા અનુસાર, આ રોગ ધરાવતા દર્દીઓને શ્વાસસંબંધિત તકલીફો અને હૃદયરોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 'ક્યુટિસ લક્સા'ના ઘણા પ્રકાર છે.

ડૉક્ટર અંજના કહે છે, "આ રોગનો કયો પ્રકાર છે અને તેની શરીરના આંતરિક અવયવો પર કેવી અસર થાય છે, તેના પર જ દર્દીનું આયુષ્ય નિર્ભર રહે છે. હાલમાં આ રોગનાં લક્ષણોને નિયંત્રણમાં રાખી શકાય તેવી જ સારવાર ઉપલબ્ધ છે. આ રોગ સંપૂર્ણપણે મટી જાય તેવી કોઈ પણ સારવાર હજી સુધી ઉપલબ્ધ નથી."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આઇસા ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે.

'ક્યુટિસ લક્સા ઇન્ટરનૅશનલ' (Cutis Laxa Internationale) નામની આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા અનુસાર, વિશ્વભરમાં અંદાજે 400 લોકોને એટલે કે દર 20 લાખમાંથી એક વ્યક્તિને આ બીમારી છે. ભારતમાં આ રોગથી પીડિત સાત દર્દી છે. આ સંસ્થા દર્દીઓને માનસિક આધાર આપવાની સાથે તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને પરામર્શ પણ આપે છે.

આઇસાના પાડોશમાં જ ડૉક્ટર અંજના રહે છે. આઇસા મોટી થઈને તેમનાં જેવા જ ડૉક્ટર બનવાનું સપનું સેવે છે. તેને નૃત્ય કરવું, ચિત્રો દોરવાં અને ગીતો ગાવાં ખૂબ ગમે છે. જો તેને ચિત્ર દોરવાનું કહેવામાં આવે, તો તે તરત જ એક ડૉક્ટરનું ચિત્ર દોરે છે. આ કોનું ચિત્ર છે એવું પૂછવામાં આવે ત્યારે તે તરત જ ડૉક્ટર અંજનાનું નામ આપે છે.

આઇસાનાં માતા અંજલિ જણાવે છે, "ભવિષ્યમાં આઇસાને સ્નાયુસંબંધિત તકલીફો થઈ શકે છે. દોડવું કે કૂદવું પણ તેના માટે અશક્ય બની શકે છે. એટલું જ નહીં, નૃત્ય કરવું, ગીત ગાવું કે ચિત્ર દોરવું જેવી કોઈ પણ બાબત કરવી તેના માટે મુશ્કેલ બની શકે છે."

'આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું'

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આઇસાએ દોરેલું એક ચિત્ર.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઇસાના પિતા અખિલ એક ખાનગી કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.

તેઓ કહે છે કે "શરૂઆતમાં આ બધું સ્વીકારવું અમારા માટે ખૂબ મુશ્કેલ હતું, કારણ કે અમે આવો રોગ ક્યારેય સાંભળ્યો કે જોયો પણ નહોતો. આ પરિસ્થિતિએ અમને ખૂબ પીડા આપી. એક નાનકડા બાળકના શરીરમાં જાણે 70થી 80 વર્ષનાં વૃદ્ધા દેખાતાં હોય એવું લાગતું હતું. તે સમયે જ્યારે હું મારી દીકરીને ડૉક્ટર પાસે લઈ ગયો, ત્યારે તેમણે કહ્યું હતું કે આ રોગ સંપૂર્ણપણે મટી જાય તેવી કોઈ સારવાર ઉપલબ્ધ નથી. તે સાંભળીને અમને ખૂબ દુઃખ થયું હતું."

આઇસાના પિતા કહે છે કે, માસિક પગારમાંથી સારવારનો ખર્ચ પહોંચી વળવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે.

અખિલ કહે છે કે "અમે અમારી આવકમાંથી જ જેમતેમ કરીને ઘરખર્ચ ચલાવીએ છીએ. તેની સારવાર માટે અમે અમારા અન્ય ખર્ચ કાપીએ છીએ. તેની મોટા ભાગની સારવાર કેરળમાં જ ચાલી રહી છે."

તેઓ આગળ ઉમેરે છે કે "મને આઇસાનાં સપનાં પર ખૂબ ગર્વ છે. તે મોટી થઈને ડૉક્ટર બનવા માગે છે. અમારા પાડોશમાં રહેતાં એક દીદી ડૉક્ટર છે. તેમને જોઈને જ તેણે પણ ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેમની પાસેથી જ તેને આ પ્રેરણા મળી છે. તે ડૉક્ટર બનવા માગે છે તેવું તેના મોંઢેથી સાંભળીને ખૂબ આનંદ થાય છે."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, પિતા અખિલ સાથે આઇસા.

આઇસા હાલમાં તેના ઘર નજીકની એક સરકારી શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને કયો વિષય સૌથી વધુ ગમે છે એવું પૂછતાં જ તે તરત જ 'ગણિત' એવો જવાબ આપે છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તે પોતાની નોટબુકમાં સરવાળાના દાખલા ગણીને તેના સાચા જવાબો પણ બતાવે છે.

આઇસાનાં માતા અંજલિ જણાવે છે કે "આઇસાને અત્યારે તેને ખરેખર શું થયું છે તેની જાણ નથી. પરંતુ ક્યારેક તે પૂછે છે કે, 'બધા લોકો મારી તરફ આમ કેમ જુએ છે? મારી સાથે કોઈ મિત્રતા કેમ કરતું નથી?' જ્યારે તે પહેલી વાર શાળાએ ગઈ, ત્યારે તેને આવો જ અનુભવ થયો હતો. બધા તેને 'અમ્મૂમ્મા' એટલે કે દાદીમા કહીને ચીડવતા હતા."

તેઓ આગળ ઉમેરે છે કે "ત્યાર પછી અમે શાળાએ ગયા અને આખી વાત આચાર્યને જણાવી. પછી આચાર્યે અન્ય વિદ્યાર્થીઓને આ બીમારી વિશે સમજાવ્યું અને ત્યાર પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ."

અભ્યાસમાં હોશિયાર છે આઇસા

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આઇસાનાં ટીચર ઐશ્વર્યા કહે છે કે તે એક પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થિની છે.

આઇસાનાં શિક્ષિકા ઐશ્વર્યા જણાવે છે કે "આઇસા દરેક બાબતમાં ખૂબ હોશિયાર છે. મિત્રોની સહાય કરવાની હોય કે અન્ય કોઈ પણ કામ હોય, તે બધું જ ખૂબ સારી રીતે કરે છે. શરૂઆતમાં શાળામાં કેટલાંક બાળકો તેને ચીડવતાં હતાં. પરંતુ હવે બધા જ તેની સાથે ખૂબ મિત્રતાપૂર્વક વર્તે છે."

તેઓ આગળ કહે છે કે "તે હંમેશાં કહે છે કે, 'મારે ડૉક્ટર બનીને મારા જેવાં અન્ય બાળકોની સારવાર કરવી છે.' તેના આ શબ્દો સાંભળ્યા પછી તેનું આ સપનું જરૂર પૂરું થાય એવી હું દિલથી પ્રાર્થના કરું છું."

આઇસાના ઇન્સ્ટાગ્રામ પર 25,000થી વધુ ફૉલોઅર્સ છે. આઇસાનો નૃત્ય પ્રત્યેનો રસ જોઈને તેના પાડોશમાં રહેતા અર્જુને તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો વિચાર આપ્યો હતો. પોતાની દીકરીના આનંદ માટે તેનાં માતાપિતાએ પણ સંમતિ આપી હતી. 2024માં તેમણે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું હતું અને આજ સુધી અર્જુન જ આ એકાઉન્ટ સંભાળે છે.

અર્જુન જણાવે છે કે "શરૂઆતમાં લોકો ખૂબ નકારાત્મક ટિપ્પણીઓ કરતા હતા. તે બધું સહન કરવું ખૂબ મુશ્કેલ હતું. અન્ય લોકોની નજરે પડે તે પહેલાં જ તે નકારાત્મક ટિપ્પણીઓ હટાવી દેવાની મને ટેવ પડી ગઈ હતી."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 6 વર્ષની છોકરી 80 વર્ષનાં વૃદ્ધા જેવી કેમ દેખાય છે, આ બીમારી આખરે શું છે? આયઝાને 'ક્યુટિસ લેક્સા' (Cutis Laxa) નામનો એક દુર્લભ જનુકીય રોગ છે. ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ઇન્સ્ટાગ્રામ પર આઇસાના ડાન્સ વીડિયોઝ ખૂબ પ્રખ્યાત છે.

અર્જુન કહે છે, "શરૂઆતમાં લોકોના મનમાં આઇસા માટે માત્ર દયા હતી. પરંતુ ત્યાર પછી લોકોએ તેને જેવી છે તેવી જ સ્વીકારી લીધી અને તેની તરફ સકારાત્મક દૃષ્ટિકોણથી જોવા લાગ્યા. એક વાર તો આઇસાએ મને કહ્યું હતું કે, 'હવે હું ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ છું, એટલે મારે મારી સાથે એક બૉડીગાર્ડ રાખવો પડશે.'"

જોકે, પહેલેથી જ એક દુર્લભ બીમારીથી પીડિત બાળકીને આટલી નાની ઉંમરે સોશિયલ મીડિયાની ટેવ પડવાથી તે વધુ માનસિક તણાવ હેઠળ જઈ શકે છે, એવી ચેતવણી મનોચિકિત્સક ડૉ. કૃપાકરે આપી છે.

આ અંગે પૂછવામાં આવતાં આइસાનાં માતાપિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વીડિયોના કારણે આઇસા દુનિયા સામે સકારાત્મક રીતે આવશે અને તેના વિશેની નકારાત્મક ટિપ્પણીઓમાં ઘટાડો થશે.

તેનાં માતાપિતા ગર્વથી કહે છે કે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ આઈસા તેમના જીવનમાં આનંદ લાવનારી દીકરી છે.

અંજલિ જણાવે છે કે "તે મોટી થઈને ડૉક્ટર બનવા માગે છે અને અમે અમારી ક્ષમતા મુજબ તેને શક્ય એટલું સારું ઉચ્ચ શિક્ષણ ચોક્કસ આપીશું."

જ્યારે તેના પિતા અખિલ ભાવુક બનીને ઉમેરે છે કે, "મારી દીકરી જ મારો જીવ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન