પરસોત્તમ સોલંકી : 'મુંબઈમાં નવ-નવ કેસ, ટાડામાં અટકાયત' બાદ ગુજરાતમાં કોળી સમાજના 'ભાઈ' બનવા સુધીની સફર

બીબીસી ગુજરાતી પરસોત્તમ સોલંકી : 'મુંબઈમાં નવ-નવ કેસ, ટાડામાં અટકાયત' બાદ ગુજરાતમાં કોળી સમાજના 'ભાઈ' બનવા સુધીની સફર ગુજરાત ભાવનગર ઘોઘા કોળી સમાજ ગુજરાત સમાચાર મુંબઈ
ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પરસોત્તમ સોલંકી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાતમાં તાજેતરમાં ભાજપના નેતા પબુભા માણેકના 'મુખ્ય મંત્રી તો ખરેખર કોળી હોવો જોઈએ'ના નિવેદન બાદથી રાજ્યમાં કોળી સમાજ અને કોળી સમાજના મોટા નેતા અંગે ચર્ચા જામી છે.

તેમાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજના એક મોટા વર્ગ અને તેમના સમર્થકો માટે 'ભાઈ' તરીકે ઓળખાતા પરસોત્તમ સોલંકીનું નામ પણ સામેલ છે.

આ ચર્ચામાં પરસોત્તમ સોલંકીના કથિત 'ગુનાઈત ભૂતકાળ' અને 'મુંબઈ કનેક્શન'થી માંડીને ગુજરાતમાં કોળીઓના 'પૉલિટિકલ મોબિલાઇઝેશના નિમિત્ત' બનવા સુધીની સફર અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.

બીબીસી ગુજરાતીએ પરસોત્તમ સોલંકીના 'મુંબઈ ખાતેના ગુનાઈત ભૂતકાળ'થી 'ગુજરાતમાં કોળી સમાજના ભાઈ' બનીને છ-છ ટર્મ સુધી સતત ધારાસભ્ય બનવા સુધીની સફર અંગે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મુંબઈમાં 'ટાડા' હેઠળ ધરપકડ અને 'મર્ડર-ખંડણી સહિતના ગુનાના આરોપો' સુધી

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પરસોત્તમ સોલંકી : 'મુંબઈમાં નવ-નવ કેસ, ટાડામાં અટકાયત' બાદ ગુજરાતમાં કોળી સમાજના 'ભાઈ' બનવા સુધીની સફર ગુજરાત ભાવનગર ઘોઘા કોળી સમાજ ગુજરાત સમાચાર મુંબઈ નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલ
ઇમેજ કૅપ્શન, પરસોત્તમ સોલંકીનો ફાઇલ ફોટો.

1995-1999 સુધી 'ઇન્ડિયન એક્સપ્રેસ' ગ્રૂપના મુંબઈથી સંચાલિત 'સમકાલીન' ગુજરાતી દૈનિકના ઍડિટર તરીકે ફરજ બજાવનાર અને મુંબઈમાં વર્ષો સુધી પત્રકારત્વ કરનાર ડૉ. હરિ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં 'પરસોત્તમ સોલંકીના મુંબઈ વસવાટ સમયના ઇતિહાસ' વિશે વાત કરી હતી.

તેઓ જણાવે છે, "સમકાલીનના મારા તંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ સોલંકી અંગે જાણવાનું, અનુભવવાનું અને એના વિશે રિપોર્ટિંગ કરવાનું બનેલું. પરસોત્તમના પિતા ઓધવજીની મુંબઈમાં કૅસેટની દુકાન હતી. જોકે, આ દુકાન જાણે એમનું બતાવવાનું કામ હતું. આ દુકાન ઓલ્ડ નાગરદાસ રોડ, ચિનાય કૉલેજની બાજુમાં હતી. ત્યાં જ તેમનું રહેઠાણ પણ હતું."

ડૉ. હરિ દેસાઈ 1990ના દાયકાના મધ્ય ભાગના સમયનો એક પ્રસંગ યાદ કરતાં કહે છે કે, "હું ભાવનગરમાં 'સૌરાષ્ટ્ર સમાચાર'ના તે સમયના માલિકના દીકરા સાથે બેઠો હતો, ત્યારે મને તેમણે કહ્યું કે - આજે તમારા મિત્રને ભાજપવાળા લોકસભાની ટિકિટ આપવા જાય છે. ત્યારે મેં કહ્યું - કોણ મારા મિત્ર?, સામેથી જવાબ મળ્યો - પરસોત્તમ સોલંકી."

"આ વાત સાંભળીને મેં પૂછ્યું - શું વાત કરે છે? પરસોત્તમ જેલમાંથી છૂટી ગયો? આવું એટલા માટે કારણકે પરસોત્તમ ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ (પ્રીવેન્શન) ઍક્ટ એટલે કે 'ટાડા' હેઠળ બે વખત નાસિક જેલમાં હતો. એટલે તેની છબિ તો એક ગૅંગસ્ટર તરીકેની હતી."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"આ સમાચાર મળતાં મેં ખુદ પરસોત્તમને ફોન કરેલો, સમાચાર કન્ફર્મ થતાં બીજા દિવસે સમકાલીનમાં પ્રથમ પેજ પર છપાયેલા આઠ કૉલમના અહેવાલની હેડલાઇન કંઈક આવી હતી - 'મુંબઈના ગૅંગ્સ્ટર પરસોત્તમને ભાજપ હવે લોકસભા મોકલશે.'"

ડૉ. હરિ દેસાઈ આગળ વાત કરતાં કહે છે કે, "આ અહેવાલ છપાયા બાદ ભાજપ તરફથી એવો દાવો કરાયો કે - પરસોત્તમ સોલંકી સામે એવા કોઈ ગંભીર કેસ નથી. એ બાદ મેં પોતે પરસોત્તમ સોલંકીને ફોન કરીને પૂછેલું કે તેની સામે કેટલા કેસ છે અને તેણે મને પોતાની સામે મુંબઈમાં નવ કેસ હોવાની વાત કરેલી, જેની યાદી બીજા દિવસે અખબારમાં અમે છાપી હતી."

ડૉ. હરિ દેસાઈ કહે છે કે, આ સમગ્ર પ્રકરણ બાદ પરસોત્તમ સોલંકીને ટિકિટ નહોતી અપાઈ.

તેઓ આગળ કહે છે કે, તેમને યાદ છે ત્યાં સુધી આ કેસો હત્યા સહિતના ગંભીર પ્રકારના આરોપો અંગેના હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં નામ ન આપવાની શરતે વાત કરનાર મુંબઈમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા અને હાલમાં નિવૃત્ત પત્રકારે કહ્યું હતું:

"એ તબક્કા દરમિયાન પરસોત્તમ મુંબઈમાં પોતાના વિસ્તારમાં કૉર્પોરેટર પણ બન્યો હતો."

નિવૃત્ત પત્રકાર આગળ જણાવે છે કે, "પરસોત્તમ સોલંકીની આ વિસ્તારમાં ધાક હતી. 90ના દાયકાની શરૂઆતમાં તેના પર રમખાણને લગતો કેસ થયો હતો અને ટાડા હેઠળ તેની અટકાયત પણ થઈ હતી, જોકે, બાદમાં તેને ડિસ્ચાર્જ કરી દેવાયો હતો."

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પરસોત્તમ સોલંકીના મિત્ર ચંદુભાઈ ચુડાસમાએ અગાઉ કહ્યું હતું કે, "મુંબઈમાં પિતાના ખૂનની ઘટના બાદથી પરસોત્તમ સોલંકી 'ભાઈ' તરીકે ઓળખાયા હતા."

ડૉ. હરિ દેસાઈ કહે છે કે, "એ જમાનામાં ઓલ્ડ નાગરદાસ રોડની આસપાસ એક અસામાજિક તત્ત્વનો ત્રાસ હતો, જે મહિલાઓને ઉપાડી જતો. પરસોત્તમે છ ફૂટના આ ગુંડાને સરાજાહેર માર્યો હતો. એ ઘટના બાદથી એ ત્યાંનો 'હીરો' બની ગયો અને બાદમાં અંધેરી ઇસ્ટમાંથી અપક્ષ ચૂંટણી લડીને કૉર્પોરેટર પણ બન્યો હતો."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પરસોત્તમ સોલંકી : 'મુંબઈમાં નવ-નવ કેસ, ટાડામાં અટકાયત' બાદ ગુજરાતમાં કોળી સમાજના 'ભાઈ' બનવા સુધીની સફર ગુજરાત ભાવનગર ઘોઘા કોળી સમાજ ગુજરાત સમાચાર મુંબઈ નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, "ગુજરાત આવ્યા એ પહેલાં 'ભાઈ'ની પહેલાંથી જ ટાડા હેઠળ અટકાયત થઈ ચૂકી હતી અને તેમના પર મર્ડર અને રાયોટિંગ સહિતના ગુનાના અડધા ડઝન જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા. આ પૈકીના મોટા ભાગના કેસ મુંબઈમાં નોંધાયા હતા, જે બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ ફાટી નીકળેલાં રમખાણો સાથે સંબંધિત હતાં."

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલમાં લખાયું છે કે, "મુંબઈમાં પરસોત્તમ સોલંકી સામે આઠ ક્રિમિનલ કેસો હતા, જેમાં હત્યાના પ્રયાસ અને રાયોટિંગ સંબંધિત ગુનાના કેસ સામેલ છે, જોકે, એ કેસો કાઢી નખાયા છે."

નિવૃત્ત પત્રકાર પરસોત્તમ સોલંકીના ભૂતકાળ વિશે વાત કરતાં આગળ કહે છે કે, "એ જમાનામાં પરસોત્તમ સોલંકી સામે મર્ડર, રમખાણ અને ખંડણી ઉઘરાવવાના કેસ પણ હતા. જોકે, આ વિસ્તારમાં તેની રૉબિનહૂડની ઇમેજ હતી, પરંતુ આવી છબિ જાળવી રાખવી એ મારા મતે એક ફરજિયાત બાબત હતી."

ડૉ. હરિ દેસાઈ કહે છે કે, 1992-93માં મુંબઈ રમખાણોની તપાસ માટે જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની આગેવાનીમાં રચવામાં આવેલા કમિશન દ્વારા 1998માં રજૂ કરાયેલ "શ્રીકૃષ્ણા કમિશનના રિપોર્ટમાં પણ સોલંકીનું નામ આવ્યું હતું."

1996ની લોકસભા ચૂંટણીમાં તેમની સામે ચૂંટણી લડેલા પૂર્વ સાંસદ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમના મુંબઈના ઇતિહાસ વિશે વાત કરતાં જણાવે છે કે, "જોગેશ્વરીમાં થયેલાં હિંદુ-મુસ્લિમ રમખાણોમાં તેઓ 'ભાઈ' તરીકે સ્થાપિત થયા હતા. તે વખતે મહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણા કમિશનનો રિપોર્ટ આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ જોતાં તેમને લાગ્યું કે તેમને કર્મક્ષેત્ર બદલવું પડશે, તેથી તેઓ ભાવનગર આવ્યા હતા."

15 વર્ષ સુધી પરસોત્તમ સોલંકી સાથે ખજાનચી તરીકે કામ કરનાર મનાલાલ સોલંકી કહે છે કે, "જ્યારે પરસોત્તમભાઈ પહેલાં મુંબઈથી ગુજરાત આવ્યા ત્યારે લોકોના મનમાં એવી છાપ હતી કે મુંબઈથી કોઈ મોટો ગુંડો આવ્યો છે, પરંતુ ધીમે ધીમે લોકો સાથે તેમનો સંપર્ક વધતા આ ગેરમાન્યતા દૂર થઈ."

"ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પરસોત્તમભાઈ આવ્યા એ પહેલાં કોળી સમાજના લોકોને ખૂબ તકલીફો વેઠવી પડતી, જે તેમના આવ્યા પછી દૂર થઈ. તેથી આજે પણ લોકો પરસોત્તમભાઈ સાથે અહીં ઊભા છે. ભલે તેઓ પ્રચાર કરે કે ન કરે, સભા કરે કે ન કરે, પરંતુ અહીંના લોકો તેમની સાથે છે."

ચંદુભાઈ ચુડાસમા આગળ કહે છે, "ટાડામાં તેમની ખોટી રીતે સંડોવણી થઈ હતી."

ચંદુભાઈ ચુડાસમા જણાવે છે કે, "તેઓ નિખાલસ છે, ગરીબોની પડખે આર્થિક મદદ કરતાં મેં જોયા છે."

ડૉ. હરિ દેસાઈ યાદ કરતાં કહે છે કે, "પરસોત્તમ સામેના કેસો જે પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, ત્યાં પહોંચીને કેસની માહિતીની ચકાસણીનું કામ જે રિપોર્ટરને સોંપ્યું હતું તેની બીક દૂર કરવા માટે મેં કહેલું કે - પરસોત્તમ સ્વભાવે ખૂબ સારો માણસ છે. એની બાહુબલી તરીકેની છબિ ખરી, પરંતુ એ કંઈ નહીં કરે."

તેઓ પરસોત્તમ સોલંકીના વ્યક્તિત્વનું અલગ પાસું જણાવતાં કહે છે કે, "પરસોત્તમ સ્વભાવે સોજો માણસ છે. તે સામાજિક કામો પણ કરે છે. ચમારડી ગામમાં એ સર્વસમાજના સમૂહલગ્ન આયોજિત કરાવતો. તેનો એક ગુણ છે - એ એ કે તેની સાથે રહેતા કોઈ પણ માણસને એ કડક ધમકી આપી દે છે કે કોઈ છોકરીની છેડતી ન કરવી."

પરસોત્તમ સોલંકીની રાજકીય કારકિર્દી

પરસોત્તમ સોલંકીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1996માં ભાવનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કરી હતી

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર, 1997માં તેઓ ભાજપમાં જોડાયા.

વર્ષ 1998માં તેઓ ઘોઘા (ભાવનગર ગ્રામ્ય બેઠક પહેલાં ઘોઘા બેઠક તરીકે ઓળખાતી હતી) બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા. બાદમાં સીમાંકન બાદ બેઠક બદલાતાં તેઓ ભાવનગર ગ્રામ્યમાંથી 2012, 2017 અને 2022માં ચૂંટાયા. 2022ની ચૂંટણી જીત સાથે તેઓ છઠ્ઠી વખત વિધાનસભાના સભ્ય બન્યા હતા.

પરસોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા.

કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલની સરકારની કૅબિનેટમાં પરસોત્તમ સોલંકીને સ્થાન મળ્યું.

ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતદારોમાં પરસોત્તમ સોલંકીનું પ્રભુત્વ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક 2012માં અસ્તિત્વમાં આવી ત્યારથી દરેક ચૂંટણીમાં પરસોત્તમ સોલંકી વિજેતા રહ્યા છે.

રાજેન્દ્રસિંહ રાણા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં હું ભાજપના ઉમેદવાર તરીકે લડ્યો હતો. મારી સામે પરસોત્તમભાઈ સોલંકી અપક્ષ ઉમેદવાર તરીકે 'પાવડો'ના નિશાન સાથે મુંબઈયા સ્ટાઈલમાં ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેઓ મુંબઈથી આવેલા."

"ઘોઘા, તળાજા, સિહોર જેવા વિસ્તારોમાં કોળી જ્ઞાતિ પર તેમનું મજબૂત વર્ચસ્વ હતું. તે સમયે કૉંગ્રેસના ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ હતા. તે ચૂંટણીમાં ભાજપમાંથી મારી જીત થઈ હતી, પણ પરસોત્તમભાઈ બીજા નંબરે રહ્યા હતા અને મારા કરતાં તેમને માત્ર 7,500 મત ઓછા મળ્યા હતા."

'સૌરાષ્ટ્ર સમાચાર'ના ઍક્ઝિક્યુટિવ ઍડિટર તારક શાહ કહે છે કે "પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યા, તે એક વર્ષ દરમિયાન મેં એક પત્રકાર તરીકે તેમનું અવલોકન કર્યું છે. તે વખતે ભાવનગરના ગોહિલવાડ વિસ્તારમાં ચોક્કસ લોકોની દાદાગીરી હતી, તેની સામે કોળી સમાજને રક્ષણ પૂરું પાડવાનું કામ પરસોત્તમ સોલંકીએ કર્યું હતું. તેઓ કોળી સમાજના સામાજિક પ્રશ્નો અને મુદ્દાઓને લઈને ઊભા રહ્યા હતા. પોલીસ કેસ હોય કે ન્યાયાલયને લગતી કોઈપણ બાબત હોય, તેઓ કોળી સમાજની મદદે આવતા હતા."

રાજુલાના વરિષ્ઠ પત્રકાર જયદેવ વરુ કહે છે કે, તેમને બે દીકરા છે દિવ્યેશ અને હિરેન અને એક દીકરી છે. તેઓ આગામી ચૂંટણીમાં દિવ્યેશને પ્રોજેક્ટ કરી શકે છે.

તેમના મત પ્રમાણે, "ભાજપે પરસોત્તમ અને હીરા સોલંકીનો વિકલ્પ શોધવાનો પ્રયત્નો કર્યો તો ખરો પરંતુ આ નેતાઓ જેવી લોકપ્રિયતા કોઈ હાંસલ કરી શક્યું નથી."

'મુંબઈયા સ્ટાઈલ'માં ચૂંટણીપ્રચાર

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પરસોત્તમ સોલંકી : 'મુંબઈમાં નવ-નવ કેસ, ટાડામાં અટકાયત' બાદ ગુજરાતમાં કોળી સમાજના 'ભાઈ' બનવા સુધીની સફર ગુજરાત ભાવનગર ઘોઘા કોળી સમાજ ગુજરાત સમાચાર મુંબઈ નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલ

પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે "1996માં તેમનો અપક્ષ ઉમેદવાર તરીકેનો પ્રચાર અનોખો હતો. પ્રચાર દરમિયાન 'રૂપક ચોક' નામની જગ્યાએ તેમણે એવું ઍલાન કર્યું હતું કે જે વ્યક્તિ પોતાના માથાના વાળ ઉતારી ટાલ પર પાવડો દોરાવશે, તેમને તે વખતે ₹500 નું ઇનામ મળશે. આનું કારણ એ હતું કે તેમનું ચૂંટણી નિશાન 'પાવડો' હતું. આખરે અમે જોયું કે તે વખતે પ્રચાર દરમિયાન ગામે-ગામ લોકોએ ટકલું કરાવીને પાવડો દોરાવ્યો હતો."

"આમ, સ્થાનિક વિસ્તારોમાં આ એક નવી સ્ટાઈલ બની ગઈ હતી."

તે ઉપરાંત, રાજેન્દ્રસિંહ કહે છે કે "અમે બહુ સારા વાતાવરણમાં ચૂંટણી લડ્યા હતા. ક્યારેય કોઈ ઘર્ષણ કે બોલાચાલી થઈ નહોતી. એક હરીફ તરીકે અમારા સંબંધો ખૂબ સારા રહ્યા હતા, જે આજે પણ છે."

રાજેન્દ્રસિંહ રાણા કહે છે કે, "કોળી જ્ઞાતિનું પૉલિટિકલ મોબિલાઇઝેશન પરસોત્તમભાઈના આવ્યા પછી થયું. 1998માં જ્યારે કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી હતા, ત્યારે સંગઠનની એક બેઠકમાં તે મુદ્દો ચર્ચાયો હતો કે રાજકીય સમીકરણોને આધારે ભાજપની કોળી જ્ઞાતિ પર પકડ લગભગ નહિવત્ હતી. ત્યારે કોળી જ્ઞાતિ એક ખેતમજૂર તરીકે સ્થાપિત હતી અને પરસોત્તમ સોલંકી આવ્યા બાદ તેમાં રાજકીય જાગૃતિ આવી."

"પરસોત્તમ સોલંકી થકી કોળી જ્ઞાતિનાં રાજકીય સમીકરણમાં ફાયદો થાય તે માટે તેમને ભાજપમાં સામેલ કરાયા. તેમના આવ્યા પછી કોળી મત ભાજપ તરફ વળ્યા અને અમે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય લેવામાં સફળ રહ્યા તે સાબિત થયું. ખાસ કરીને સૌરાષ્ટ્રના સંદર્ભે રાજકીય મૅસેજ આપી શક્યા હતા. ત્યાર પછીની ચૂંટણીઓમાં તેમના નામનો પ્રભાવ અકબંધ રહ્યો, જે આજે પણ છે."

નોંધનીય છે કે, વર્ષ 2013માં પરસોત્તમ સોલંકી પર '400 કરોડના ફિશરીઝ કૌભાંડનો આરોપ' લાગ્યો હતો. જોકે, આ આરોપોને પરસોત્તમ સોલંકી આજ સુધી નકારતા આવ્યા છે.

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર 'આ કેસમાં પરસોત્તમ સોલંકી ઉપરાંત પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના ભૂતપૂર્વ અધિકારીઓ જેવા કે વિક્ટર ખરાડી, કમલેશ ટાબિયાર, ચંદ્રિકા શાહ અને પ્રદ્યુમન ભટ્ટ સામે પણ ભ્રષ્ટાચારના આરોપો હતા.'

સોલંકી પર 'નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ' લાગ્યો હતો. આ બધા આરોપો તેમણે ફગાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન