મળનું દાન અને મળ પ્રત્યારોપણ શું છે? માનવમળ વડે ગંભીર બીમારીઓનો ઇલાજ થઈ શકે?

બીબીસી ગુજરાતી મળ પ્રત્યારોપણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ત્રણ ટકાથી ઓછા લોકોનો મળ એવો હોય છે જે દાન કરવા યોગ્ય હોય. મળનું દાન : મળ પ્રત્યારોપણથી કઈ બીમારીઓ સાજી થાય છે અને કોણ બની શકે મળદાતા? હેલ્થ આરોગ્ય તંદુરસ્તી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મળ પ્રત્યારોપણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ત્રણ ટકાથી ઓછા લોકોનો મળ એવો હોય છે જે દાન કરવા યોગ્ય હોય.
    • લેેખક, સોફિયા ક્વાલિયા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

2013માં એડમ ફેએ વિચાર્યું કે કેવું ભોજન લેવાથી સૌથી ઉત્તમ ગુણવત્તાનો મળ ઉત્પન્ન થઈ શકે?

એ વખતે ફે મેડિકલ અભ્યાસક્રમના ચોથા વર્ષના વિદ્યાર્થી હતા અને 'ક્લોસ્ટ્રિડિઓઇડિસ ડિફિસિલે' (Clostridioides difficile) નામના બૅક્ટેરિયાજન્ય ચેપની સારવાર શીખી રહ્યા હતા. આ ચેપને કારણે પાચનતંત્રમાં ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે અને તે કુદરતી રીતે જ અનેક ઍન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિકારક હોય છે. એક વૃદ્ધ મહિલા દર્દી વારંવાર થતાં આ ગંભીર ચેપથી પીડાતાં હતાં, તેથી તેમને મળનું પ્રત્યારોપણ કરાવવાની જરૂર હતી.

આ અગ્રણી સારવાર પદ્ધતિમાં અન્ય વ્યક્તિનો મળ સીધો દર્દીનાં આંતરડાંમાં પહોંચાડવામાં આવે છે. આમ કરવાથી તેમનાં આંતરડાંમાં સૂક્ષ્મજીવોનો વધુ તંદુરસ્ત સમુદાય દાખલ થાય છે. આશા એવી હોય છે કે આ સૂક્ષ્મજીવો સી. ડિફિસિલે બૅક્ટેરિયા કરતાં વધુ ઝડપથી પોતાનો ફેલાવો કરશે અને આંતરડાંમાં ફરી સંતુલન સ્થાપિત કરશે. પરંતુ આ માટે મળ ક્યાંથી મેળવવો? એ વખતે મળની બૅન્કો બહુ ઓછી હતી અને દર્દીના પરિવારજનો તથા મિત્રો મળનું દાન કરવા સક્ષમ નહોતા અથવા તૈયાર નહોતા.

આથી ફેએ પોતે જ આગળ આવવાનું નક્કી કર્યું.

એ મહત્ત્વના દિવસની આગલી રાત્રે ફેએ રાત્રિભોજનમાં બરિટો ખાવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે તેઓ જ્યાં રહેતા હતા એ વિદ્યાર્થીઓના નિવાસસ્થાને તબીબી ઉપયોગ માટેની ગુલાબી રંગની ખાસ ટ્રેમાં મળત્યાગ કર્યો. ત્યારબાદ મીઠાના દ્રાવણ સાથે કપાસના જાળીદાર કપડામાંથી મળને ગાળીને એક બૉટલમાં ભેગો કર્યો. તેઓ કહે છે, "મને યાદ છે કે મેં એ બૉટલ કાગળની થેલીમાં મૂકી હતી, કારણ કે હાથમાં એવા પ્રવાહીથી ભરેલી બૉટલ લઈને ફરવું વિચિત્ર લાગતું હતું."

થોડા કલાક પછી કૉલોનોસ્કોપી દરમિયાન ફેના મળનો દર્દીનાં આંતરડાંમાં છંટકાવ કરવામાં આવ્યો. આજે ન્યૂ યૉર્કની 'એનવાયયુ લેંગોન હેલ્થ'માં ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ (પાચનતંત્રના રોગોના નિષ્ણાત) તરીકે કાર્યરત ફેને પાછળથી જાણવા મળ્યું કે આ સારવાર સફળ રહી હતી. એ દર્દીને ત્યારબાદ ક્યારેય સી. ડિફિસિલેનો ચેપ લાગ્યો નહીં.

ત્યારબાદનાં વર્ષોમાં સ્વાસ્થ્ય જાળવવામાં આંતરડાના સૂક્ષ્મજીવોના સમુદાયની ભૂમિકા અંગેના સંશોધનમાં જબરદસ્ત વધારો થયો છે. તેની સાથે મળના પ્રત્યારોપણમાં — જેને 'મળના સૂક્ષ્મજીવોનું પ્રત્યારોપણ' (Faecal Microbiota Transplantation – FMT) પણ કહે છે — રસ વધ્યો છે.

સી. ડિફિસિલેના ચેપની સારવાર માટે આ પ્રત્યારોપણને મંજૂરી મળી ચૂકી છે. આ ઉપરાંત, વિશ્વભરમાં તેને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, ડાયાબિટીસ, ઑટિઝમ અને ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓની સારવાર માટે અજમાવવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિનો ઉપયોગ બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો અને માનસિક બીમારીઓની સારવાર માટે કરવાની શક્યતાઓ પણ તપાસાઈ રહી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મળનું પ્રત્યારોપણ બે રીતે કરી શકાય છે: મળને સીધો વ્યક્તિનાં આંતરડાંમાં પહોંચાડીને અથવા તેને કૅપ્સ્યુલમાં ભરીને ગોળીના સ્વરૂપે મોઢેથી આપીને. પરંતુ આ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય એવો મળ ધરાવતા લોકોને શોધવાનું કામ સહેલું નથી. દાતાઓની તપાસની પ્રક્રિયા અત્યંત ઝીણવટભરી હોય છે અને સૌથી વધુ તંદુરસ્ત ઉમેદવારોને જ યોગ્ય દાતા ગણવામાં આવે છે. સૌથી ઉત્તમ ગુણવત્તાનો મળ ધરાવતા દાતાઓ તો તેનાથી પણ મુશ્કેલીથી મળે છે. આવા દાતાઓને અનૌપચારિક રીતે 'સુપર પૂપર્સ' કહેવામાં આવે છે.

"અમે એવી વ્યક્તિને શોધીશું જે માનવ તંદુરસ્તીની સર્વોચ્ચ કક્ષાએ હોય અને તેની તપાસ પણ એ જ રીતે કરીશું, જે રીતે અંગદાન કરનારની તપાસ કરવામાં આવે છે." — કાર્લ ક્રૉફર્ડ

આ અહેવાલ માટે મેં મળની છ બૅન્કો અને પ્રયોગશાળાઓને તેમના દાતાઓ સાથે મુલાકાત ગોઠવી આપવા વિનંતી કરી. એ સૌએ જણાવ્યું કે વિશ્વાસપાત્ર દાતાઓ મળવા મુશ્કેલ હોવાથી તેમની ઓળખ જાહેર કરીને તેમની ગોપનીયતાનો ભંગ કરવાનું જોખમ તેઓ લઈ શકે તેમ નથી. એવું કરવાથી દાતાઓ દાન કરવાનો નિર્ણય બદલી નાખે એવી પણ શક્યતા છે. તો આવા ઉત્તમ મળદાતાઓ કોણ છે? અને વિજ્ઞાન સૌથી ઉત્તમ મળ કેવી રીતે શોધી શકે?

મળદાતાઓ કોણ બની શકે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી મળ પ્રત્યારોપણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ત્રણ ટકાથી ઓછા લોકોનો મળ એવો હોય છે જે દાન કરવા યોગ્ય હોય. મળનું દાન : મળ પ્રત્યારોપણથી કઈ બીમારીઓ સાજી થાય છે અને કોણ બની શકે મળદાતા? હેલ્થ આરોગ્ય તંદુરસ્તી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મળ ડૉનર્સ બનવા માટે સૌપ્રથમ ઘણાં સ્વાસ્થ્ય સર્વેક્ષણો અને ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે છે.

મળદાતા તરીકે કોને પસંદ કરવા, તેની તપાસ માટે કોઈ એક સર્વસામાન્ય પદ્ધતિ નથી. મળનો ઉપયોગ કઈ બીમારીની સારવાર માટે થવાનો છે, તેના આધારે આ પ્રક્રિયા બદલાય છે. જોકે, આ તપાસ અત્યંત ઝીણવટભરી હોય છે.

ન્યૂ યૉર્કની 'વેઇલ કૉર્નેલ મેડિસિન'ના પાચનતંત્રના રોગોના નિષ્ણાત કાર્લ ક્રૉફર્ડ કહે છે, "અમે એવી વ્યક્તિને શોધીશું, જે માનવ તંદુરસ્તીની સર્વોચ્ચ કક્ષાએ હોય અને તેની તપાસ પણ એ જ રીતે કરીશું, જે રીતે અંગદાન કરનારની કરવામાં આવે છે." તેમના જણાવ્યા મુજબ, કિડની કે લોહીનું દાન કરનાર વ્યક્તિની જેમ જ મળદાતાની પણ અત્યંત કડક તપાસ કરવામાં આવે છે.

મળદાતા બનવા માટે વ્યક્તિએ સૌપ્રથમ આરોગ્યને લગતાં કેટલાંક સર્વેક્ષણો અને મુલાકાતોની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત ચેપી રોગોની તપાસ માટે લોહી અને મળનાં ઝીણવટભર્યાં પરીક્ષણો પણ કરાવવાં પડે છે. આ યાદીમાં 30થી વધુ રોગકારક જીવાણુઓ, પરોપજીવીઓ અને અનેક દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવોનો સમાવેશ થઈ શકે છે. કેટલાંક ક્લિનિકોમાં કોવિડ-19 અને ફ્લૂની તપાસ પણ ફરજિયાત હોય છે.

આનું કારણ એ છે કે અનેક ચેપી રોગો મળ દ્વારા ફેલાઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં મળના પ્રત્યારોપણને કારણે અજાણતાં જ 'ઈ. કૉલાઈ' બૅક્ટેરિયાનો ચેપ ફેલાયો છે. કોવિડ-19 સહિતના કેટલાક શ્વસનતંત્રના ચેપ પણ મળના એવા સૂક્ષ્મ કણો દ્વારા ફેલાઈ શકે છે, જે ટૉઇલેટ ફ્લશ કરતી વખતે હવામાં ભળી જાય છે.

દાતાઓની કેટલીક ચોક્કસ બીમારીઓના ઇતિહાસની પણ તપાસ કરવામાં આવે છે. તેમાં ઑટોઇમ્યુન (સ્વયંપ્રતિરક્ષી) વિકારો અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

કેટલીક પ્રયોગશાળાઓ સંભવિત દાતાઓ કઈ દવાઓ અને પૂરક આહાર લે છે, તેની પણ ઝીણવટભરી તપાસ કરે છે. તેમાં મલ્ટિવિટામિન અને આયર્નની ગોળીઓનો પણ સમાવેશ થાય છે. ટૉરોન્ટો યુનિવર્સિટીનાં તબીબી સૂક્ષ્મજીવવિજ્ઞાની સુસાન પૌટાનેન કહે છે, "અમે આ બાબતે ખરેખર ઊંડાણપૂર્વક પૂછપરછ કરીએ છીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે તેઓ આ દવાઓ કે પૂરક આહાર લેવાનું બંધ કરી શકે તેમ છે કે નહીં." ત્યાં દાતાઓએ અગાઉના એક અઠવાડિયા દરમિયાન સામાન્ય ઍલર્જી પેદા કરતા ખાદ્ય પદાર્થો ખાધા છે કે નહીં, તેની નોંધ પણ રાખવી પડે છે. તેઓ ઉમેરે છે, "કેટલીક વાર અમારે નટ્સ (સૂકા મેવા) મુક્ત મળની જરૂર પડે છે."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી મળ પ્રત્યારોપણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ત્રણ ટકાથી ઓછા લોકોનો મળ એવો હોય છે જે દાન કરવા યોગ્ય હોય. મળનું દાન : મળ પ્રત્યારોપણથી કઈ બીમારીઓ સાજી થાય છે અને કોણ બની શકે મળદાતા? હેલ્થ આરોગ્ય તંદુરસ્તી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, દાતાના મળને કૅપ્સૂલ મારફતે દર્દીને આપવામાં આવે છે અથવા તો વ્યક્તિનાં આંતરડાંમાં સીધેસીધું દાખલ કરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર)

સામાન્ય રીતે દાતાઓની ઉંમર 18થી 48 વર્ષની વચ્ચે હોય છે. જોકે, પ્રત્યારોપણ કોઈ પણ ઉંમરની વ્યક્તિને કરી શકાય છે. ટૉરોન્ટો યુનિવર્સિટીના ચેપી રોગોના નિષ્ણાત અને મળનું પ્રત્યારોપણ કરતાં સુઝી હોટા કહે છે કે, "અમે 17 વર્ષના કિશોરોની પણ સારવાર કરી છે અને 96 વર્ષના વૃદ્ધોની પણ."

મોટા ભાગના મળદાન કાર્યક્રમોમાં દાતાઓના આહારનું સ્પષ્ટપણે મૂલ્યાંકન કરવામાં આવતું નથી. જોકે, આદર્શ રીતે તેમણે તંદુરસ્ત આહાર લેવો જોઈએ, જેમાં રેસા (ફાઇબર)નું પ્રમાણ વધુ હોય. ફળો, શાકભાજી અને અનાજ આંતરડાના સૂક્ષ્મજીવોના સમુદાયને વિકસવા માટે જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડે છે. ક્રૉફર્ડ કહે છે કે, "કોઈને લાગે કે દાતાઓ શાકાહારી હોવા જોઈએ, પરંતુ જેઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનો ખોરાક લે છે, તેમના પાચનતંત્રમાં સૂક્ષ્મજીવોની વિવિધતા વધુ જોવા મળે છે."

હોટા અને પૌટાનેનના મતે, શક્ય હોય ત્યાં સુધી દાતાઓનું શરીર પ્રમાણમાં પાતળું હોવું જોઈએ. એક કિસ્સામાં, અગાઉ પાતળા બાંધાની 32 વર્ષની એક મહિલા, તંદુરસ્ત હોવા છતાં વધુ વજન ધરાવતા દાતા પાસેથી મળનું પ્રત્યારોપણ કરાવ્યા પછી મેદસ્વી બની ગઈ હતી. દારૂનું સેવન, કસરત અને ઊંઘ સહિતનાં અન્ય ઘણાં પરિબળો પણ ધ્યાનમાં લેવાય છે. દાતાઓ અજાણતાં જ દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવતા આંતરડાના બૅક્ટેરિયાનો ચેપ ન લઈ આવે, તે માટે તેમની મુસાફરી પર પણ કડક નિયંત્રણો હોઈ શકે છે.

ક્રૉફર્ડ હવે પ્રત્યારોપણ માટે પોતે મળ એકત્ર કરતા નથી. જોકે, તેમના અનુભવ પ્રમાણે પ્રાથમિક તપાસમાં લગભગ 3 ટકા લોકો જ સફળ થાય છે. તેમાંથી પણ લગભગ અડધા લોકોમાં નિયમિત દાન માટે જરૂરી બૅક્ટેરિયાનું યોગ્ય સંતુલન જોવા મળે છે.

ટૉરોન્ટોમાં હોટાના અનુભવ પ્રમાણે, સંભવિત દાતાઓમાંથી માત્ર 1.6 ટકા લોકો જ પ્રાથમિક તપાસમાં સફળ થાય છે. તેમાંથી લગભગ 0.6 ટકાને નિયમિત દાતા તરીકે પસંદ કરવામાં આવે છે.

મળની બૅન્કો અથવા સંશોધન કાર્યક્રમો ચલાવતા વિજ્ઞાનીઓ જણાવે છે કે મળદાતા બનવા માટેની વ્યવહારુ અને વ્યવસ્થાકીય જરૂરિયાતોને જરાય ઓછી આંકવી ન જોઈએ. ફેનો કિસ્સો અપવાદરૂપ હતો. તેમણે પોતાના એક પરિચિત દર્દી માટે એક જ વાર મળનું દાન કર્યું હતું. આવું સામાન્ય રીતે બનતું નથી.

જો તમે એવા વિરલ મળદાતાઓ પૈકીના એક હો જેઓ તપાસમાં સફળ થાય છે, તો તમને નિયમિત મળદાન કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ મળી શકે છે. આ માટે લગભગ દરરોજ પ્રયોગશાળામાં જઈને મળદાન માટે ખાસ નિર્ધારિત શૌચાલયમાં મળત્યાગ કરવાનો હોય છે.

મળની ઘણી બૅન્કો દાતાઓને નાણાં પણ આપે છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં દરેક દાન માટે 25 ડૉલર (19 પાઉન્ડ)થી માંડીને લગભગ 100 ડૉલર (76 પાઉન્ડ) સુધીનું વળતર મળી શકે છે. મળની દરેક બૅન્ક પાસે કેટલાક કાયમી દાતાઓ હોય છે, જેમની પાસેથી વારંવાર દાન લેવામાં આવે છે. દર વખતે નવા દાતાઓ શોધવા કરતાં આ વધુ કાર્યક્ષમ છે.

હોટા કહે છે કે, "દાતાઓ સાથેનો સંબંધ મને ખૂબ રસપ્રદ લાગે છે." તેમના જણાવ્યા મુજબ, દાતાઓની સ્વાયત્તતાનો આદર જાળવીને તેમની સાથે વિશ્વાસનો સંબંધ કેળવવો જરૂરી છે. દાખલા તરીકે, દાતાઓને તેમની જીવનશૈલીમાં થયેલા નાના ફેરફારોની પણ જાણ કરવા ઘણી વાર કહેવામાં આવે છે.

મળના નમૂનાની તૈયારી

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી મળ પ્રત્યારોપણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ત્રણ ટકાથી ઓછા લોકોનો મળ એવો હોય છે જે દાન કરવા યોગ્ય હોય. મળનું દાન : મળ પ્રત્યારોપણથી કઈ બીમારીઓ સાજી થાય છે અને કોણ બની શકે મળદાતા? હેલ્થ આરોગ્ય તંદુરસ્તી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સુપર પૂપર્સના મળમાં આંતરડાંના બૅક્ટેરિયાની સંખ્યા વધારે હોય છે અને તેમની વિવિધતા પણ વ્યાપક હોય છે.

પ્રત્યારોપણ માટે મળના નમૂના તૈયાર કરવા 'મૅસેચ્યુસેટ્સ જનરલ હૉસ્પિટલ'નાં સંશોધક અને તબીબ એલિઝાબેથ હોહમૅન સૌપ્રથમ મળને ભેળવીને પ્રવાહી મિશ્રણ તૈયાર કરે છે. તેઓ કહે છે કે, "આમ વિચારવું પણ કેટલું અરુચિકર છે, એ હું જાણું છું."

ત્યારબાદ આ મિશ્રણને અત્યંત બારીક જાળી ધરાવતાં પાંચ પડમાંથી ગાળવામાં આવે છે. આ જાળી તેઓ બિયર બનાવતી કંપનીઓ પાસેથી ખરીદે છે. પછી મળને અલગ કરીને મીઠાના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે અને નમૂનાને ઠંડો કરીને જમાવી દેવામાં આવે છે.

અભ્યાસો દર્શાવે છે કે, દર્દીમાં મળનું પ્રત્યારોપણ તાજા નમૂના દ્વારા કરવામાં આવે, તો વધુ સારું પરિણામ મળે છે.

સુપર પૂપર્સ હોવાનો શો અર્થ છે?

પ્રાથમિક તપાસ અને પરીક્ષણો છતાં, મળની ગુણવત્તા અંગે અગાઉથી માત્ર અમુક અંશે જ અનુમાન કરી શકાય છે. મળદાતા તરીકે લાયક ઠરેલી કોઈ પણ વ્યક્તિના મળથી વારંવાર થતા સી. ડિફિસિલેના ચેપની સારવાર સફળ થવાની શક્યતા પણ એટલી જ હોય છે. જોકે, કેટલીક ચોક્કસ બીમારીઓના કિસ્સામાં સંશોધન સૂચવે છે કે કેટલાક વિશેષ દાતાઓના મળના પ્રત્યારોપણથી અન્ય દાતાઓની સરખામણીએ બીમારીમાંથી મુક્તિ મળવાનો દર નોંધપાત્ર રીતે વધારે હોય છે.

દાખલા તરીકે, આંતરડાંના એક પ્રકારના રોગ અલ્સરેટિવ કૉલાઇટિસની સારવાર માટે મળના પ્રત્યારોપણ અંગે 2015માં થયેલા એક અભ્યાસમાં 38માંથી માત્ર 9 દર્દીઓની બીમારીમાં રાહત જોવા મળી હતી. તે 9માંથી 7 દર્દીઓને એક જ દાતાનો મળ આપવામાં આવ્યો હતો.

2017માં થયેલા બીજા એક અભ્યાસમાં પ્રત્યારોપણ માટે સાત જેટલા દાતાઓના મળને ભેળવવામાં આવ્યો હતો. જે દર્દીઓને એક વિશેષ દાતાનો મળ ધરાવતું મિશ્રણ આપવામાં આવ્યું હતું, તેમની તબિયતમાં સુધારો થવાની શક્યતા એવા દર્દીઓ કરતાં લગભગ બમણી હતી, જેમને એ દાતાનો મળ ધરાવતું ન હોય એવું મિશ્રણ આપવામાં આવ્યું હતું. જોકે, મળની આ સર્વોત્તમ ગુણવત્તા (crème de la crème)ને કઈ બાબત આટલી અસરકારક બનાવે છે, તે હજી સ્પષ્ટ થયું નથી.

મળદાન દરમિયાન આંતરડાંના સૂક્ષ્મજીવોના સમગ્ર સમુદાયની તપાસ નિયમિતપણે કરવામાં આવતી નથી. જોકે, સંશોધનમાં જાણવા મળ્યું છે કે 'સુપર પૂપર્સ'નાં આંતરડાંમાં બૅક્ટેરિયાની સંખ્યા વધુ હોય છે અને તેમની વિવિધતા પણ વધારે હોય છે. તેમના મળમાં 'ફીકલિબૅક્ટેરિયમ પ્રાઉસ્નિટ્ઝી' (Faecalibacterium prausnitzii) જેવા ફાયદાકારક ગણાતા બૅક્ટેરિયાની પ્રજાતિઓ પણ સામાન્ય રીતે વધુ હોય છે. આ પ્રજાતિ બ્યૂટિરેટ નામનો ફૅટી ઍસિડ ઉત્પન્ન કરે છે. આ ફૅટી ઍસિડનાં અનેક ઉપયોગી કાર્યો છે, જેમાં સોજો ઘટાડવો અને આંતરડાંની અંદરની દીવાલનું રક્ષણ કરવું સામેલ છે.

આટલી બધી બાબતો હોવા છતાં, કોઈ એક વ્યક્તિનો મળ દરેક બીમારી માટે અકસીર ઇલાજ બની શકતો નથી. ફે કહે છે કે સી. ડિફિસિલે માટે આદર્શ દાતા ગણાતી વ્યક્તિનો મળ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (IBS) કે ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિ પર કદાચ કોઈ અસર ન પણ કરે. તેઓ કહે છે કે, "આમાં અસરકારક સાબિત થતું રહસ્યમય તત્ત્વ કયું છે, એ શોધવાનો અમે હજી પ્રયાસ કરી રહ્યા છીએ."

હોહમૅન કહે છે કે, "ઓહ, મને તો ખાતરી છે કે 'સુપર પૂપર' અસ્તિત્વ ધરાવે છે." જોકે, તેમના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકો પાસે તેમને ઓળખી શકે એવી કોઈ વિશ્વસનીય તપાસ પદ્ધતિ હજી નથી. તેનું એક કારણ એ પણ છે કે 'સુપર પૂપ'ની વિશ્વસનીય વ્યાખ્યા જ હજી નક્કી થઈ નથી.

સૌથી ઉત્તમ મળની શોધ ઉપરાંત, સંશોધનોનો વધતો જતો પ્રવાહ સૂચવે છે કે દર્દીઓને તેમની સાથે સુસંગત એવા મળદાતાઓ સાથે જોડવા એ વધુ આશાસ્પદ અભિગમ હોઈ શકે છે. આંતરડાંના સૂક્ષ્મજીવોની વિવિધતા જેવાં પરિબળોના આધારે વિજ્ઞાનીઓ દાતાઓ અને દર્દીઓને જુદી-જુદી શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકે છે.

મળથી ગોળીઓ સુધી

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી મળ પ્રત્યારોપણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ત્રણ ટકાથી ઓછા લોકોનો મળ એવો હોય છે જે દાન કરવા યોગ્ય હોય. મળનું દાન : મળ પ્રત્યારોપણથી કઈ બીમારીઓ સાજી થાય છે અને કોણ બની શકે મળદાતા? હેલ્થ આરોગ્ય તંદુરસ્તી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મળદાતાના મળથી કેટલીક ગોળી પણ બનાવવામાં આવે છે.

સૌથી અસરકારક 'સુપર પૂપર્સ' પાસેથી મળતો શ્રેષ્ઠ ગુણવત્તાવાળો મળ વાપરવામાં આવે, તોપણ મળનું પ્રત્યારોપણ હજી એવી પદ્ધતિ નથી જેનાં પરિણામો વિશે ચોક્કસપણે કહી શકાય.

લંડનની ક્વીન મૅરી યુનિવર્સિટીનાં સંશોધક સારા બૅન્ટરકિયા કહે છે, "મને સૌથી મોટી ચિંતા કદાચ મળના સૂક્ષ્મજીવોના પ્રત્યારોપણ (FMT)નાં પરિણામોની અનિશ્ચિતતા અંગે છે. આ પદ્ધતિમાં સૂક્ષ્મજીવોના આખા સમુદાયનું સ્થાનાંતરણ થાય છે, એટલે અનેક પરિબળો ધ્યાનમાં લેવાં પડે છે." અલગ-અલગ મળદાતાઓ, મળ તૈયાર કરવાની પદ્ધતિઓ અને મેળવનારા દર્દીઓના આધારે સૂક્ષ્મજીવોના સમુદાયમાં જુદા-જુદા ફેરફારો જોવા મળી શકે છે.

બીજી તરફ, ક્રૉફર્ડના જણાવ્યા મુજબ, મળનું પ્રત્યારોપણ વધુ પ્રમાણભૂત સારવારપદ્ધતિઓ તરફ લઈ જતું એક પગથિયું બની શકે છે. દાખલા તરીકે, 'ફૅરિંગ ફાર્માસ્યુટિકલ્સ' નામની કંપની રેબયોટા (REBYOTA) બનાવે છે. આ એક ઍનિમા (ગુદામાર્ગે આપવામાં આવતી દવા) છે, જે લાભદાયક બૅક્ટેરિયાની વિપુલતા ધરાવતા દાતાઓના મળમાંથી તૈયાર કરવામાં આવે છે. સેરેસ થેરાપ્યુટિક્સ કંપની વાઉસ્ટ (VOWST) નામની ગોળીઓ બનાવે છે, જેમાં ચોક્કસ પ્રકારના બૅક્ટેરિયાના બીજાણુ હોય છે. આ બીજાણુ પણ માનવમળમાંથી તૈયાર કરવામાં આવે છે. વારંવાર થતા સી. ડિફિસિલે ચેપની સારવાર માટે આ બંને ઉત્પાદનોને અમેરિકાની 'ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન' (FDA)ની મંજૂરી મળી છે.

ખરેખર તો, ક્રૉફર્ડના મતે સી. ડિફિસિલે ચેપની સારવારનું ભવિષ્ય કદાચ એવી ગોળીઓમાં રહેલું છે, જેમાં સારા મળદાતાઓ પાસેથી પસંદ કરેલા સૂક્ષ્મજીવો હોય અને પછી પ્રયોગશાળામાં મોટા પાયે સંવર્ધિત કરવામાં આવ્યા હોય. તેઓ કહે છે, "મને લાગે છે કે સૂક્ષ્મજીવોના સમુદાય પર આધારિત ઉપચારપદ્ધતિઓમાં ભવિષ્યની ચિકિત્સા બનવાની ક્ષમતા છે."

જોકે, આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મજીવોના સમુદાયનો ઉપયોગ કરવાની આ સંભાવના ક્રૉફર્ડને ચિંતિત પણ કરે છે, કારણ કે આધુનિક જીવનશૈલી આપણા શરીરના કુદરતી સૂક્ષ્મજીવોના સમુદાયમાં મોટા પાયે ફેરફાર કરે છે. દાખલા તરીકે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ (અતિશય પ્રક્રિયા કરેલા) ખાદ્યપદાર્થો આંતરડાંમાં રહેલા સૂક્ષ્મજીવોના સમુદાયની વિવિધતાને ઘટાડે છે તે જાણીતી બાબત છે.

ક્રૉફર્ડ કહે છે, "મને ચિંતા છે કે આપણા પાચનમાર્ગમાં રહેલા એવા અનેક સૂક્ષ્મજીવોના ગુણધર્મો આપણે ગુમાવી બેસીશું, જે ભવિષ્યમાં ફેલાનારા રોગોની નવી લહેર સામે લડવામાં આપણને મદદ કરી શકે છે." તેઓ આંતરડાંમાં રહેલી આ સંભવિત ઉપચારશક્તિની સરખામણી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાંથી મળી આવતાં વનસ્પતિજન્ય ઉપયોગી રસાયણોની વિપુલતા સાથે કરે છે. તેઓ ઉમેરે છે, "આપણા પાચનમાર્ગમાં રહેલો સૂક્ષ્મજીવોનો સમુદાય તો તેનાથી પણ ઘણો વિશાળ છે અને એટલી જ સારી રીતે આપણને મદદ કરી શકે છે. પરંતુ આપણે તેનું મહત્ત્વ સમજતા જ નથી."

* આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. તેને આરોગ્યસંભાળના નિષ્ણાતોની તબીબી સલાહના વિકલ્પ તરીકે ગણવી નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન