દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતનાં આ શહેરો વચ્ચે દોડશે, આવતા વર્ષે ક્યારથી શરૂ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉરના લગભગ 50 કિમીના એક સ્ટ્રેચ પર વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થઈ ગયું હોવાના સમાચાર શનિવારે આવ્યા હતા.
આ સાથે જ ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ટેસ્ટિંગ પ્રવૃત્તિઓ હાથ ધરવાની દિશામાં એક ડગલું આગળ વધાર્યું છે. જે સ્ટ્રેચ પર વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થયું છે, તે સુરત અને બિલિમોરા સ્ટેશન વચ્ચેનો લગભગ 50 કિમીનો પટ્ટો છે.
આ કૉરિડૉર સમગ્ર વિશ્વમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં વપરાતી વિદ્યુતીકરણની ટૅક્નૉલૉજી એવી 2×25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરશે. 508 કિમીના કૉરિડૉરમાં આવેલાં 15 ટ્રેક્શન સબસ્ટેશનો (TSS) નૅશનલ ગ્રીડમાંથી વીજળી લઈને ટ્રેન માટેની ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમને વીજપુરવઠો પૂરો પાડશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI)ના જણાવ્યા અનુસાર, 20 નવેમ્બરે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશની પ્રથમ હાઇ-સ્પીડ રેલ સર્વિસ 2027ના અંતિમ ત્રિમાસિક ગાળા સુધીમાં શરૂ થઈ જશે અને સૌપ્રથમ સુરતથી વાપીનું સેક્શન ખુલ્લું મુકાશે.
બુલેટ ટ્રેનનું કામ કેટલે સુધી પહોંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
'મનીકંટ્રોલ ડોટ કૉમ' સમાચાર એજન્સી પીટીઆઈ (PTI)ને ટાંકીને જણાવે છે કે શુક્રવારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશની પ્રથમ હાઇ-સ્પીડ રેલ સર્વિસ આગામી વર્ષથી શરૂ થશે.
તેમણે આગળ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુંબઈ સુધીના સંપૂર્ણ કૉરિડૉરનું કામ તબક્કાવાર આગળ વધશે.
કામની ગતિ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સપ્ટેમ્બર માસ સુધીમાં 456 કિમી સુધી પિઅર એટલે કે ઊંચા પુલ જેવા માળખા માટેના પિલર બનાવવાનું કામ અને 371 કિમીના પટ્ટામાં વાયડક્ટ એટલે કે સ્તંભ પર ટકેલા પુલના માળખાનું કામ પૂરું થઈ ચૂક્યું છે."
તેમણે ઉમેર્યું હતું કે, "આ ઉપરાંત 299 કિમીના સ્ટ્રેચ પર 6 લાખ નૉઇસ બૅરિયર્સ અને 206 કિમીના પટ્ટામાં વાયડક્ટ પર 9,300 OHE માસ્ટ્સ ઇન્સ્ટૉલ કરી દેવાયાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કામ માટે પાંચ પર્વતીય ટનલ બનાવવાનું ખોદકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, તેમજ 21 કિમી લાંબી મહારાષ્ટ્ર ટનલના પાંચ કિમી સુધીના પટ્ટાનું કામ 'માઉન્ટેન ટનલિંગ મેથડ' દ્વારા પૂર્ણ થઈ ચૂક્યું છે.
વૈષ્ણવે આગળ જણાવ્યું હતું કે આઠ સ્ટેશનો પર સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે અને આર્કિટેક્ચરલ ફિનિશિંગ વર્ક ચાલી રહ્યું છે.
તેમણે અંડર-સી ટનલ એટલે કે સમુદ્રના પેટાળમાં ટનલ બનાવવાના કામ અંગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 21 કિમીના કૉરિડૉર પર ટનલ છે, જેમાંથી સાત કિમી થાણે ખાડીની નીચેથી પસાર થશે. આ ભારતની પ્રથમ અંડર-સી એટલે કે સમુદ્રના પેટાળમાંથી પસાર થતી ટનલ હશે.
શું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ-સ્પીડ રેલ કૉરિડૉર બનાવવાની યોજના છે. જેના ઉપર હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે, જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
કુલ 508.17 કિલોમિટર અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રૅક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રૅક ઍલિવેટેડ એટલે કે જમીનની ઉપર ઊઠેલો હશે. આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યા છે.
બીબીસી ગુજરાતીના એક અહેવાલ પ્રમાણે આઇઆઇએમ અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટ ટકી રહે એ યોગ્ય બનાવવા માટે દૈનિક એક લાખ પૅસેન્જર મુસાફરી કરે તે જરૂરી છે. તેનું ભાડું પ્રતિ પૅસેન્જર રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય. આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કૉન્ટ્રેક્ટ અપાયો છે. અનુમાન છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર અંદાજે બે કલાક અને સાત મિનિટમાં કાપી શકાશે. શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પૅસેન્જર મુસાફરી કરી શકાશે. પછી તેની ક્ષમતા 1,250ની કરાશે.
દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.
નૅશનલ હાઇ-સ્પીડ રેલ કૉર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરે તેવી યોજના છે.
જમીન સંપાદન અને વિવાદો
દેશના પ્રથમ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ભૂતકાળમાં વિવિધ વિવાદો સામે આવ્યા હતા. જાપાનના પૂર્વ મંત્રી હિદેકી માકિહારાએ પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારત અને જાપાન વચ્ચેનો સહકાર મજબૂત છે અને નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
બીજી તરફ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જલસાર અને કરઈપાડા વિસ્તારના ગ્રામજનોએ ટનલ નિર્માણના બ્લાસ્ટિંગને કારણે ઘરોમાં તિરાડો પડ્યાની ફરિયાદ કરી હતી. આ અંગે જિલ્લા વહીવટીતંત્રે સર્વે હાથ ધર્યો છે. નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ તિરાડોનાં કારણો તપાસવા તૃતીય પક્ષના ટેકનિશિયનોની ટીમ નીમી હતી.
આ દરમિયાન ગુજરાતના નવસારી સહિતના વિસ્તારોમાં પણ ખેડૂતોએ જમીન સંપાદન અને યોગ્ય વળતર માટે કાનૂની લડત ચલાવી હતી. તેમનો આરોપ હતો કે તેમને યોગ્ય વળતર નહોતું આપવામાં આવ્યું. મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આશરે રૂ. 1.08 લાખ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર અને મુંબઈ જેવાં પ્રમુખ શહેરોને જોડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















