સ્વામિનારાયણ- ઍફિલ ટાવર વિવાદ : ટાવરનું સંચાલન કરતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી આપશે રાજીનામું

ઇમેજ સ્રોત, Getty Images
ઍફિલ ટાવરનું સંચાલન કરતી કંપની એસઈટીઈના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પૅટ્રિક બ્રાંકો રુવો આ વર્ષના અંતે પોતાના પદ પરથી રાજીનામું આપશે.
તેમનો આ નિર્ણય એ ઘટનાના પગલે આવ્યો છે, જેમાં એક હિંદુ સંસ્થા સ્વામિનારાયણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના કાર્યસ્થળ પરથી હટાવીને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને કામ પર મૂકવામાં આવ્યા હતા. આ મામલે ભારે વિવાદ ઊભો થયો હતો.
એસઈટીઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રુવો 2018થી ઍફિલ ટાવરના ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વર્ષના અંતે તેઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.
કંપનીએ જણાવ્યું કે આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે, પ્રતિનિધિમંડળની મુલાકાતની વ્યવસ્થામાં કેટલીક કાર્યપ્રણાલીની ખામીઓ અને ત્રુટિઓ હતી. તપાસ મુજબ, આ ખામીઓના કારણે મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પરથી હટાવવાની જેવી અસ્વીકાર્ય પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનાને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. ફ્રાન્સના રાજકારણીઓએ પણ તેની ટીકા કરી હતી અને શહેરના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી હતી.
શું હતો વિવાદ?

ઇમેજ સ્રોત, Reuters
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે સંકળાયેલા લગભગ 100 લોકોના પ્રતિનિધિમંડળે ગત સપ્ટેમ્બર મહિનામાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ પ્રખ્યાત સ્થળની મુલાકાત લીધી હતી.
ત્યાંના કર્મચારી યુનિયનના પ્રતિનિધિ ડાયેન ડેવોઇને જણાવ્યું હતું કે, આ સંસ્થાનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ત્યારે મહિલાઓને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું.
તેમણે સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, "આ પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલાઓને તેમના કાર્યસ્થળો છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું જેથી તેમના બદલે પુરુષોને ત્યાં તહેનાત કરી શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેવોઇને એમ પણ કહ્યું હતું કે, મૅનેજમૅન્ટે બાદમાં આ ઘટના બદલ કર્મચારીઓની માફી માગી હતી.
ડાયન ડેવોઇને જણાવ્યું હતું કે, "આનાથી કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને ખૂબ દુઃખ થયું છે. જે બન્યું અને કેટલીક મહિલાઓ સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો તેનાથી તેઓ અપમાનિત થયાં હોવાનું અનુભવે છે."
તેમણે કહ્યું હતું કે, "પછી વીકેન્ડમાં તણાવ વધતો રહ્યો. આથી, કર્મચારીઓએ એક બેઠક યોજી હતી. તેમનો પહેલો ઉદ્દેશ્ય મૅનેજમૅન્ટ સાથે વાતચીત શરૂ કરવાનો હતો અને બીજો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે કંપનીમાં મહિલાઓ સાથે ફરી ક્યારેય આ પ્રકારનો વ્યવહાર ન થાય."
બીએપીએસ સંસ્થાએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાએ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પેરિસમાં તેના પ્રથમ મોટા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
પેરિસસ્થિત બીએપીએસ મંદિરે ઍક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની ઍફિલ ટાવરની મુલાકાત એ સામાન્ય રીતે ટાવર જ્યારે ખૂલે છે એ શરૂઆતના સમયમાં આયોજિત કરવામાં આવી હતી જેથી કરીને બીજા લોકોને પરેશાની ન થાય.
બીએપીએસ મંદિરે આનાથી થયેલી કોઈ પણ અસુવિધા બદલ માફી માગી હતી.
તેણે નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે પરસ્પર સન્માન અને સેવાનાં સાર્વત્રિક મૂલ્યોમાં માનીએ છીએ."
પોતાની વેબસાઇટ પર બીએપીએસ પોતાને હિન્દુ મૂલ્યોથી સમાજને ઉત્તમ બનાવવા માટે કામ કરનારી એક આધ્યાત્મિક અને વૉલન્ટિયર્સથી ચાલનારી સંસ્થા ગણાવે છે.
ગુજરાત સહિત લંડન, લૉસ ઍન્જલસ અને સિડની સહિત વિશ્વનાં ઘણાં મોટાં શહેરોમાં તેનાં મંદિરો છે.
ફ્રાન્સના નેતાઓએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે જણાવ્યું હતું કે, મુલાકાતની આસપાસની પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવશે.
તેમણે ઍક્સ પર લખ્યું હતું કે "હું ઍફિલ ટાવરના કર્મચારીઓનો ગુસ્સો સમજું છું અને હું તેમને કહેવા માગું છું કે તેમનો અસંતોષ વાજબી છે."
"સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની સમાનતા ક્યારેય આપણા ઐતિહાસિક સ્મારકોની સામે અથવા તો આ શહેરમાં બીજે ક્યાંય પણ અટકવી જોઈએ નહીં. આ સમાનતા દરેક જગ્યાએ અને દરેકને લાગુ પડવી જોઈએ."
ફ્રાન્સના જમણેરી નેતા મરીન લે પેને કહ્યું, "ફ્રાન્સમાં અમે ક્યારેય સ્વીકારીશું નહીં કે મહિલાઓની હાજરીને 'સીમિત' કરી દેવામાં આવે."
ફ્રાન્સના પૂર્વ સેન્ટ્રિસ્ટ-જમણેરી વડા પ્રધાન ગૅબ્રિયલ અત્તાલે કહ્યું હતું કે, "કોઈ સંસ્કૃતિ, કોઈ શ્રદ્ધા કે કોઈ પૂજાનું સ્વરૂપ ફ્રાન્સમાં મહિલાઓનું સ્થાન શું છે તે નક્કી કરવાનો અધિકાર આપી શકતું નથી."
ફ્રૅન્ચ નૅશનલ ઍસૅમ્બલીના પ્રમુખ જેલ બ્રોન-પાઇવે જણાવ્યું હતું કે, "વિદેશી મુલાકાતીઓની માગણીઓ પૂરી કરવા માટે મહિલાઓને પીછેહઠ કરવાની ફરજ પાડવામાં આવે તે હું સ્વીકારીશ નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























