ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભની તૈયારી માટે જે મસ્જિદનો એક ભાગ તોડવા મામલે હંગામો થયો, તેનો ઇતિહાસ શું છે?

ઇમેજ સ્રોત, SAMEER KHAN
- લેેખક, વિષ્ણુકાંત તિવારી અને સમીર ખાન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 2028ના સિંહસ્થ કુંભની તૈયારીઓ માટે 28 સપ્ટેમ્બરના રોજ રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન શાહી મસ્જિદનો એક ભાગ હટાવવાની કાર્યવાહી તણાવ અને હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ.
છત્રી ચોક ખાતે આવેલી મસ્જિદની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ સાથે તેમની અથડામણ થઈ હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગૅસના ગોળા છોડ્યા હતા. ત્યાર પછી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જોકે, વિવાદ આખેઆખી મસ્જિદ હટાવવાનો નહોતો. રસ્તો પહોળો કરવા માટે નક્કી કરાયેલા 15 મીટરના અલાઇનમેન્ટમાં આવતા મસ્જિદના માત્ર એટલા ભાગને જ હટાવવાનો હતો.
રવિવારે મોડી રાત્રે વહીવટી તંત્ર અને મસ્જિદ કમિટી વચ્ચે વાતચીત થયા પછી અસરગ્રસ્ત ભાગને જાતે જ હટાવી લેવાની સંમતિ સધાઈ હતી. જોકે, સોમવારે સવારે મોટી સંખ્યામાં લોકો મસ્જિદની આસપાસ એકઠા થઈ ગયા હતા અને પોલીસ સાથે તેમની અથડામણ થઈ હતી.
જે શાહી મસ્જિદનો એક ભાગ રસ્તો પહોળો કરવાની કામગીરીની હદમાં આવ્યો છે અને જેને લઈને ઉજ્જૈનમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેનો ઇતિહાસ શું છે?
આ મસ્જિદ ક્યારે બની હતી, તે કોણે બંધાવી હતી અને જૂના દસ્તાવેજોમાં તેના વિશે શી નોંધ છે?
શું શાહી મસ્જિદ 1390માં બની હતી?

ઇમેજ સ્રોત, SAMEER KHAN
મસ્જિદના ઇતિહાસ સાથે સંકળાયેલા વક્ફ બોર્ડના એક દસ્તાવેજમાં તેના બાંધકામનું વર્ષ 1390 નોંધવામાં આવ્યું છે. બીબીસીએ આ દસ્તાવેજ જોયો છે.
આ દસ્તાવેજમાં મસ્જિદનું નામ શાહી મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યું છે અને તેમાં જણાવાયું છે કે તેનું બાંધકામ 'મુસ્લિમ સમુદાયના લોકોના સહયોગ અને ફાળાથી' થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દસ્તાવેજમાં નોંધાયેલા વર્ષ પ્રમાણે મસ્જિદનો ઇતિહાસ આશરે 636 વર્ષ જૂનો છે.
મસ્જિદ કમિટીએ કોર્ટમાં કાર્યવાહી અટકાવવા માટે કરેલી અરજી સાથે વર્ષ 1925નો એક દસ્તાવેજ પણ ઐતિહાસિક પુરાવા તરીકે રજૂ કર્યો હતો. તેમાં એ સમયગાળામાં પણ મસ્જિદ અસ્તિત્વમાં હોવાનું નોંધવામાં આવ્યું છે.
ઇન્દોરના ઇતિહાસકાર અને સંરક્ષણ નિષ્ણાત ઝફર અન્સારી શાહી મસ્જિદને મુઘલ કાળ પહેલાંના માળવા પ્રદેશના સલ્તનતકાળ સાથે જોડે છે.
તેમના જણાવ્યા મુજબ, "ઉજ્જૈન અને મધ્ય ભારતના જૂના ઐતિહાસિક રેકૉર્ડ અને અહીં આવેલી અન્ય ઇમારતોની બાંધકામ શૈલીને જુઓ અને પછી મસ્જિદની રચના જુઓ તો સ્પષ્ટ થાય છે કે, આ ઇમારત મુઘલ કાળ પહેલાંના સમયની છે. અલગ-અલગ સ્થળોના દસ્તાવેજોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે."
અન્સારીના જણાવ્યા મુજબ, મસ્જિદની વાસ્તુકળા, તેનાં મિનારા અને બાંધકામની શૈલી તે સમયના માળવા પ્રદેશમાં આવેલી સલ્તનતકાળની ઇમારતો સાથે મળતી આવે છે.
તેમનું કહેવું છે કે, આવી જ બાંધકામ શૈલી મધ્ય પ્રદેશના માંડુ અને ચંદેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.
1925માં પણ રસ્તા માટે મસ્જિદનો એક ભાગ આપવાની વાત

ઇમેજ સ્રોત, SAMEER KHAN
શાહી મસ્જિદ સાથે જોડાયેલા 1925ના એક મહત્ત્વના દસ્તાવેજ મુજબ, તત્કાલીન ગ્વાલિયર સ્ટેટના ટાઉન ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના ચૅરમૅને લખેલા પત્રમાં મસ્જિદને "મોચિયાનની મસ્જિદ" તરીકે ઓળખાવવામાં આવી છે.
આ જ પત્રમાં ચોક અને રસ્તાને ઠીકઠાક કરવા માટે મસ્જિદ સાથે જોડાયેલી કેટલીક જમીન લેવાની વાત કરવામાં આવી છે.
તેમાં લખવામાં આવ્યું છે કે "ખાસ મસ્જિદને બાદ કરતાં" તેની સાથે જોડાયેલી કેટલીક 'આરાજી' લેવામાં આવશે.
'આરાજી'નો અર્થ જમીન, જમીનનો ટુકડો, ખેતર અથવા ભૂખંડ થાય છે.
આ પત્રમાં તે સમયની મસ્જિદની સ્થિતિનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મસ્જિદમાં મિનારા નહોતા.
સાથે જ દરવાજાને અને આંગણાની દીવાલને વધુ સારાં બનાવવાની તથા મિનારા બનાવવાની વાત પણ કરવામાં આવી છે.
1946ના નકશામાં પણ મસ્જિદનું અસ્તિત્વ
મસ્જિદની વ્યવસ્થાપન સમિતિએ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં 4 મે 1946નો એક નકશો પણ સામેલ છે.
આ નકશા પર ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ, ઉજ્જૈન, ગ્વાલિયર સ્ટેટની મહોર અને સહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
મસ્જિદ પક્ષના જણાવ્યા મુજબ, આ નકશામાં શાહી મસ્જિદનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે.
મસ્જિદ સાથે સંકળાયેલા દસ્તાવેજોમાં તેના દક્ષિણ ભાગમાં આવેલી 2 મઝારો, મુખ્ય નમાજની જગ્યા અને અન્ય ભાગોનો પણ ઉલ્લેખ છે.
વક્ફના રેકૉર્ડમાં મસ્જિદની નોંધ

ઇમેજ સ્રોત, SAMEER KHAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વક્ફના રેકૉર્ડમાં શાહી મસ્જિદની નોંધ "વક્ફ મસ્જિદ પંચ મોચિયાન (શાહી મસ્જિદ)" તરીકે કરવામાં આવી છે.
મસ્જિદ સાથે જોડાયેલા દસ્તાવેજો મુજબ, તેની નોંધ વક્ફ ઍક્ટ, 1954 હેઠળ કરવામાં આવી હતી અને 13 સપ્ટેમ્બર 1985ના રોજ મધ્ય પ્રદેશના ગૅઝેટમાં તેને વક્ફની મિલકત જાહેર કરવામાં આવી હતી.
આ રેકૉર્ડમાં તત્કાલીન ઉજ્જૈન કલેક્ટરની તપાસ અને પ્રમાણપત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પછી તેની નોંધ વક્ફ ઍક્ટ, 1995 હેઠળ પણ કરવામાં આવી હતી.
વક્ફ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં મસ્જિદની મિલકતના સંચાલનનો અધિકાર વક્ફ બોર્ડ અને મસ્જિદની વ્યવસ્થાપન કમિટી સાથે સંકળાયેલો હોવાનું જણાવાયું છે.
દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, વક્ફની મિલકત અન્ય કોઈને સોંપવાનો અધિકાર વ્યવસ્થાપક પાસે નથી અને આવી મિલકતને લગતી કોઈ કાર્યવાહી કરવામાં આવે ત્યારે વક્ફ બોર્ડને તેમાં સામેલ કરવું અથવા તેની જાણ કરવી જરૂરી છે.
મસ્જિદ સાથે જોડાયેલા એક મિલકત રેકૉર્ડમાં કુલ વિસ્તાર આશરે 4,600 ચોરસ ફૂટ નોંધવામાં આવ્યો છે.
તેમાં 19 દુકાનો અને 2 મકાનોનો પણ ઉલ્લેખ છે.
હાલના રસ્તાને પહોળો કરવાની કામગીરીમાં આ જ પરિસરનો એક ભાગ સૂચિત રસ્તાની હદમાં આવી રહ્યો છે.
મસ્જિદ પક્ષે વહીવટી તંત્રને આપેલા વાંધાપત્રમાં વૈકલ્પિક રસ્તો અપનાવવાનું સૂચન પણ કર્યું હતું.
વાંધામાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદની દક્ષિણ તરફ આવેલા એક કમર્શિયલ બિલ્ડીંગ તરફ રસ્તો લંબાવી શકાય છે.
પૂર્વ તરફ આવેલી ફૂટપાથને પણ રસ્તામાં સામેલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, SAMEER KHAN
મસ્જિદ પક્ષે બંધારણની કલમ 14, 25, 26 અને 300Aનો ઉલ્લેખ કરીને આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો.
જોકે, મસ્જિદ પક્ષની પ્રથમ અરજી મધ્ય પ્રદેશ હાઇકોર્ટ દ્વારા 9 સપ્ટેમ્બરે ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે માસ્ટર પ્લાનનું પાલન કરવું જરૂરી છે.
કોર્ટે કહ્યું હતું કે વહીવટી તંત્રે નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને સંબંધિત પક્ષોને પોતાના વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
કોર્ટના રેકૉર્ડ મુજબ, મ્યુનિસિપલ કૉર્પોરેશને રસ્તાને 15 મીટર પહોળો કરવા માટે મસ્જિદની મિલકતનો એક નાનો ભાગ હટાવવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
વહીવટી તંત્રે રસ્તાના મહત્ત્વનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ રસ્તો ગોપાલ મંદિરથી મહાકાલ મંદિર અને ત્યાંથી આગળ ક્ષિપ્રા નદી સુધી જાય છે. શાહી સવારી, પેશવાઈ અને સિંહસ્થ કુંભ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે.
ત્યાર પછી મસ્જિદ પક્ષે હાઇકોર્ટની બે જજની ખંડપીઠમાં અપીલ કરી હતી. જોકે, ચુકાદો આવે તેના થોડા કલાકો પહેલાં જ મસ્જિદ પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે 3 ફૂટ જેટલો ભાગ હટાવી લેવા બાબતે સંમતિ સધાઈ ગઈ હતી.
સિંહસ્થ 2028 સાથે શો સંબંધ છે?

ઇમેજ સ્રોત, ANI
આ સમગ્ર ઘટનાક્રમનો સીધો સંબંધ 2028માં યોજાનારા સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ સાથે છે.
ઉજ્જૈનમાં સિંહસ્થ 2028ની તૈયારીઓના ભાગરૂપે અનેક વિસ્તારોમાં રસ્તા પહોળા કરવા અને અન્ય બાંધકામની કામગીરી ચાલી રહી છે.
આ જ રસ્તો પહોળો કરવાની કામગીરી હેઠળ મુખ્ય મંત્રી મોહન યાદવનું પૈતૃક મકાન પણ અસરગ્રસ્ત થયું છે.
27 સપ્ટેમ્બરે મુખ્ય મંત્રીએ ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં આવેલા પોતાના પૈતૃક મકાનનો જે ભાગ સૂચિત રસ્તાની હદમાં આવી રહ્યો છે, તેને જાતે કોદાળી વડે તોડવાની શરૂઆત કરી હતી.
મકાનનો આશરે 2.90 મીટરનો ભાગ રસ્તો પહોળો કરવા માટે હટાવવાનો છે. તેમનાં બહેન કલાવતી યાદવનું મકાન પણ આ યોજનાથી અસરગ્રસ્ત થયું છે.
શાહી મસ્જિદનો મામલો પણ આ જ વ્યાપક રસ્તો પહોળો કરવાની કામગીરીનો એક ભાગ છે.
ઉજ્જૈનના કલેક્ટર રોશનસિંહે કહ્યું, "સિંહસ્થ 2028ની તૈયારીઓ માટે માસ્ટર પ્લાન મુજબ રસ્તા પહોળા કરવા અને અન્ય બાંધકામની કામગીરી ચાલી રહી છે. તમામ ધર્મો અને સમુદાયોના લોકો પોતાની ઇચ્છાથી તેમાં સહયોગ આપી રહ્યા છે. ઘણા લોકો રસ્તાની હદમાં આવતાં પોતાનાં મકાનો અથવા ધાર્મિક સ્થળો જાતે હટાવી રહ્યાં છે. છત્રી ચોકમાં રસ્તાની હદમાં આવી રહેલો શાહી મસ્જિદનો ભાગ પણ મુસ્લિમ સમાજના લોકો જાતે હટાવી રહ્યા છે."
તેમણે કહ્યું, "હું સૌને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવવામાં વહીવટી તંત્રને સહયોગ આપે."

ઇમેજ સ્રોત, SAMEER KHAN
શાહી મસ્જિદ ગોપાલ મંદિર અને મહાકાલ વિસ્તારની આસપાસ આવેલા જૂના ઉજ્જૈન શહેરના એવા ભાગમાં છે, જ્યાં ધાર્મિક સ્થળો, બજારો અને રહેણાંક વિસ્તારો એકબીજાની ખૂબ નજીક છે.
ઉજ્જૈનના ઇતિહાસ પર કામ કરતા પ્રોફેસર શંકરલાલ વરે કહે છે કે, શહેરમાં અલગ-અલગ ધર્મો અને સમુદાયોના લોકો લાંબા સમયથી સાથે રહેતા આવ્યા છે.
તેમના જણાવ્યા મુજબ, અહીં એકબીજાના ધાર્મિક કાર્યક્રમો અને પરંપરાઓમાં ભાગ લેવાનાં ઉદાહરણો પણ રહ્યાં છે.
ઇતિહાસકાર ઝફર અન્સારી પણ ઉજ્જૈનના આ સહિયારા સામાજિક જીવનનો ઉલ્લેખ કરે છે.
તેમના જણાવ્યા મુજબ, મહાકાલ મંદિર અને શાહી મસ્જિદની આસપાસનો વિસ્તાર શહેરમાં લાંબા સમયથી ચાલતા સામાજિક અને સાંસ્કૃતિક સહઅસ્તિત્ત્વનો એક ભાગ રહ્યો છે.
લગભગ 70 વર્ષથી શાહી મસ્જિદમાં નમાજ પઢતા ઇમરાનનું કહેવું છે કે, રસ્તો પહોળો કરવો જરૂરી છે અને રસ્તાની હદમાં મસ્જિદનો થોડો ભાગ આવી રહ્યો હોય તો સ્થાનિક લોકોએ તેનો વિરોધ ન કરવો જોઈએ.
તેમના જણાવ્યા મુજબ, રસ્તો પહોળો કરવાની કામગીરી માત્ર મસ્જિદ પૂરતી મર્યાદિત નથી અને અન્ય ધાર્મિક સ્થળોના કેટલાક ભાગો પણ હટાવવામાં આવી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























