નિવૃત્તિ પછી પીએફની 'માસિક પેન્શન' યોજના શું છે અને હપ્તામાં કઈ રીતે પૈસા મળશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડમાંથી હપ્તાઓમાં નાણાં ઉપાડવાની સુવિધાને મંજૂરી આપી છે. શું નિવૃત્ત કર્મચારીઓ માટે આ સોદો લાભદાયી છે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

નોકરી દરમિયાન તમારા પગારનો એક હિસ્સો દર મહિને પ્રોવિડન્ટ ફંડ એટલે કે, ઇપીએફમાં જમા થાય છે. તેના પર વ્યાજ પણ મળે છે અને નિવૃત્તિ સુધીમાં મોટી રકમ એકઠી થઈ જાય છે.

નિવૃત્તિ પછી આખી રકમ એકસાથે ઉપાડી લેવી વધુ સારી કે પછી આ ખાતામાં જ રાખીને દર મહિને થોડી રકમ ઉપાડવી જોઈએ?

આ બાબતને ધ્યાનમાં રાખીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, ઇપીએફઓએ એક નવી સુવિધાને મંજૂરી આપી છે. તેનું નામ છે સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન એટલે કે, એસડબ્લ્યૂપી.

આ સુવિધા હેઠળ કર્મચારીઓ નિવૃત્તિ પછી પોતાના પીએફની આખી રકમ એકસાથે ઉપાડવાને બદલે હપ્તાઓમાં મેળવી શકશે.

તો સમજીએ કે, એસડબ્લ્યૂપી શું છે, તે કેવી રીતે કામ કરે છે અને ઇપીએફઓનો આ નવો વિકલ્પ રોકાણના અન્ય વિકલ્પોથી કેટલો અલગ છે.

સાથે જ, એ પણ સમજીશું કે, એસડબ્લ્યૂપી દ્વારા ઉપાડવામાં આવેલી રકમ પર કરવેરા અંગે શું કહેવામાં આવ્યું છે; એટલે કે, ઇપીએફઓનો એસડબ્લ્યૂપી પ્લાન ફાયદાકારક સોદો છે કે પછી તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

એસડબ્લ્યૂપી શું છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, એસડબ્લ્યુપી દ્વારા તમે અગાઉ કરેલા રોકાણમાંથી દર મહિને પૈસા ઉપાડી શકો છો (સાંકેતિક તસવીર)

એસડબ્લ્યૂપીનું આખું નામ સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન છે. તેનો અર્થ એ છે કે, તમે તમારા રોકાણમાંથી નિશ્ચિત સમયાંતરે નિયમિત રીતે પૈસા ઉપાડો છો.

તેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે, એસઆઇપીથી ઊલટું સમજી શકાય. એસઆઇપી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક લોકપ્રિય પદ્ધતિ છે.

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તમે દર મહિને રોકાણ કરો છો, જ્યારે એસડબ્લ્યૂપીમાં તમે અગાઉ કરેલા રોકાણમાંથી દર મહિને પૈસા ઉપાડો છો.

દાખલા તરીકે, માની લો કે, કોઈ વ્યક્તિ પાસે નિવૃત્તિ સમયે 20 લાખ રૂપિયા જમા છે. તે આ આખી રકમ એકસાથે ઉપાડવાને બદલે દર મહિને 10 હજાર રૂપિયા મેળવવા માગે છે.

આવા સંજોગોમાં તે એસડબ્લ્યૂપીનો વિકલ્પ પસંદ કરી શકે છે.

દર મહિને 10 હજાર રૂપિયા ઉપાડ્યા પછી બાકીની રકમ રોકાણમાં જ રહે છે અને તેના પરનું વળતર એટલે કે, વ્યાજ પણ મળતું રહી શકે છે.

જોકે, ઉપાડવામાં આવતી રકમ રોકાણ પર મળતા વળતર કરતાં વધુ હોય, તો ધીમે-ધીમે મૂળ રકમ પણ ઘટતી જશે.

પીએફમાં જમા થયેલી રકમ કેટલા હપ્તામાં ઉપાડી શકશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન નામની નવી સુવિધાને મંજૂરી આપી છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુવિધા હેઠળ નિવૃત્ત થનારા કર્મચારીઓ પોતાના પીએફમાં જમા થયેલી રકમ માસિક, ત્રિમાસિક અથવા છમાસિક હપ્તામાં ઉપાડી શકશે.

આ સુવિધાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે, કર્મચારીઓ જે રકમ ઉપાડશે નહીં, તે પોતાના ઇપીએફ ખાતામાં જમા રહેશે અને તેના પર લાગુ પડતું વ્યાજ મળતું રહેશે.

આ સુવિધા સંપૂર્ણપણે સ્વૈચ્છિક હશે. એટલે કે, કર્મચારીઓ ઇચ્છે તો આ વિકલ્પ પસંદ કરી શકશે અને ઇચ્છે તો પહેલાંની જેમ પોતાની પાત્રતા અનુસાર આખી રકમ ઉપાડી શકશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના આશરે 6 લાખ 32 હજાર ઇપીએફ સભ્યોને તેનો લાભ મળવાની ધારણા છે.

આ સભ્યોના ઇપીએફ ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા છે.

એસડબ્લ્યૂપી દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય, તો નોમિની અથવા આશ્રિત પાસે બાકીની રકમ ઉપાડવાનો અથવા હપ્તામાં ચુકવણી ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે.

આ ઉપરાંત, ઇપીએફઓએ લઘુતમ પીએફ બૅલેન્સની શરત 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે.

જ્યારે સંપૂર્ણ ઉપાડ માટે રાહ જોવાની મુદત 12 મહિનાથી ઘટાડીને 2 મહિનાની કરવામાં આવી છે. એટલે કે, કોઈ કર્મચારીની નોકરી છૂટી જાય, તો તે 2 મહિના પછી પીએફની 90 ટકા રકમ ઉપાડી શકશે.

જોકે, આ યોજનાના વિગતવાર નિયમો, ઉપાડની મર્યાદા અને અરજી કરવાની પ્રક્રિયા માટે ઇપીએફ યોજનામાં જરૂરી સુધારા અને સત્તાવાર જાહેરનામાની રાહ જોવી પડશે.

કરવેરા અંગે શી સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઈપીએફઓના એસડબ્લ્યૂપી દ્વારા ઉપાડવામાં આવતા પૈસા પર કરવેરાની સ્થિતિ હજી સ્પષ્ટ નથી

કરવેરા અંગેની સ્થિતિ હજી સ્પષ્ટ નથી. નોકરી દરમિયાન ઇપીએફ પર મળતું વ્યાજ સામાન્ય રીતે કરમુક્ત હોય છે, પરંતુ નિવૃત્તિ પછી મળતા વ્યાજ પર અન્ય આવકની જેમ કર લાગે છે.

જો વ્યક્તિ નવી કરપ્રણાલી (ન્યૂ ટેક્સ રિજિમ) પસંદ કરે, તો તેના હેઠળ ભારતમાં રહેતા લોકોની વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી.

જાહેર કરવામાં આવેલી માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આને લગતા આવકવેરા કાયદામાં ફેરફાર કરવાના પ્રસ્તાવ અંગે નાણાં મંત્રાલય સાથે ચર્ચા ચાલી રહી છે. જોકે, તેમાં કેવા ફેરફાર કરવામાં આવશે, તે જણાવવામાં આવ્યું નથી.

આવકવેરામાં કોઈ રાહત મળે, તો તેને વધારાના લાભ તરીકે જોઈ શકાય.

આ નાણાં કેટલા સમય સુધી ચાલશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રોવિડન્ટ ફંડમાંથી દર વર્ષે ઉપાડવામાં આવતી રકમમાં વધારો કરવો વધુ વ્યવહારુ રીત હોઈ શકે છે

જો તમે માત્ર વ્યાજની રકમ ઉપાડો છો, તો તમારા ખાતામાં જમા મૂળ રકમ યથાવત્ રહે છે.

માની લો કે, તમારી પીએફની રકમ 50 લાખ રૂપિયા છે, તો હાલના 8.25 ટકાના વ્યાજદર મુજબ આશરે 4 લાખ 10 હજાર રૂપિયાનું વ્યાજ મળશે; એટલે કે, દર મહિને લગભગ 34,000 રૂપિયા.

પરંતુ આ આવકમાં વધારો નહીં થાય, જ્યારે મોંઘવારીને ધ્યાનમાં રાખીએ તો સમય જતાં ખર્ચ વધતો જશે.

આથી, દર વર્ષે ઉપાડવામાં આવતી રકમમાં વધારો કરવો વધુ વ્યવહારુ રીત હોઈ શકે છે.

માની લો કે, તમે પ્રથમ વર્ષે કુલ 50 લાખ રૂપિયાની જમા રકમમાંથી 5 ટકા ઉપાડો છો; એટલે કે, વર્ષે 2.5 લાખ રૂપિયા અથવા દર મહિને આશરે 20,800 રૂપિયા.

ત્યારબાદ તમે દર વર્ષે ઉપાડવામાં આવતી રકમમાં 5 ટકાનો વધારો કરો છો, તો આ ગણતરી પ્રમાણે નાણાં 30 વર્ષથી વધુ સમય સુધી ચાલી શકે છે.

પરંતુ જો વ્યાજ પર 30 ટકા (કરવેરાના સ્લૅબ મુજબ) કર લાગે અને કરની રકમ પણ આ જ ફંડમાંથી ચૂકવવામાં આવે, તો નાણાં તેનાથી પણ વહેલાં ખતમ થઈ જશે.

નિવૃત્તિ પછી કયો વિકલ્પ વધુ સારો?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નિશ્ચિત આવકના અન્ય વિકલ્પોની સરખામણીએ એસડબ્લૂપી એક મજબૂત વિકલ્પ બની શકે છે

અત્યાર સુધી ઉપલબ્ધ માહિતીના આધારે જોઈએ તો, નિયમિત આવક માટે ઇપીએફનો આ એસડબ્લ્યૂપી (સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન) નિશ્ચિત આવકના અન્ય વિકલ્પોની સરખામણીએ એક મજબૂત વિકલ્પ બની શકે છે.

તેનું સંચાલન એક સરકારી સંસ્થા કરે છે અને તેનું વળતર લગભગ સ્થિર રહ્યું છે. નિશ્ચિત આવકના ઉપલબ્ધ વિકલ્પોમાં તેનું વળતર સૌથી ઊંચા વળતરો પૈકીનું રહ્યું છે.

આ ઉપરાંત, બૅંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પણ એક વિકલ્પ છે. વરિષ્ઠ નાગરિકો માટે પણ કેટલીક યોજનાઓ ઉપલબ્ધ છે.

જોકે, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, મોંઘવારી અને વધતા ખર્ચનો સામનો કરવા માટે રોકાણના પોર્ટફોલિયોનો ઓછામાં ઓછો કેટલોક હિસ્સો ઇક્વિટી એટલે કે શૅરબજારમાં પણ હોવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન