'મારા હાથની મહેંદીનો રંગ પણ હજી ઊતર્યો નથી અને મારે અદાલતનાં ચક્કર લગાવવાં પડે છે; શ્રાવણી રાણે-મોહમ્મદ ફૈઝનાં લગ્નનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, shravani rane
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
"રાજકારણને કારણે અમને હેરાન કરવામાં આવી રહ્યાં છે. અમે રાજકારણમાં નથી, તો પછી અમને શા માટે હેરાન કરવામાં આવે છે? મારા હાથની મહેંદીનો રંગ પણ હજી ઊતર્યો નથી અને મારે અદાલતોનાં ચક્કર લગાવવાં પડે છે."
22 વર્ષીય શ્રાવણી રાણે અને 26 વર્ષીય મોહમ્મદ ફૈઝે ઑક્ટોબર 2026માં સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. જોકે, શ્રાવણીની માતાએ મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શ્રાવણીનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારથી મોહમ્મદ ફૈઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયા અને શ્રાવણીની માતા નિલેશા રાણેએ થોડા દિવસ પહેલાં મેઘવાડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે મીડિયાની સાથે પણ વાતચીત કરી હતી.
શ્રાવણીના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને એકબીજાંને શાળાના સમયથી ઓળખે છે. 2022ની આખરથી બંને એકબીજાના પ્રેમમાં હતાં.
શ્રાવણીએ કહ્યું કે અમારા બંનેના પરિવારોને આ સંબંધ વિશે પહેલેથી જ જાણ હતી. હકીકતમાં, અમે બંને એકબીજાંના પરિવારોને ઓળખીએ છીએ. બંને પરિવારો વચ્ચે મુલાકાતો પણ થઈ હતી.
આ વાત કહેતાં શ્રાવણીએ પોતાના મોબાઇલ ફોનમાં એક તસવીર પણ બતાવી હતી, જેમાં તેની માતા અને મોહમ્મદ ફૈઝ કેક કાપી રહ્યાં હતાં.
પરંતુ હવે લગ્ન બાદ તેના પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને લગ્નનાં થોડાં જ દિવસોમાં શ્રાવણીને આગોતરા જામીન માટે પહેલાં પોલીસ સ્ટેશન અને પછી અદાલતનાં ચક્કર લગાવવાં પડે છે.
શ્રાવણી કહે છે કે, લગ્ન પછીના થોડા દિવસો સુધી બધું બરાબર હતું. તે તેની માતા સાથે ફોન પર વાત પણ કરતી હતી. પરંતુ અચાનક સમાચાર મળ્યા કે તેના પતિ મોહમ્મદ ફૈઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને શ્રાવણીને પણ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્ર ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ, 2026 હેઠળ મેઘવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં આરોપી મોહમ્મદ ફૈઝ અકબર ખાનને દિંડોશી સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે.
કોર્ટે રૂ. 50,000ના અંગત બૉન્ડ અને એટલી જ રકમના એક જામીનદારની શરતે જામીન મંજૂર કર્યા છે.
કોર્ટે આરોપીને આગામી 90 દિવસ સુધી દર સોમવારે અને શુક્રવારે બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત, પુરાવા સાથે ચેડાં ન કરવાં, ફરિયાદી કે સાક્ષીઓનો સંપર્ક ન કરવો, તપાસમાં સહકાર આપવો, સાત દિવસની અંદર તપાસ અધિકારીને પોતાના રહેઠાણનું સરનામું અને સંપર્કની વિગતો આપવી તથા અદાલતની પરવાનગી વિના દેશ છોડીને ન જવો, એવી શરતો પણ લાદવામાં આવી છે.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે શરતોનો ભંગ કરવામાં આવે તો જામીન રદ થઈ શકે છે.
'મેં ધર્મપરિવર્તન કર્યું નથી'

ઇમેજ સ્રોત, shravani rane
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી મરાઠી સાથે વાત કરતાં શ્રાવણી રાણેએ કહ્યું, "મારું નિવેદન નોંધવામાં આવ્યું હતું. મેં પોલીસને જણાવ્યું હતું કે હું મારી મરજીથી આવી હતી. મેં લગ્ન કર્યાં છે. મારી પોતાની મરજીથી લગ્ન કર્યાં છે. હું તેમને પ્રેમ કરતી હતી એટલે લગ્ન કર્યાં છે. મેં ધર્મપરિવર્તન કર્યું નથી. મારું આધારકાર્ડ અને પાનકાર્ડ શ્રાવણી નિલેશ રાણેના નામે છે. મારા પતિને આ બાબતે કોઈ વાંધો નથી, તો પછી આ લોકોને શા માટે વાંધો છે?"
કોર્ટ મૅરેજ પછી પરિવારના સ્વાગત સમારંભના આમંત્રણપત્રમાં શ્રાવણીનું નામ શ્રાવણી નિલેશા રાણે અને આયેશા એમ બંને રીતે લખવામાં આવ્યું હતું. તેના આધારે એવું માની લેવામાં આવ્યું કે તેણે ધર્મપરિવર્તન કર્યું છે, એમ શ્રાવણી કહે છે. જોકે, શ્રાવણીનો દાવો છે કે તેણે હજી સુધી ધર્મપરિવર્તન કર્યું નથી.
તેણે કહ્યું, "મેં ધર્મપરિવર્તન કર્યું નથી. અમે સ્વાગત સમારંભ યોજ્યો હતો. શું એ કાર્ડ પર લખેલું નામ કોઈ પુરાવો છે? તેઓ મારાં કપડાં પરથી મારું મૂલ્યાંકન કરી રહ્યા છે. હું મારી મરજી મુજબ કપડાં પહેરું છું એટલે મેં ધર્મપરિવર્તન કર્યું હોય, એવું થોડું છે? મારું નામ કૅપિટલ અંગ્રેજી અક્ષરોમાં 'શ્રાવણી' લખેલું છે, તેઓ મને પ્રેમથી આયેશા કહીને બોલાવે છે."
આ કેસમાં શ્રાવણીની માતા નિલેશા રાણેએ બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના આરોપસર મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલાં તેમણે શ્રાવણી ગુમ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. શ્રાવણી એમ પણ કહે છે કે લગ્ન પછી તે પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં લગ્નનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.
મોહમ્મદ ફૈઝ વિરુદ્ધ ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેણે દિંડોશી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ કેસની સુનવણી હાલમાં અદાલતમાં ચાલી રહી છે.
મોહમ્મદ ફૈઝના વકીલ કરીમ પઠાણે કહ્યું, "છોકરો મુસ્લિમ છે અને છોકરી હિંદુ છે. બંનેએ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં છે. તેમણે સ્વાગત સમારંભ પણ યોજ્યો હતો. સ્વાગત સમારંભના કાર્ડ પર આયેશા લખેલું હોવાથી એમ માની લેવામાં આવ્યું કે તેણે ધર્મપરિવર્તન કર્યું છે. પોલીસે કેસ નોંધ્યો અને તપાસ કરી. છોકરાએ દિંડોશી સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તેને વચગાળાનું રક્ષણ આપ્યું છે."
મોહમ્મદ ફૈઝને આગોતરા જામીન મળ્યા બાદ તેના વકીલ કરીમ પઠાણે કહ્યું, "આ કાયદો હજી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આ કાયદાનો દુરુપયોગ કરીને એક નિર્દોષ વ્યક્તિને ફસાવવામાં આવી હતી. જોકે, સેશન્સ કોર્ટમાં જે રીતે કેસ રજૂ કરવામાં આવ્યો, તેમાં જણાવવામાં આવ્યું કે આ એફઆઈઆર અને આરોપો ખોટા છે. અમારા માટે અને આ દંપતી માટે આ એક મોટી જીત છે."
રાજકારણ રમાતું હોવાનો આક્ષેપ

ઇમેજ સ્રોત, Shravani Rane
શ્રાવણીએ આક્ષેપ કર્યો છે કે પોતાના હિંદુ-મુસ્લિમ લગ્નને કારણે તેની સાથે રાજકારણ રમાઈ રહ્યું છે.
આ મામલે મીડિયા સાથે વાત કરતાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું, "22 વર્ષની એક હિંદુ યુવતીને છેતરીને તેના પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવતીની માતાએ આ બાબતે વિરોધ શરૂ કર્યા બાદ યુવકે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં."
"ત્રણ અઠવાડિયાં પછી મુસ્લિમ પરંપરા મુજબ લગ્ન કરવાનો અર્થ એ કે દાળમાં કાળું છે. પહેલાં યુવતીને છેતરવામાં આવી, પછી તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા અને ત્યાર બાદ લગ્નના બહાને તેનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. ધર્મપરિવર્તન વિરોધી કાયદા હેઠળ આ ગુનો છે. કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે," એવો આક્ષેપ સોમૈયાએ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુવતીની માતાને ન્યાય મળશે.
બીજી તરફ, શ્રાવણીએ પોતાના પતિ સામે કરવામાં આવેલા આરોપો નકારી કાઢ્યા છે અને તેના મામલે રાજકારણ રમાતું હોવાનો આક્ષેપ કર્યો છે.
શ્રાવણી કહે છે, "કિરીટ સોમૈયાએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તેણે મારા પર બળજબરી કરી હતી અને મારા પર દબાણ હતું. તેમને આ કોણે કહ્યું? તેમણે મને ક્યારેય જોઈ પણ નથી. તેમને કોણે કહ્યું કે મારા પર દબાણ કરવામાં આવ્યું હતું? અમે પાંચ વર્ષથી પ્રેમસંબંધમાં છીએ."
શ્રાવણીએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે, "રાજકારણ માટે અમને શા માટે હેરાન કરવામાં આવે છે?"
'પરિવારને આ બાબતની જાણ હતી'

ઇમેજ સ્રોત, shravani rane
શ્રાવણી રાણેએ એવો પણ દાવો કર્યો છે કે તેમના પરિવારને તેમના પ્રેમસંબંધની જાણ હતી અને બંને પરિવારો વચ્ચે પારિવારિક સંબંધો પણ હતા.
તેણી કહે છે, "મારા પરિવારને ખબર હતી કે તે મારો બૉયફ્રૅન્ડ છે. મારી માતા પણ તેની સાથે વાત કરતી હતી. ઘરે બધાને ખબર હતી કે હું તેમના ઘરે જતી હતી અને તે મારા ઘરે આવતો હતો. બધાને આ વાતની જાણ હતી, પરંતુ મારી માતાને ખબર નહોતી કે તે શું બોલી રહ્યાં છે. તેને હું કેક ખવડાવતી હોઉં એવો ફોટો પણ મારી પાસે છે."
શ્રાવણીએ એ પણ સ્પષ્ટ કર્યું કે રિસેપ્શનના આમંત્રણપત્રમાં આયેશા નામનો ઉલ્લેખ હતો એટલે તેણે ધર્મપરિવર્તન કર્યું છે, એમ કહેવું ખોટું છે.
શ્રાવણીએ એમ પણ કહ્યું કે પ્રેમલગ્નને ધર્મ અને રાજકારણના દૃષ્ટિકોણથી જોવાં ન જોઈએ. આ મુદ્દાને કારણે તેઓ ક્યાંય પણ સુરક્ષિત નથી, એવું પણ તેણી કહે છે.
"અમારાં લગ્નને એક મહિનો થયો છે. આવા આક્ષેપો કરવા ખોટું છે. અમે ક્યાંય પણ સુરક્ષિત નથી. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે લગ્ન કર્યાં છે. અમારા માટે જ્ઞાતિ અને ધર્મ કોઈ મુદ્દો નથી. ધર્મના આધારે પ્રેમ થતો નથી. ગમે ત્યાં, કોઈની પણ સાથે પ્રેમ થઈ શકે છે."
"અમે પ્રેમ ખાતર લગ્ન કર્યાં છે. સાથે રહેવા માટે લગ્ન કર્યાં છે. અમને ખબર નહોતી કે અમારાં લગ્ન ધર્મનો મુદ્દો બની જશે. મારા પતિ મરાઠી ધર્મનું પાલન કરે છે. મારાં સાસુ પોતે હિંદુ ધર્મનાં છે," એમ પણ તે કહે છે.
માર્ચ 2026માં રાજ્ય સરકારે ધર્મસ્વાતંત્ર્ય ખરડો પસાર કર્યો હતો. તે મુજબ, બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા બદલ સજાની જોગવાઈ છે. આ કાયદામાં ધર્મપરિવર્તન માટેની પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
શ્રાવણીની માતા શું કહે છે?
શ્રાવણીની માતા નિલેશા રાણેએ દાવો કર્યો છે કે તેમની પુત્રીએ ધર્મપરિવર્તન કર્યું છે. ધર્મપરિવર્તનનો એક વીડિયો પણ પોતાની પાસે હોવાનો તેમનો દાવો છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં નિલેશા રાણેએ કહ્યું, "જો તેણે ધર્મપરિવર્તન ન કર્યું હોય, તો પછી મને જે વીડિયો મળ્યો છે, તેમાં કાઝી ત્યાં બેઠેલા કેમ દેખાય છે? તેમણે તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું, ખરું ને? લગ્નવિધિ મરાઠી રીતરિવાજ મુજબ કેમ ન કરવામાં આવી? તે તેને પહેલેથી જ ધમકાવતો હતો, છતાં તેણે તેની સાથે લગ્ન કર્યાં. સ્પષ્ટ છે કે તેણે ધર્મપરિવર્તન કર્યું છે."
શ્રાવણીની માતાએ અદાલત ન્યાય આપે અને તેમની પુત્રી તેમને પાછી સોંપે એવી માગણી કરી છે. નિલેશા રાણે એમ પણ કહે છે કે તેમણે ધર્મપરિવર્તન અંગે મે 2026માં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
"તેણે ધર્મપરિવર્તન કર્યું છે. હું આ સ્વીકારતી નથી. હું આ લગ્ન સ્વીકારતી નથી. મને મારી દીકરી પાછી જોઈએ છે. તેણે લગ્ન કર્યાં ત્યારે મને કોર્ટ મૅરેજ વિશે કંઈ જ ખબર નહોતી. તેણે પોતાનો ધર્મ બદલવો ન જોઈએ. જો તેણે ધર્મપરિવર્તન ન કર્યું હોય, તો પછી તે બુરખો કેમ પહેરે છે? મેં તેને કેક ખવડાવી હતી, કારણ કે તે તેનો મિત્ર હતો. તે તેનો હીરો છે એટલે મેં તેને કેક ખવડાવી નહોતી." એમ નિલેશા રાણે કહે છે.
આ કેસની સુનાવણી દિંડોશી સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























