એકબીજાને ઓળખતા નહોતા, તો પછી હવે આ લોકો સાથે મળીને કેમ ઘર ખરીદી રહ્યા છે?

પુલમેન પરિવાર (ડાબે) અને વિલ્કોક્સ પરિવારે પરિચય થયાના થોડા જ સમયમાં સાથે મળીને ઘર ખરીદ્યું. ઘર રિયલ એસ્ટેટ બીબીસી ગુજરાતી કૅનેડા બ્રિટન અમેરિકા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, પુલમૅન પરિવાર (ડાબે) અને વિલ્કૉક્સ પરિવારે પરિચય થયાના થોડા જ સમયમાં સાથે મળીને ઘર ખરીદ્યું.
    • લેેખક, ડૅવિડ સિલ્વરબર્ગ
    • પદ, બિઝનેસ રિપોર્ટર
    • દ્વારા રિપોર્ટિંગ, Toronto
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

એલિઝાબેથ અને ટૉમ વિલ્કૉક્સને સમજાઈ ગયું કે પોતાનાં બે બાળકો સાથે રહેવા માટે પોતે ઇચ્છતા હતા એવું ઘર ખરીદવું તેમના માટે શક્ય નથી. એટલે તેમણે એક જોખમ ખેડવાનું નક્કી કર્યું.

તેઓ યુવાન બાળકો ધરાવતાં બીજાં કોઈ દંપતીને શોધશે. એ દંપતી સાવ અજાણ્યું હશે. ત્યાર બાદ તેમની સમક્ષ પ્રસ્તાવ મૂકશે કે બંને પરિવારો સાથે મળીને એક મિલકત ખરીદે અને તેમાં સાથે રહે.

કૅનેડાના વાનકુવરમાં રહેતા વિલ્કૉક્સ દંપતી માટે આ નિર્ણય લેવો જરૂરી બની ગયો હતો. વાનકુવર લાંબા સમયથી કૅનેડામાં સૌથી મોંઘાં મકાનો ધરાવતાં શહેરોમાંનું એક રહ્યું છે. તેઓ એવું ઘર ખરીદવા માગતાં હતાં, જેમાં પાછળ ખુલ્લી જગ્યા હોય અને તેમનાં બાળકો ત્યાં રમી શકે.

આરોગ્ય ક્ષેત્રમાં પ્રોજેક્ટ મૅનેજર તરીકે કામ કરતાં એલિઝાબેથ કહે છે, "અમે એવું ઘર ઇચ્છતાં હતાં, જેમાં ટ્રેમ્પોલિન રાખી શકાય એટલી જગ્યા ધરાવતો બગીચો હોય અને આસપાસ ચાલીને જઈ શકાય તેવી સુવિધાઓ હોય. પરંતુ અમારી આર્થિક ક્ષમતા એટલી નહોતી."

તેમનું બજેટ 10 લાખ કૅનેડિયન ડૉલર (7 લાખ અમેરિકી ડૉલર અથવા 5 લાખ બ્રિટિશ પાઉન્ડ) હતું. આટલા બજેટમાં બાલ્કનીવાળો નાનો ફ્લૅટ માંડ આવી શકે તેમ હતો.

એ સમયે એલિઝાબેથને બીજા પરિવાર સાથે મળીને ઘર ખરીદવાનો વિચાર આવ્યો.

'અમારા હજારો ડૉલર બચી ગયા'

માતાઓ એશ્લી પુલમેન (ડાબે) અને એલિઝાબેથ વિલ્કોક્સના જણાવ્યા અનુસાર, બંને પરિવારો વચ્ચે સારો મનમેળ છે. ઘર રિયલ એસ્ટેટ બીબીસી ગુજરાતી કૅનેડા બ્રિટન અમેરિકા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, માતાઓ એશ્લી પુલમૅન (ડાબે) અને એલિઝાબેથ વિલ્કૉક્સના જણાવ્યા અનુસાર, બંને પરિવારો વચ્ચે સારો મનમેળ છે.

તેમણે સ્થાનિક રિયલ ઍસ્ટેટ એજન્ટના ઈ-ન્યૂઝલેટરમાં જાહેરાત આપી. જોકે, તેમને અનુકૂળ આવે એવા પરિવાર સાથે મુલાકાત થતાં બે વર્ષ લાગી ગયાં. આખરે તેમની મુલાકાત એશ્લી પુલમૅન, તેમનાં પતિ અને બે બાળકો સાથે થઈ. બંને પરિવારો વચ્ચે સારી ઓળખાણ અને મનમેળ કેળવાયો.

2023માં વિલ્કૉક્સ અને પુલમૅન પરિવારે મળીને છ બેડરૂમ ધરાવતું સ્વતંત્ર મકાન ખરીદ્યું. તેની પાછળ બગીચો પણ હતો. આ મકાનની કિંમત 18.5 લાખ કૅનેડિયન ડૉલર હતી.

બંને પરિવારે મળીને 2.5 લાખ કૅનેડિયન ડૉલરનું ડાઉન પેમેન્ટ કર્યું. ત્યાર બાદ દર મહિને ભરવાના 3,900 કૅનેડિયન ડૉલરના મૉર્ગેજના હપ્તા પણ બંને પરિવારો સરખા ભાગે ચૂકવે છે. વીજળી, પાણી જેવાં બિલ અને મકાનના સમારકામ સહિતના અન્ય ખર્ચ પણ તેઓ સરખા ભાગે વહેંચી લે છે.

એલિઝાબેથના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થાને કારણે બંને પરિવારોના મળીને હજારો નહીં, પણ લાખો ડૉલરની બચત થઈ છે.

વાનકુવરમાં એક ઘર ખરીદવા આ બંને પરિવારોએ તેમનાં સંસાધનો ભેગા કર્યા ઘર રિયલ એસ્ટેટ બીબીસી ગુજરાતી કૅનેડા બ્રિટન અમેરિકા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, વાનકુવરમાં એક ઘર ખરીદવા આ બંને પરિવારોએ તેમનાં સંસાધનો ભેગાં કર્યાં.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગાઉથી પરિચય ન હોય એવા લોકો સાથે મળીને ઘર ખરીદનારાં લોકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. જોકે, ટૉરોન્ટોમાં મકાનોના ઊંચા ભાવને કારણે આવી વ્યવસ્થામાં લોકોનો રસ વધ્યો હોવાનું પરિમલ ગોસાઈનું કહેવું છે.

ગોસાઈ કૅનેડાના સૌથી મોટા શહેર ટૉરોન્ટોમાં અજાણ્યા લોકો સાથે મળીને ઘર ખરીદવા ઇચ્છતા લોકોને જોડતી હસમૅટ્સ (Husmates) નામની ઍપ અને વેબસાઇટના સ્થાપક તથા સીઈઓ છે.

તેઓ કહે છે, "આને એક નાણાકીય સંબંધ તરીકે જોઈ શકાય છે અને તેમાં લાગણીઓ વચ્ચે આવતી નથી."

વિશ્વના અન્ય દેશોમાં આ પ્રકારની વ્યવસ્થા કેટલી પ્રચલિત છે તે સ્પષ્ટ નથી. બ્રિટિશ મૉર્ગેજ બ્રોકર એલ ઍન્ડ સી (L&C)ના ડૅવિડ હૉલિંગવર્થ કહે છે કે તેમણે પોતે આવો કોઈ કિસ્સો જોયો નથી, પરંતુ તેમના મતે બ્રિટનમાં પણ આવું બનતું હશે, જોકે હજી આ ચલણ બહુ મર્યાદિત છે.

તેઓ કહે છે, "મને યાદ છે કે કોરોના મહામારી પહેલાં લંડનના એક પબમાં આવો મેળાપ કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્પીડ ડેટિંગની જેમ તેમાં અજાણ્યા લોકો એકબીજાને મળતા હતા, પરંતુ તેમનો હેતુ સાથે મળીને ઘર ખરીદવાનો હતો. આ પ્રયોગ કેટલો સફળ રહ્યો તેની મને જાણ નથી."

ત્રણ વર્ષ વીતી ગયાં છે અને વિલ્કૉક્સ તથા પુલમૅન પરિવારોનું કહેવું છે કે સાથે રહેવાની તેમની વ્યવસ્થા હજુ પણ સારી રીતે ચાલી રહી છે.

બંને પરિવારોને રહેવા માટે પોતપોતાની અલગ જગ્યાઓ છે. જેમ કે, બંનેનાં પોતપોતાનાં રસોડાં છે. જોકે, ભોંયરાના વિશાળ બેઠકખંડનો ઉપયોગ તેઓ સાથે મળીને કરે છે. તેના એક ખૂણામાં ઘરેલુ જિમ પણ છે. આ ઉપરાંત, ફ્રીઝર પણ બંને પરિવારો સહિયારું વાપરે છે.

એલિઝાબેથ કહે છે, "કોઈ કહે કે પોતે કસરત કરવા માટે ભોંયરામાં છે, તો અમે સમજી જઈએ છીએ કે થોડો સમય ત્યાં ન જવું. આજ સુધી આ બાબતે ક્યારેય કોઈ સમસ્યા ઊભી થઈ નથી."

એશ્લી પણ સંમત થાય છે કે તેમની વચ્ચે કોઈ સમસ્યા નથી. તે કહે છે, "કદાચ આ અમારો અહંકાર હોય, પરંતુ મારા પતિને અને મને લાગતું હતું કે અમે એવા પ્રકારનાં લોકો છીએ, જે અજાણ્યા લોકો સાથે પણ રહી શકે."

'અમે ઘરમાં મિટિંગ્સ યોજીએ છીએ'

ટૉરોન્ટોમાં રહેતાં ફ્રીલાન્સ બિઝનેસ કન્સલ્ટન્ટ સબરીના બૉમને 2018થી અન્ય બે સહનિવાસીઓ સાથે મળીને એક મકાન ખરીદ્યું છે. મકાન ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કરીને તેમાં રહેવા ગયાં ત્યારે અન્ય બેમાંથી એક તો તેમના માટે સાવ અજાણી વ્યક્તિ હતી.

સબરીના આર્થિક વ્યવહારની ચોક્કસ વિગતો જાહેર કરવા ઇચ્છતાં નથી. જોકે, તેમના જણાવ્યા અનુસાર, દરેકની આવકના પ્રમાણને ધ્યાનમાં રાખીને ડાઉન પેમેન્ટ અને મૉર્ગેજના હપ્તાની રકમ વહેંચવાનું તેમણે નક્કી કર્યું હતું.

તેમનું કહેવું છે કે ઘરમાં કોઈ મતભેદ ઊભો થાય તો ખુલ્લી ચર્ચા દ્વારા શરૂઆતમાં જ તેનો ઉકેલ લાવી શકાય છે. તેઓ કહે છે, "ઘરમાં બનતી દરેક બાબત અંગે વાતચીત કરવા માટે અમારી પાસે એક વ્યવસ્થિત માળખું હોય એ અમારા માટે મહત્ત્વનું છે."

તેઓ નિયમિતપણે ઘરની બેઠકો યોજે છે. તેમાં ઘરની સાફસફાઈ અને અન્ય કામોની વહેંચણી, નાણાકીય બાબતો, જન્મદિવસની ઉજવણી અને કોઈ મતભેદ હોય તો તેની ચર્ચા કરવામાં આવે છે.

સબરીના કહે છે, "કોઈ વ્યક્તિ કશી બાબત વિશે વાત કરવામાં સંકોચ અનુભવતી હોય તે અંગે પણ ખુલ્લા મને વાત કરે અને અમે સાથે મળીને તેનો ઉકેલ શોધી શકીએ એ ખૂબ સારી વાત છે."

સબરીના બોમનના મતે, એકબીજા સાથે ખુલ્લા મને વાતચીત કરવી મહત્ત્વની છે. ઘર રિયલ એસ્ટેટ બીબીસી ગુજરાતી કૅનેડા બ્રિટન અમેરિકા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સબરીના બૉમનના મતે, એકબીજા સાથે ખુલ્લા મને વાતચીત કરવી મહત્ત્વની છે.

ટૉરોન્ટોમાં સબરીનાનું ઘર હોય કે વાનકુવરમાં વિલ્કૉક્સ અને પુલમૅન પરિવારોનું મકાન, બંને કિસ્સામાં કોઈ એક પરિવાર ઘર વેચીને અલગ થવા માગે તો શું કરવું તેની કાનૂની સમજૂતી પહેલેથી જ કરવામાં આવી છે.

બંને મકાનોના કરારમાં ઘર છોડવા માગતી વ્યક્તિએ કેટલા સમય અગાઉથી જાણ કરવી તેની જોગવાઈ છે. સબરીનાના કિસ્સામાં તો ઘર છોડનાર સહનિવાસીએ પોતાનો હિસ્સો વેચતાં પહેલાં ત્યાં રહેતા અન્ય લોકોને તે ખરીદવાની પ્રથમ તક આપવી પડે છે.

ટૉરોનિયોના રિયલ ઍસ્ટેટ ક્ષેત્રનાં વકીલ તાન્યા વૉકરના મતે, આવી કાનૂની ખાતરીઓ અત્યંત જરૂરી છે. વૉકર કહે છે, "માત્ર ઈ-મેઇલ કે ફેસબુક સંદેશાઓના ભરોસે રહેવાને બદલે કાયદેસર રીતે બંધનકર્તા કરાર હોવો જોઈએ. વિવાદ ઊભો થાય ત્યારે આવા સંદેશાઓ એકત્રિત કરવા અને તેના આધારે વાત સાબિત કરવી મુશ્કેલ બની શકે છે."

ફરી વાનકુવરની વાત કરીએ તો, એલિઝાબેથ કહે છે કે બંનેમાંથી કોઈ પરિવારે આ ઘરમાં કેટલો સમય રહેવું તેની કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. તેઓ કહે છે, "અમે બધા આ વ્યવસ્થા અને આ સ્થળથી ખૂબ ખુશ છીએ. એટલે અહીંથી બીજે જવાનું મન થવું મુશ્કેલ છે.

"બાળકો પહેલી વાર ટ્રેમ્પોલિન પર કૂદ્યાં અને ઘરની પાછળના લીલાંછમ ઘાસ પર મન મૂકીને દોડ્યાં, એ દૃશ્યથી અમને જે આનંદ થયો હતો તેનું કોઈ મૂલ્ય આંકી શકાય તેમ નથી. "

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન