હર્ષલ પટેલ : અમેરિકા સેટલ થવાની તક હોવા છતાં ક્રિકેટમાં કૅરિયર બનાવનારા આ સ્ટાર બૉલર હવે ગુજરાત ટાઇટન્સમાં જોડાયા

બીબીસી ગુજરાતી હર્ષલ જુનિયર ક્રિકેટમાં ગુજરાતની ટીમ માટે રમતા હતા, પરંતુ રણજી ટ્રૉફી અને વિવિધ સ્થાનિક (ડૉમેસ્ટિક) ક્રિકેટમાં તેઓ હરિયાણા માટે રમતા હતા.
ઇમેજ કૅપ્શન, હર્ષલ જુનિયર ક્રિકેટમાં ગુજરાતની ટીમ માટે રમતા હતા, પરંતુ રણજી ટ્રૉફી અને વિવિધ સ્થાનિક (ડૉમેસ્ટિક) ક્રિકેટમાં તેઓ હરિયાણા માટે રમતા હતા.
    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, ખેલપત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

વિશ્વભરમાં બારેમાસ ક્રિકેટ રમાતું થઈ ગયું છે, તેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આગમન હવે ક્રિકેટની દૃષ્ટિએ કદાચ ખાસ આકર્ષક ન લાગે.

પરંતુ તેમ છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવતી આ લીગ આવે એટલે કે ભારતમાં ઉનાળાની મોસમ શરૂ થાય તેની સાથે જ ક્રિકેટનો માહોલ પણ ગરમાઈ જાય છે.

હવે આઇપીએલ આવે ત્યારે ક્રિકેટ આવી ગયું તેમ નહીં, પરંતુ રોમાંચ આવી ગયો તેમ કહી શકાય.

એવી ગણતરીઓએ જોર પકડ્યું છે કે, કયો ક્રિકેટર કઈ ફ્રૅન્ચાઇઝી માટે રમશે અને કોને રિટેન કરાશે કે કોને રિલીઝ કરાશે?

તેવામાં ગુજરાત માટે તાજેતરમાં મોટા સમાચાર એ આવ્યા છે કે, તેના પોતાના ખેલાડી અને અમદાવાદમાં જ ઉછરેલા હર્ષલ પટેલ આ વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દરેક મૅચ રમતા જોવા મળશે; કારણ કે હર્ષલ 2027ની આઇપીએલ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે રમવાના છે.

આમ, હર્ષલ માટે આ વતન પરત ફરવા (ઘરવાપસી) સમાન બાબત છે.

હર્ષલ જુનિયર ક્રિકેટમાં ગુજરાતની ટીમ માટે રમતા હતા, પરંતુ રણજી ટ્રૉફી અને વિવિધ સ્થાનિક (ડૉમેસ્ટિક) ક્રિકેટમાં તેઓ હરિયાણા માટે રમતા હતા.

આઇપીએલમાં પણ તે શરૂઆતમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ, દિલ્હી કૅપિટલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યા હતા.

આમ, 2012માં આઇપીએલ કારકિર્દીનો આરંભ કર્યા બાદ તેઓ પહેલી વાર ગુજરાતની ટીમ માટે રમશે. આ દરમિયાન તે 124 મેચ રમ્યો હતો અને તેમાં તેણે 151 વિકેટ ઝડપી હતી.

આ પ્રકારની ઉત્કૃષ્ટ બોલિંગ કરીને તે આ T20 લીગના ઇતિહાસના સૌથી સફળ બોલરોની હરોળમાં આવી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી આઇપીએલની ચર્ચા થાય ત્યારે બે ગુજરાતી ખેલાડીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને એ બંનેએ આ વખતે પોતાની ટીમ બદલી છે.

જેમાં બીજો ખેલાડી હાર્દિક પંડ્યા છે, જે આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ માટે નહીં, પરંતુ પંજાબ કિંગ્સ માટે રમવાનો છે; જ્યારે હર્ષલ પટેલ પોતાની 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વાર પોતાના અમદાવાદના ચાહકો સામે રમશે.

હર્ષલ પટેલ ક્રિકેટજગતમાં 'ગુંજતું નામ'

બીબીસી ગુજરાતી BCCIની વિવિધ જૂનિયર ટીમો માટે આ ઝડપી બૉલર ગુજરાત વતી પણ રમ્યા હતા.
ઇમેજ કૅપ્શન, BCCIની વિવિધ જૂનિયર ટીમો માટે આ ઝડપી બૉલર ગુજરાત વતી પણ રમ્યા હતા.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે ક્રિકેટ એટલે બારેમાસની રમત થઈ ગઈ છે તેમ કહી શકાય. તેમાંય ભારતમાં આઇપીએલ રમાતી હોય ત્યારે આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે દુનિયાભરના ખેલાડીઓ આતુર હોય છે.

બસ, હવે થોડા જ દિવસોમાં આઇપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે અને લગભગ બે મહિના સુધી ક્રિકેટનો ઝગમગાટ, રનની આતશબાજી, વિકેટોના અંબાર, અફલાતૂન ફિલ્ડિંગ, ભારે રોમાંચક મૅચો અને ક્યારેક અમ્પાયરિંગના વિવાદો તો ક્યારેક ખેલાડીઓની એકબીજા સાથેની મેદાન પરની તકરાર – આ બધું જ જોવા મળશે.

એવામાં એક ગુજરાતી તરીકે સૌની નજર ગુજરાતી ખેલાડીઓ પર હોય તે સ્વાભાવિક છે.

અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, શેલ્ડન જેક્સન અને કેટલાક નવોદિતો સહિત આ વખતે ઘણા ગુજરાતીઓ આઇપીએલમાં રમવાના છે; પરંતુ એક ખેલાડીની રમત ખરેખર આકર્ષક છે અને તે છે મૂળ અમદાવાદના પરંતુ હરિયાણા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હર્ષલ પટેલ.

હર્ષલ પટેલ મેદાન પર હોય અને તેમાંય બૉલિંગ કરતા હોય ત્યારે કંઈક ને કંઈક નવું થતું જ રહેતું હોય છે. મૂળ સ્વભાવે તોફાની તો ન કહેવાય, પરંતુ ચંચળ ખરા! એમાંય તેઓ પાછા અમદાવાદના દરિયાપુર વિસ્તારના.

અંતરંગ અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર એટલે એક જમાનામાં તોફાની વિસ્તારની છાપ ધરાવતો વિસ્તાર. શહેરમાં કંઈપણ નાનું-મોટું છમકલું થાય એટલે સૌપ્રથમ કર્ફ્યૂ જાહેર થાય તો તેમાં ખાડિયા અને દરિયાપુરનાં નામ હોય.

જોકે, આ જ વિસ્તારોમાંથી અમદાવાદને, ગુજરાતને અને ભારતને ઘણી અદ્ભુત પ્રતિભાઓ મળી છે. તેમાંની જ એક પ્રતિભા એટલે હર્ષલ પટેલ.

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી આ નામ ગૂંજતું રહ્યું છે; પછી તે આઇપીએલ હોય કે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ હોય. હર્ષલ વિશે વાત કરીએ ત્યારે તેમાં વિદેશનો ઉલ્લેખ પણ કરવો પડે.

ગુજરાતીઓની બીજી ઓળખ એટલે NRI તરીકેની ઓળખ. અમેરિકા, કૅનેડા જાઓ કે બ્રિટન કે પછી વેસ્ટ ઇન્ડીઝ કે ફીજી અથવા દુનિયાના કોઈપણ ખૂણે જાઓ, તો ત્યાં તમને ભારતીય મળી રહે તેવી જ રીતે કોઈને કોઈ ગુજરાતી તો મળી જ રહે.

કદાચ દરેક ગુજરાતીનું એક સ્વપ્ન વિદેશમાં સેટલ થવાનું હોય છે. વિદેશમાં સેટલ થયા પછી પણ ગુજરાતી પોતાની સંસ્કૃતિ જાળવી રાખે તે અલગ વાત છે; પરંતુ ક્યાં જવું છે? તો અમેરિકા કે લંડન! (ઘણા તો લંડનને જ એક દેશ માને છે અને ખુલાસો માગે કે લંડનમાં તમે કયા શહેરમાં રહો છો!) આમ આ તમામ નામો પહેલાં આવે છે.

આ ગુજ્જુભાઈઓમાં એવા પણ કેટલાક છે જેઓ કારકિર્દી બનાવવા માટે અમેરિકા જવાને બદલે ગુજરાતમાં જ ટકી ગયા હોય. આવા જ એક ખેલાડી એટલે હર્ષલ પટેલ! અગાઉ કહ્યું ને કે તેઓ થોડા ચંચળ ખરા...

ક્રિકેટને લીધે અમેરિકા જવાનું ટાળી અમદાવાદમાં જ રોકાયા

બીબીસી ગુજરાતી હર્ષલ પટેલે ગુજરાત છોડીને હરિયાણા માટે રણજી ટ્રૉફી રમવાનો નિર્ણય લીધો.
ઇમેજ કૅપ્શન, હર્ષલ પટેલે ગુજરાત છોડીને હરિયાણા માટે રણજી ટ્રૉફી રમવાનો નિર્ણય લીધો.

લગભગ દોઢેક દાયકા અગાઉ હર્ષલ પટેલના પિતા વિક્રમભાઈ અમેરિકા રવાના થયા. શરૂઆતમાં તો તેઓ દીકરાને પણ સાથે લઈ જવા માગતા હતા; પરંતુ જેમને ક્રિકેટ સિવાય કોઈ ચીજમાં રસ નહોતો, તેવા હર્ષલ પટેલ અમદાવાદમાં જ રોકાઈ ગયા.

આ વાત છે લગભગ 2009-10ની આસપાસની. એ વખતે હર્ષલનો પરિવાર અમેરિકા ગયો અને સાથે હર્ષલને પણ લઈ ગયો; પરંતુ એ જ ગાળામાં હર્ષલ એક ઊભરતા ક્રિકેટર હતા અને તેમને તો આ જ રમતમાં પોતાની કારકિર્દી ઘડવી હતી.

1990ની 23મી નવેમ્બરે અમદાવાદમાં જન્મેલા હર્ષલ શહેરમાં જ સ્થાનિક (ડૉમેસ્ટિક) અને સ્કૂલ ક્રિકેટ રમ્યા. પછી તો BCCIની વિવિધ જૂનિયર ટીમો માટે આ ઝડપી બૉલર ગુજરાત વતી પણ રમ્યા હતા.

અહીં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું; પરંતુ તેને ગુજરાતની રણજી ટીમમાં સ્થાન ન મળ્યું. જેના માટે વિદેશની ઝાકઝમાળભરી કારકિર્દી જતી કરી હતી, તે ક્રિકેટમાં આગળ વધવાની તકો દેખાતી નહોતી; તેથી હર્ષલ પટેલે ગુજરાત છોડીને હરિયાણા માટે રણજી ટ્રૉફી રમવાનો નિર્ણય લીધો.

તેણે ગુજરાત તો ના જ છોડ્યું, પણ ટીમ છોડી દીધી અને પાછું કાયમ માટે રહેવાનું તો અમદાવાદમાં જ! એટલે હરિયાણા માટે રમીને આવ્યા પછી થોડો સમય અમદાવાદમાં રહે અને સિઝન પૂરી થાય એટલે પોતાના ગ્રીન કાર્ડનો ઉપયોગ કરવા માટે પરિવાર પાસે અમેરિકા ચાલ્યા જાય.

જોકે, હવે તો હર્ષલે અમેરિકા જવા માટે પણ સમય કાઢવો પડે છે. સિનિયર ક્રિકેટમાં ઝડપથી સ્થાન હાંસલ કરવા માટે આતુર બનેલા હર્ષલે 2011માં હરિયાણા માટે રમવાનું નક્કી કર્યું અને તેનું નસીબ પલટાયું.

આ અંગે હર્ષલે એક વાર કહ્યું હતું કે, "એ વખતે સંજોગો એવા હતા કે મને લાગ્યું કે ટીમ બદલવાથી કદાચ સિનિયર ક્રિકેટમાં ઝડપથી સ્થાન મળી જશે."

અને એમ જ બન્યું. નવેમ્બર 2011માં તે હરિયાણા વતી દિલ્હી સામે રણજી ટ્રૉફી રમ્યા. એ જ સિઝનમાં કર્ણાટક સામેની બૅંગ્લુરુ ખાતેની મૅચ હર્ષલની કારકિર્દીનો ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ; કારણ કે પહેલાં જ દિવસે તેણે આઠ વિકેટ ઝડપીને કર્ણાટકને માત્ર 151 રનમાં ઑલઆઉટ કરી દીધું.

હરિયાણાની ટીમ કર્ણાટકને તેના જ ગઢ એવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 151 રનમાં ઑલઆઉટ કરે અને એક નવોદિત ગુજરાતી બૉલર આઠ વિકેટ ઝડપી જાય, તેની કદાચ એ દિવસે પેવેલિયનમાં બેસીને મૅચ નિહાળનારા રાહુલ દ્રવિડ કે અનિલ કુંબલેને પણ કલ્પના નહીં હોય. હરિયાણાએ એ મૅચ જીતી લીધી.

કર્ણાટક અને હર્ષલને કંઈક અલગ જ સંબંધ હોય તેમ લાગે છે. આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ માટે રમનારા હર્ષલે જાન્યુઆરી 2012માં આઠ વિકેટ ઝડપ્યા બાદ એ જ વર્ષે ડિસેમ્બરમાં કર્ણાટક સામેની મૅચમાં પાંચ વિકેટ ઝડપી. આ વખતે તો કર્ણાટકની ટીમમાં લોકેશ રાહુલ અને રૉબિન ઉથ્થપા જેવા ખેલાડીઓ પણ રમતા હતા. અને ફરીથી 2013ના ડિસેમ્બરમાં કર્ણાટક સામેની મૅચમાં 11 વિકેટ ઝડપીને તેણે ઝંઝાવાત સર્જી દીધો.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આઇપીએલમાં હર્ષલ વધારે કામયાબ રહ્યા છે. અહીં તેણે હૅટ્રિક પણ લીધી છે તો 151 વિકેટ પણ ખેરવી છે.

કદાચ આ પરફોર્મન્સ બૅંગ્લોરના ટીમ મૅનેજમેન્ટને યાદ રહી ગયું હશે અને 2021ની આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની ટીમે તેને ખરીદી લીધા. આઇપીએલની તે સિઝનમાં તેણે બૅંગ્લુરુ માટે રમીને 32 વિકેટ ખેરવી જેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની હૅટ્રિક પણ સામેલ હતી. આ વખતે રોહિત શર્માની ટીમનો દેખાવ ખાસ નોંધપાત્ર રહ્યો ન હતો ત્યારે બૅંગ્લુરુ સામે દુબઈ ખાતેની મૅચમાં મુંબઈ માત્ર 111 રનમાં આઉટ થઈ ગયું. એક સમયે પાંચ વિકેટે 106 રનના સ્કોર પર મુંબઈના વિજયની અટકળો થતી હતી પરંતુ હર્ષલે ઉપરા ઉપરી બૉલમાં કેઇરોન પૉલાર્ડ અને હાર્દિક પંડ્યા સહિતની ત્રણ વિકેટ ખેરવી લીધી અને મુંબઈને પરાજયમાં ધકેલી દીધું.

સદાય હસતાં રહેતાં હર્ષલની ખાસિયત એ છે કે તે બૉલિંગમાં લય પકડી લે તો ઘાતક બની જાય છે. સ્વિંગ પર આધાર રાખતા આ બૉલરે તેની ફર્સ્ટ ક્લાક કારકિર્દીમાં 232 માંથી અડધો અડધ એટલે કે 125 વિકેટ કૅચઆઉટ દ્વારા અને 68 વિકેટ હરીફ બૅટ્સમૅનોને બોલ્ડ કરીને લીધી છે.

હર્ષલ પટેલને ભારતની ટી20 ટીમમાં નિયમિત તક મળી ન હતી તેમ છતાં 2021થી 2023 દરમિયાન તેઓ ભારત માટે ભારત માટે 25 ટી20 મૅચમાં 29 વિકેટ ઝડપી ચૂક્યા છે.

આઇપીએલમાં હર્ષલ વધારે કામયાબ રહ્યા છે. અહીં તેણે હૅટ્રિક પણ લીધી છે તો 151 વિકેટ પણ ખેરવી છે.

2027ની આઇપીએલની સિઝન અગાઉ આ ઝડપી બૉલરને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ચાર કરોડમાં ગુજરાત ટાઇટન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. 35 વર્ષીય હર્ષલને 2025ની મેગા હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આઠ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. હવે બે વખતના પર્પલ કૅપ વિજેતા હર્ષલ પટેલ ચાર કરોડમાં ગુજરાત ટાઇટન્સ માટે રમશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન