જંગલમાં એકલા બચેલા માત્ર ત્રણ આદિવાસીઓ, એવું શું થયું કે તેમને વન છોડવું પડ્યું?

ઇમેજ સ્રોત, Courtesy of Survival International
- લેેખક, વાલેન્ટિના ઓરોપેઝા
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ત્રણેય જંગલમાં એકલવાયું જીવન જીવતાં હતાં.
અમાકારિયા, જાકારેવાઇજ અને ઇરાઓઆ બ્રાઝિલના ઍમેઝોનના ઉત્તરપૂર્વીય છેડે આવેલા પોતાના પ્રદેશમાં શિકાર કરતાં, માછલીઓ પકડતાં તથા ફળો અને મધ એકઠું કરતાં હતાં. પરંતુ જ્યારે તેમણે 'ચીસો પાડતા હોય તેવા' કરવતના અવાજો સાંભળ્યા, ત્યારે તેઓ ભાગીને સંતાઈ ગયાં.
અમાકારિયા અને જાકારેવાઇજ બહેનો હતી. ઇરાઓઆ, જાકારેવાઇજનો પુત્ર હતો.
ત્રણેય વર્ષો સુધી સંપૂર્ણપણે એકલવાયું જીવન જીવવામાં સફળ રહ્યાં હતાં. પરંતુ લાકડાં કાપનારા, વસાહતીઓ અને પશુપાલકોની વધતી જતી ઘૂસણખોરીને કારણે તેમને એક સ્થાયી સમુદાયમાં આશરો લેવો પડ્યો. આ સમુદાય વિસ્તારના બિનઆદિવાસી લોકોના સંપર્કમાં રહેતો હતો.
બિનસરકારી સંસ્થા સર્વાઇવલ બ્રાઝિલનાં ડિરેક્ટર સારાહ શેન્કર કહે છે કે, "જંગલમાં તેમને શ્વસનતંત્રના રોગો, ફ્લૂ અને ક્ષયરોગ લાગુ પડ્યા હતા અને શિકાર કરવાની તેમની શક્તિ ઘટી ગઈ હતી." આ સંસ્થા આદિવાસીઓના પ્રાદેશિક અધિકારોના રક્ષણ માટે કાર્યરત છે.
તેઓ 2015ના અંતમાં તે સમુદાયમાં અમાકારિયા, જાકારેવાઇજ અને ઇરાઓઆને મળ્યાં હતાં. એ મુલાકાતને યાદ કરતાં તેઓ કહે છે કે, "તેઓ માત્ર 3 જ હતાં; તેથી તેમના માટે ખોરાક મેળવવા કે તેમને ખાવામાં મદદ કરવા માટે શિકાર કરી શકે, એવું બીજું કોઈ નહોતું."
અમાકારિયા, જાકારેવાઇજ અને ઇરાઓઆનું વિસ્થાપન ગ્રેટ કારાજાસ પ્રૉજેક્ટને કારણે થયું હતું. આ પ્રૉજેક્ટમાં આદિવાસીઓના આવાઓ પ્રદેશના મધ્ય ભાગમાં વિશ્વના સૌથી મોટા ખાણકામ સંકુલો પૈકીના 1નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
1980ના દાયકામાં શરૂ થયેલી આ યોજનામાં 3 ઉદ્દેશોનો સમાવેશ થતો હતો: વિશ્વની સૌથી મોટી ખુલ્લી ખાણમાંથી લોખંડનું ખનન કરવું, રેલવેનું નેટવર્ક ઊભું કરવું અને જંગલમાંથી પસાર થતા માર્ગોનું નેટવર્ક બનાવવું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લાકડાં કાપનારા તેમને મારી નાખશે"

ઇમેજ સ્રોત, Courtesy of Survival International
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધકો સામાન્ય રીતે આવાઓ આદિવાસીઓની નજીક જવાનું ટાળે છે. સારાહ શેન્કરના જણાવ્યા અનુસાર, તેમના એકલવાયા રહેવાના અધિકાર અને સ્વનિર્ણયના અધિકારનો આદર કરવા માટે તેઓ આમ કરે છે. પરંતુ આ કિસ્સામાં ઇરાઓઆ પોતાની સાથે જે કંઈ બન્યું હતું, તે જણાવવા તૈયાર હતો.
સર્વાઇવલ ઇન્ટરનેશનલ દ્વારા ગયા વર્ષે પ્રકાશિત કરવામાં આવેલા 'રેઝિસ્ટિંગ ટુ ઍક્ઝિસ્ટ: ધ ગ્લોબલ સ્ટ્રગલ ઑફ ઇન્ડિજિનસ પીપલ્સ ઇન આઇસોલેશન' (અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ: એકલવાયાં આદિવાસી સમુદાયોનો વૈશ્વિક સંઘર્ષ) નામના અહેવાલમાં નોંધાયેલા નિવેદનમાં ઇરાઓઆએ કહ્યું હતું કે, "અમે ડરી ગયા હતા, અમે ફસાઈ ગયા હતા."
અમાકારિયા, જાકારેવાઇજ અને ઇરાઓઆને શોધી કાઢનાર સમુદાયના એક આવાઓ આદિવાસીએ સર્વાઇવલના નિષ્ણાતોને સમજાવ્યું હતું કે, "તેઓ લાકડાં કાપનારાઓથી ઘેરાઈ ગયાં હતાં."
"અમે નજીકમાં કરવતોના ઘણા અવાજો સાંભળ્યા હતા અને લાકડાંની હેરફેર કરવા માટે રસ્તાઓ સાફ કરતા ટ્રૅક્ટરોનો અવાજ પણ સાંભળ્યો હતો. ઘણાં વૃક્ષો પર તેમને કાપવા માટે નિશાન કરવામાં આવ્યાં હતાં. તેથી અમે તેમને કહ્યું કે, 'અમારી સાથે આવો, નહીં તો લાકડાં કાપનારા તમને મારી નાખશે.' અને તેઓ અમારી સાથે આવ્યાં."
આ આદિવાસીઓ આટલા એકાંતમાં કઈ રીતે રહ્યા?
એ મુલાકાતના 11 વર્ષ પછી શેન્કર એક સમાચારથી ચિંતિત છે. સોમવાર, 16 નવેમ્બરના રોજ બ્રાઝિલના મારાન્યો રાજ્યમાં આવેલા અરારિબોઇઆ આદિવાસી વિસ્તારમાં બ્રાઝિલના રાષ્ટ્રીય આદિવાસી જનજાતિ ફાઉન્ડેશન (ફુનાઈ)ની એક ચોકી પર 20 આવાઓ આદિવાસીઓ દેખાયા હતા.
જંગલની અંદર એકાંતવાસમાં રહેતા આવાઓનો સંપર્ક તવારિ ગામના ગુઆજારા (તેનેતેહાર) આદિવાસીઓ સાથે થયો હતો. સર્વાઇવલના જણાવ્યા અનુસાર ગુઆજારા આદિવાસીઓએ તેમને ખાવા યોગ્ય કંદમૂળ, એટલે કે રતાળુ આપ્યાં હતાં.
"આ એક ચિંતાજનક સંકેત છે. અમે આવું દૃશ્ય જોવા ઇચ્છતા નહોતા," શેન્કર કહે છે. "આજે એકાંતવાસમાં રહેતા આવાઓ પોતાના લોકો પર દાયકાઓ સુધી થયેલા હત્યાકાંડો અને નરસંહારની ઘટનાઓમાંથી બચી ગયેલા લોકો છે."
તેઓ વધુમાં કહે છે કે, "આપણે આ વાતનો વિચાર તેમનાં જીવન અને જંગલના સ્વાસ્થ્ય વચ્ચેના સીધા સંબંધને ધ્યાનમાં લીધા વિના કરી શકીએ નહીં. તેઓ જીવિત રહેવા માટે સંપૂર્ણપણે જંગલ પર આધારિત છે. તેમનો ખોરાક, પાણી, દવા, આધ્યાત્મિક જીવન અને બીજી દરેક જરૂરિયાત જંગલમાંથી જ પૂરી થાય છે; કારણ કે તેઓ વિચરતી શિકારી-સંગ્રાહક પ્રજા છે."
શેન્કર જણાવે છે કે, વનનાબૂદીને કારણે વિસ્તારો વધુ સૂકા બને છે અને આગ લાગવાની સંભાવના વધી જાય છે. તાજેતરનાં વર્ષોમાં ઍમેઝોનના જંગલોમાં સૂકી ઋતુ દરમિયાન આવું જોવા મળ્યું છે.
જંગલમાં લાગતી આગ શિકારની પ્રવૃત્તિને પણ કાયમી નુકસાન પહોંચાડે છે. "આવાઓ જે પ્રાણીઓ પર નિર્ભર છે, તેઓ વૃક્ષો ન રહેવાને કારણે મૃત્યુ પામે છે અથવા સ્થળાંતર કરી જાય છે. જ્યાં વધુ બાંધકામ થયું હોય, ત્યાં શિકાર માટે પ્રાણીઓનું ટકી રહેવું વધુ મુશ્કેલ બને છે."
2002માં સર્વાઇવલ દ્વારા એકત્રિત કરવામાં આવેલા નિવેદનમાં તો'ઓ નામના આવાઓ આદિવાસીએ કહ્યું હતું કે, "ભૂતકાળમાં અમે ઘણાં પ્રાણીઓનો શિકાર કરતા હતા. ત્યાં ઘણા હાઉલર વાંદરા અને હરણ હતાં, પરંતુ હવે તેમની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે; કારણ કે તેમણે જંગલ કાપી નાખ્યું છે."
"અમારા પ્રદેશ વિના જીવન ખૂબ મુશ્કેલ બની જશે. દરરોજ શિકારનાં પ્રાણીઓ વધુ ને વધુ દૂર જતાં રહે છે. તેથી અમારું ભવિષ્ય કેવું હશે, તે હું જાણતો નથી. અમે અમારા પ્રદેશ માટે લડીશું. અમે તેમને અમારી જમીનનો નાશ કરવા દઈશું નહીં."

ઇમેજ સ્રોત, Courtesy of Survival International
શેન્કર ચેતવણી આપે છે કે, શિકાર કરવામાં પડતી મુશ્કેલીઓની અસર માત્ર આવાઓ પર જ નહીં, પરંતુ તેમને કંદમૂળ આપીને આવકારનારા ગુઆજારા સમુદાય પર પણ પડે છે.
તેઓ કહે છે કે, "જો જંગલના એક જ વિસ્તારમાં લાકડાં કાપનારા લોકો અને એકાંતવાસી આવાઓ હાજર હોય, તો શક્ય છે કે લાકડાં કાપનારા લોકો આવાઓ પર પોતાના શસ્ત્રોનો ઉપયોગ કરે. હું એમ નથી કહેતી કે, અત્યારે આવું થઈ રહ્યું છે; પરંતુ આવું બની શકે છે, કારણ કે આ જૂથો ભારે શસ્ત્રોથી સજ્જ છે અને વૃક્ષો કાપીને નાણાં કમાવવાની લાલસામાં અધીરા બનેલાં છે."
શેન્કર આ જોખમો ઉપરાંત આવાઓમાં રોગચાળો ફેલાવાનો ભય પણ દર્શાવે છે. એકાંતવાસને કારણે તેઓ એવા ચેપી રોગકારકોના સંપર્કમાં ક્યારેય આવ્યા નથી; તેથી તેની સામે લડવા માટે તેમની રોગપ્રતિકારક શક્તિ સજ્જ નથી.
"ઘૂસણખોરોને બહાર રાખવા માટે મજબૂત અને કાયમી પગલાં લેવાં જરૂરી છે; અન્યથા આવાઓ માટે જીવિત રહેવું શક્ય નહીં બને."
બ્રાઝિલના સત્તાવાળાઓએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તેમની પ્રાથમિકતા "એકાંતવાસમાં રહેતા આવાઓનાં જીવન, આરોગ્ય અને સ્વાયત્તતાનું રક્ષણ સુનિશ્ચિત કરવાની છે (...), જેમાં તેમના પ્રદેશનું રક્ષણ, આરોગ્યને લગતાં જોખમોનું નિવારણ અને આદિવાસી પ્રજાઓના પોતાના નિર્ણયો જાતે લેવાના અધિકારનું સન્માન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે."
જંગલમાં પરત ફરતી વખતે આદિવાસીઓએ પોતાનાં નિશાન ભૂંસી નાખ્યાં

ઇમેજ સ્રોત, Courtesy of Survival International
શેન્કર યાદ કરે છે કે અમાકારિયા અને જાકારેવાઈજ નામની બહેનોની તબિયત એટલી બગડી ગઈ હતી કે તેમની સારવાર માટે તેમને હેલિકૉપ્ટર દ્વારા મારાન્યો રાજ્યની રાજધાની સાન લુઈસ લઈ જવી પડી હતી, જ્યાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
તબિયતમાં સુધારો થયા પછી બંનેએ ફરી જંગલમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો, જ્યારે ઇરાઓઆએ તેમને આશ્રય આપનાર સમુદાયમાં જ રહેવાનું પસંદ કર્યું.
અમાકારિયા અને જાકારેવાઈજ જ્યારે ત્યાંથી નીકળ્યાં ત્યારે તેમણે જમીન પરનાં પોતાનાં પગલાંનાં નિશાન એવી રીતે ભૂંસી નાખ્યાં કે કોઈ તેમને શોધી ન શકે.
"જંગલમાં કેટલાક મહિના વિતાવ્યા પછી જાકારેવાઈજનું મૃત્યુ થયું. અમાકારિયા એકલી પડી ગઈ અને ફરીથી એ સમુદાયમાં પાછી આવી."
ત્યારથી અમાકારિયા એકાંતવાસી જીવન જીવવા માટે ફરી ક્યારેય જંગલમાં પાછી ફરી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























