GTA 6 : 13 વર્ષ પછી આવેલી આ ગેઇમનો ભારત સહિત દુનિયાભરમાં કેમ જોવા મળી રહ્યો છે ક્રેઝ?

બીબીસી ગુજરાતી GTA 6 : 13 વર્ષની રાહ જોયા પછી પણ ભારત સહિત દુનિયાભરમાં આ ગેઇમનો આટલો ક્રેઝ કેમ છે?
ઇમેજ કૅપ્શન, GTA6 શું છે અને 13 વર્ષ બાદ આવેલી ગ્રાન્ડ થેફ્ટ ઑટોની નવી સિરીઝની આટલી ચર્ચા કેમ છે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

પ્રખ્યાત ગેઇમ 'ગ્રાન્ડ થેફ્ટ ઑટો 6' (GTA 6) વિશ્વના અનેક ભાગોમાં રિલીઝ થઈ ચૂકી છે. તેની સાથે જ ગેઇમની નવી કડી માટેનો 13 વર્ષનો ઇંતજાર પૂર્ણ થયો છે.

વિવિધ ટાઇમ ઝોનમાં મધરાત થતાં જ આ ગેઇમને ધીમે-ધીમે રિલીઝ કરવામાં આવી રહી છે. તેનો અર્થ એ છે કે, વિશ્વભરમાં ઘણા લોકો તેને પહેલેથી જ રમી ચૂક્યા છે.

ભારતમાં પણ GTA 6 ગુરુવારે (19 નવેમ્બરે) રિલીઝ કરવામાં આવી રહી છે.

આ ગેઇમમાં ખેલાડીઓ લિયોનિડા નામના એક કાલ્પનિક અમેરિકન રાજ્યની સફર કરી શકે છે. 3D સેટિંગ ધરાવતી ગેઇમના આ સંસ્કરણમાં શ્રેણીનાં પ્રથમ મહિલા પાત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.

13 વર્ષની લાંબી રાહ, રેકૉર્ડબ્રેક ટ્રેલર અને અનેક વખત રિલીઝ મુલતવી રહ્યા બાદ, સમીક્ષકોએ વર્ષના સૌથી મોટા પ્રશ્નોમાંથી એકનો જવાબ આપી દીધો છે. આ જવાબ શું છે, તે વિશે આગળ જાણીએ.

કોઈ ફિલ્મના આગામી ભાગ માટે 13 વર્ષ રાહ જોવી લાંબી લાગી શકે છે.

પરંતુ GTA 6 માટે લોકોમાં એટલો ઉત્સાહ છે કે, ઘણા લોકો ઑફિસમાંથી રજાઓ પણ લઈ રહ્યા છે. ઘણા લોકો મોડી રાત્રે જાગીને આ ગેઇમ રમી રહ્યા છે.

આ ગેઇમ 'રૉકસ્ટાર ગેઇમ્સ' દ્વારા બનાવવામાં આવી છે. રૉકસ્ટાર ગેઇમ્સ એ એક અમેરિકી વીડિયો ગેઇમ કંપની છે. તે "ગ્રાન્ડ થેફ્ટ ઑટો" અને "રેડ ડેડ રિડેમ્પશન" જેવી પ્રખ્યાત ગેઇમ શ્રેણીઓ માટે જાણીતી છે.

GTA 6 વિશે સમીક્ષકોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી પ્રખ્યાત ગેઇમ 'ગ્રાન્ડ થેફ્ટ ઑટો 6' (GTA 6) વિશ્વના અનેક ભાગોમાં રિલીઝ થઈ ચૂકી છે. તેની સાથે જ ગેઇમની નવી કડી માટેનો 13 વર્ષનો ઇંતજાર પૂર્ણ થયો છે.
ઇમેજ કૅપ્શન, એક સમીક્ષકે તેને માસ્ટરપીસ ગણાવી છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શું GTA 6, જેને અત્યાર સુધીની સૌથી વધુ રાહ જોવાતી ગેઇમ માનવામાં આવે છે, અપેક્ષાઓ પર ખરી ઊતરી રહી છે?

પ્રારંભિક સમીક્ષાઓ અનુસાર તેનો જવાબ જોરદાર "હા" છે.

સમીક્ષકોના અભિપ્રાયોને એકત્ર કરતી વેબસાઇટ મેટાક્રિટિકે તેને 100માંથી સરેરાશ 99 અંક આપ્યા છે. લગભગ બધા જ સમીક્ષકો આ વાત પર સંમત છે કે, આ ઓપન-વર્લ્ડ ઍક્શન ગેઇમ મહત્ત્વાકાંક્ષી છે અને નવાં ધોરણો પ્રસ્થાપિત કરનારી છે.

તેમના જણાવ્યા અનુસાર, ગેઇમનું આ સંસ્કરણ ખરેખર રાહ જોવા લાયક હતું.

જોકે, દરેક વ્યક્તિ તેનાં વખાણ સાથે સંમત નથી. ઑનલાઇન ફોરમ પર કેટલાક લોકોએ આ ગેઇમ વિશે અતિશય ઉત્સાહ દર્શાવવા અંગે વાંધો ઉઠાવ્યો છે. એક યુઝરે તેને "અતિઉત્સાહી ચાહકોનો પ્રચાર" ગણાવ્યો છે.

પરંતુ તેમાં કોઈ શંકા નથી કે, સમીક્ષકોએ ગેઇમની ભરપૂર પ્રશંસા કરી છે. ગેઇમિંગ વેબસાઇટ IGNએ GTA 6ને અભૂતપૂર્વ અને અવિશ્વસનીય ગણાવી છે.

જ્યારે પાંચ સ્ટાર રેટિંગ આપતી યુરોગેઇમરે જણાવ્યું હતું કે, આ ગેઇમ બનાવનારી કંપની રૉકસ્ટારે ગ્રાફિક્સ અને વાર્તાના મામલે "ફરી એક વાર વીડિયો ગેઇમની સીમાઓને આગળ ધપાવી છે."

સમીક્ષક યુસુફ કોલે જણાવ્યું કે, GTA 6 પોતાના યાદગાર કાર અકસ્માતો અને લૂંટફાટથી આગળ વધી ચૂકી છે. તેમાં દરેક ઍક્શનનું પરિણામ પણ જોવા મળે છે.

પરંતુ તેમણે લખ્યું હતું કે, "મારી કેટલીક મનપસંદ ક્ષણો એવી રહી છે જેમાં પોલીસની ગાડીઓ મારો પીછો કરતી હોય છે અને હું અતિશય ઝડપે રસ્તાઓ પર વાહન દોડાવી રહ્યો હોઉં છું."

ગેઇમના ગ્રાફિક્સ અંગે ઘણી અપેક્ષાઓ હતી અને અત્યાર સુધી સમીક્ષકોને તેનાથી નિરાશા થઈ નથી. 'ધ ગાર્ડિયને' ગેઇમની પૃષ્ઠભૂમિ લિયોનિડાને એટલી જીવંત ગણાવી છે કે, "ઘણી વખત તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે."

ગેઇમનાં મુખ્ય પાત્રો જેસન અને લુસિયા વચ્ચેનો સંબંધ પણ સમીક્ષકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. ગાર્ડિયનની કીઝા મૅક્ડોનાલ્ડે લખ્યું કે, "તેઓ વાસ્તવિક લોકો જેવા લાગે છે, એવાં પાત્રો જેવાં નહીં કે જે તમારી મરજી મુજબ કામ કરતાં હોય."

બ્લૂમબર્ગે પાંચ સ્ટાર રેટિંગ આપતાં GTA 6ને માસ્ટરપીસ ગણાવી છે.

રૉકસ્ટારે હજી સુધી ગેઇમ બનાવવામાં થયેલા ખર્ચ અંગે માહિતી આપી નથી. પરંતુ કેટલાક અંદાજો મુજબ તેને બનાવવાની કિંમત $1 અબજ (અમેરિકન ડૉલર) કરતાં પણ વધુ હોઈ શકે છે.

ગેઇમિંગ પત્રકાર જૉર્ડન મિડલર આ ગેઇમને અત્યાર સુધી લગભગ 100 કલાક રમી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, હજી પણ આ ગેઇમમાં ઘણું બધું છે, જેને તેઓ અજમાવવા માગે છે.

તેમણે કહ્યું કે, "અગાઉની GTA ગેઇમોમાં મહિલાઓને જે રીતે દર્શાવવામાં આવી છે, તે પુરુષપ્રધાન વિચારસરણી દર્શાવે છે. લુસિયાનો સમાવેશ કરવો અને તેને માત્ર નામ પૂરતું પાત્ર ન રાખતાં વાર્તામાં તેનું સ્વાભાવિક સ્થાન આપવું એ મોટી વાત છે. તેમાં કોઈ શંકા નથી કે તે ટૂંક સમયમાં ચાહકોની મનપસંદ બની જશે."

ગેઇમિંગ ઉદ્યોગના સૌથી વધુ જોવામાં આવતા સમારંભ 'ધ ગેઇમ ઍવૉર્ડ્સે' મંગળવારે 2026નાં નામાંકનોની જાહેરાત કરી હતી. તે સમયે રિલીઝ ન થઈ હોવા છતાં GTA 6ને સૌથી વધુ નામાંકન મળ્યાં હતાં.

તેને આઠ પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી છે. તેમાં ગેઇમ ઑફ ધ યર અને શ્રેષ્ઠ સંગીતના પુરસ્કારોનો સમાવેશ થાય છે.

ભારતમાં GTA 6 ક્યારે અને કેવી રીતે રમી શકાશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારતમાં GTA6 19 નવેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યાથી રમી શકાશે.

ભારતમાં GTA 6ને 19 નવેમ્બરની રાત્રે 12 વાગ્યાથી રમી શકાશે. રૉકસ્ટારના જણાવ્યા અનુસાર, આ ગેઇમ દરેક દેશમાં સ્થાનિક સમય મુજબ ઉપલબ્ધ થશે.

પ્લેસ્ટેશન 5 અને ઍક્સબૉક્સ સિરીઝ X અથવા S એ ગેઇમિંગ કન્સોલ છે. આ વીડિયો ગેઇમ રમવા માટે જ બનાવવામાં આવેલાં વિશેષ મશીન છે, જેને ટીવી અથવા મૉનિટર સાથે જોડીને હાથમાં પકડાતા કંટ્રોલર વડે રમવામાં આવે છે. GTA 6 રમવા માટે આ પૈકીનું કોઈ એક કન્સોલ હોવું જરૂરી છે.

ભારતમાં પ્લેસ્ટેશન અને ઍક્સબૉક્સ સ્ટોર પર ગેઇમના સ્ટાન્ડર્ડ ઍડિશનની કિંમત ₹5,999 અને અલ્ટિમેટ ઍડિશનની કિંમત ₹7,499 છે.

સ્ટાન્ડર્ડ ઍડિશનમાં સંપૂર્ણ મુખ્ય વાર્તા મળે છે. જ્યારે અલ્ટિમેટ ઍડિશનમાં વધારાનાં વાહનો, શસ્ત્રો, કપડાં અને અન્ય ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે. જો માત્ર વાર્તા જ રમવી હોય, તો સ્ટાન્ડર્ડ ઍડિશન પૂરતું છે.

જો તમારી પાસે GTA 6 ચલાવી શકે તેવું કન્સોલ ન હોય, તો તે પણ ખરીદવું પડશે. ઉદાહરણ તરીકે, પ્લેસ્ટેશન 5 ડિજિટલ ઍડિશનની કિંમત ₹64,990 છે. તેમાં ગેઇમના ₹5,999 ઉમેરતાં કુલ ખર્ચ ₹70,989 થાય છે. આમાં ટીવી અથવા મૉનિટર અને ઇન્ટરનેટનો ખર્ચ સામેલ નથી.

ગેઇમ ડાઉનલોડ કરવા માટે કન્સોલ મુજબ 212 GB (જીબી) સુધીની સ્ટોરેજ સ્પેસ રાખવી પડી શકે છે.

આ ગેઇમ 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે જ નિર્ધારિત કરવામાં આવી છે. તેમાં હિંસા, નશાકારક પદાર્થો, સેક્સ અને નગ્નતા સંબંધિત સામગ્રી અંગેની ચેતવણી પણ આપવામાં આવી છે.

જોકે હાલ જાહેર કરવામાં આવેલી ભાષાઓની યાદીમાં હિંદીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

GTA 6ના પ્રથમ સત્તાવાર ટ્રેલરને ડિસેમ્બર 2023માં પ્રથમ 24 કલાક દરમિયાન યુટ્યુબ પર 9.3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું હતું.

મે 2025માં આવેલા બીજા ટ્રેલરને વિવિધ પ્લેટફોર્મ પર પ્રથમ 24 કલાકમાં 47.5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

GTA 6ના ટ્રેલર પ્રત્યેનો ઉત્સાહ ગેઇમની વિસ્તૃત ઝલક દરમિયાન પણ જોવા મળ્યો હતો. 27 ઑગસ્ટ, 2026ના રોજ આ ઝલક સૌપ્રથમ નેટફ્લિક્સ પર દર્શાવવામાં આવી હતી.

ઍમ્પિયર ઍનાલિસિસના 10 સપ્ટેમ્બરના અહેવાલ (રિપોર્ટ) અનુસાર, તેના કારણે તે જ દિવસે અમેરિકામાં એક લાખથી વધુ લોકોએ નેટફ્લિક્સ માટે સાઇન અપ કર્યું હતું.

ગેઇમિંગ બજાર પર નજર રાખતી અન્ય કંપની ન્યૂઝૂનો અંદાજ છે કે, રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ GTA 6નું વેચાણ $3.25 અબજથી $5.2 અબજ વચ્ચે પહોંચી શકે છે.

GTA ની શરૂઆત ક્યાંથી થઈ?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, GTAની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી.

GTAની શરૂઆત 1997માં થઈ હતી.

પ્રથમ ગેઇમ આજની GTAથી સંપૂર્ણપણે અલગ દેખાતી હતી. ખેલાડી ઉપરથી દેખાતી પિક્સેલ-આધારિત દુનિયામાં ગાડીઓ ચોરી કરતો અને ગુનાહિત ગૅંગ માટે કામ કરતો હતો. સમય જતાં ગેઇમનાં દૃશ્યો, વાર્તા અને દુનિયા વધુ વિગતવાર બનતાં ગયાં.

આ શ્રેણીનાં મૂળ અમેરિકામાં નહીં, પરંતુ સ્કૉટલૅન્ડના ડંડી શહેરના એક નાના ગેઇમ સ્ટુડિયોમાં હતાં.

બીબીસીના 'ધ ગ્લોબલ સ્ટોરી' કાર્યક્રમે 13 નવેમ્બર 2026ના રોજ GTAની આ સફર પર એક વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો.

ત્યારબાદની ગેઇમ્સમાં લિબર્ટી સિટી, વાઇસ સિટી અને લૉસ સાન્ટોસ જેવાં કાલ્પનિક અમેરિકન શહેરોને એક વિશાળ ખુલ્લી દુનિયામાં પરિવર્તિત કરવામાં આવ્યાં.

સપ્ટેમ્બર 2013માં આવેલી GTA 5 લૉસ એન્જિલિસથી પ્રેરિત લૉસ સાન્ટોસ પર આધારિત હતી. તેમાં માઇકલ, ફ્રેન્કલિન અને ટ્રેવર નામનાં ત્રણ મુખ્ય પાત્રો હતાં.

તે પછી મુખ્ય GTA શ્રેણીમાં કોઈ નવી ગેઇમ આવી નહોતી. તેથી GTA 6 માટેની રાહ વર્ષોવર્ષ વધતી ગઈ.

ગેઇમ બનાવનારી કંપની રૉકસ્ટારે 4 ફેબ્રુઆરી, 2022ના રોજ પ્રથમ વખત જાહેરમાં જણાવ્યું હતું કે, નવી GTA પર કામ ચાલી રહ્યું છે અને ગેઇમનું વિકાસ કાર્ય ઘણું આગળ વધી ચૂક્યું છે.

જોકે, કંપનીએ એ જણાવ્યું નહોતું કે, તેના વિકાસનું કામ વાસ્તવમાં ક્યારે શરૂ થયું હતું.

આ દરમિયાન રૉકસ્ટારે 2018માં 'રેડ ડેડ રિડેમ્પશન 2' જેવી મોટી ઓપન-વર્લ્ડ ગેઇમ પણ રિલીઝ કરી હતી.

કંપનીની ગેઇમ્સમાં વિશાળ દુનિયા, અનેક પાત્રો અને નાની-નાની જગ્યાઓ સુધીનું સૂક્ષ્મ કામ જોવા મળે છે. આવી ગેઇમ્સ તૈયાર કરવામાં ઘણાં વર્ષો લાગી જાય છે.

તેની સાથે GTA ઑનલાઇન સતત સક્રિય રહ્યું. તેમાં લોકો ઇન્ટરનેટ દ્વારા મિત્રો અને અન્ય ખેલાડીઓ સાથે રમી શકે છે. રૉકસ્ટાર તેમાં નવાં મિશન, વાહનો, વ્યવસાયો અને અન્ય અનેક વસ્તુઓ ઉમેરતી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન