ડેન્ગ્યુ સામે અનોખું હથિયાર: હવે માણસો પહેલાં મચ્છરોનો થઈ રહ્યો છે PCR ટેસ્ટ, જાણો કેવી રીતે?

ડૅન્ગ્યુનું મચ્છર
    • લેેખક, શારદા વી
    • પદ, બીબીસી તમિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

શું કોઈ શેરીમાં ડેન્ગ્યુનો ફેલાવો શરૂ થયા પછી જ આરોગ્ય વિભાગ પગલાં લઈ શકે? ના. એ વિસ્તારના મચ્છરોમાં ડેન્ગ્યુના વાઇરસની હાજરી અગાઉથી પણ જાણી શકાય છે.

આ જ કારણથી તમિલનાડુનો આરોગ્ય વિભાગ મચ્છરો પકડીને, તેમને મસળીને, તેમના પર પીસીઆર (PCR) પરીક્ષણ કરી રહ્યો છે. આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? તેના દ્વારા ડેન્ગ્યુને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે?

મચ્છરોને એક નાની શીશીમાં પકડવામાં આવે છે. તેમાં થોડું પ્રવાહી ઉમેરવામાં આવે છે. કાચની સળી વડે મચ્છરોને બારીક રીતે મસળી નાખવામાં આવે છે. ત્યાર બાદ આ પ્રવાહી પર વિવિધ પરીક્ષણો કરવામાં આવે છે. સાંભળવામાં આ પ્રક્રિયા થોડી વિચિત્ર લાગે, પરંતુ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવા માટે તમિલનાડુનો આરોગ્ય વિભાગ આ મહત્ત્વની દેખરેખ પદ્ધતિ અપનાવી રહ્યો છે.

સામાન્ય રીતે, કોઈ વ્યક્તિને ડેન્ગ્યુનો ચેપ લાગ્યા પછી જ તેનું નિદાન થાય છે. પરંતુ માણસોમાં બીમારીનાં લક્ષણો દેખાય તે પહેલાં જ કોઈ ચોક્કસ વિસ્તારમાં ડેન્ગ્યુના વાઇરસનો ફેલાવો થઈ રહ્યો હોવાના પુરાવા મળી જાય તો? મચ્છરો પર કરવામાં આવતું આ પીસીઆર પરીક્ષણ આ જ હેતુથી હાથ ધરવામાં આવ્યું છે.

મચ્છરો કેવી રીતે પકડવામાં આવે છે?

મચ્છર પકડવાની પદ્ધતિ

ડેન્ગ્યુનો ફેલાવો એડીસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર દ્વારા થાય છે. માદા મચ્છર માણસોને કરડે છે અને તેમનું લોહી ચૂસે છે. ઇંડાં પેદા કરવા માટે જરૂરી પ્રોટીન મેળવવા તેને લોહીની જરૂર પડે છે. નર મચ્છર માણસોને કરડતા નથી.

એડીસ મચ્છર મુખ્યત્વે દિવસ દરમિયાન કરડે છે. તેમના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોવાથી તેમને 'ટાઇગર મચ્છર' પણ કહેવામાં આવે છે.

આરોગ્ય વિભાગમાં કાર્યરત કીટશાસ્ત્રી આનંદ કહે છે, "એડીસ મચ્છર સામાન્ય રીતે અંધારાવાળી અને પ્રમાણમાં ઠંડી જગ્યાએ રહે છે. તેમના શરીર પરનાં સફેદ ટપકાં વડે તેમને બીજા મચ્છરોથી અલગ ઓળખી શકાય છે. કેટલીક વાર અમે બિલોરી કાચનો પણ ઉપયોગ કરીએ છીએ."

ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ મચ્છર પકડવા માટે ખાસ પ્રકારની નળીઓનો ઉપયોગ કરે છે. આ નળીઓમાં ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરો ઉપરાંત હાથીપગો ફેલાવતા ક્યુલેક્સ (Culex) મચ્છરો સહિતની અન્ય પ્રજાતિઓના મચ્છરોને પણ પકડી શકાય છે.

રોજેરોજ મચ્છરો એકત્રિત કરવાની કામગીરી કરતા કર્મચારીઓ તેમને જોતાંવેંત ઓળખી શકે છે. ત્યાર બાદ પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને એડીસ મચ્છર હોવાની ખાતરી કરવામાં આવે છે.

મચ્છરોને મસળવાની જરૂર શી?

મચ્છર પકડી રહેલા લોકો

એકત્રિત કરવામાં આવેલા એડીસ મચ્છરોને પરીક્ષણની નળીઓમાં ભરીને પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે.

તમિલનાડુમાં ચેન્નાઈ અને હોસુરની જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓમાં આ પરીક્ષણ થઈ શકે છે.

ચેન્નાઈના ટેનામપેટ વિસ્તારમાં આવેલી રાજ્યની જાહેર આરોગ્ય પ્રયોગશાળાના ઉપનિયામક રાજુ કહે છે, "તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાંથી મચ્છરોના નમૂના અહીં આવે છે. એક જ વિસ્તારમાંથી પકડવામાં આવેલા 25 એડીસ મચ્છરોને એક શીશીમાં એકત્રિત કરવામાં આવે છે. તેમાં પ્રવાહી ઉમેરીને કાચની સળી વડે બારીક મસળી નાખવામાં આવે છે."

મચ્છરોને મસળવાનો હેતુ તેમના શરીરમાં રહેલા વાઇરસ સહિતના જૈવિક ઘટકોને અલગ કરીને તેમની તપાસ કરવાનો છે.

મસળેલા મચ્છરોમાંથી મેળવેલા પ્રવાહીમાં વિવિધ ઘટકો હોય છે. તેમાંથી આરએનએ (RNA) અલગ તારવવામાં આવે છે. ત્યાર બાદ નમૂનામાં ડેન્ગ્યુના વાઇરસનું આરએનએ હાજર છે કે નહીં તે જાણવા પીસીઆર પરીક્ષણ કરવામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, માણસના લોહીના નમૂનામાં જેમ ડેન્ગ્યુના વાઇરસની હાજરી તપાસવામાં આવે છે, એવી જ રીતે મચ્છરોના નમૂનાની પણ તપાસ કરવામાં આવે છે.

શેરીમાં વાઇરસની હાજરી જણાય તો શું થાય?

મચ્છર પકડવાની કામગીરી

પરીક્ષણમાં ડેન્ગ્યુના વાઇરસની હાજરીની પુષ્ટિ થાય, તો જે વિસ્તારમાંથી મચ્છરો પકડવામાં આવ્યા હોય તેની વિગતોની તપાસ કરવામાં આવે છે.

મચ્છરો કયા ઝોન, વિસ્તાર અને શેરીમાંથી પકડવામાં આવ્યા હતા તેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, ચેન્નાઈના સૈદાપેટ વિસ્તારની કોઈ ચોક્કસ શેરીમાંથી એકત્રિત કરવામાં આવેલા મચ્છરોમાં ડેન્ગ્યુના વાઇરસની હાજરી જણાય, તો આરોગ્ય વિભાગ તે વિસ્તાર પર વિશેષ ધ્યાન આપીને દેખરેખ રાખશે, એમ તમિલનાડુના જાહેર આરોગ્ય નિયામક સોમસુંદરમ કહે છે.

તેઓ જણાવે છે, "તે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ નાબૂદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મચ્છરોના ઉત્પત્તિસ્થાનો શોધીને તેનો નાશ કરવામાં આવશે. જરૂર જણાય તો તાવના દર્દીઓની તપાસ માટે આરોગ્ય શિબિરો પણ યોજવામાં આવશે. આમ, તે વિસ્તારમાં વધુ લોકો ડેન્ગ્યુનો ભોગ બને અને હૉસ્પિટલોમાં સારવાર માટે આવે એ પહેલાં જ નિવારક પગલાં વધુ સઘન બનાવી શકાશે."

2017થી તમિલનાડુમાં અમલમાં આવેલી પદ્ધતિ

મચ્છર, mosquitoes, ડેન્ગ્યુ, dengue
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાહેર આરોગ્ય વિભાગના નિયામક ડૉ. સોમસુંદરમના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુના વાઇરસની હાજરી જાણવા માટે મચ્છરોનું પરીક્ષણ કરવાની આ પદ્ધતિ તમિલનાડુમાં 2017થી અમલમાં છે.

તેઓ કહે છે, "છેલ્લાં ત્રણથી ચાર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના ફેલાવાને નિયંત્રણમાં રાખવામાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. મચ્છર ભગાડવાની દવાનો છંટકાવ કરવાનો ખર્ચ અને તેના માટે વપરાતાં વાહનોમાં ડીઝલનો ખર્ચ પણ ઘણો થાય છે. ડેન્ગ્યુના વાઇરસથી અસરગ્રસ્ત વિસ્તારોની અગાઉથી ઓળખ કરી શકવાથી જરૂરી હોય ત્યાં જ નિવારક પગલાં વધુ સઘન બનાવી શકાય છે અને ખર્ચને પણ ઘટાડી શકાય છે."

રાજુ કહે છે, "મચ્છરો માણસોને ચેપ લગાડે એ પહેલાં જ રોગને નિયંત્રણમાં લેવાનો આ એક પ્રયાસ છે."

માણસને ડેન્ગ્યુનો ચેપ લાગ્યા પછી તેની સારવાર કરવી જેટલી જરૂરી છે, એટલું જ મહત્ત્વ રોગ ફેલાવતા મચ્છરોમાં વાઇરસની હાજરી શોધવાનું અને રોગનો ફેલાવો અટકાવવા માટે આગોતરાં પગલાં લેવાનું પણ છે.

રાજુના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુ પર દેખરેખ રાખવાની તમિલનાડુની વ્યવસ્થામાં આ અભિગમનું મહત્ત્વ વધી રહ્યું છે.

જોકે, મચ્છરોમાં વાઇરસની હાજરી મળી આવે એનો સીધો અર્થ એવો નથી કે તે વિસ્તારમાં માણસોને પણ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. વળી, આ પદ્ધતિથી ડેન્ગ્યુનો ફેલાવો સંપૂર્ણપણે અટકાવી શકાય છે એવો દાવો પણ કરી શકાય નહીં.

આ રોગના ફેલાવામાં રહેલું જોખમ વહેલું પારખવામાં મદદરૂપ થતી આ એક દેખરેખ પદ્ધતિ છે.

મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનોનો નાશ કરવો, પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી અને ફ્લૂ જેવાં લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે.

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, તમિલનાડુમાં 2024માં ડેન્ગ્યુના 27,378 કેસ નોંધાયા હતા અને 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં. 2025માં 23,407 કેસ અને 12 મૃત્યુ નોંધાયાં હતાં. ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 2,873 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન