કોળી: એ ખેતમજૂરો જે ગુજરાતમાં 'રાજકીય પાવર' બની ગયા

બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

"રાજ્ય સ્તરે કોળી સમાજ બીજા નંબર પર છે, હીરાભાઈ. તો... મુખ્ય મંત્રીય ખરેખર તમારો થાવો જોઈએ."

થોડા દિવસ પહેલાં દેવભૂમિ દ્વારકા ખાતે કોળી સમાજના એક કાર્યક્રમમાં દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે આ નિવેદન આપતાં જ સમારોહસ્થળ તાળીઓથી ગુંજી ઊઠ્યું હતું.

એક વીડિયોમાં તેઓ આ સમારોહમાં પોતાની વાત આગળ મૂકતાં કહે છે કે, "પણ, તકલીફ એ છે કે જાગૃતિ નથી. આપણા વડીલોએ પણ બધાએ સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ."

આ નિવેદન બાદ કોળી સમાજના આગેવાનો અને ભાજપના નેતા પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી સહિતના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજ્યમાં 'બીજા ક્રમના આ મોટા સમાજ' એવા કોળી સમાજ અંગે ચર્ચા જાગી છે.

કોળી કોણ છે?

બીબીસી ગુજરાતી

'આઝાદીના આગિયા સમસ્ત ઠાકોર-કોળી સમાજ (પરાધીનતાને પડકાર)' પુસ્તકમાં લેખક જેએમ મલકાણ અને સીડી પરીખે કોળી સમાજના ઇતિહાસ અંગે વિગતવાર નોંધ્યું છે.

પુસ્તકના પાના નં. 133 પર લખાયું છે કે, "કોળી, ચુંવાળિયા કોળી, ઠાકોર, ઠાકરડા, પાટણવાડિયા, બારિયા, બારૈયા, ધારાળા વગેરે સૌ મૂળે ક્ષત્રિય-રાજપૂત વંશના હોવાનો દાવો કરે છે. તેમજ જૂનાં નાનાં-મોટાં દેશી રાજ્યો, જાગીરદારો, ઠાકોરો, દરબારો વગેરે પણ મૂળે તેમની જાતિના ક્ષત્રિય રાજપૂતો છે, એવી તેમની રજૂઆત છે."

પુસ્તકમાં આગળ લખાયું છે એ મુજબ, "એમ કહી શકાય કે કોળી એ ભારતની અતિ પ્રાચીન યુગની એક જાતિ છે. તે સમગ્ર ભારતમાં પથરાયેલી હતી અને આજે પણ તે સમગ્ર ભારતમાં પથરાયેલી છે અને તેની નાની મોટી લગભગ 1040થી વધુ પેટા જાતિઓ હોવાનો અંદાજ છે."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"આ જાતિ એવા સમયથી ચાલી આવે છે કે તેના કોઈ સગડ મળતા નથી અને હજુ સુધી કોળી જાતિ સંબંધી કોઈ સંતોષકારક ઇતિહાસ મળ્યો નથી. વળી કેટલાકનો મત એવો છે કે આ લોકો મૂળ આદિવાસી જાતિના છે. આમાં પણ બે મત પડે છે. વનવિસ્તારમાં વસતા વનવાસી ગણાયા અને વન સિવાયના મેદાની વિસ્તાર અને ગ્રામવિસ્તારમાં વસતા કોળી કહેવાયા. અને એ અન્વયે ઈસવીસન 1826માં બિશપ હર્બલે કોળીને સુધારેલા ભીલ તરીકે દર્શાવ્યા છે."

પુસ્તકમાં નોંધાયેલા મતો પ્રમાણે એકમાં કહેવાયું છે કે - વિંધ્ય પર્વતની દક્ષિણે મધ્ય પ્રદેશમાં વસતી કોલ જાતિ અને કોળી જાતિ મૂળ એક જ છે અને એ કોલમાંથી 'કોળી' શબ્દ નિર્માણ થયો છે એવો પણ એક મત છે. જ્યારે બીજો મત એવો પણ છે કે 'કોલ' એટલે 'માછવો' અથવા વાહણ હંકારનાર અને એ ઉપરથી 'કોળી' નામ પડ્યું એવો છે.

પુસ્તકમાં નોંધાયું છે કે - કાઠિયાવાડ સર્વસંગ્રહમાં આ અંગે જણાવવામાં આવ્યું છે કે 'કોળી' શબ્દનું મૂળ નક્કી થયું નથી.

"કેટલાકના મંતવ્ય મુજબ 'કુળ' શબ્દ પરથી કોળી શબ્દ આવ્યો છે."

પુસ્તકમાંની વધુ એક નોંધ પ્રમાણે - આ કોળીઓનો પ્રદેશ કોઈ એક જ નિશ્ચિત જગ્યાએ નથી, પણ સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર પ્રદેશ, કચ્છ, ગુજરાત, થાણા, ડાંગ, ખાનદેશ, નાસિક વગેરે પ્રદેશોમાં તેઓ વિશેષ જોવા મળે છે. આ સિવાય ભારતનાં અન્ય રાજ્યો જેમ કે, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બંગાળ, કર્ણાટકમાં જોવા મળે છે.

કોળીઓ અંગે કાઠિયાવાડ સર્વસંગ્રહમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે:

"કોળીઓ આખા કાઠિયાવાડમાં પ્રસરેલા છે. તેમની જાતો પણ ઘણી છે. પોતે સૂર્યવંશી રાજા યુવનાશ્વથી ઊતરેલા હોવાનું પોતે કહે છે. કોળી સિંધુ નદીના મુખ આગળ દરિયાકાંઠા ઉપર ઘણા કાળ સુધી રહ્યા હતા. ગુજરાત તથા કાઠિયાવાડના નિ:સંશય સૌથી જૂના રહેવાસીઓ (આ લોકો) હશે."

પુસ્તકમાં નોંધાયું છે કે આજે પણ ભારતમાં કોળી જાતિ ફેલાયેલી છે. આ વર્ગના અનેક ફાંટા પડ્યા છે, જે જુદા જુદા નામે ઓળખાય છે, પણ મૂળ તો તેઓ એક જ જાતિના છે.

પુસ્તકમાં કોળી સહિત કોળીઓની કુલ 41 પેટા જાતિઓ અંગે લખાયું છે.

કોળીઓના મુખ્ય વર્ગો કયા છે?

બીબીસી ગુજરાતી

ઍન્થ્રૉપૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા વર્ષ 1985માં હાથ ધરાયેલા 'પીપલ ઑફ ઇન્ડિયા' પ્રોજેક્ટમાં 'પીપલ ઑફ ઇન્ડિયા ગુજરાત: વૉલ્યુમ 22, પાર્ટ 2'માં કોળી સમાજ અંગે પાંચ પ્રકરણમાં વિગતો અપાઈ છે.

પ્રથમ પ્રકરણમાં નોંધાયું છે કે, "કોળી પોતાની જાતને કોળી પટેલ કહે છે. તેમજ બીજા સમાજના લોકો પણ તેમને કોળી પટેલ કહે છે. એક મત પ્રમાણે આ શાખા કડવા પાટીદાર અને કોળીના સાથે આવવાથી બની છે. મોટા ભાગે આ કોળીઓ વલસાડ અને સુરતમાં છે."

બીજા પ્રકરણની નોંધ મુજબ, "ચુંવાળિયા કોળી મોટા ભાગે ચોટીલા, સાયલા અને હળવદ તાલુકામાં જોવા મળે છે, તેમજ સૌરાષ્ટ્રના (એ સમયના) તમામ જિલ્લામાં પથરાયેલા છે. તેઓ પોતાની જાતને ઝાલા રાજપૂતોના વંશજ ગણાવે છે."

ત્રીજા પ્રકરણ પ્રમાણે, "કોળી/ઢોર/કોલચાની મોટા ભાગની વસતી વલસાડ જિલ્લાના ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકા તેમજ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જોવા મળે છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, ડાંગ અને સાબરકાંઠામાં તેઓ જોવા મળે છે. "

ચોથા પ્રકરણ પ્રમાણે, "ઘેડ વિસ્તારના કોળી પોતાની જાતને ઘેડિયા કોળી કહે છે. આ લોકો અયોધ્યાથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં આવ્યા હોવાનો દાવો કરે છે. તેઓ પોતે સૂર્યવંશી હોવાનો દાવો કરે છે."

અંતિમ પ્રકરણમાં તળપદા કોળી અંગે વાત કરાઈ છે. જે મુજબ, "તેઓ માને છે કે બ્રહ્માએ તેમને જળ છાંટીને રચ્યા હતા અને જળ જ્યાં જ્યાં પડ્યું એ પ્રમાણે તેમનું નામકરણ કર્યું હતું. આમ, તો આ લોકોનો મૂળ વિસ્તાર જૂનાગઢની આસપાસ આવેલો તળપદ વિસ્તાર મનાય છે, પરંતુ હવે તેઓ ભાવનગરના પાલિતાણા અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે."

'આઝાદીના આગિયા સમસ્ત ઠાકોર-કોળી સમાજ (પરાધીનતાને પડકાર)' પુસ્તકમાં કરાયેલી નોંધ મુજબ, "કોળીઓમાં મુખ્યત્વે કોળી, ગામેચા કોળી, તળપદા કોળી, ચુંવાળિયા કોળી, વળાંકિયા કોળી, દિવેચા કોળી, ખાંટ કોળી, ખસિયા કોળી, ઘેડિયા કોળી, વાગડિયા કોળી, થરપારકરિયા કોળી, કાછી કોળી કે કચ્છ કોળી, ઢેબરિયા કોળી, ઇડરિયા કોળી, બારિયા કોળી, બારૈયા કોળી, ડુંગરા કે ડોંગરા કોળી, ભીલ કોળી કે કોળી-ભીલ, ઢોર કોળી, ટોકરે કોળી કે કોળી ટોકરે, મહાદેવ કોળી, સોન કોળી, ખારવા કોળી, કોલચા કોળી, રાઠવા કોળી, ધારાળા, પાટણવાડિયા કોળી, પઢાર કોળી, કતપરના કોળી, શિયાળ બૅટના કોળી, કાંઠાના કોળી અથવા કાંઠાળ કોળી, કોળી પટેલ કે પટેલ કોળી, માનસરોવરિયા કોળી, ખેડવાયા કોળી અને ગુલામ કોળી, માતિયા કોળી, કોળી મલ્હાર, કોળી રાજપૂત કે કોળી-ક્ષત્રિય, કોળી દરબાર કે કોળી-ઠાકોર, કોળી રાજા અને વલાડિયા કોળીનો સમાવેશ થાય છે."

'કોળી પાસે રાજકીય પ્રતિનિધિત્વ ખરું, પણ રાજકીય વગ નહીં'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કોળી સમાજના લોકો ચોમાસા બાદ કચ્છના રણમાં મીઠું પકવવાના કામમાં જોતરાયેલા પણ જોવા મળે છે

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કોળી સમાજના લોકોની રાજ્યમાં બૃહત સામાજિક-આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં કહે છે:

"મોટા ભાગે કોળી સમાજના લોકો ખેતી-ખેતમજૂરી સાથે જોડાયેલા છે. જોકે, બાદમાં, ભણતરને કારણે સમાજમાં કેટલાક ફેરફાર આવ્યા છે. પરંતુ આ સમાજને અન્ય પછાત વર્ગ તરીકે રાજ્યમાં અનામતના લાભ મળતા હોવા છતાં, આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ સમાજની સ્થિતિમાં એકંદરે કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી."

"આનું કારણ એ છે કે આ લોકોનો હંમેશાંથી ગ્રામીણ વિસ્તાર સાથેનો સંબંધ રહ્યો છે, અને ગ્રામીણ મૂળ સાથે જોડાયેલા અન્ય લોકોની માફક આ સમાજ પણ ગરીબાઈ સહિતના ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે."

"ગામડાંમાં રહેતા અને દરિયાકિનારે રહેતા કોળીઓનો વ્યવસાય મોટા ભાગે કુદરતી પરિબળો પર આધારિત છે, તેથી મેદાની અને દરિયાકાંઠાનાં, એમ બંને ક્ષેત્રોમાં કોળીઓ કુદરતી પરિબળો સંબંધિત પડકારોનો સામનો કરે છે."

"આમ, ઘણાં વર્ષોથી આ લોકોના જીવનમાં એકંદરે કોઈ મોટો ફેરફાર આવ્યો નથી."

ગૌરાંગ જાની આગળ કહે છે કે, "આમ, જોવા જઈએ તો ગુજરાતમાં જે લોકોની આર્થિક સ્થિતિ બહુ સારી નથી, એ વર્ગમાં કોળીઓની સંખ્યા ખૂબ મોટી છે."

"સમાજના લોકોની આર્થિક સ્થિતિ એટલી મજબૂત નથી. સમાજમાં મોટા ઉદ્યોગો કે ભણતરનું ઊંચું પ્રમાણ જોવા મળતું નથી."

"જો સરખામણી કરવામાં આવે, તો જેને વિકાસ કહેવામાં આવે છે, એ વિકાસનો લાભ જેટલો પાટીદારોને મળ્યો એટલો કોળીઓને નથી મળ્યો."

"ગામડાંમાં તો કોળી પણ પાટીદારની જેમ ખેતી કરતો સમાજ છે, પણ કોળીને એટલો મોટો લાભ નથી મળ્યો, કારણ કે કોળી પાસે મત પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ ખરું, પરંતુ રાજકીય વગ નથી."

સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી કોળી સમાજ અંગે વાત કરતાં કહે છે કે, "કોળીઓમાં હાલ ચેતના આવતી જઈ રહી છે. એ લોકો હવે ગામડાં છોડીને શહેરોમાં આવતા જઈ રહ્યા છે."

"સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં કોળીઓએ રાજપૂત મૉડલ અપનાવ્યું, તો સામેની બાજુએ દક્ષિણ ગુજરાતમાં તેમણે પાટીદાર મૉડલ અનુસર્યું. દક્ષિણ ગુજરાતમાં કોળીઓની અટક પટેલ હોય છે."

"સમય સાથે કોળીઓમાં શિક્ષણના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ અન્ય સમાજોની સરખામણીએ આ પ્રમાણ હજુ સુધારાને અવકાશ સૂચવે છે. જોકે, એવું કહી શકાય કે હવે આ સમાજમાં નાના ઉદ્યોગપતિઓ, શહેરોમાં આવીને ડૉક્ટરો અને અન્ય વ્યવસાયિક બની ગયેલા લોકો જોવા મળે છે. આમ, એવું કહી શકાય કે આ સમાજમાં કેટલીક હદે સામાજિક પરિવર્તન દેખાય છે ખરું."

'કોળીને સંખ્યાબળ હોવા છતાં પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જાણકારોના મતે કોળી સમાજના લોકો મોટા ભાગે ખેતી અને ખેતમજૂરી સાથેનાં કામમાં જોતરાયેલા જોવા મળે છે

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કોળી સમાજના ગુજરાતના રાજકારણ પરના પ્રભાવ અંગે વાત કરતાં કહે છે કે, "ગુજરાતમાં કોળીની વસતી લગભગ પાટીદારો જેટલી અથવા તેનાથી વધુ છે. રાજ્યના રાજકારણમાં જ્યારથી જ્ઞાતિવાદનું પરિબળ પ્રભાવશાળી બનવા લાગ્યું એ બાદથી પાટીદારોનું વર્ચસ્વ વધી ગયું. પરંતુ કોળીની વસતી પાટીદારો જેટલી જ હોવા છતાં ગુજરાતના રાજકારણમાં દાયકાઓ સુધી પાટીદારોનું વર્ચસ્વ રહ્યું."

"જોકે, બાદમાં કોળી અને બીજા પછાત સમાજોને પણ સમજાયું કે એકતા રાખવાથી રાજકીય લાભ મળશે. તેથી ધીરે ધીરે કોળી નેતાગીરી વિકાસ પામવા લાગી."

"ગુજરાતનો ઇતિહાસ જોવામાં આવે તો અત્યાર સુધી ગુજરાતને કોળી મુખ્ય મંત્રી નથી મળ્યા."

"ગુજરાત વિધાનસભાની સારી એવી બેઠકો પર કોળીઓ નિર્ણાયક ભૂમિકામાં છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર, આમ, આ ત્રણેય જિલ્લાની બેઠકો પર કોળીઓ સંપૂર્ણ વર્ચસ્વ ધરાવે છે."

"જ્યારે અમરેલી જિલ્લાની કેટલીક બેઠકો પર પણ તેની મહત્ત્વની ભૂમિકા છે. આ વાત હવે કોળી નેતાઓ અને સમાજને સમજાય છે."

જગદીશ આચાર્ય આગળ કહે છે કે, "આટલા મોટા પ્રભાવ છતાં ગુજરાતમાં પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા જેવા અમુક નેતા જ આ સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે જો એવું થાય અને ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ તમામને તક ન આપે તો તેનો અર્થ એ થશે કે રાજ્યમાંથી કોળી નેતાગીરી સાવ સાફ થઈ ગઈ."

"આમ, અત્યાર સુધી કોળી મુખ્ય મંત્રી ન બન્યા તે માટે એ વાત પણ અગત્યનો ભાગ ભજવી ગઈ કે રાજ્યમાં જેમ પાટીદારો પાસે મોટા નેતાની એક આખી હરોળ હતી, પરંતુ એ પરિબળ કોળી જ્ઞાતિમાં ઘટતું હતું."

તેઓ આગળ કહે છે કે, "પાટીદારો પાસે પૈસા હતા, તેથી તેઓ શિક્ષિત થવા લાગ્યા અને ઉદ્યોગોમાં પણ ઝંપલાવ્યું, પરંતુ સામે પક્ષે, કોળી શિક્ષણ અને સામાજિક રીતે પાટીદારો જેટલા વિકસિત નથી થયા."

"આજે જે માગ થવા લાગી છે, તેની પાછળ કોળી સમાજના મનમાં ઊંડે રહેલો એક ભય હોઈ શકે - એ કે જો આ કોળી નેતૃત્વ નહીં રહે તો કોળી સમાજનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે."

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ કહે છે કે, "ઠાકોરોને ઉમેરો તો કોળી સમાજની વસતી ગુજરાતની કુલ વસતીના 50 ટકા જેટલી થાય છે."

"એકંદરે જોઈએ તો ઠાકોર તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કોળી સમૃદ્ધ થયા, સમાજમાં ભણતર મર્યાદિત હતું, પરંતુ સમાજ ધંધામાં આગળ રહ્યો. સમાજ પાસે બાહુબલી નેતા પણ ખરા."

"કોળીઓમાં ભણતરનું પ્રમાણ પણ હવે વધ્યું છે, પરંતુ આ સમાજ સંગઠનની રીતે વિભાજિત છે, એટલે કે રાજકીય એકતાનો ક્યાંક અભાવ જોવા મળે છે."

"વ્યક્તિદીઠ જૂથોમાં આ સમાજ વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. જોકે, હું દૃઢપણે માનું છું કે આ સમાજની વોટબૅન્કને જોતાં પાર્ટી ભલે ગમે એ હોય, પરંતુ આ સમાજને સરકારમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ મળવું ઘટે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન