દવા કે સોય વગર સીધા વાળના મૂળ સુધી પહોંચશે પોષણ: વારસાગત ટાલિયાપણા સામે નવી ટેકનિક કેટલી અસરકારક?

'ઇલેક્ટ્રિક કાંસકા'ની મદદથી વારસાગત ટાલિયાપણાની 'અસરકારક સારવાર' શોધી હોવાનો ચીની સંશોધકોનો દાવો
    • લેેખક, ઉમેર મહમૂદ
    • પદ, બીબીસી ઉર્દુ
    • દ્વારા રિપોર્ટિંગ, ઇસ્લામાબાદ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ચીની સંશોધકોએ 'ઇલેક્ટ્રિક કાંસકો-' વિકસાવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમના મતે, આ કાંસકો વારસાગત ટાલિયાપણાની સારવારમાં મદદરૂપ થઈ શકે છે.

બેઇહાંગ યુનિવર્સિટી અને ચીનની અન્ય સંસ્થાઓના સંશોધકોએ હાથ ધરેલા આ અભ્યાસનાં પરિણામો 3 નવેમ્બરે વિજ્ઞાન સામયિક 'નેચર કમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત થયાં હતાં.

સંશોધકોએ આ કાંસકાને 'ડી-ટેન્ગલ' નામ આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ નામ 2010માં રજૂ થયેલી એનિમેટેડ ફિલ્મ 'ટેન્ગલ્ડ' પરથી પ્રેરિત છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર અસાધારણ લાંબા વાળ ધરાવે છે.

વારસાગત ટાલિયાપણાને વિજ્ઞાનની ભાષામાં ઍન્ડ્રોજેનેટિક એલોપેશિયા (AGA) કહેવામાં આવે છે.

તેને ટાલિયાપણાનો સૌથી સામાન્ય પ્રકાર માનવામાં આવે છે. આ સ્થિતિમાં વાળ ધીમે-ધીમે પાતળા થવા લાગે છે.

ટાલ પડવાથી સ્વાસ્થ્યને કોઈ સીધું નુકસાન થતું નથી, પરંતુ તેની માનસિક અને સામાજિક અસરો થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓ અને યુવાન પુરુષો પર તેની અસર વધુ જોવા મળી શકે છે.

'નેચર કમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત અભ્યાસ અનુસાર, વિશ્વભરમાં 150થી 200 કરોડ લોકો વારસાગત ટાલિયાપણાથી પ્રભાવિત છે. આ સ્થિતિમાં વાળનાં મૂળ ધીમે ધીમે નબળાં પડવા લાગે છે અને સંકોચાય છે. પરિણામે વાળ પાતળા થાય છે અને છેવટે ખરી પડે છે.

સંશોધકોના મતે, ટાલિયાપણાની હાલની સારવારમાં એક મુશ્કેલી એ છે કે કેટલીક દવાઓની અસર આખા શરીર પર થાય છે, જ્યારે માથાની ચામડી પર લગાડવામાં આવતી દવાઓ વાળનાં મૂળ સુધી જરૂરી માત્રામાં પહોંચી શકતી નથી.

વારસાગત ટાલિયાપણાની સારવારની બીજી એક પદ્ધતિમાં ઝીણી સોય વડે દવાને ત્વચાની અંદર પહોંચાડવામાં આવે છે. જોકે, સંશોધકોના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિમાં ત્વચા અને વાળનાં મૂળને નુકસાન થવાનું જોખમ રહે છે. વળી, માથાના મોટા ભાગ પર આ પદ્ધતિનો ઉપયોગ કરવો પણ સરળ નથી.

આ ઉપરાંત, માથા પરના વાળની હાજરી પણ સારવારની આ પદ્ધતિની અસરકારકતાને ઘટાડી શકે છે.

સંશોધકોના મતે, ટાલિયાપણાની સારવારમાં સૌથી મોટો પડકાર એ છે કે વાળના વિકાસ માટે ઉપયોગમાં લેવાતાં ઘટકોને સુરક્ષિત અને અસરકારક રીતે વાળનાં મૂળ સુધી કેવી રીતે પહોંચાડવા.

આ સમસ્યાના ઉકેલ માટે તેમણે એક એવું ઉપકરણ વિકસાવવાનો પ્રયાસ કર્યો છે, જેના દ્વારા આ ઘટકોને સીધા વાળનાં મૂળ સુધી પહોંચાડી શકાય. સંશોધકોનો દાવો છે કે તેમનો 'ડી-ટેન્ગલ' કાંસકો આ કામ કરી શકે છે.

જોકે, અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સંશોધનનાં પરિણામો હજી મનુષ્યો પર નહીં, પરંતુ ટાલિયાપણાથી પીડાતા ઉંદરો પર મેળવવામાં આવ્યાં છે. એટલે મનુષ્યોમાં તેની અસરકારકતા અને સલામતી સાબિત થવાની હજી બાકી છે.

આ કાંસકો કેવી રીતે કામ કરે છે?

'ઇલેક્ટ્રિક કાંસકા'ની મદદથી વારસાગત ટાલિયાપણાની 'અસરકારક સારવાર' શોધી હોવાનો ચીની સંશોધકોનો દાવો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કાંસકાના દાંતામાં ઇલેક્ટ્રોડ લગાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોડ એટલે વીજળીનું વહન કરતા ધાતુના પાતળા ભાગ.

સંશોધકોના જણાવ્યા અનુસાર, 'ડી-ટેન્ગલ' કાંસકો દેખાવમાં સામાન્ય કાંસકા જેવો જ છે. જોકે, તેના દાંતામાં ઇલેક્ટ્રોડ લગાવાયેલા હોવાથી વાળમાં ફેરવતી વખતે માથાની ચામડીમાં પ્રમાણમાં શક્તિશાળી વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે.

સામાન્ય રીતે સમજીએ તો, વિદ્યુતક્ષેત્ર એક અદૃશ્ય વિદ્યુત બળ છે, જે ત્વચાની અંદર રહેલા કોષો પર અસર કરે છે.

સંશોધન અનુસાર, આ વિદ્યુતક્ષેત્રનું એક કામ નબળાં પડી ગયેલાં વાળનાં મૂળને ફરી સક્રિય કરવામાં મદદ કરવાનું છે. બીજું કામ વાળના વિકાસ માટે ઉપયોગમાં લેવાતા ઘટકોને ત્વચાની અંદર ઊંડે સુધી પહોંચાડવાનું છે. સામાન્ય રીતે આ ઘટકો ત્વચાની સપાટી પર જ રહી જાય છે.

આ ઘટકો એટલે વાળનો વિકાસ સુધારવા માટે ઉપયોગમાં લેવાયેલા બે પદાર્થો. તેમાંથી એક પદાર્થ વાળનાં મૂળ સુધી લોહીનો પુરવઠો વધારવા માટે વપરાયો હતો, જ્યારે બીજો પદાર્થ વાળ ખરવાની સાથે સંકળાયેલી જૈવિક પ્રક્રિયાઓને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાયો હતો.

સંશોધકોના જણાવ્યા અનુસાર, કાંસકાના કેટલાક દાંતાની ટોચ પેન્સિલની અણી જેવી હોય છે. કાંસકો માથા પર ફેરવવામાં આવે ત્યારે આ દાંતામાંથી ઉપરોક્ત પદાર્થો બહાર આવે છે. વિદ્યુતક્ષેત્ર તેમને વાળનાં મૂળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

'ઇલેક્ટ્રિક કાંસકા'ની મદદથી વારસાગત ટાલિયાપણાની 'અસરકારક સારવાર' શોધી હોવાનો ચીની સંશોધકોનો દાવો
ઇમેજ કૅપ્શન, સંશોધકોએ તૈયાર કરેલા આ ચિત્રમાં 'ડી-ટેન્ગલ' કાંસકા દ્વારા જૈવિક ઘટકો વાળનાં મૂળ સુધી કેવી રીતે પહોંચે છે અને તેમની સક્રિયતા કેવી રીતે વધે છે તે દર્શાવવામાં આવ્યું છે.

સંશોધકો કહે છે કે માથાની ચામડી અને કોષોનું બાહ્ય પડ સામાન્ય રીતે બહારના પદાર્થોને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. જોકે, કાંસકા દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર કોષોના બાહ્ય પડમાં બહુ ટૂંકા સમય માટે કામચલાઉ ફેરફાર કરે છે. તેના કારણે સારવાર માટે જરૂરી પદાર્થો ત્વચાની અંદર પ્રવેશી શકે છે.

આ પ્રક્રિયા પૂરી થયા પછી કોષો ફરી પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સંશોધકોના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિથી સારવાર માટેના પદાર્થો ત્વચાની અંદર આશરે 660 માઇક્રોમીટર ઊંડે સુધી પહોંચે છે. કમ્પ્યુટર મોડેલ અને ઉંદરો પરના પ્રયોગોમાં આ વાત જાણવા મળી હતી.

તેની સરખામણીએ, પરંપરાગત રીતે ત્વચા પર પદાર્થો લગાડવામાં આવે ત્યારે તે માત્ર 74 માઇક્રોમીટર ઊંડે સુધી જ પહોંચે છે.

સંશોધકોના મતે, આ તફાવતને કારણે સારવારના પદાર્થો વાળનાં મૂળ સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય છે.

અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સારવારથી વાળનાં મૂળની આસપાસ લોહીનો પુરવઠો વધ્યો હતો અને વાળ ખરવા સાથે સંકળાયેલા હોવાનું મનાતા જૈવિક પરિબળોમાં ઘટાડો થયો હતો.

સંશોધકો માને છે કે વાળનાં મૂળ સુધી વધુ લોહી, ઑક્સિજન અને પોષક તત્ત્વો પહોંચે તો વાળનો વિકાસ સુધરી શકે છે.

જોકે, સંશોધનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પરિણામો હજી મનુષ્યો પરના પ્રયોગો પર આધારિત નથી. તે ટાલિયાપણાથી પીડાતા ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાંથી મળ્યાં છે.

'ઇલેક્ટ્રિક કાંસકા'ની મદદથી વારસાગત ટાલિયાપણાની 'અસરકારક સારવાર' શોધી હોવાનો ચીની સંશોધકોનો દાવો
ઇમેજ કૅપ્શન, 'ડી-ટેન્ગલ' કાંસકાનું ચિત્ર. તેમાં કાંસકાના દાંતાની અંદર લગાવવામાં આવેલું ઇલેક્ટ્રોડ મોડ્યુલ અને વાળના વિકાસ માટે જરૂરી ઘટકો સંઘરતું દવા ભરવાનું મોડ્યુલ દર્શાવવામાં આવ્યું છે.

અભ્યાસ દરમિયાન સંશોધકોએ ટાલિયાપણાથી પીડાતા ઉંદરોને અલગ અલગ જૂથોમાં વહેંચ્યા હતા.

કેટલાક ઉંદરોને માત્ર પરંપરાગત દવા આપવામાં આવી હતી, કેટલાકને માત્ર વિદ્યુત ઉત્તેજના આપવામાં આવી હતી, જ્યારે કેટલાકને વિદ્યુત ઉત્તેજના સાથે વાળના વિકાસમાં મદદરૂપ થતા બે ઘટકો આપવામાં આવ્યા હતા.

સંશોધકોના જણાવ્યા અનુસાર, માત્ર વિદ્યુત ઉત્તેજનાથી પણ વાળના વિકાસમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જોકે, વિદ્યુત ઉત્તેજના અને વાળના વિકાસ માટેના ઘટકોનો એકસાથે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે સૌથી સારાં પરિણામો મળ્યાં હતાં.

તેમના જણાવ્યા અનુસાર, આ સંયુક્ત સારવાર પદ્ધતિથી પ્રમાણમાં ઝડપથી નવા વાળ ઊગવા લાગ્યા હતા. સમય જતાં વાળનાં મૂળની સંખ્યા, જાડાઈ અને એકંદર સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

સંશોધકોનો દાવો છે કે 'ડી-ટેન્ગલ'થી સારવાર કરાયેલા ઉંદરોના માથા પર જ્યાં અગાઉ વાળ નહોતા ત્યાં એક મહિનામાં લગભગ બધા જ વાળ ફરી ઊગી નીકળ્યા હતા. તેની સરખામણીએ સામાન્ય રીતે વપરાતી મિનોક્સિડિલ દવાથી આટલા જ સમયમાં આશરે 70 ટકા વાળ ઊગ્યા હતા.

અભ્યાસ દરમિયાન સંશોધકોએ ઉંદરોની ત્વચા ઉપરાંત શરીરનાં અન્ય અંગોની પણ તપાસ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ સારવારથી ઉંદરોનાં અન્ય અંગોને કોઈ નોંધપાત્ર નુકસાન થયું હોવાના પુરાવા મળ્યા નહોતા.

આ તારણોના આધારે સંશોધકોનો દાવો છે કે 'ડી-ટેન્ગલ' વાળના વિકાસ માટે જરૂરી ઘટકોને વાળનાં મૂળ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, વિદ્યુતક્ષેત્ર અને આ ઘટકોનો સંયુક્ત ઉપયોગ વાળ ફરી ઉગાડવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકે છે.

જોકે, મનુષ્યોમાં આ કાંસકો કેટલો અસરકારક અને સુરક્ષિત છે તે જાણવા માટે હજી વધુ ક્લિનિકલ ટ્રાયલ કરવાની જરૂર પડશે.

આ નવા સંશોધન વિશે બીબીસીએ પાકિસ્તાનના હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. બુરહાન અશરફ સાથે વાત કરી હતી.

ડૉ. બુરહાન અશરફ કહે છે કે આ સંશોધનની સૌથી મોટી મર્યાદા એ છે કે અત્યાર સુધી આ પ્રયોગ માત્ર ઉંદરો પર જ કરવામાં આવ્યો છે. મનુષ્યો પર અને મોટા પાયે પ્રયોગો કરવાના હજી બાકી છે.

તેમના જણાવ્યા અનુસાર, "હવે આ ટેકનૉલૉજીનો ઉપયોગ સમય જતાં વધુ વ્યાપક બનશે અને પ્રાણીઓ પરના પ્રયોગોમાંથી મનુષ્યો પરના પ્રયોગો સુધી પહોંચશે ત્યારે કેવાં પરિણામો મળે છે તે જોવાનું રહેશે."

"તેની કોઈ આડઅસર થશે કે નહીં અને આખરે તેને એફડીએની મંજૂરી મળશે કે નહીં તે પણ જોવું પડશે."

નોંધનીય છે કે અમેરિકામાં એફડીએ એટલે કે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન એવી સંસ્થા છે, જે કોઈ પણ નવી દવા, ઉપકરણ કે સારવાર પદ્ધતિનો સામાન્ય ઉપયોગ શરૂ થાય તે પહેલાં તેની અસરકારકતા અને સલામતીની ચકાસણી કરે છે.

ડૉ. બુરહાન કહે છે કે અમે આ નવી ટેકનૉલૉજીને 'ખૂબ આશા સાથે' જોઈ રહ્યા છીએ, પરંતુ તે હજી પ્રાયોગિક તબક્કામાં હોવાથી તેનો વ્યાપક ઉપયોગ કરી શકાય તેમ નથી.

તેમના શબ્દોમાં, "જ્યારે મનુષ્યો પર તેના પ્રયોગો થશે ત્યારે વાસ્તવિક પરિણામો જોવા મળશે અને ત્યાર પછી જ તેની અસરકારકતા વિશે વધુ સારી રીતે કહી શકાશે."

સ્પેનની યુનિવર્સિટેટ ઇન્ટરનૅશનલ દ કાતાલુન્યામાં ત્વચારોગ વિભાગના પ્રોફેસર ડૉ. રેમોન ગ્રિમાલ્ટે પણ આ સંશોધન અંગે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે આ સારવાર પદ્ધતિને 'દર્દી માટે અનુકૂળ' ગણાવી હતી. તેમના મતે, આ પદ્ધતિમાં વાળ ઓળવા જેવી રોજિંદી ક્રિયાનો ઉપયોગ કરીને હળવો વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે, જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે.

જોકે, તેઓ એમ પણ કહે છે કે અત્યાર સુધીના પુરાવા મુખ્યત્વે ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાંથી મળ્યા છે.

ડૉ. ગ્રિમાલ્ટના જણાવ્યા અનુસાર, મનુષ્યોના માથાની ત્વચા, વાળનાં મૂળની ઘનતા અને શરીરની રચના પ્રાણીઓ કરતાં અલગ હોય છે. તેથી આ પરિણામો સીધેસીધાં મનુષ્યોને લાગુ પાડી શકાય નહીં.

તેમના મતે, પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે, પરંતુ આ તબક્કે આ પદ્ધતિ મનુષ્યોમાં વારસાગત ટાલિયાપણાની અસરકારક સારવાર સાબિત થશે એમ કહેવું વહેલું ગણાશે.

તેમણે ઉમેર્યું હતું કે આ ટેકનૉલૉજીનો સામાન્ય તબીબી ઉપયોગ શરૂ થાય તે પહેલાં મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ કરવા જરૂરી છે.

આ પ્રયોગો દ્વારા મનુષ્યોમાં સારવાર કેટલી અસરકારક અને સુરક્ષિત છે, તેની અસર કેટલો સમય રહે છે અને તેની કોઈ આડઅસર થાય છે કે નહીં તે નક્કી કરી શકાશે.

ડૉ. ગ્રિમાલ્ટના શબ્દોમાં, "આ સંશોધન એક આશાસ્પદ પ્રારંભિક પગલું છે, પરંતુ મનુષ્યો પરના પ્રયોગોનાં પરિણામો ન આવે ત્યાં સુધી તેની તબીબી અસરકારકતા વિશે ચોક્કસ અભિપ્રાય આપી શકાય નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન