You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સત્તા સામે વિદ્રોહના નામે 100 વર્ષ પહેલાં લડાયેલું એ યુદ્ધ જેમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા
- લેેખક, ડ્રાફ્ટિંગ
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
આશરે એકાદ સૈકા પહેલાં થયેલી મેક્સિકન ક્રાંતિએ મેક્સિકોનો નકશો બદલી નાખ્યો હતો.
આ વાત છે 1910-1917ની વચ્ચેની જ્યારે મેક્સિકોમાં સત્તા પર જનરલ પોર્ફિરિયો ડાયઝ હતા અને તેઓ પોતાનું શાસન ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પરંતુ તેમની નીતિઓની સામે વિરોધ શરૂ થયો. સત્તા વિરુદ્ધનો આ સંઘર્ષ અંતે "વાસ્તવિક ક્રાંતિ" માટે લડી રહેલાં જૂથો વચ્ચેના ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયો હતો.
જુદા-જુદા રાજકીય અને સામાજિક હક્કોના હિમાયતી જૂથો આ એક હેતુ માટે એકજૂટ થઈ ગયાં હતાં.
પરંતુ મેક્સિકોમાં આ અશાંતિભર્યા સમય દરમ્યાન ગેરિલા યુદ્ધ છેડાઈ ગયું અને દસ લાખ કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જોકે, આ લોહિયાળ સંઘર્ષ સત્તા માટે હતો પરંતુ તેના અમુક હકારાત્મક પરિણામો પણ આવ્યાં હતાં.
મેક્સિકોમાં 1917નું બંધારણ આવું જ એક હકારાત્મક પરિણામ હતું.
આ બંધારણમાં સામાજિક અને મજૂર હક્કોને માન્યતા આપવામાં આવી હતી, આ હક્કોનો વિચાર ફ્રેન્ચ ઉદારવાદમાંથી વિશ્વભરમાં ફેલાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટ્રિકલ સ્ટડીઝ ઑફ ધ રિવૉલ્યૂશન્સ ઑફ મેક્સિકો (આઇએનઇએચઆરએમ) દ્વારા પ્રકાશિત પુસ્તક "ધ રિવૉલ્યૂશન ઍન્ડ ધ રિવૉલ્યૂશનરીઝ"માં પેટ્રિશિયા ગેલેના કહે છે, "કામદારો તથા ખેડૂતોની માગણીઓને પહેલી વખત 1917ના બંધારણમાં વિશ્વ બંધારણીય વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી હતી."
સમાન લક્ષ્યઃ પોર્ફિરિયો ડાયઝને મેક્સિકોની સત્તા પરથી હટાવવા
પ્રમુખ પોર્ફિરિયો ડાયઝ મેક્સિકોના પ્રમુખપદની નવી ટર્મ (1910-1914) માટે ચૂંટાઈ આવ્યા હતા.
તે પછી ભૂતપૂર્વ ઉમેદવાર અને ઉદારવાદી નેતા ફ્રાન્સિસ્કો આઇ. માડેરોએ તેમની સત્તા ઉથલાવી દેવા માટે પાંચમી ઑક્ટોબર, 1910ના રોજ "પ્લાન ઑફ સેન લુઇસ" રજૂ કર્યો.
આઇએનઇએચઆરએમની "ક્રોનોલૉજી ઑફ ધ રિવૉલ્યૂશન" અનુસાર, તેનો નારો હતો, "અસરકારક મતાધિકાર, હવે પુનઃ ચૂંટણી નહીં".
આ પ્લાનમાં દેશના પ્રમુખ ડાયઝનાં વિરોધી સામાજિક જૂથોની શ્રમ અધિકારો તથા જમીનના પુનઃ વિતરણની માગણીની હિમાયત કરવામાં આવી હતી.
તેમના ઍક્શન પ્લાનમાં સશસ્ત્ર સંઘર્ષની હાકલનો સમાવેશ થતો હતો. "20મી નવેમ્બરના રોજ સાંજના છ વાગ્યાથી (મેક્સિકો) રિપબ્લિકના તમામ નાગરિકોએ વર્તમાન સમયમાં અમારા ઉપર શાસન કરી રહેલા સત્તાધીશોને ઉખાડી ફેંકવા માટે હથિયાર ઉઠાવ્યાં."
એક્વિલીસ, મેક્સિમો તથા કાર્મેન સેર્ડાન જેવાં કેટલાંક જૂથો શસ્ત્રો સાથે પકડાઈ ગયા પછી પ્યૂબ્લામાં નક્કી કરેલી તારીખ પહેલાં જ વિદ્રોહ કરી બેઠા.
સરકારી દળો સાથેના સંઘર્ષમાં તેમનાં મોતને પગલે તેઓ ડાયઝ સામેની ચળવળના "પ્રથમ શહીદો" ગણાયા અને આ ઘટનાથી અન્ય લોકો પણ બળવો કરવા માટે પ્રેરાયા.
આઇએનઇએચઆરએમ જણાવે છે કે, વાસ્તવમાં 20મી નવેમ્બર, 1910ના રોજ સાંજે છ વાગ્યે ડાયઝને સત્તા પરથી હટાવવા માટે કોઈ સંકલિત બળવો થયો નહોતો, કારણ કે, ત્યાં સુધીમાં તો અગાઉથી જ જુદાં-જુદાં રાજ્યોમાં 13 સશસ્ત્ર સંઘર્ષો શરૂ થઈ ચૂક્યા હતા.
પણ આજ દિન સુધી તે તારીખ મેક્સિકન બળવાની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.
મેક્સિકોમાં સત્તા સામે વિદ્રોહની હાકલ કરનાર માડેરોનો ઉદય અને પતનની કહાણી શું છે
સશસ્ત્ર સંઘર્ષને પગલે અન્ય ક્રાંતિકારી નેતાઓ આગળ આવ્યા, જેમણે ફ્રાન્સિસ્કો આઇ. માડેરોના હેતુનું સમર્થન કર્યું.
આ જૂથોમાં દેશની દક્ષિણે એમિલિયાના ઝાપાટા તથા ઉત્તરે ફ્રાન્સિસ્કો "પાન્ચો" વિલા (તેમનું સાચું નામ ડોરોટીઓ અરાંગો હતું), અલ્વારો ઓબ્રેગોન તથા પાસ્કુઅલ ઓરોઝ્કોનો સમાવેશ થતો હતો.
ક્રાંતિકારી દબાણને સફળતા મળી અને પોર્ફિરિયો ડાયઝે 25મી મે, 1911ના રોજ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. તે સાથે 35 વર્ષના શાસનનો અંત આવ્યો તથા નવી ચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો.
ફ્રાન્સિસ્કો આઇ. માડેરોએ ચૂંટણી જીતી લીધી અને છઠ્ઠી નવેમ્બર, 1911ના રોજ મેક્સિકોના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો, જે "30 વર્ષમાં પ્રથમ લોકશાહી ચૂંટણી" ગણાય છે, એમ આઇએનઇએચઆરએમે જણાવ્યું હતું.
ડાયઝને હટાવવામાં આંદોલન સફળ રહ્યું હોવા છતાં, નવી સરકારે પ્રજાની ક્રાંતિકારી માગણીઓને લઈને તાકીદે કોઈ પ્રતિક્રિયા ન આપી.
ટૂંક જ સમયમાં, સશસ્ત્ર બળવાના સમયે સાથે રહેલા પક્ષો વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો, કારણ કે, દરેક પક્ષ પોતાને ક્રાંતિકારી આદર્શોનો સાચો રક્ષક માનતો હતો.
ઝપાટાએ કૃષિ સંઘર્ષ હેઠળ પ્લાન ઑફ અયાલા શરૂ કર્યો, જ્યારે ઓરોઝ્કોએ સામાજિક માગણીઓ દર્શાવતો પ્લાન ઑફ ધ પૅકિંગ પ્લાન્ટ પ્રકાશિત કર્યો.
બંનેએ માડેરોનું શાસન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.
માડેરો સરકાર વિલાના સૈનિકોની સહાયથી ઝપાટિસ્ટા, ઓરોઝ્ક્વિસ્ટા તથા અન્ય નાનાં બળવાખોર જૂથો સામે સ્વયંનું રક્ષણ કરતી રહી.
તમામ પક્ષોમાં ક્રાંતિકારીઓને સહાય પૂરી પાડવામાં મહિલાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી અને સશસ્ત્ર ઘર્ષણમાં ભાગ પણ લીધો. તેઓ "લાસ એડેલિટાસ" તરીકે ઓળખાતી હતી.
પણ ફેબ્રુઆરી, 1913માં તે "10 દુ:ખદ દિવસ" આવ્યા: લશ્કરી બળવા દરમિયાન 10 દિવસ થયેલી અથડામણને કારણે માડેરોએ 19મી ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું અને ત્રણ દિવસ પછી તેમની હત્યા થઈ.
"પ્રતિ-ક્રાંતિકારીઓ" તરીકે ઓળખાતા જૂથ સાથે સત્તા પલટાના કાવતરામાં સંડોવણી ધરાવતા વિક્ટોરિયાનો હુએર્ટાએ તે જ દિવસે પ્રમુખપદ સંભાળ્યું.
મેક્સિકોમાં અમેરિકન દૂતાવાસ ખાતે કરવામાં આવેલી એમ્પેસી પૅક્ટ (દૂતાવાસ સમજૂતી) સફળ રહી, પણ અગાઉ તેમાં હુએર્ટાને રાષ્ટ્રપ્રમુખ માટે પસંદ કરવામાં આવ્યા નહોતા, એમ આઇએનઇએચઆરએમે જણાવ્યું હતું.
સત્તા માટેનો સંઘર્ષ કેવી રીતે ગૃહયુદ્ધમાં ફેરવાયું
"આંચકી લેનાર" તરીકે ઓળખાતા હુએર્ટા સામે પડકાર ઊભો કરવા માટે, વેનુસ્ટિઆનો કેરાન્ઝાની આગેવાની હેઠળ ઉત્તરનાં ક્રાંતિકારી બળોના પુનઃ સંગઠનને પગલે કન્સ્ટિટ્યુશનાલિસ્ટ આર્મીની રચના કરવામાં આવી.
પ્લાન ઑફ ગ્વાડાલુપે સાથે, તેમણે હુએર્ટા સામેનો ક્રાંતિકારી સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રાખ્યો, જ્યાં સુધી તેમને જુલાઈ, 1914માં સત્તા ઉથલાવી દેનારા પ્રમુખને સત્તા છોડાવવામાં તથા કેરાન્ઝાની સરકાર રચવામાં સફળતા ન મળી.
ક્રાંતિકારી નેતાઓ વચ્ચે અગુઆસ્કાલિએન્ટેસ કન્વેન્શનને કારણે પ્રમુખ તરીકે કેરાન્ઝાને રાષ્ટ્ર પ્રમુખ તરીકે સ્વીકારવામાં આવ્યા નહીં, આથી ફરી બે મોટાં જૂથો પડ્યાં: કન્વેન્શનિસ્ટ્સ અને કન્સ્ટિટ્યૂશનાલિસ્ટ્સ.
પોતાને "ક્રાંતિના સર્વોચ્ચ નેતા" ગણાવનારા કેરાન્ઝાએ તેમની સરકારને વેરાક્રુઝ ખસેડી, જ્યારે કન્વેન્શનિસ્ટ્સે યુલાલિયો ગોમેઝની રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ કરી હતી.
ત્યારથી ગેરિલા યુદ્ધ શરૂ થયું.
જુદા-જુદા પક્ષો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષોમાં અંદાજે દસ લાખ કરતાં વધુ લોકોએ જાન ગુમાવ્યા હોવાનો અંદાજ છે.
આ સંઘર્ષો ઑક્ટોબર, 1914થી નવેમ્બર, 1916ની વચ્ચેના ગાળામાં ચાલ્યા હતા.
તે મહિનામાં કન્વેન્શનિસ્ટ્સ સરકાર અને લશ્કરે તેમના શાસનના અંતની જાહેરાત કરી, જોકે, નબળા થઈ ગયેલાં ઝપાટિસ્ટા અને વિલિસ્તા બળોએ તેમનો સંઘર્ષ મહિનાઓ સુધી ચાલુ રાખ્યો.
1917નું બંધારણ કેવું હતું
આખરે પલ્લું કેરાન્ઝાનાં બળો તરફ નમ્યું, જેમણે દેશ માટે નવા મેગ્ના કાર્ટા(બંધારણ) નો મુસદ્દો ઘડવા માટે સપ્ટેમ્બર, 1916 પછી દેશ માટે કન્સ્ટિટ્યુઅન્ટ કૉંગ્રેસની સભા બોલાવી હતી.
તે વર્ષના અંતમાં લોકપ્રિય મતોથી ચૂંટાઈ આવેલા સભ્યોએ 1917ની શરૂઆત સુધીમાં ક્રાંતિકારી હેતુઓને ફરી એકજૂટ કરવા માટેના પ્લાન પર કામ કર્યું હતું.
31મી જાન્યુઆરીના રોજ મતદાન થયા પછી પાંચમી ફેબ્રુઆરી, 1917ના રોજ નવા બંધારણની જાહેરાત કરવામાં આવી, જે મેક્સિકન ક્રાંતિનો અંત ગણાય છે.
પણ સત્તા માટેની હિંસક લડાઈનો ત્યાં જ અંત ન આવ્યો, કારણ કે, જુદા-જુદા પક્ષો વચ્ચેના ગજગ્રાહને લીધે ક્રાંતિકારી નેતાઓની હત્યા થઈઃ જેમાં ઝપાટા (1919), કેરાન્ઝા (1920), વિલા (1923) અને ઓબ્રેગોન (1928)નાં નામ સામેલ છે.
જોકે, આધુનિક મેક્સિકન રાજ્યનો પાયો નવા મેગ્ના કાર્ટા (બંધારણ) સાથે નંખાયો હતો.
દસ્તાવેજમાં ખેતીવિષયક હક્કો, શ્રમ અધિકારો, રાજ્ય દ્વારા શિક્ષણ અને આરોગ્યની બાંહેધરી, અખબારની સ્વતંત્રતા અને રાજકીય અધિકારો જેવા ક્રાંતિકારી હેતુઓને સ્થાપિત કરવામાં આવ્યા છે, જે એક સદી કરતાં વધુ સમય વીત્યા પછી આજેય અમલમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન