You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ગાંધીને મહિલાઓએ મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા મનાવ્યાં, આઝાદીની લડતમાં દમ દેખાડનાર મહિલાઓની ભુલાયેલી તસવીરો
- લેેખક, દિનયાર પટેલ
- પદ, ઇતિહાસકાર
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતમાં હાલમાં જ કેટલીક જૂની તસવીરો મળી આવી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
આ તસવીરો 1930-31માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થયેલા સવિનય કાનૂનભંગ આંદોલનમાં મહિલાઓની ભૂમિકા વિશે જણાવે છે. આ આંદોલન ભારતના બ્રિટિશ રાજ વિરુદ્ધ થયેલાં સૌથી મોટાં આંદોલનો પૈકી એક હતું.
આ તસવીરો ન માત્ર મહિલાઓની ભાગીદારી વિશે જણાવે છે, પરંતુ આ એ વાતનોય સ્પષ્ટ પુરાવો છે કે કે કેવી રીતે રાજકીય મામલામાં પણ તેમની દખલ રહેતી અને તેમણે એ ક્ષેત્રમાં પણ પોતાનો દબદબો બનાવ્યો.
ઘણી વાર તો આ મહિલાઓ આવા મામલામાં પુરુષોથી ઘણી આગળ રહી.
એપ્રિલ 1930માં ગાંધીએ ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ માટેની કૂચ કરી હતી.
તેમણે મીઠાનો કાયદો તોડીને બ્રિટિશ શાસનની નીતિઓને પડકારી હતી. સમુદ્રમાંથી એક મુઠ્ઠી ભરીને મીઠું ઉપાડતાં ગાંધીએ કહ્યું હતું કે તેઓ "બ્રિટિશ શાસનના પાયા હચમચાવી રહ્યા છે."
જ્યારે મહિલાઓએ ગાંધીને મનાવ્યાં
એ બાદ ગાંધીએ સવિનય કાનૂનભંગ આંદોલનોના ઘણા પ્રવાહોનું નેતૃત્વ કર્યું. તેમણે કૉંગ્રેસ સમર્થકોને ગેરકાયદેસર કરીતે મીઠું બનાવવા, વિદેશી માલસામાનનો બહિષ્કાર કરવા અને લોકોને લાકડી ઉગામનારી પોલીસનો સામનો કરવા કહ્યું.
તેના અમુક મહિના પહેલાં જ કૉંગ્રેસે 'પૂર્ણ સ્વરાજ'ને પોતાનું રાજકીય લક્ષ્ય જાહેર કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇતિહાસકાર સવિનય કાનૂનભંગ આંદોલનને ભારતીય રાજકારણનો મહત્ત્વપૂર્ણ વળાંક માને છે. આનાં બે કારણો છે. પહેલું એ કે આ આંદોલનના પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી.
મીઠા સત્યાગ્રહ શરૂ કરતી વખતે ગાંધીએ મહિલાઓને સામેલ થવાની ના પાડી હતી, પરંતુ ઘણાં મહિલા નેતાઓએ મહાત્મા ગાંધીને મહિલાઓને મોટી ભૂમિકા આપવા માટે મનાવી લીધાં.
બીજું, કૉંગ્રેસ નેતાઓએ રેડિયો, ફિલ્મ અને ફોટોગ્રાફી જેવી આધુનિક રીતોનો ઉપયોગ કરાયો, જેથી આ સંઘર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો સુધી પહોંચી શકે.
હરાજીમાં સામે આવ્યું આલ્બમ
લગભગ 20 વર્ષ પહેલાં, આઝાદીના આંદોલનની તસવીરોનું એક આલ્બમ લંડનની એક હરાજીમાં સામે આવ્યું હતું.
મુંબઈ (પહેલાં બૉમ્બે)ના એક પ્રાચીન વસ્તુઓના વેપારી પાસેથી આ માહિતી મળતાં દિલ્હી ખાતે કળા સંગ્રહ 'અલ્કાઝી ફાઉન્ડેશન'એ આ આલ્બમ લઈ લીધું.
કોલસા જેવા રંગના કવરવાળા આ આલ્બમને જોઈને આના વિશે વધુ માહિતી નથી મેળવી શકાઈ રહી.
તેના એક છેડે લખેલું હતું : "કલેક્શન્સ ઑફ ફોટોગ્રાફ્સ ઑફ ઑલ્ડ કૉંગ્રેસ પાર્ટી - કેએલ નર્સી."
પરંતુ કેએલ નર્સી વિશે કોઈને વધુ માહિતી નહોતી. તેના કૅપ્શન ટાઇપ કરેલાં હતાં અને તેમાં કોઈ ભૂલો નહોતી. આ આલ્મબ 2019 સુધી અલ્કાઝી ફાઉન્ડેશનના સંગ્રહમાં જ રહ્યું. એ દરમિયાન ક્યૂરેટર અને ડ્યૂક યુનિવર્સિટીના બે ઇતિહાસકારોએ આ અંગે ફરી વાર તપાસ કરવાનું શરૂ કર્યું.
તેમની તપાસમાં જે કાંઈ મળી આવ્યું, એનાથી તેઓ પરેશાન થઈ ગયા.
અજ્ઞાત પૃષ્ઠભૂમિ છતાં, આ આલ્બમની તસવીરો એક જીવંત અને વિસ્તૃત કહાણી કહી બતાવે છે. આ તસવીરોમાં મુંબઈના રસ્તા પર તણાવ દેખાય છે, જ્યાં હજારો સ્વયંસેવકો કૉંગ્રેસ સાથે ઊભેલા દેખાય છે.
પહેલાંની તસવીરોની વિપરીત આ પોઝ આપીને ખેંચાવેલી તસવીરો નથી. તેમાં પોલીસ સાથે અથડામણ, ઈજાગ્રસ્તોને ઍમ્બુલન્સમાં લાવવા, વરસાદમાં રેલી અને સતત ચાલતી આવી રહેલી ભીડ જોવા મળી રહી છે. આ બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીરોમાં લોકોનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
મહિલા નેતૃત્વની એક અનોખી તસવીર
સૌથી ખાસ વાત એ છે કે આ આલ્બમમાં દેખાય છે કે મહિલાઓએ સવિનય કાનૂનભંગ આંદોલનનો પોતાના સશક્તીકરણના મંચ તરીકે ઉપયોગ કર્યો.
ડ્યૂક યુનિવર્સિટીનાં સુમતિ રામાસ્વામી કહે છે કે તસવીરોએ એ મહિલાઓની સક્રિયતા તરફ ધ્યાન ખેંચ્યું. તેમણે પોતાનાં સહયોગી અવ્રતી ભટનાગર સાથે મળીને આ આલ્બમનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો.
એક ફોટોમાં ગુજરાતનાં કૉંગ્રેસ નેતા લીલાવતી મુનશી પુરુષોને મીઠાની સરકારી ખાણ પર દરોડો પાડવાના નિર્દેશ આપતાં દેખાય છે. એક અન્ય તસવીરમાં તેઓ એક બ્રિટિશ સ્ટોર બહાર અડગ ઊભેલાં દેખાય છે અને બ્રિટિશ પોલીસ સામે નીડરતા સાથે ઊભાં છે. લીલાવતી સ્લિવલેસ (બાંય વિનાના) બ્લાઉઝ અને સાડી જેવાં સ્ટાઇલિશ કપડાંમાં દેખાય છે.
આ મહિલાના નેતૃત્વની એક અનોખી તસવીર છે. ભારતનાં રાષ્ટ્રીય આંદોલનોમાં પુરુષોનું વર્ચસ્વ હતું.
વર્ષ 1920-22ના અસહયોગ આંદોલન સુધી મહિલાઓની ભૂમિકા અત્યંત સીમિત હતી. પરંતુ બાદમાં તેમનું યોગદાન ખૂબ વધી ગયું હતું.
નર્સીના આલ્બમમાં મુનશી જેવાં ઘણાં જાણીતાં મહિલાઓ સિવાય એ મહિલાઓની તસવીરો છે, જેમનો ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી.
નવી પેઢી પણ સામેલ
આલ્બમની કેટલીક તસવીરોમાં મુંબઈ (ત્યારે બૉમ્બે)ના ચોપાટી બીચ ખાતે મહિલાઓ મીઠું પકવવાની તૈયારીમાં એકઠી થઈ છે. માત્ર મહિલાઓની ભાગીદારીથી બનેલી 'દેશ સેવિકા'જેવી ટુકડીઓ પોલીસથી પોતાના હાથમાં રહેલા ધ્વજને બચાવવાની કોશિશ કરી રહી છે.
તસવીરોમાં દેખાય છે કે ઘણી મહિલાઓ પોતાની નાની દીકરીઓને પણ સાથે લઈ આવી હતી, જેથી નવી પેઢીને પણ રાજકારણમાં જોડી શકાય.
આ આલ્બમમાં જેન્ડર ડાયનેમિક્સની (જાતિલક્ષી ગતિશીલતા) બિલકુલ વિપરીત તસવીર દેખાય છે.
તેમાં હજારો મહિલાઓની રેલીથી રસ્તા ખીચોખીચ ભરાયેલા દેખાય છે અને પુરુષો એક છેડે ઊભેલા દેખાય છે. બીજી તરફ જવલ્લે જ રસોડામાં દેખાતા મધ્યમ વર્ગીય પરિવારના પુરુષ મીઠું પકવવાની રીત સમજતા દેખાઈ રહ્યા છે.
આલ્બમમાં મોજૂદ બેનામ પુરુષ અને મહિલાઓ ભારતના ઇતિહાસના એક ભાગને બહેતર રીતે સમજવામાં મદદ કરે છે.
રામાસ્વામી કહે છે કે આપણે સવિનય કાનૂનભંગ આંદોલનને ગાંધી સાથે સાંકળીએ છીએ, પરંતુ આ આલ્બમ બતાવે છે કે મુંબઈના લોકોએ આ આંદોલનને એ સ્વરૂપ આપ્યું, જેણે ગાંધીને વૈશ્વિક ઓળખ અપાવી.
ઇતિહાસમાં નોંધાઈ ગયાં
તસવીરો બતાવે છે કે કેવી રીતે મહિલાઓ પોલીસને પડકારી રહી હતી, બહિષ્કાર માટે સમર્થન ભેગું કરી રહી હતી, ભીડને સંબોધિત કરી રહી હતી અને ધરપકડ વહોરી રહી હતી.
અવ્રતી ભટનાગર કહે છે કે આ આંદોલને મહિલાઓ માટે જાહેર ભૂમિકા ભજવવાનો એક રસ્તો ખોલ્યો.
ઘણાં મહિલાઓ ફોટો પડાવતી વખતે સીધા કૅમેરા તરફ જુએ છે, તેમને એ વાતનો ખ્યાલ છે કે તેમની નોંધ ઇતિહાસમાં થઈ રહી છે.
ભટનાગર કહે છે કે તેઓ માત્ર ઉપનિવેશવાદી શાસનથી જ નહીં, બલકે ઘરેલુ અને જાહેર જગ્યાઓએ મહિલા-પુરુષોના ભેદભાવથી પણ આઝાદીનો દાવો કરી રહી હતી.
નર્સીનું આલ્બમ બૉમ્બેના બદલાતા શહેરી રૂપનો પણ પુરાવો છે.
ઉપનિવેશવાદી ઇમારતો વચ્ચે ખાદી પહેરેલા સ્વયંસેવકો બ્રિટિશ પોલીસ અને સૈનિકો કરતાં વધુ સંખ્યામાં નજરે પડે છે. તેઓ વિક્ટોરિયા ટર્મિનસ (હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને ધોબી તળાવ ફિટ્ઝગેરાલ્ડ ફાઉન્ટેન પર કબજો કરતાં દેખાય છે.
તેમજ ઉપનિવેશવાદી શાસન કૉટન મિલના કામદારોના વસવાટ માટે બનેલી વર્લીની ચાલને પકડાયેલા આંદોલનકારીઓ માટે અસ્થાયી જેલમાં તબદીલ કરી દે છે.
100 વર્ષ બાદ પણ સ્પષ્ટ સંકલ્પ દેખાય છે
મુંબઈના ઇતિહાસકાર મુરલી રંગનાથન કહે છે કે, "ભલે બૉમ્બેમાં એ સમય સુધી ફોટોગ્રાફીનો ઇતિહાસ 100 વર્ષ જૂનો થઈ ચૂક્યો હતો, પરંતુ રાજકીય પ્રવૃત્તિઓને આ રીતે કૅમેરામાં પ્રથમ વખત કેદ કરાઈ હતી."
હવે નર્સી આલ્બમની આ તસવીરો ફરીથી જાહેરમાં આવી છે.
રામાસ્વામી અને ભટનાગરે હાલમાં જ "ફોટોગ્રાફિંગ સિવિલ ડિસઑબેડિયંસ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.
ઑક્ટોબર મહિનામાં તેમણે મુંબઈ અને ડ્યૂક યુનિવર્સિટીમાં "ડિસઑબેડિએન્ટ સબ્જેક્ટ્સ" નામથી બે પ્રદર્શન પણ યોજ્યાં.
સવિનય કાનૂનભંગ આંદોલનનાં મહિલા સ્વયંસેવકોને ભલે મોડેથી પરંતુ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે હવ માન્યતા મળી રહી છે.
લગભગ 100 વર્ષ બાદ પણ તેમનો દૃઢ નિશ્ચય અને સંકલ્પ એટલા જ સ્પષ્ટ દેખાય છે, જ્યારે એ પહેલી વખત કૅમેરામાં કેદ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન