નદીમાં તણાઈ ગયેલા વેપારીને મગર ખાઈ ગયો, પોલીસે મગરમચ્છનું પેટ ચીર્યું તો એમાંથી શું મળ્યું?

    • લેેખક, જૉસેફ વિન્ટર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 2 મિનિટ

દક્ષિણ આફ્રિકામાં પોલીસે ગયા અઠવાડિયે પૂરના પાણીમાં તણાઈ ગયેલા એક બિઝનેસમૅનની શોધખોળ કરી હતી અને આ દરમિયાન માનવ અવશેષ મળી આવ્યા હતા.

આ શોધખોળ દરમિયાન એક પોલીસ અધિકારીને હેલિકૉપ્ટરની મદદથી કોમાટી નદીમાં ઉતારવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મગરમચ્છ રહે છે.

અહેવાલ મુજબ વેપારી પૂરના પાણીમાં તણાઈ ગયા હતા જે દરમિયાન મગરમચ્છ તેને ખાઈ ગયો હતો. આ મગરમચ્છને મારી નાખવામાં આવ્યો છે. અધિકારી કૅપ્ટન જૉહાન પૉટગીટરે હિંમતપૂર્વક મગરમચ્છ સુધી જઈને તેને પકડી લીધો હતો.

તેમણે કહ્યું કે મગરમચ્છ સુધી પહોંચ્યા પછી તેમને બેચેનીભર્યો અનુભવ થયો હતો.

તેમણે ન્યૂઝ 24 વેબસાઇટને જણાવ્યું કે મગરમચ્છના મોઢા નજીક જવું સુરક્ષિત નથી.

કોમાટી નદીમાં મગરમચ્છને દોરડાથી બાંધી દેવાયો હતો. ત્યાર પછી પોલીસે હેલિકૉપ્ટરની મદદથી બંનેને નદીમાંથી બહાર કાઢ્યા. મગરમચ્છને બહાર કાઢ્યા બાદ તેના પેટમાંથી કેટલાક માનવ અવશેષ મળ્યા હતા. ડીએનએ ટેસ્ટ પરથી ખબર પડશે કે આ માનવ અંગો પૂરના પાણીમાં તણાઇ ગયેલી વ્યક્તિના જ છે કે કેમ.

આખી ઘટના શું હતી?

ગયા અઠવાડિયે નદીમાં પૂર આવ્યું હતું જેમાં એક નાનકડો પુલ પાર કરતી વખતે વેપારીની કાર પાણીમાં ફસાઈ ગઈ.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે કાર ખાલી હતી. મ્પુમાલંગા પોલીસના પ્રવક્તા કર્નલ માવેલા માસોંડોએ સમાચાર સંસ્થા એસએબીસીને જણાવ્યું કે તેમને શંકા છે કે વેપારી પૂરના પાણીમાં તણાઈ ગયા હશે.

પોલીસ સબમરીન ટીમના કમાન્ડર કૅપ્ટન જૉહાન પૉટગીટરે કહ્યું કે વેપારીની શોધખોળ માટે ડ્રૉન અને હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નદીના એક નાનકડા ટાપુ પર મગરમચ્છો તડકો લેતા જોવા મળ્યા હતા.

તેમણે કહ્યું કે તેમણે પોતાના અનુભવના આધારે આ મગરમચ્છોની તપાસ કરી. તેમણે એવો નિષ્કર્ષ કાઢ્યો કે આમાંથી કોઈ એક મગરમચ્છે થોડા સમય પહેલાં જ કંઈક ખાધું હશે.

મગરમચ્છ કંઈ ખાતો કે હલનચલન કરતો ન હતો

પૉટગીટરે ન્યૂઝ 24ને જણાવ્યું કે મગરમચ્છનું પેટ એટલું ભરાયેલું હતું કે ઉપરથી ડ્રૉન અને હેલિકૉપ્ટર ઊડતાં હોવા છતાં તે હલનચલન કરતો ન હતો અને નદીમાં પાછા જવાની કોશિશ પણ કરતો ન હતો.

ત્યાર પછી પોલીસે મગરમચ્છને મારી નાખ્યો. પોલીસે જણાવ્યું કે તેમણે મગરમચ્છને પકડવા અને બહાર કાઢવા માટે અત્યંત જોખમી અને જટિલ અભિયાન ચલાવ્યું હતું.

આ એક વિશાળકાય મગરમચ્છ હતો જેની લંબાઈ લગભગ 4.5 મીટર અને વજન 500 કિલો હતું.

મગરમચ્છને નજીકના ક્રૂગર નૅશનલ પાર્કમાં લઈ જવાયો જ્યાં તેનાં આંતરડાંની તપાસ કરવામાં આવી. તેમાંથી કેટલાક માનવ અવશેષ મળી આવ્યા.

પૉટગીટરે જણાવ્યું કે આ માનવ અવશેષની સાથે સાથે મગરમચ્છના પેટમાંથી છ અલગ-અલગ પ્રકારનાં જૂતાં પણ મળ્યાં હતાં.

પૉટગીટર માને છે કે મગરમચ્છોએ અગાઉ બીજાને પણ માર્યા હશે. અથવા તો આ અવશેષ એટલા માટે હશે કારણ કે મગરમચ્છ કંઈ પણ ગળી શકે છે.

સાઉથ આફ્રિકાના કાર્યકારી પોલીસ વડા લેફ્ટનન્ટ જનરલ પુલેંગ ડિમ્પેને પૉટગીટરના સાહસની પ્રશંસા કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન