વડા પ્રધાન મોદીની અપીલ ભારતીયોને કોઈ મોટા સંકટ માટે તૈયાર રહેવાની ચેતવણી છે?

વાંચવાનો સમય: 9 મિનિટ

શું ભારતે આગામી દિવસોમાં ગંભીર ઑઇલ સંકટનો સામનો કરવો પડે તેવી આશંકા છે? શું ઈરાન યુદ્ધની ભારત પર ચિંતાજનક અસર પડશે?

શું ભારતના લોકોએ પડકારજનક દિવસો માટે તૈયાર રહેવું પડશે?

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આ સંકટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ રહ્યા?

રવિવારે સિકંદરાબાદમાં વડા પ્રધાન મોદીના ભાષણ પછી નિષ્ણાતો, નેતાઓ અને સામાન્ય લોકોમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

વડા પ્રધાન મોદીના ભાષણના થોડા કલાકો પછી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશથી મોકલેલા પ્રસ્તાવને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" ગણાવ્યો.

આનો અર્થ એ થયો કે હાલમાં ઈરાન યુદ્ધ અંગે અનિશ્ચિતતાની સ્થિતિ છે, જે વૈશ્વિક અર્થતંત્ર (ભારત સહિત) અને શૅરબજાર માટે સારા સમાચાર નથી.

વડા પ્રધાનના ભાષણ અંગે કેવી ચર્ચા શરૂ થઈ?

પોતાના ભાષણમાં, પીએમ મોદીએ ભારતીયોને પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવા, સોનું ખરીદવાનું ટાળવા અને એક વર્ષ સુધી રસોઈ માટેનું તેલ ઓછું વાપરવાની સાથે આ સમયગાળા દરમિયાન લોકોને વિદેશયાત્રા ટાળવાની પણ અપીલ કરી.

ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ પીએમના ભાષણને શૅર કર્યું અને તેમની અપીલનો પુનરોચ્ચાર કર્યો.

કેટલાક નિષ્ણાતોએ વડા પ્રધાનના ભાષણને ડીકોડ કરતાં ભારતને મુશ્કેલ સમય માટે તૈયાર રહેવા કહ્યું, તેમજ વિપક્ષે સરકાર પર ઈરાન યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિને યોગ્ય રીતે હૅન્ડલ કરવામાં નિષ્ફળ જવાનો અને આ મુશ્કેલીને સંભાળવાની જવાબદારી જનતાના ખભા પર નાખવાનો આરોપ લગાવ્યો.

સોશિયલ મીડિયા પર પણ લોકોના મત વિભાજિત જણાઈ રહ્યા છે.

કેટલાક લોકો વડા પ્રધાનના નિવેદન સાથે સંમત છે, તો કેટલાક લોકો વિધાનસભા ચૂંટણી દરમિયાન આ સંકટને જનતાથી કેમ છુપાવવામાં આવ્યું એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

ચાલો સમજીએ કે વડા પ્રધાન મોદીએ શું કહ્યું, તેનો શો અર્થ છે અને શા માટે તેમણે વિપક્ષ તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે?

'પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરો'

ઈરાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ વધુ કરવાની સલાહ આપી.

તેમણે કહ્યું, "ભારત પાસે ક્રૂડઑઇલના મોટા મોટા કુવા નથી. આપણે બીજા દેશોમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને ગૅસની આયાત કરવી પડે છે. યુદ્ધને કારણે, સમગ્ર વિશ્વમાં પેટ્રોલ, ડીઝલ, ગૅસ અને ખાતરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તે આસમાનેય પહોંચી ગયા છે. પડોશી દેશોમાં શું થઈ રહ્યું છે તે અખબારોમાં પ્રકાશિત થાય છે."

વડા પ્રધાને આવું કેમ કહ્યું?

ઈરાન સાથેના યુદ્ધને કારણે લાંબા સમયથી હોર્મુઝની સામુદ્રધુમાંથી જહાજોની અવરજવર પર અસર પડી છે. આ એ જ સમુદ્ર માર્ગ છે જ્યાંથી સમગ્ર વિશ્વના ક્ર્રડઑઇલ પુરવઠાનો 20 ટકા ભાગ ટ્રાન્સપૉર્ટ થાય છે. ભારત પણ તેની ઑઇલ અને ઊર્જા જરૂરિયાતો માટે હોર્મુઝની સામુદ્રધુની મારફતે આવતા પુરવઠા પર ખૂબ નિર્ભર છે.

ઈરાન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડઑઇલના ભાવમાં વધારો થયો છે. ભારતને તેની ક્રૂડઑઇલની જરૂરિયાત પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં તેની આયાત કરવી પડે છે.

નિષ્ણાતોના મતે, વડા પ્રધાને પેટ્રોલ અને ડીઝલ અંગે એટલા માટે સંયમ રાખવાની વિનંતી કરી છે, કારણ કે યુદ્ધથી ક્રૂડઑઇલ, ખાદ્ય તેલ, ખાતર અને લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી)ના ભાવમાં વધારો થવાની આશંકા છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ અને હવાઈ મુસાફરી પણ વધુ મોંઘી થઈ શકે છે.

ધ હિંદુનાં ઍસોસિયેટ અને પૉલિટિકલ એડિટર નિસ્થુલા હેબ્બરે જણાવ્યું હતું કે , "પશ્ચિમ એશિયા સંકટની અસર અંગે સંસદનાં બંને ગૃહોમાં આપેલા તેમનાં બે નિવેદનો પછી પીએમનું ભાષણ આવ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે લાંબા સમય સુધી બધું સામાન્યપણે ચાલી નહીં શકે અને પુરવઠાતંત્ર સાથે સંકળાયેલી સમસ્યાઓ સર્જાવાની છે. ભારત, તૈયાર થઈ જાઓ, આગળની સફર મુશ્કેલ અને આંચકાઓથી ભરેલી હોઈ શકે છે."

પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસિસ સેલ (પીપીએસી) અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં, ભારતે ક્રૂડઑઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર 144 બિલિયન અમેરિકન ડૉલરનો ખર્ચ કર્યો હતો.

નિષ્ણાતો ચેતવતાં કહે છે કે વડા પ્રધાનનું નિવેદન ભારત માટે ચેતવણી સમાન છે, કારણ કે જો હોર્મુઝની નાકાબંધી લાંબા સમય સુધી ચાલુ રહે અને જો ક્રૂડઑઇલના ભાવ 110 અથવા 120 અમેરિકન ડૉલર પ્રતિ બેરલ જળવાઈ રહે તો ફુગાવો વધશે, રાજકોષીય ખાધ વધશે અને એકંદરે અર્થતંત્ર પર તેની અસર પડશે.

સોનું ન ખરીદવાનું કેમ કહ્યું?

વડા પ્રધાને પોતાના ભાષણમાં લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની પણ અપીલ કરી.

તેમણે કહ્યું, "સોનું ખરીદવું એ વધુ એક પાસું છે, જેમાં વિદેશી ચલણનો ઘણો ઉપયોગ થાય છે. એક સમય હતો જ્યારે લોકો સંકટટાણે દેશહિતમાં સોનું દાન કરતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં, આપણે નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી ઘરે કોઈ પ્રસંગ હોય, તો આપણે સોનાનાં ઘરેણાં નહીં ખરીદીએ."

"આપણે સોનું નહીં ખરીદીએ. આપણી દેશભક્તિ આપણને વિદેશી હુંડિયામણ બચાવવાનો પડકાર ફેંકી રહી છે અને આપણે એ સ્વીકારવું પડશે અને વિદેશી હુંડિયામણ બચાવવું પડશે."

ભારત મોટા પ્રમાણમાં ક્રૂડઑઇલ અને સોનું બંને આયાત કરે છે. તેથી, તેને ખરીદવા માટે વધુ વિદેશી ચલણ (સામાન્ય રીતે ડૉલર)ની જરૂર પડશે. આનાથી રૂપિયો નબળો પડશે, જેના કારણે ભારતીય અર્થતંત્ર પર નકારાત્મક અસર પડશે. આનાથી ફુગાવો વધવાની શક્યતા છે.

જ્યારે ફૉરેક્સ (વિદેશી હુંડિયામણ ભંડાર) ઘટે છે, ત્યારે સરકારની ચિંતા બે સ્તરની હોય છે.

ક્રૂડઑઇલની આયાત અને સોનાની આયાત અંગે. નિષ્ણાતોના મતે, આ જ કારણે વડા પ્રધાને તેમના ભાષણમાં ક્રૂડઑઇલની સાથોસાથ સોનું ન ખરીદવાની પણ સલાહ આપી છે.

સરકારી આંકડા પ્રમાણે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની સોનાની આયાત 51.4 બિલિયન ડૉલરની હતી, જે 2023માં આ આંકડો 45.54 બિલિયન ડૉલર હતો. એટલે કે, 2024-25માં તેમાં 13.7 ટકાનો વધારો થયો.

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ના તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર , 9 મે, 2026ના રોજ ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર (ફૉરેક્સ) લગભગ 690.6 અબજ ડૉલર હતો.

વરિષ્ઠ પત્રકાર અંશુમન તિવારીએ ઍક્સ પર લખ્યું , "એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની વડા પ્રધાન મોદીની અપીલમાં એક મોટો સંદેશ છુપાયેલો છે - રૂપિયાને બચાવો. આ વિદેશી હૂંડિયામણ સંકટનો સામનો કરવા માટે એક પ્રારંભિક ચેતવણી સમાન છે, કારણ કે આયાતી સોના પર ખર્ચવામાં આવતો દરેક વધારાનો ડૉલર રૂપિયાને વધુ નબળો પાડે છે. ભારતમાં સોનાની ભારે માંગ છે. દેશ દર વર્ષે લગભગ 800-900 ટન સોનાની આયાત કરે છે, જે વિશ્વમાં બીજા ક્રમે છે. ક્રૂડઑઇલ પછી સોનું ભારતની સૌથી મોટી આયાત છે. નાણાકીય વર્ષ 2026માં સોનાની આયાત લગભગ 72 અબજ ડૉલરના રેકૉર્ડ સ્તરે પર પહોંચી ગઈ, જે નાણાકીય વર્ષ 2025 કરતાં લગભગ 24% વધુ છે."

નિષ્ણાતોના મતે, સોના અંગે વડા પ્રધાન મોદીનું નિવેદન સૂચવે છે કે સરકાર ડૉલર રિઝર્વને જાળવવા, બિનજરૂરી આયાતને ઘટાડવા અને ઈરાન યુદ્ધ દ્વારા ઊભા થયેલા લાંબા ગાળાના દબાણ માટે જનતાને માનસિક રીતે તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકી રહી છે.

પીએમ મોદીએ વર્ક ફ્રૉમ હોમ માટે કેમ કહ્યું?

વડા પ્રધાન મોદીએ વર્ક ફ્રૉમ હોમનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સમયની માંગ ઘરેથી કામ અને ઑનલાઇન મિટિંગ જેવી સેવાઓ ફરી શરૂ કરવાની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન પણ પેટ્રોલ અને ડીઝલના બચાવ સાથે સંકળાયેલું છે.

કારણ કે તેનાથી ઈંધણનો વપરાશ ઓછો થવાની અપેક્ષા છે. લોકોની ઘર અને ઑફિસ વચ્ચેની અવરજવર ઘટશે. વીજળી અને ક્રૂડઑઇલનો ઉપયોગ પણ ઘટશે અને બચત થશે.

રસોઈમાં વપરાતા તેલના ઉપયોગને ઘટાડવાનું કેમ કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કંઈક આવું જ ખાદ્ય તેલ માટે પણ છે. તેની આયાત માટે મોટી માત્રામાં વિદેશી ચલણ ખર્ચવું પડે છે. જો આપણે દરેક ભોજનમાં તેલનો ઉપયોગ ઓછો કરીએ, તો એ પણ દેશભક્તિનું કાર્ય છે. આવું કરવાથી દેશની સેવા કરશે અને શરીરની પણ સેવા થશે. આનાથી દેશના તિજોરીનું સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સુધરશે."

ભારત ખાદ્ય તેલના સૌથી મોટા આયાતકારોમાંનો એક દેશ છે. ભારત પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખીના તેલની આયાત કરે છે. ભારત ઇન્ડોનેશિયા, મલેશિયા, આર્જેન્ટિના અને બ્રાઝીલ જેવા દેશોમાંથી પણ રસોઈમાં વપરાતા તેલની આયાત કરે છે.

સરકારી આંકડા પ્રમાણે, ભારત તેની કુલ ખાદ્ય તેલ જરૂરિયાતોના આશરે 55થી 60% આયાત કરે છે, અને તેના પર ભારતને પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારનો નોંધપાત્ર ભાગ ખર્ચ કરવો પડે છે.

ફર્ટિલાઇઝર્સ (ખાતર) અંગે શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવા અપીલ કરી હતી. ભારત વિશ્વના સૌથી મોટા ફર્ટિલાઇઝર્સ વપરાશકર્તાઓ પૈકી એક છે.

ભારત યુરિયા, ડીએપી, પોટાશ અને તેમના કાચા માલનો મોટો ભાગ આયાત કરે છે, જેના ભાવ કુદરતી ગૅસ, ક્રૂડઑઇલ અને વૈશ્વિક પુરવઠા તંત્ર સાથે જોડાયેલા છે.

આનો અર્થ એ થયો કે જો પશ્ચિમ એશિયન સંકટને કારણે ક્રૂડઑઇલ અને ગૅસ મોંઘું થાય, શિપિંગ પર અસર પડે, તો ખાતર પણ વધુ મોંઘું થઈ જાય છે. ભારતમાં, ખેડૂતો સસ્તા દરે ખાતર ખરીદે છે, કારણ કે સરકાર ભારે સબસિડી આપે છે. તેથી, જો ખાતરના ભાવ વધે છે, તો સરકારનું સબસિડી બિલ નોંધપાત્ર રીતે વધી જાય છે.

પીએમ મોદીની અપીલ, સમર્થન અને ટીકા

વડા પ્રધાન મોદીના આ ભાષણ બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ નિષ્ફળતાનો પુરાવો છે, હવે જનતાને કહેવું પડી રહ્યું છે કે શું ખરીદવું અને શું નહીં.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું , "ગઈ કાલે મોદીજીએ જનતા પાસે બલિદાન માંગ્યું - સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, ઓછું પેટ્રોલ બાળો, ખાતર અને રસોઈમાં વપરાતું તેલ ઓછું વાપરો, મેટ્રોમાં મુસાફરી કરો, ઘરેથી કામ કરો. આ ઉપદેશો નથી, આ નિષ્ફળતાના પુરાવા છે."

તેમણે લખ્યું, "12 વર્ષમાં, દેશ એ મુકામે પહોંચી ગયો છે કે જનતાને કહેવું પડે છે કે શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું, ક્યાં નહીં. દરેક વખતે, તેઓ જનતા પર જવાબદારી નાખે છે, જેથી તેઓ પોતે જવાબદારીમાંથી છટકી શકે. દેશ ચલાવવો હવે સમાધાનકારી વડા પ્રધાનના વશમાં નથી."

શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ઍક્સ પર લખ્યું , "મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો સામનો કરવામાં નીતિલક્ષી નિષ્ફળતા પછી, ચૂંટણીલક્ષી નિર્ણયોનો બોજો હવે નાગરિકો પર ન નાખી શકાય અને તેમને ક્રૂડઑઇલ બચાવવા, મુસાફરી ઘટાડવા અથવા ખરીદી ઘટાડવા માટે અપીલ ન કરી શકાય."

તેમણે સરકારને સલાહ આપી કે મંત્રીઓ અને નેતાઓના મોટા મોટર કાફલા પર પ્રતિબંધ મૂકીને, એક વર્ષ માટે મોટી રેલીઓ બંધ કરીને, ભવ્ય શપથગ્રહણ સમારોહ બંધ કરીને અને આવા કાર્યક્રમો વૉચ ફ્રૉમ હોમ (ઘરેથી જોઈને)પણ પેટ્રોલ અને ડીઝલની બચત કરી શકાય છે.

વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદર કહે છે , "ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને એ સાથે વડા પ્રધાન મોદીએ લોકોને ઈંધણ બચાવવા કહ્યું છે અને વિદેશ પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. તેઓ શુક્રવારે યુએઇ, સ્વીડન, નેધરલૅન્ડ, નોર્વે અને ઇટાલીના પ્રવાસે રવાના થઈ રહ્યા છે."

દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, "વૈશ્વિક કટોકટીના આ સમયમાં, મોદીજીએ દેશવાસીઓને એક દૂરંદેશીવાળી અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલના ઉપયોગમાં સંયમ, વર્ક ફ્રૉમ હોમને પ્રોત્સાહન અને રાસાયણિક ખાતરને બદલે કુદરતી ખેતી અપનાવવાનું તેમનું આહ્વાન ભારતને આત્મનિર્ભર અને ઍનર્જી-સિક્યૉર રાષ્ટ્ર બનાવવા માટેનો સ્પષ્ટ રોડમૅપ છે. વૈશ્વિક પડકારો વચ્ચે દેશને સ્થિર, મજબૂત અને અગ્રણી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવામાં આ નિર્ણાયક સાબિત થશે."

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્રૂડઑઇલ અને ગૅસ અંગે કરવામાં આવેલી અપીલનું દેશવાસી પાલન કરે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન