ઈરાન યુદ્ધ : ગુજરાતનું વહાણ ડૂબતાં સલાયાના નાવિકનું મૃત્યુ, 17 લોકોએ મોત સામે બાથ ભીડી

  • વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સંયુક્ત રીતે હવાઈ હુમલા કરતા ફાટી નીકળેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.

વહાણના માલિકના કહેવા અનુસાર, વહાણ ઈરાનના અખાતમાં આવેલા દુબઈ બંદરેથી માલ-સામાન ભરીને યમન દેશના અલ મકલ્લા બંદરે જવા નીકળ્યું હતું, પરંતુ વહાણ યુદ્ધ પછી વહાણવટા માટે ખૂબ જ જોખમી બની ગયેલ હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યું ત્યારે તેના પર હુમલો થતા તેનો "ભુક્કો" બોલી ગયો હતો.

વહાણ તૂટી પડતાં તેના પર સવાર 18 નાવિકો દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે તેમાંથી પાંચને હુમલા દરમિયાન પહેલાથી જ ગંભીર ઈજાઓ થઈ હતી અને મદદ મળવામાં લાંબો સમય લાગી જતા તેમાંથી અલ્તાફ કેર નામના એક નાવિકનું મૃત્યુ થઈ ગયું છે, તેમ વહાણના માલિક જણાવે છે.

પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મૃત્યુ પામનાર નાવિકની દફનવિધિ દુબઈમાં જ કરવાનો તેના પરિવારે નિર્ણય લીધો છે.

વહાણે હોર્મુઝની સમુદ્રધુનીમાં જવાનું જોખમ કેમ ખેડ્યું?

ગુજરાતમાં લાકડાનાં બનેલાં વહાણો દરિયાપારના દેશોનાં બંદરો સુધી માલ-સામાન પહોંચાડવાનો એટલે કે વહાણવટાનો વ્યવસાય સદીઓ જૂનો છે.

અંગ્રેજીમાં સેઇલિંગ વેસ્સેલ, કન્ટ્રી ક્રાફટ કે ધો તરીકે ઓળખાતાં વહાણો ગુજરાતનાં બંદરોએથી ખાડી દેશોનાં બંદરો તેમજ આફ્રિકા ખંડના પૂર્વ કાંઠાના દેશોનાં બંદરો સુધી અને એક ખાડી દેશમાંથી બીજા ખાડી દેશનાં બંદરો સુધી માલ-સામાન પહોંચાડે છે.

હાલ, વેરાવળ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સલાયા બંદર, જામનગરનું રોજી બંદર, કચ્છનાં તુણા, મુન્દ્રા અને માંડવી બંદરો વહાણો દ્વારા માલ-સામાનની નિકાસ માટેનાં મોટાં કેન્દ્રો છે.

ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું કે સલાયાનું અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ બપોરે દુબઈ બંદરેથી ખાડી દેશ યમનના અલ મક્કલા બંદરે જવા રવાના થયું હતું.

આદમ ભાયાએ કહ્યું, "વહાણ પર 8 મેની વહેલી સવારે હુમલો થયો અને વહાણ ડૂબવા લાગ્યું. કેટલાય કલાકો બાદ સલાયાનું જ પ્રેમસાગર નામનું વહાણ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના ક્રૂ (નાવિકો)ની મદદે પહોંચી શક્યું હતું."

આદમ ભાયાનો દાવો છે કે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 અમેરિકા-ઇઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધનો ભોગ બનનાર પ્રથમ ભારતીય વહાણ છે.

અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના માલિક સુલેમાનભાઈ ભાયાએ બીબીસીને જણાવ્યું કે અમેરિકા-ઈરાન વચ્ચે એપ્રિલના પહેલા અઠવાડિયામાં યુદ્ધવિરામ થતા તેમણે જહાજને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર લઇ જવાનું જોખમ ખેડ્યું હતું.

સુલેમાનભાઈએ કહ્યું, "અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થતા સ્થિતિ સુધરી હતી. બધું નૉર્મલ લાગતું હતું. ભારત માટે ક્રૂડઑઇલ અને ગૅસ લઈ આવતાં ટૅન્કરને ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવાયાં છે. તેથી, મેં મારા જહાજને દસેક દિવસ પહેલાં યમનથી દુબઈ મોકલ્યું હતું."

"દુબઈ જતી વખતે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવામાં મારા વહાણને કોઈ તકલીફ પડી ન હતી. દુબઈ પહોંચ્યા બાદ મેં નક્કી કરેલું કે હમણાં વહાણને દરિયામાં નથી મોકલવું, પરંતુ દસેક દિવસની અંદર વહાણ માલ-સામાનથી ભરાઈ ગયું. વળી, ઈરાનના અખાત અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ શાંતિપૂર્ણ હતી. સંયુક્ત આરબ અમિરાતના કસ્ટમ્સ વિભાગે પણ મારા જહાજને દુબઈ પૉર્ટ છોડવાની મંજૂરી આપી તેનો અર્થ એ હતો કે દરિયામાં જવું સલામત હતું."

કેવા સંજોગોમાં સલાયાના વહાણ પર હુમલો થયો?

સુલેમાનભાઈએ કહ્યું કે અલ ફૈઝ નૂર-એ-સુલેમાનીએ દુબઈ પૉર્ટમાંથી યમન તરફની મુસાફરી 7 મેના રોજ ત્યાંના સ્થાનિક સમય અનુસાર બપોરે અંદાજે એક વાગ્યે કરી હતી.

તેમણે કહ્યું, "આશરે બારેક કલાકની મુસાફરી બાદ વહાણ હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશી ગયું હતું. અમારા વહાણનું ટ્રાન્સ્પોન્ડર ચાલુ હતું, જેથી નજીકનાં વહાણો અને કાંઠા પરની એજન્સીઓને ખબર પડે કે આ કયા દેશનું વહાણ છે. અમારા વહાણ પર ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો હતો, જેથી એજન્સીઓને દૂરથી જ ખબર પડી જાય કે આ ભારતીય વહાણ છે."

"આ ઉપરાંત અમારા જહાજ પર કેવો માલ-સામાન ભરેલો હતો તેની માહિતની લાઇટો પણ ચાલુ હતી. તેમ છતાં 8 મેએ રાત્રે આશરે એક વાગ્યે અમારા જહાજના ઓમાન કાંઠા તરફના પડખામાં હુમલો થયો. હુમલા પહેલાં અમારા જહાજને કોઈએ કોઈ પણ પ્રકારની ચેતવણી આપી ન હતી."

સુલેમાનભાઈએ દાવો કર્યો કે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 પર હુમલો થયો ત્યારે તેની નજીકમાં અમેરિકાના નૌકાદળનું એક યુદ્ધજહાજ હતું.

સુલેમાનભાઈ કહે છે, "બનાવ બાદ મારા વહાણના ટંડેલ (કૅપ્ટન) સાથે મારે બે વાર વાત થઈ છે. હુમલો થયો ત્યારે અમેરિકન નેવીનું એક શિપ નજીકમાં હતું. કદાચ કોઈ જહાજને સલામત રીતે તે વિસ્તારમાંથી પસાર કરાવવા માટે નેવી શિપ તે વિસ્તારમાં હતું, પરંતુ મહાસત્તા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમારે કશી લેવા-દેવા નથી. અમે અમારા માણસોને કામ કરવા મોકલીએ છીએ, લડવા માટે નહીં. અમે તો નિર્દોષ છીએ. એટલે અમે તો એમ જ કહીએ કે બે દેશો વચ્ચેના ક્રૉસફાયરિંગમાં અમારું જહાજ આવી ગયું. અમે કહી નથી શકતા કે અમારા જહાજ પર કયા દેશે હુમલો કર્યો, પરંતુ એક વાત નક્કી છે કે હુમલો અમારા જહાજના ઈરાન તરફના પડખામાં નહીં, પરંતુ ઓમાન તરફના પડખામાં થયો હતો."

અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 પર કથિત હુમલા સમયે તેની નજીક અમેરિકાના નૌકાદળનાં કોઈ યુદ્ધજહાજની હાજરી કહેતી કે નહીં તે બાબતની બીબીસી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.

જોકે દુબઈમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના નાવિકના મૃત્યુની પુષ્ટિ કરી અને જણાવ્યું કે વહાણ પર આગ લાગી ગઈ હતી.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં કૉન્સુલેટે જણાવ્યું, "લાકડાના બનેલા ભારતીય વહાણ પર દરિયામાં આગ લાગવાની એક કમનસીબ ઘટનામાં એક નાવિકનું મૃત્યુ થયું છે અને ચાર અન્યને ઈજા થઈ છે. નજીકમાંથી પસાર થતા એક વહાણ દ્વારા તેમને બચાવી લેવાયા હતા. ભારતીય કૉન્સ્યુલેટના અધિકારીઓ બચાવી લેવાયેલા ભારતીયોને મળ્યા છે. ઈજાગ્રસ્તોને મેડિકલ સારવાર અપાઈ રહી છે. દુબઈમાં ભારતના કૉન્સુલેટ જનરલ વહાણના મલિક સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છીએ."

ખલાસીઓએ મોત સામે 10 કલાક કેવી રીતે ઝઝૂમ્યા?

સુલેમાનભાઈએ કહ્યું કે હુમલો થતા અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 મિનિટોની અંદર ડૂબી ગયું. તેમણે કહ્યું, "જો કોઈ વહાણમાં ગાબડું પડે તો તે બે દિવસ સુધી ડૂબતું નથી. જો આગ ફાટી નીકળે તો પણ એક દિવસ સુધી તરતું રહે છે, પરંતુ અમારા વહાણ પર શક્તિશાળી હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પરિણામે અમારું વહાણ ભુક્કો થઈ ગયું અને અમુક મિનિટોમાં જ ડૂબી ગયું."

વહાણ માલિકે ઉમેર્યું કે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના ટંડેલ અમીન સુમભણિયા તેમજ અન્ય ચાર નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં ઘાયલોમાંથી અલ્તાફ કેર નામના 42 વર્ષના નાવિકે દમ તોડી દીધો હતો.

સુલેમાનભાઈએ કહ્યું, "જહાજ મિનિટોની અંદર ડૂબવા લગતા અમારા ક્રૂ મેમ્બર(નાવિકો)ને તાત્કાલિક દરિયામાં કૂદવું પડ્યું. અમારા જહાજમાં પાણી ભરવા માટે 1,000 લિટરની ક્ષમતાવાળી પીવીસીની એક ટાંકી હતી. ક્રૂ મેમ્બર તેને ચીપકી ગયા. અલ્તાફની ઈજાઓ ગંભીર હોવાથી ટંડેલે તેને ટાંકી ઉપર રાખ્યા."

"હુમલા બાદ ટંડેલે મને ફોન કરી ઘટનાની જાણ કરી. એટલે મેં તુરંત ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનનો સંપર્ક કર્યો. છેવટે અમને ખબર પડી કે સલાયાનું જ પ્રેમસાગર નામનું જહાજ દુબઈ જઈ રહ્યું હતું અને અમારા વહાણની નજીક હતું. તેથી, અમે તેના માલિકનો અને પછી તેના ટંડેલનો સંપર્ક કરી મદદ માગી, પરંતુ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ને શોધતા શોધતા પ્રેમસાગર તે જગ્યાએ પહોંચ્યું ત્યાં સુધીમાં સવારના 10 વાગી ગયા. ત્યાં સુધીમાં અલ્તાફનું મૃત્યુ થઈ ગયું હતું."

સુલેમાનભાઈએ ઉમેર્યું કે અલ્તાફ મિકેનિક તરીકેનું કામ કરતા હતા અને વાહનનું એન્જિન બરાબર ચાલતું રહે તે જોવાની જવાબદારી તેમની હતી.

યુદ્ધવિરામ છતાં હોર્મુઝની સામુદ્રધુની આટલી જોખમી કેમ છે?

હોર્મુઝની સામુદ્રધુની ઈરાનના અખાતનું ગળું છે. આ સાંકડો જળમાર્ગ ઈરાનના અખાતને ઓમાનના અખાત સાથે જોડે છે. તેના ઉત્તર કાંઠે ઈરાન છે અને દક્ષિણ કાંઠે ઓમાન છે.

ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન વગેરે જેવા ખાડી દેશો ક્રૂડઑઇલ (કાચું ખનીજ તેલ) અને લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી)ની નિકાસ કરતા મોટા દેશો છે. આ દેશો તેની આયાત-નિકાસ મોટા ભાગે ઈરાનના અખાતમાં આવેલા તેનાં બંદરો વાટે કરે છે. દુબઈ બંદર માલસામાનની આયાત-નિકાસનું એક મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ છે.

ઈરાનના અખાતમાં પ્રવેશવા કે બહાર નીકળવાં માટે જહાજો, ટૅન્કરો અને વહાણોએ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવું પડે છે. ઈરાનના અખાતમાંથી હોર્મુઝની સામુદ્રધુની વાટે જહાજો ઓમાનના અખાતમાં અને ઓમાનના અખાતમાંથી અરબ સાગરમાં આવી શકે છે. અરબ સાગરમાંથી વહાણો દુનિયાના વિવિધ દેશોનાં બંદરો તરફ જઈ શકે છે.

યુદ્ધ ફાટી નીકળતા ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં એક પ્રકારની નાકાબંધી કરી છે અને અમેરિકા-ઇઝરાયલ તેમજ તેના સમર્થકોનાં જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે ઈરાન વારંવાર કહે છે કે હોર્મુઝની સામુદ્રધુની અન્ય દેશો માટે ખુલ્લી છે.

બીજી તરફ યુદ્ધવિરામ અમલી બન્યા પછી પણ ઈરાને આ નાકાબંધી કથિત રીતે ચાલુ રાખી છે. આ સામુદ્રિક માર્ગ પરથી ઈરાનની પકડ ઢીલી કરવા અને વહાણો માટે તેને ખોલવા માટે અમેરિકાએ ઇરાનનાં બંદરોની નાકાબંધીની જાહેરાત કરી હતી.

અમેરિકાએ જાહેરાત કરી છે કે અરબ સાગરમાંથી ઈરાનનાં બંદરો તરફ જતાં જહાજોને તે રોકશે અને જો કોઈ જહાજે હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર થવા માટે ઈરાનને કર ચૂકવ્યો હશે તો બહાર આવતાં જહાજોને પણ રોકવામાં આવશે.

ગયા અઠવાડિયે અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ જાહેર કરી વેપારી જહાજોને હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર કરાવવા તેમની સાથે યુદ્ધજહાજો મોકલવાની પણ જાહેરાત કરી હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના અમલીકરણને થોડી કલાકો માટે અટકાવી દીધો હતો.

મૃત નાવિકની અંતિમવિધિ દુબઈમાં કેમ થશે?

સુલેમાનભાઈએ કહ્યું કે પ્રેમસાગર વહાણે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના નાવિકોને 8 મેની રાત્રે દુબઈ પહોંચાડ્યા હતા. તેમણે કહ્યું, "ચાર ઈજાગ્રસ્તોને દુબઈની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અલ્તાફ કેરનો મૃતદેહ પણ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે."

અલ્તાફ કેરના કાકા ગફાર કેરે સોમવારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે તેમના પરિવારે નિર્ણય કર્યો છે કે અલ્તાફની દફનવિધિ દુબઈમાં જ કરવામાં આવે.

તેમણે કહ્યું, " શુક્રવારે સવારે વહાણના માલિક અમારા ઘરે આવ્યા અને અમને જાણ કરી કે આ રીતે બની ગયું છે. અમારી માન્યતા છે કે કોઈ વ્યક્તિ અરબી જમીનમાં દફન થાય તો બહુ સારું કહેવાય. તેથી, અમારા પરિવારે નિર્ણય લીધો છે કે અલ્તાફની દફનવિધિ દુબઈમાં જ કરવામાં આવે. જો અંતિમવિધિ અહીં કરવાનું નક્કી કરીએ તો પણ અત્યારના સંજોગોમાં તેનો મૃતદેહ અહીં પહોંચતાં આઠથી પંદર દિવસ થઈ જાય તેમ છે. ત્યાં સુધી તેના શબને સાચવવું મુશ્કેલ સાબિત થાય અને તેનું મોઢું અંતિમ વાર જોવા જેવું ન રહે."

ગફારભાઈએ ઉમેર્યું કે અલ્તાફ કેર એક દીકરી અને એક દીકરાના પિતા હતા. તેઓ સલાયાના એક નાવિક પરિવારમાં જન્મ્યા હતા અને છેલ્લા વીસ વરસથી વહાણોમાં નોકરી કરતા હતા. તેમણે ઉમેર્યું, "અલ્તાફના સાળા દુબઈમાં જ છે. તે ત્યાંની હૉસ્પિટલના સંપર્કમાં છે. હૉસ્પિટલે તેમને જણાવ્યું છે કે દફનવિધિ કરવાની હશે તે દિવસે તેમને શબ સોંપી દેવામાં આવશે. હજુ તેમના મરણના પ્રમાણપત્ર વગેરેની પ્રક્રિયા ચાલી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન