નૌસેનાના અધિકારીએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી, જ્યારે કોર્ટમાં હાજર થયા ત્યારે છોકરીઓ ફૂલ વરસાવતી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી
  • વાંચવાનો સમય: 9 મિનિટ

27 એપ્રિલ, 1959નો દિવસ હતો. મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર જૉન લોબો મુંબઈની પરસેવાથી રેબઝેબ કરી દેતી ગરમીથી બચવા માટે નીલગિરિના પહાડોમાં જવાનું આયોજન કરી કહ્યા હતા.

પરંતુ ત્યારે જ સાંજના પાંચ વાગ્યે તેમના ફોનની ઘંટડી રણકી ઊઠી. નૌસેના કમાન્ડર સૅમ્યુઅલ લાઇન પર હતા – 'કમાન્ડર નાણાવટી તમને મળવા આવી રહ્યા છે. હમણાં તેઓ મારી પાસે જ હતા.'

લોબોએ પૂછ્યું, 'શું થયું છે?' સૅમ્યુઅલનો જવાબ આવ્યો, 'તેમને એક માણસ સાથે ઝઘડો થયો હતો, જેને તેમણે ગોળી મારી દીધી છે.'

થોડીક વાર પછી લોબોને પોતાના રૂમની બહાર એક અવાજ સંભળાયો, 'લોબોસાહેબનો રૂમ ક્યાં છે?'

નૌસેનાની સફેદ વર્દી પહેરેલી એક ઊંચી વ્યક્તિ તેમના રૂમમાં દાખલ થઈ. તેમણે પોતાનો પરિચય કમાન્ડર નાણાવટી કહીને આપ્યો.

સહેજે સમય બગાડ્યા વિના નાણાવટીએ કહ્યું, 'મેં એક વ્યક્તિને ગોળી મારી દીધી છે.'

નાણાવટીને ઝટકો

લોબોએ જવાબ આપ્યો, 'તેઓ મરી ચૂક્યા છે. હમણાં જ ગામદેવી પોલીસ સ્ટેશનેથી મારી પાસે એક સંદેશો આવ્યો છે.'

આ સાંભળતાં જ નાણાવટીનો ચહેરો પીળો પડી ગયો. થોડીક સેકન્ડ સુધી કોઈ કશું બોલ્યા નહીં.

લોબોએ મૌન તોડતાં કહ્યું, 'તમે એક કપ ચા પીશો?'

'ના, મને ફક્ત એક ગ્લાસ પાણી જોઈએ.' પરસેવાથી રેબઝેબ નાણાવટીએ જવાબ આપ્યો.

વાત કંઈક એમ હતી કે તે દિવસે આઇએનએસ મૈસુરના સેકન્ડ-ઇન-કમાન્ડ લેફ્ટનન્ટ કમાન્ડર નાણાવટી થોડા દિવસ બહાર રહ્યા પછી જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ પોતાનાં અંગ્રેજ પત્ની સિલ્વિયાનો હાથ પોતાના હાથમાં લેવા ગયા, પણ તેમણે ઝાટકી નાખ્યો.

ઘવાયેલા નાણાવટીએ જ્યારે સિલ્વિયાને પૂછ્યું, 'શું તમે મને પ્રેમ નથી કરતાં.' ત્યારે સિલ્વિયાએ કશો જવાબ ન આપ્યો.

નાણાવટીએ ફરી ભારપૂર્વક પૂછ્યું, 'શું આપણી વચ્ચે કોઈ બીજી વ્યક્તિ આવી ગઈ છે?' તેનો સિલ્વિયાએ જે જવાબ આપ્યો, તેને ન સાંભળવા માટે નાણાવટી આખી દુનિયા લુટાવી શકતા હતા.

બચી કરકરિયાએ લખેલા પુસ્તકમાં શું કહેવાયું છે?

પરંતુ કવાસ નાણાવટીએ પોતાનાં પત્નીને એક શબ્દ પણ ન કહ્યો. ત્યાર પછી તે બંને તેમના શ્વાનને બતાવવા ડૉક્ટરની પાસે લઈ ગયાં.

પાછા આવીને તેમણે ગ્રેવીવાળી કટલેટ્સ, પ્રૉન કરી અને ભાતનું ભોજન કર્યું અને પહેલાંથી નક્કી કાર્યક્રમ અનુસાર નાણાવટી સિલ્વિયા અને બાળકોને અંગ્રેજી ફિલ્મ 'ટૉમ થંબ'નો મૅટિની શો બતાવવા માટે મેટ્રો સિનેમા મૂકી આવ્યા.

ત્યાર પછી નાણાવટી પોતાના જહાજ પર ગયા, જ્યાંથી તેમને .38 સ્મિથ ઍન્ડ બેસન રિવૉલ્વર કાઢી અને પોતાની પત્નીના પ્રેમી પ્રેમ આહુજાને તેમના ઘરે જઈને ગોળીથી મારી નાખ્યા.

તે સમયે આહુજા નાહ્યા પછી કમર પર ટૉવેલ બાંધીને અરીસાની સામે પોતાના વાળમાં કાંસકો ફેરવી રહ્યા હતા.

'ઇન હૉટ બ્લડ ધ નાનાવટી કેસ ધૅટ શુક ઇન્ડિયા'નાં લેખિકા બચી કરકરિયા જણાવે છે, "મને આ કેસમાં સૌથી ખાસ વાત એ લાગી કે આ મામૂલી હત્યાનો કેસ એટલી ઊંચાઈ સુધી પહોંચી ગયો કે વડા પ્રધાન નહેરુએ પણ તેના વિશે પ્રેસમાં જવાબ આપવો પડ્યો. જ્યારે હાઇકોર્ટે નાણાવટીને આજીવન કારાવાસની સજા સંભળાવી, ત્યારે ચાર કલાકની અંદર જ મુંબઈના રાજ્યપાલે આદેશ આપી દીધો કે આ નિર્ણયને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે જ્યાં સુધી નાણાવટીની અપીલ પર નિર્ણય ન આવી જાય. તેની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે બેસવું પડ્યું. "

"એક એડલ્ટ્રીના કેસમાં આવું પહેલી વાર બન્યું હતું. આ કેસમાં સુરક્ષા મંત્રીથી લઈને વડા પ્રધાન સુધ્ધાંએ વચ્ચે પડવું પડ્યું. આ એક વિચિત્ર કેસ હતો, જેમાં પ્રેમ હતો, દગો હતો, ઉચ્ચ સમાજનો ગુનો હતો. આ જ કારણે આ ઘટના બન્યાને 58 વર્ષ વીતી ચૂક્યાં છે, પરંતુ હજુ પણ આ કેસમાં લોકોનો રસ જળવાઈ રહ્યો છે."

વકીલ રામ જેઠમલાનીએ કેસ લડ્યો

તે સમયના ભારતના ટોચના વકીલોએ બંને પક્ષ તરફથી પોતપોતાની દલીલો રજૂ કરી. નાણાવટીએ જાણીતા ક્રિમિનલ વકીલ કાર્લ ખંડાલવાલાની સેવા લીધી હતી.

ખંડાલવાલાએ એમ કહીને પોતાની દલીલો પૂરી કરી કે તેઓ તેમના અસીલ માટે સહાનુભૂતિ કે દયાની માગ નહીં કરે, કેમ કે તેમની દૃષ્ટિએ તેમણે કશો ગુનો કર્યો જ નથી.

બાદમાં, રજની પટેલ, વાયવી ચંદ્રચૂડ, નની પાલખીવાલા, એમસી સીતલવાડ, સીકે દફ્તરી અને ગોપાલ સ્વરૂપ પાઠકે કોઈ ને કોઈ પક્ષ તરફથી ચર્ચામાં ભાગ લીધો.

એ જમાનામાં પોતાની કરિયર શરૂ કરી રહેલા રામ જેઠમલાણીને તો આ કેસે રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી દીધી.

કરકરિયા જણાવે છે, "તે સમયે રામ જેઠમલાણી ઘણા જુનિયર વકીલ હતા અને પબ્લિક પ્રૉસિક્યૂટર નહોતા. પ્રેમ આહુજાની બહેન મૈમીએ એક ઑબ્ઝર્વરની જેમ તેમની સેવાઓ લીધી હતી. જેઠમલાણી તે સમયે પણ ખૂબ હોશિયાર વકીલ હતા. તેમની દલીલ હતી કે જો ખંડાલવાલાની એ દલીલને સાચી માનવામાં આવે કે ઝપાઝપી થયા પછી ગોળી છૂટી, તો પ્રેમ ભાટિયાનો ટૉવેલ ગોળીઓ વાગ્યા પછી પણ તેમની કમર સાથે બંધાયેલો કેમ રહ્યો? તેમની દલીલોના કારણે જ ડિફેન્સની આટલી મોટી કહાણી ધરાશાયી થઈ ગઈ."

નૌસેનાના મોટા અધિકારી

પ્રેમ આહુજા તરફથી કેસ લડી રહેલા સીએમ ત્રિવેદીએ કાર્લ ખંડાલવાલાની એ દલીલના જવાબમાં કહ્યું કે ગોળીઓ દુર્ઘટનાવશ છૂટી હતી અને નાણાવટીનો ઇરાદો પ્રેમ આહુજાને મારી નાખવાનો નહોતો.

અદાલતમાં બોલતાં ત્રિવેદીએ કહ્યું, "મારા વિરોધીની વાતો નક્કર તથ્યો અને દલીલોની જગ્યા લઈ શકતી નથી. મને તો ખૂબ શંકા છે કે તેઓ અદાલતમાં બોલી રહ્યા છે કે કોઈ નાટકના મંચ પર. હું જ્યૂરીને ચેતવવા માગું છું કે આ વ્યક્તિના દેખાવ અને મોટા મૅડલોની લાઇનોથી પ્રભાવિત ન થાય. તેઓ એ વાતથી પણ પ્રભાવિત ન થાય કે નૌસેનાના મોટામાં મોટા અધિકારી આ વ્યક્તિના ચરિત્રને યોગ્ય ઠરાવવા માટે આ અદાલતમાં આવીને જુબાની આપી રહ્યા છે. મને તો એવું લાગે છે કે આખી નૌસેના નાગરિક વહીવટી તંત્ર સાથે યુદ્ધમાં ઊતરી ગઈ છે. સાચું માનો તો આ આખો કેસ એક પ્રણયત્રિકોણનો છે અને આવું આદમ અને હવ્વાના જમાનાથી થતું આવ્યું છે."

લલિતા રામદાસ પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસનાં પત્ની છે. જે સમયે આ ઘટના બની હતી, ત્યારે તેઓ કૉલેજમાં ભણતાં હતાં. તે સમયના નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસ કટારી તેમના પિતા હતા. નાણાવટી તેમના પિતાના પ્રિય અધિકારી હતા તેથી લલિતા તેમને અંકલ કહીને બોલાવતાં હતાં.

આર્થર રોડ જેલમાં રહ્યા નાણાવટી

લલિતા રામદાસ યાદ કરે છે, 'જ્યારે હું પહેલી વાર નાણાવટીને મળી ત્યારે તેઓ લેફ્ટનન્ટ હતા. તેઓ બધા અમારા ઘરે આવતા હતા, ભોજન કરતા હતા અને વાતો કરતા હતા. મારા પિતા એડમિરલ રામદાસને આઝાદી પછી પહેલા ભારતીય નૌસેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. મારી દૃષ્ટિએ નાણાવટી ખૂબ જ વ્યાવસાયિક નૌસૈનિક અધિકારી હતા. તે બંનેનાં લગ્ન થયાં તે મને યાદ છે. સિલ્વિયા ખૂબ સુંદર હતાં. નાણાવટી ખૂબ જ ડૅશિંગ હતા અને અમે લોકો તેમના તરફ હીરો જેવો આદરભાવ રાખતા હતા. બંને, ગજબનું કપલ હતાં."

રસપ્રદ વાત એ હતી કે કમાન્ડર નાણાવટીને તેમની ધરપકડ પછી આર્થરરોડ જેલમાં ન રાખતાં નૌસેનાની જેલમાં રાખવામાં આવ્યા હતા.

એટલે સુધી કહેવાય છે કે તેમને મળાવવા માટે તેમના શ્વાનને પણ નૌસેનાની એ જેલમાં લઈ જવાતો હતો.

જ્યારે પણ નાણાવટી અદાલતમાં સુનાવણી માટે આવતા ત્યારે નૌસેનાની ચમકદાર સફેદ વર્દી પહેરીને આવતા અને તેમને મળેલા મૅડલ્સ તેના પર ચમકતા હતા. મેં બચી કરકરિયાને પૂછ્યું, "શું તેમણે તેમના વકીલોની સલાહથી એવું કર્યું હતું?"

બ્લિટ્ઝનું સમર્થન

બચીનો જવાબ હતો, "એવું લાગે છે કે તેમણે જાણી જોઈને એવું કર્યું હતું. એક તો તેઓ પડછંદ હતા… છ ફૂટ કરતાં ઊંચું તેમનું કદ હતું. અદાલતમાં એ વાત વારંવાર કહેવામાં આવી કે નાણાવટીની ગણના ભારતીય નૌસેનાના સૌથી કાબેલ અધિકારીઓમાં થાય છે. એવું લાગતું હતું કે પ્રેમે તેમનાં પત્નીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને દેશભક્તિથી વિરુદ્ધનું કામ કર્યું હતું."

આ સમગ્ર મામલામાં મુંબઈથી છપાતા અંગ્રેજી ટેબ્લૉઇડ 'બ્લિટ્ઝ' ખુલ્લેઆમ નાણાવટીના સમર્થનમાં ઊતરી આવ્યું.

આજકાલ સામાન્ય રીતે અપરાધીની મીડિયા ટ્રાયલ કરવામાં આવે છે, પરંતુ ત્યારે 'બ્લિટ્ઝ'એ પીડિતની મીડિયા ટ્રાયલ કરીને એક નવો દાખલો બેસાડ્યો હતો.

સબીના ગડિયોક જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના એકે કિદવઈ મીડિયા રિસર્ચ સેન્ટરમાં પ્રોફેસર છે, જેમણે આ હત્યાકાંડના એ સમયના મીડિયા કવરેજ પર એક લેખ લખ્યો છે.

સબીના જણાવે છે, "ટેલિવિઝન યુગની પહેલાં નાણાવટી કેસ એક રીતે મીડિયા ઇવેન્ટ હતો. પ્રેમ આહુજાના નામ પર ટૉવેલ વેચાવા લાગ્યા અને હૉકર બૂમો પાડવા માંડ્યા, આહુજાનો ટૉવેલ… મારશો તોપણ નહીં પડે."

રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ

જ્યારે નાણાવટી કોર્ટમાં જતા હતા ત્યારે છોકરીઓ ઊભી થઈને તેમના પર ફૂલ ફેંકતી હતી. બ્લિટ્ઝે સુનિશ્ચિત કર્યું કે બધી કાયદાકીય લડાઈ હાર્યા છતાં નાણાવટી દિલ અને દિમાગની લડાઈ જીત્યા.

કદાચ આ જ કારણે તેમને માફી પણ મળી, પરંતુ તેમને પોતાની પ્રગતિશીલ કરિયર છોડી દેવી પડી. આ રીતે એક સ્કૅન્ડલને રાષ્ટ્રીય મહત્ત્વ મળી ગયું.

આ એક એવો સમય નહોતો, જેને રાજકીય રીતે ઠંડો કહી શકાય. પાકિસ્તાનની સાથે ભારતનો તણાવ વધી રહ્યો હતો. ચીનની સાથે પણ ભારતના મતભેદ શરૂ થઈ ગયા હતા.

નવાં રાજ્યોની રચના થઈ રહી હતી. કેરલમાં પહેલી કૉમ્યુનિસ્ટ સરકારનું ગઠન થઈ ચૂક્યું હતું. પરંતુ તેમ છતાં દરેક જગ્યાએ નાણાવટી કેસની ચર્ચા થઈ રહી હતી. દિલ્હીનાં અખબારોમાં પણ તેનો ઘણો ઉલ્લેખ હતો.

મીડિયા કવરેજની અસર હતી કે ગુનો કર્યા છતાં આખા દેશની સહાનુભૂતિ નાણાવટીની સાથે હતી. એટલે સુધી કે કેટલાક વર્ગોમાં આ મુકદમાની તુલના મહાત્મા ગાંધીની હત્યાના મુકદમા સાથે કરવામાં આવી હતી.

ગાંધી હત્યાકાંડ સાથે સરખામણી

સબીના જણાવે છે, 'ઇન્ડિયન એક્સપ્રેસે માત્ર ગાંધી હત્યાકાંડ સાથે જ નહીં, પરંતુ બંગાળના ભુવાલ સંન્યાસી મુકદમા, મેરઠ કૉન્સપિરેસી કેસ અને એટલે સુધી કે ભગતસિંહના મુકદમા સાથે પણ આની તુલના કરી.'

બ્લિટ્ઝ એ હદ સુધી ગયું કે તેણે એવી દલીલ કરી કે કમાન્ડર નાણાવટીને માત્ર એટલા માટે છોડી દેવામાં આવે, કેમ કે ચીનની સાથે યુદ્ધમાં તેમના વિશાળ અનુભવનો ફાયદો ઉઠાવી શકાય.

આ પહેલો પ્રસંગ હતો જ્યારે નૈસેના અધ્યક્ષ એડમિરલ કટારી પોતે પોતાના કૅનબરા વિમાનમાં ઊડીને નાણાવટીના પક્ષમાં જુબાની આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા. આખી નૌસેના અને એટલે સુધી કે સુરક્ષામંત્રી વીકે કૃષ્ણ મેનન પણ સ્પષ્ટ રૂપે નાણાવટીના સમર્થનમાં આવી ગયા હતા.

બચી કરકરિયા જણાવે છે, "સુરક્ષામંત્રીએ ઘણાં પગલાં આગળ વધીને નાણાવટીનું સમર્થન કર્યું. નાણાવટી લંડનમાં ભારતીય હાઈકમિશનમાં નૅવલ અટાશીના પદ પર કામ કરી ચૂક્યા હતા. કદાચ એ સમયથી મેનન તેમને ઓળખતા હતા. નહેરુ સુધ્ધાંએ સ્પષ્ટતા કરી કે નાણાવટીના કોઈ પણ પરિવારજને તેમની સમક્ષ તેમની ભલામણ નહોતી કરી, પરંતુ નૌસેના અધ્યક્ષે જરૂર કહેલું કે નાણાવટી ખૂબ હોશિયાર અધિકારી છે, તેથી તેમની સાથે એટલી કડક રીતે વર્તવામાં ન આવે."

નાણાવટી પર ફિલ્મો બની

પરંતુ તમામ લોકસમર્થન છતાં કવાસ નાણાવટી બધી કાનૂની લડાઈઓ હારી ગયા અને સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી.

પરંતુ નાણાવટીએ ખૂબ વધારે સમય સુધી જેલમાં ન રહેવું પડ્યું. મહારાષ્ટ્રનાં તત્કાલીન રાજ્યપાલ વિજયલક્ષ્મી પંડિતે તેમની સજા સમાપ્ત કરતાં તેમને માફી આપી દીધી.

નાણાવટી અને સિલ્વિયાની આ કહાનીને ભારત જ નહીં બીજા દેશોમાં પણ ઘણું કવરેજ મળ્યું. ટાઇમ અને ન્યૂ યૉર્કરે આના પર કહાણીઓ પ્રકાશિત કરી.

આ વિષય પર ઓછામાં ઓછી ત્રણ હિંદી ફિલ્મો બનાવવામાં આવી.

નાણાવટીનું નિધન

પ્રોફેસર સબીના ગડિયોક જણાવે છે, "એક ફિલ્મ બની 'યે રાસ્તે હૈ પ્યાર કે', પછી એક ફિલ્મ બની 'અચાનક' અને તાજેતરમાં બીજી એક ફિલ્મ બની 'રુસ્તમ', જેમાં આ કહાનીને આધાર બનાવવામાં આવી. સલમાન રશ્દીની 'મિડનાઇટ ચિલ્ડ્રન'માં પણ આની ઝલક જોવા મળી. વર્ષ 2002માં ઇંદિરા સિન્હાએ આના પર એક નવલકથા લખી, 'ધ ડેથ ઑફ મિસ્ટર લવ'. રોહિંટન મિસ્ત્રીના પુસ્તક 'સચ એ લૉન્ગ જર્ની'માં પણ તેનો ઉલ્લેખ કરાયો. બે વર્ષ પહેલાં આવેલી ફિલ્મ 'બૉમ્બે વેલ્વેટ'માં પણ આ પ્રકરણને યાદ કરતાં એક ગીત ફિલ્માવાયું, 'યે તુને ક્યા કિયા, સિલ્વિયા'.

17 માર્ચ 1964એ નાણાવટીને લોનાવલાના એક બંગલા 'સનડાઉન'માંથી મુક્ત કરી દેવાયા. અહીં તેઓ એક-એક મહિનાના પેરોલ પર છેલ્લા છ મહિનાથી રહેતા હતા.

નાણાવટીએ ત્રણ વર્ષ કરતાં પણ ઓછો સમય જેલમાં વિતાવ્યો. જેલમાંથી છૂટતાં જ નાણાવટી પોતાનાં પત્ની સિલ્વિયાની સાથે કૅનેડા જઈને ત્યાં જ વસી ગયા.

ત્યાં વર્ષ 2003માં તેમનો મોત થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન