નીટની પરીક્ષા લેવામાં શું કોઈ ખામી છે અને પેપર ફૂટવાની શક્યતા ક્યાં વધી જાય?

    • લેેખક, શુભાંગી મિશ્રા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

3 મે 2026ના રોજ, આખા ભારતમાં 22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એ આશા સાથે પરીક્ષા આપવા બેઠા કે એ પરીક્ષા તેમનું જીવન બદલી નાખશે.

નવ દિવસ બાદ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ સમગ્ર પરીક્ષા રદ કરી દીધી છે. આવું પ્રથમ વખત બન્યું છે. હજુ સુધી ફરીથી લેવાનાર પરીક્ષાની તારીખો જાહેર નથી કરાઈ, જેથી પ્રવેશપ્રક્રિયામાં સંભવિત વિલંબ મુદ્દે વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતાની ચિંતામાં વધારો થયો છે.

મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના મહાનિદેશક અભિષેકસિંહે કહ્યું કે એજન્સીને વ્હિસલબ્લોઅર (સૌપ્રથમ સૂચના આપનાર વ્યક્તિ) પાસેથી આ અંગે માહિતી મળી, જેમાં કહેવાયું હતું કે વૉટ્સઍપ પર એક 'અનુમાન પેપર' ફરી રહ્યું હતું અને તેમાં નીટ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો જેવા જ પ્રશ્નો જોવા મળ્યા હતા.

અભિષેકસિંહે કહ્યું, "(પરીક્ષામાં) કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન અમારી ઝીરો-ટૉલરન્સ પૉલિસીની વિરુદ્ધ છે અને પરીક્ષ માટે મહેનત કરનાર 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર વિપરીત અસર કરે છે."

નીટ-યુજી એ ભારતની એકીકૃત મેડિકલ ઍન્ટ્રન્સ ઍક્ઝામિનશન છે, જે દેશમાં અંડરગ્રૅજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ સુનિશ્ચિત કરે છે. આ પરીક્ષાએ અગાઉ જુદાં જુદાં રાજ્યો દ્વારા રાજ્ય સ્તરે લેવાતી મેડિકલ ઍન્ટ્રન્સ ઍક્ઝામને ભૂતકાળ બનાવી દીધી હતી. તેના સ્થાને ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માન્ય એવી એક જ ધોરણસરની પરીક્ષા અસ્તિત્વમાં આવી હતી.

પરંતુ આ કથિત લીકને કારણે ફરી એક વાર આવી મોટી પરીક્ષા સારી રીતે અને વાજબીપણે લેવાની એનટીએની ક્ષમતા સામે શંકા પેદી કરી છે.

ઍક્ઝામ રદ થયાના એક દિવસ બાદ, ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશને કોર્ટની દેખરેખમાં ફરી એક વાર ઍક્ઝામ લેવાની અને નીટને હઠાવી દેવા કે તેની પાયાથી પુન:રચનાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

2024માં પણ આ પરીક્ષામાં પેપરલીક અને ગ્રેસ માર્ક આપવામાં ગેરરીતિના આરોપ લાગ્યા હતા, એ સમયે હજારો ઉમેદવારોને અસામાન્યપણે વધુ માર્ક્સ મળતાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન યોજાયાં હતાં.

હાલમાં લાગેલા આરોપની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) કરી રહી છે, આ મામલામાં અત્યાર સુધી સમગ્ર ભારતમાં ઘણા લોકોની ધરપકડ અને અટકાયત કરાઈ છે.

નીટનું આયોજન આટલું મુશ્કેલ કેમ છે?

એનટીએ અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઍજ્યુકેશન મેડિકલના શિક્ષણ માટે નીટ અને ઇજનેરી માટે જેઇઇ જેવી પરીક્ષાઓનું આયોજન કરતું. તેમજ રાજ્યનાં બોર્ડ અને યુનિવર્સિટીઓ પોતાની આવી જ અલગ પરીક્ષાઓનું આયોજન કરતાં.

નવેમ્બર 2017માં એનટીએની સ્થાપના ભારતની ઉચ્ચ શિક્ષણ માટેની પ્રવેશપરીક્ષા ક્ષેત્રે કડકાઈ, પ્રમાણીકરણ અને વિશ્વસનીયતા લાવવાના અને વિદ્યાર્થીઓને એક કરતાં વધુ પરીક્ષા આપવાના દબાણમાંથી મુક્ત કરાવવાના મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશ સાથે કરાઈ હતી.

આ એજન્સીએ અત્યાર સુધી 15 કરતાં વધુ પરીક્ષાઓ લીધી છે.

પરંતુ પારદર્શીપણા અને જાહેર જવાબદારીના અભાવને કારણે એનટીએ મુશ્કેલીઓથી ઘેરાયેલી રહી છે અને તેણે ટીકાનો સામનો કરવો પડ્યો છે.

વર્ષ 2024માં સરકારે યુજીસી-નેટની પરીક્ષા સંપૂર્ણપણે રદ કરવી પડી હતી, જેના માટે "પ્રામાણિકતા સાથે સમાધાન"નું કારણ અપાયું હતું. એ જ સમયે પેપરલીકના આરોપો પણ સામે આવ્યા હતા, જેના કારણે એજન્સીની ઘણી ટીકા થઈ હતી.

એક તરફ, સરકાર જ્યાં ભ્રષ્ટાચારને નાથવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહી છે, ત્યાં બીજી તરફ, ટીકાકારો માળખાકીય મુદ્દા સામે ધ્યાન દોરી રહ્યા છે, જેનો ઉકેલ લાવવો જરૂરી છે.

નિષ્ણાતોના મતે આ યાદીમાં ટોચ ઍક્ઝામ સેન્ટરો, નિરીક્ષકો, સ્ટાફ માટે આઉટસોર્સિંગ પર એજન્સીનું અવલંબન છે, એનટીએ ઍક્ઝામનું આંતરમાળખું પ્રત્યક્ષપણે કંટ્રોલ ન કરતી હોઈ કેટલીક નબળાઈઓ પેદા થઈ જાય છે.

અભિષેકસિંહે ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું, "પરીક્ષા ખૂબ સારી રીતે લેવાઈ હતી. 3 મેના રોજ કે તેના તુરંત બાદમાં કોઈ મુદ્દો નહોતો ઊઠ્યો. અમે ઓએમઆર શીટ્સનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું હતું, બધું પાછું પણ આવી ગયું હતું. ટ્રાન્સપૉર્ટેશન કે પરીક્ષાના આયોજન અંગે કોઈ મુદ્દો ઊઠ્યો નહોતો."

તેમણે કહ્યું, "સરકાર ગરબડ-મુક્ત અને ગેરરીતિને કોઈ અવકાશ ન રહે એ રીતે પરીક્ષાનું આયોજન કરવા પ્રતિબદ્ધ છે, અને અમારે આ સુનિશ્ચિત કરવું પડશે."

'પેન અને પેપર'

વીડિયો જુઓ

ઇજનેરી માટે લેવાતી જેઇઇ પરીક્ષા ઑનલાઇન થઈ ગઈ છે અને ઘણી શિફ્ટોમાં વહેંચાયેલી હોય છે. તેનાથી અલગ નીટની પરીક્ષા હજુ પણ પરંપરાગત એવા પેન અને પેપર વપરાય છે.

ટીકાકારો કહે છે કે આના કારણે લૉજિસ્ટિક્સના મોટા પડકાર ઊભા થાય છે : જેમ કે, સુરક્ષિત ગાડીઓમાં આખા દેશમાં પથરાયેલાં 5,500 પરીક્ષાકેન્દ્રો સુધી સંરક્ષિત વાનમાં પ્રશ્નપત્રો પહોંચાડવામાં આવે છે, આ બાબતને લીધે આ આખી પ્રક્રિયામાં સુરક્ષાભંગનું મોટું જોખમ ઊભું થાય છે.

અભિષેકસિંહ ઇન્ડિયન ઍક્સપ્રેસને કહ્યું, "આનું અનુમાન (કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટિંગ) એનટીએએ લગાડવાનું નથી. આ જે-તે મંત્રાલયે લેવાનો નિર્ણય છે."

એનટીએ પગલાં જરૂર લે છે: પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પ્રશ્નપત્રો સુરક્ષિત ડિજિટલ લોકમાં રાખવામાં આવે છે, જે પરીક્ષાના 45 મિનિટ પહેલાં આપમેળે ખૂલી જવાનાં હોય છે. પરીક્ષાકેન્દ્રોમાં આ બૉક્સ સારી એવી સુરક્ષાવાળા સ્ટ્રોંગરૂમોમાં રખાય છે.

જોકે, ઘણાનો દાવો છે કે એનટીએ સામે હજુ પણ લૉજિસ્ટિકલ પડકારો ખરા.

કોટા ખાતે મોશન ઍજ્યુકેશનના મૅનેજિંગ ડાયરેક્ટર નીતિન વિજય કહે છે, "મને નથી લાગતું કે વિશ્વમાં ક્યાંય પણ બીજે લાખો વિદ્યાર્થીઓ મારફતે એક જ દિવસ, એક જ શિફ્ટમાં પેન અને પેપરવાળી આવી પરીક્ષાનું આયોજન થાય છે."

"550 શહેરો અને 5500 પરીક્ષાકેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવા માટે બે લાખ કરતાં વધુ સ્વયંસેવકો, વેન્ડરો અને અમલદારોની જરૂર પડે છે. આટલા મોટા પાયે પરીક્ષાનું આયોજન ગેરરીતિની શક્યતા વધારી દે છે."

નીતિન વિજયે ઉમેર્યું કે પારદર્શિતા જાળવવા અને પરીક્ષાકેન્દ્રો પર કોઈ પણ ગેરરીતિ ન થાય એ માટે પગલાં લીધાં હતાં, પરંતુ "આ પેપર પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચતાં પહેલાં જ ફૂટી ગયાં એવું લાગે છે."

મીડિયા અહેવાલો જણાવે છે કે તપાસ અધિકારીઓ માને છે કે પરીક્ષાના ઘણા દિવસો પહેલા આ પેપર રાજસ્થાનમાંથી લીક થયું હશે.

કરિયર 360 ઍજ્યુકેશન પોર્ટલના સ્થાપક અને ચૅરમૅન મહેશ્વર પેરી કહે છે, "સરકારી મેડિકલ કૉલેજોની ફી બે-ચાર લાખ છે, જ્યારે ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સ એક કરોડ રૂપિયા સુધી વસૂલે છે. જો સરકારી અને ખાનગી કૉલેજ વચ્ચે બેઠકની ફીનું અંતર 85-90 લાખ રૂ. હોય તો વિદ્યાર્થીને પેપર માટે 30 લાખ રૂ. આપવામાં તકલીફ થતી નથી. પેપર ફોડનારા કરનારાને ખ્યાલ છે કે આટલી ઊંચી રકમ ખર્ચીને પણ પેપર ખરીદનારા પડ્યા છે."

નિષ્ણાતો કહે છે કે તમામ આર્થિક બૅકગ્રાઉન્ડ અને વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં સમાન તક મળે એ સુનિશ્ચિત કરવાના આશયથી તે પેન અને પેપર વડે લેવાય છે. દલીલ છે કે, કદાચ કમ્પ્યુટર સુધી ગરીબ અને ગ્રામીણ વિદ્યાર્થીઓની પહોંચ ન પણ હોય, જોકે, આ દલીલ સામે ઘણા પ્રશ્નો ઉઠાવાય છે.

વર્ષ 2024માં નીટ-યુજીમાં ગેરરીતિ બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝશન (ઇસરો)ના પૂર્વ ચૅરમૅનની આગેવાનીમાં સાત સભ્યોવાળી સમિતિ બનાવાઈ હતી. આ સમિતિએ પેપર અને પેન્સિલ થકી લેવાતી પરીક્ષાને સ્થાને તબક્કાવાર રીતે કમ્પ્યુટર-બેઝ્ડ પરીક્ષામાં તબદીલ કરવાની ભલામણ કરી હોવાના અહેવાલ છે.

નીતિન વિજય કહે છે કે, "દલીલ કરાય છે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષાને કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ શકે છે, પરંતુ પાછલાં પાંચ-દસ વર્ષમાં આપણે ઇન્ટરનેટની પહોંચ સારી એવી વધેલી જોવા મળી છે. આપણે પરીક્ષાનું ફૉર્મેટ બદલવાનો પ્રયાસ તો કરવો જ જોઈએ."

જોકે, પેરી ચેતવે છે કે પરીક્ષાને માત્ર ઑનલાઇન બનાવી દેવાથી પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી શકે છે.

પરીક્ષાને અસર કરતાં પરિબળો

સ્ટાફિંગ વધુ એક મુદ્દો છે.

આ એજન્સી પાસે ઘણી પરીક્ષાઓ આયોજિત કરવાની જવાબદારી હોવા છતાં, ડિસેમ્બર 2024 સુધી તેની પાસે માત્ર 22 કાયમી, 38 કૉન્ટ્રેક્ટ પરના અને 138 આઉટસોર્સ કર્મચારીઓ હતા.

દિલ્હી યુનિવર્સિટીના હિંદીના પ્રોફેસર અપૂર્વાનંદે કહ્યું, "પ્રશ્ન એ છે કે આ એજન્સી આટલી બધી પરીક્ષાઓ કેવી રીતે યોજશે અને આટલાં પરીક્ષાકેન્દ્રો કેવી રીતે મૅનેજ કરશે."

"આ એજન્સી રાષ્ટ્રીય સ્તરે આટલી બધી પરીક્ષાઓનું આયોજન કરવા માટે સજ્જ સંસ્થા જણાતી નથી."

રાધાકૃષ્ણન સમિતિએ એનટીએના રિસ્ટ્રક્ચરિંગ અને બે લાખ કરતાં વધુ ઉમેદવારોવાળી પરીક્ષા માટે એક કરતાં વધુ પરીક્ષા સેશન રાખવાની ભલામણ કરી હતી.

આ ભલામણો પૈકી કેટલીક, જેમ કે આંતરિક લીડરશિપ માટેની વધારાનાં 16 પદ જેવી ભલામણો સરકારે સ્વીકારી અને અમલમાં મૂકી છે.

પુષ્કળ કેન્દ્રીકરણ?

ઘણા શિક્ષણવિદો અને ટીકાકારોએ લૉજિસ્ટિક્સ સિવાય વધુ કેટલાક પાયાના વાંધા ઉઠાવ્યા છે. જેમ કે, કેન્દ્રીકૃત પરીક્ષાનું મૉડલ ખામીવાળું છે.

તેમની દલીલ છે કે વધુ સ્પર્ધાવાળી પરીક્ષાઓનો લાભ ભારતની વિશાળ અને ખર્ચાળ કોચિંગ ઇન્ડસ્ટ્રીને મળે છે, જેના કારણે આવું શિક્ષણ જેને ન પરવડે તેવા વિદ્યાર્થીઓ સાથે વ્યવસ્થિતપણે ગેરલાભ થવાની શક્યતા રહે છે.

મહેશ્વર પેરી કહે છે કે, "પ્રવેશપરીક્ષા જે વિદ્યાર્થીઓને કોચિંગ પોસાય તેમ ન હોય તેમના વિરુદ્ધ કામ કરે છે. આપણે એક પરીક્ષા પર વિદ્યાર્થીઓના ભાગ્યનું અવલંબન ઘટાડવું જોઈએ. શાળાની પરીક્ષામાં કરાયેલા પ્રદર્શનનું પણ વેઇટેજ હોવું જોઈએ."

જાણીતાં શિક્ષણવિદ અનીતા રામપાલે પણ કંઈક આવી જ વાત કરી અને કહ્યું કે કેન્દ્રીકૃત પરીક્ષાઓ કોચિંગ પોસાય એવાં બાળકોને વધુ લાભ આપે છે.

વર્મા વધુ ગણતરીપૂર્વકનો જવાબ આપીને કહે છે કે, એનટીએનું અસ્તિત્વ એ મુશ્કેલી નથી, પરંતુ તેની પ્રક્રિયાઓમાં તાત્કાલિક સમારકામની જરૂર છે, જેમ કે, કાયમી સ્ટાફ, મજબૂત સંસ્થાગત કૅપિસિટી અને કમ્પ્યુટર આધારિત પરીક્ષા માટે ગંભીરતાપૂર્વકનાં પગલાં.

ભારત એક એવો દેશ છે જ્યાં સામાજિક ગતિશીલતાના સાધન તરીકે પરીક્ષા પર ઘણો વિશ્વાસ મુકાય છે. હાલ પૂરતું તો વિદ્યાર્થીઓએ રાહ જ જોવાની રહી.

આ અહેવાલમાં ઉઠાવાયેલા સવાલો અંગે એનટીએનો પક્ષ જાણવા માટે બીબીસીએ પ્રયાસ કર્યો હતો, જોકે, આ અહેવાલ પ્રસિદ્ધ થતાં સુધી તેમનો કોઈ જવાબ મળ્યો નથી, જવાબ મળતાં જ અહેવાલમાં ઉમેરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન