You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોના-ચાંદીના ભાવમાં જબ્બર ઉછાળો, અત્યારે કયા દેશોમાં સૌથી સસ્તું સોનું મળે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
મધ્યપૂર્વના તણાવ વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ ઝડપથી ઘટી રહ્યું હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી કોઈ પણ પ્રસંગ માટે સોનું ન ખરીદવાની સલાહ આપી છે. ત્યાર પછી તરત સોના અને ચાંદીની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
આના કારણે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
આજે 13 મેએ મલ્ટિ કૉમૉડિટી ઍક્સ્ચેન્જ (એમસીએક્સ) પર સોના અને ચાંદીના ભાવમાં સાત ટકા કરતા વધુ ઉછાળો આવ્યો હતો.
વાયદા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 9723 રૂપિયા વધીને 1.63 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
જ્યારે ચાંદીમાં એક કિલો દીઠ 17,000 રૂપિયા ભાવ વધી ગયો અને 2.98 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયો હતો.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન મુજબ આજે હાજરમાં સોનાનો ભાવ 1.60 લાખ અને ચાંદીનો ભાવ કિલો દીઠ 2.67 લાખ રૂપિયા ચાલતો હતો.
આજથી થોડા મહિના અગાઉની વાત કરીએ તો ઑક્ટોબર 2025ના પ્રથમ સપ્તાહમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.23 લાખ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 1.50 લાખ રૂપિયાની આસપાસ ચાલતો હતો.
કયા દેશોમાં સોનું સસ્તું પડે?
ભારત સરકારના એક નિર્ણયથી સોનાના ભાવમાં આટલો વધારો થયો છે ત્યારે સવાલ થાય છે કે દુનિયાના બીજા ભાગોમાં શું સ્થિતિ છે અને કયા દેશોમાં સોનું સસ્તામાં મળે છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનાના ભાવ દરેક દેશમાં અલગ હોય છે અને તેમાં ડ્યૂટી મોટી ભૂમિકા ભજવે છે.
આ ઉપરાંત કોઈ દેશની સેન્ટ્રલ બૅન્ક પાસે કેટલું સોનું રિઝર્વ છે અને અમેરિકન ડૉલર સામે તે દેશની કરન્સી કેટલી મજબૂત છે, તેની અસર પણ સોનાના ભાવ પર પડે છે.
બિઝનેસ વેબસાઇટ ફોર્બ્સ મુજબ ભારતની સરખામણીમાં બહેરીન, કુવૈત, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપુર, દુબઈ, અમેરિકા અને પેરુમાં સસ્તા દરે સોનું મળે છે.
આ દેશો સસ્તા સોના માટે જાણીતા છે, કારણ કે ત્યાં ઇમ્પોર્ટ ડ્યૂટી ઓછી છે, ટ્રેડિંગ વૉલ્યુમ ઊંચું હોય છે અને વેટનો દર નીચો અથવા શૂન્ય હોય છે.
જેમ કે, હૉંગકૉંગમાં સોનાની ખરીદી પર કોઈ ટૅક્સ નથી. દુબઈમાં બુલિયનના વેપારમાં વૉલ્યુમ વધારે હોવાથી અને તે સોનાના વેપારનું હબ ગણાય છે, તેથી સોનાના ભાવ નીચા રહે છે.
કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે "વિદેશથી સોનું લાવવા માટે દુબઈ એ ફેવરિટ જગ્યા છે. ભારતમાં એક સમયે ભૂતાનના રસ્તેથી પણ ગેરકાયદે દાણચોરીનું સોનું આવતું હતું. પરંતુ ત્યાર પછી ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટી હોવાથી દુબઈથી ગેરકાયદે સોનું ઘુસાડવાનું પ્રમાણ ઘટી ગયું."
ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં સોનાનું ઉત્પાદન થાય છે, તેથી આયાત કરવાની જરૂર નથી રહેતી. કેટલાક દેશો પડોશી દેશોમાંથી ટૂરિસ્ટને આકર્ષવા માટે સોનાના ભાવ નીચા રાખે છે.
સોના પર કેટલો ટૅક્સ લાગે?
ભારતે થોડા સમય પહેલાં જ સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી અને હવે ફરીથી 15 ટકા કરી છે. આ ઉપરાંત તેના પર ત્રણ ટકા જીએસટી પણ લાગુ પડે છે.
સોનાને ઘરેણા સ્વરૂપે ખરીદવામાં આવે તો ઘડામણ ચાર્જ (લેબર ખર્ચ અને ડિઝાઇન ખર્ચ) પર પાંચ ટકા અલગથી જીએસટી છે.
સોનું ખરીદ્યા પછી બે વર્ષની અંદર વેચવામાં આવે તો તેનો નફો તમારી આવકમાં ઉમેરાય છે, તેથી તમારા આવકવેરાના સ્લેબ મુજબ ટૅક્સ લાગે છે.
સોનું ખરીદ્યા બાદ 24 મહિના કરતા વધુ સમય પછી વેચવામાં આવે અને નફો થાય તો 12.5 ટકા લૉંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગે છે.
ડૉલર સામે રૂપિયો તળિયે પહોંચ્યો
ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી ડૉલરની તુલનામાં ભારતીય રૂપિયાની સ્થિતિ સારી નથી.
ભારતે સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી હોવા છતાં આજે ડૉલરનો ભાવ 95.75 રૂપિયા થયો હતો, એટલે કે રૂપિયો તેની રેકૉર્ડ નીચી સપાટીએ છે.
સોના અને ક્રૂડઑઇલની વધારે પડતી આયાતના કારણે દેશનું વિદેશી હૂંડિયામણ વિદેશ જતું રહે ત્યારે સરકાર ડ્યૂટી વધારવાનો રસ્તો અપનાવે છે. તેનાથી રૂપિયાનો ઘસારો અટકાવી શકાશે તેવી ગણતરી હોય છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે પહેલી મેએ ભારત પાસે 690.69 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ હતું, પરંતુ ઈરાન યુદ્ધ શરૂ થયું તે અગાઉ ફેબ્રુઆરીમાં ભારત પાસે 728 અબજ ડૉલરનું હૂંડિયામણ હતું જે અત્યાર સુધીની રેકૉર્ડ છે.
કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે, "સોના ચાંદીમાં વેપાર ખાધને વધતી રોકવા અને આયાતને નિયંત્રિત કરવા સરકારે આ પગલાં લીધાં છે. જોકે, માર્કેટને પહેલેથી અંદાજ હતો કે ડ્યૂટીમાં જે ઘટાડો કરાયો હતો તેને ફરીથી 15 ટકા કરી દેવાશે, કારણ કે ભારત જે સોનાની આયાત કરે છે તેમાંથી લગભગ 90 ટકા સોનું વિદેશથી આયાત કરે છે. જો આ રીતે આયાત ચાલુ રહે તો રૂપિયો વધુ નબળો પડી જાય."
તેમણે કહ્યું કે, "ક્રૂડઑઇલ એ જરૂરી આયાત છે, તેથી તેની આયાત પર ખાસ કંઈ કરી શકાય તેમ નથી. તેથી સોનાની આયાતને નિયંત્રિત કરવા પગલાં લેવાયાં હોય એવું લાગે છે."
તેઓ માને છે કે "આટલાં પગલાં છતાં રૂપિયાને ખાસ સપોર્ટ મળે તેવું લાગતું નથી. આગામી દિવસોમાં હજુ રૂપિયામાં નબળાઈ જોવા મળશે, કારણ કે વેપાર ખાધ વધતી જાય છે. આ ઉપરાંત આ વખતે ચોમાસું પણ સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી છે. આ બધાં પરિબળો રૂપિયાને અસર કરી શકે છે."
લોકો સોનાની ખરીદી ઘટાડશે?
ઇમ્પોર્ટ ડ્યૂટી અંગેના નિર્ણયથી ગુજરાતમાં જ્વેલરી ઉદ્યોગને અસર થવાની શક્યતા છે.
આ અંગે ગુજરાત જ્વેલર્સ ઍસોસિયેશનના મહામંત્રી આશિષ ઝવેરીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "રાષ્ટ્રહિત માટે સોનાની આયાત પર નિયંત્રણના પગલાને અમે ટેકો આપીએ છીએ, પરંતુ અમે માનીએ છીએ કે જે લોકો પાસે પૂરતું સોનું છે તેઓ નવું સોનું ખરીદવાના બદલે જૂના ઘરેણાને રિસાઇકલ અને રિડિઝાઇન કરે, જેથી સોના-ચાંદી બજારના કારીગરોને કોઈ તકલીફ ન પડે."
તેમણે કહ્યું કે ગુજરાતમાં 11 લાખ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
સોનાની આયાત પર ડ્યૂટી વધારીને સોનાના ભાવ વધારવામાં આવ્યા છે, પરંતુ શું તેનાથી લોકો સોનાની ખરીદી ઘટાડશે?
અમદાવાદસ્થિત અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહ માને છે કે "જે લોકો 1.50 લાખ રૂપિયાના ભાવે સોનું ખરીદતા હોય છે તેઓ 1.60 લાખ રૂપિયાના ભાવે પણ ખરીદવાના જ છે. સોનાનો ભાવ જેમ વધશે તેમ તેના પર ભરોસો વધશે, તેથી લોકો સોનાની ખરીદી સાવ ઘટાડી દેશે એવું માનવાને કારણ નથી."
બીજી તરફ સૌમિલ ગાંધીનું કહેવું છે કે સોનાના ભાવ દોઢ લાખને વટાવી ગયા ત્યારથી જ્વેલરીની ડિમાન્ડ તો ઘટી જ ગઈ છે, પરંતુ અત્યારે જે માગ જોવા મળે છે તે રોકાણના હેતુસર છે. કારણ કે બે-ત્રણ વર્ષથી સોનામાં બહુ સારું રિટર્ન મળે છે જ્યારે ઇક્વિટી માર્કેટનો દેખાવ નબળો છે. તેના કારણે લોકો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે "ગોલ્ડ ઇટીએફનો નિયમ છે કે જેટલું ફંડ આવે તેટલા પ્રમાણમાં ફિજિકલ ગોલ્ડ ખરીદવું પડે. તેથી સોનાની ખરીદી વધવાનો પ્રશ્ન તો ઊભો જ રહેશે. પરિણામે સોનામાં ઇન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન હલ થાય તેમ લાગતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન