You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતમાં આરએસએસની કેવી ભૂમિકા રહી?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, કોલકાતાથી
- વાંચવાનો સમય: 6 મિનિટ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીતના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
સંઘ ઘણા સમયથી કહેતો આવ્યો છે કે તે ચૂંટણીના રાજકારણથી દૂર રહે છે, પરંતુ પશ્ચિમ બંગાળનાં પરિણામો પછી એ સવાલ પુછાય છે કે શું આ વખતે સંઘે પડદા પાછળ રહીને નિર્ણાયક ભૂમિકા ભજવી છે?
રાજ્યનાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થાય છે કે ભાજપના વૈચારિક આધાર ગણાતા સંઘે આ વખતની ચૂંટણીમાં અગાઉ કરતાં ઘણી વધારે સક્રિયતા દેખાડી હતી.
રાજકીય વિશ્લેષકો મુજબ 2021ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં સંઘે ખુલ્લેઆમ મેદાનમાં ઊતરવાનું ટાળ્યું હતું, પરંતુ 2026ની ચૂંટણીમાં સંઘે પોતાનાં સહયોગી સંગઠનો સાથે જમીની સ્તરે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.
આરએસએસના એક પ્રચારકે અમને જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં સંઘના અનેક સ્વયંસેવકો અને કાર્યકરો એક જ સંદેશ સાથે ગલીએ ગલીએ ગયા હતા કે આ ચૂંટણી બંગાળના હિંદુ સમાજના 'અસ્તિત્વ' સાથે સંકળાયેલા છે.
વિવેચકોનું કહેવું છે કે આ ચૂંટણીને અસ્તિત્વની લડાઈ તરીકે રજૂ કરીને ધાર્મિક ધ્રુવીકરણ કરવામાં આવ્યું હતું.
શાખાઓ દ્વારા પકડ જમાવી
આરએસએસ માટે 'શાખાઓ'ને તેની સૌથી મહત્ત્વની શક્તિ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં હાલના સમયમાં સંઘની લગભગ સાડા ચાર હજાર શાખા સક્રિય છે. દસ વર્ષ અગાઉ આ સંખ્યા એક હજારની આસપાસ હતી.
કોલકાતાની એક શાખામાં આવનારા સ્વયંસેવકોનું કહેવું છે કે સંઘનું કામ લોકોને પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત કરવાનું અને રાષ્ટ્રહિતની વાત કરવાનું છે, કોઈ ખાસ પાર્ટીનો પ્રચાર કરવાનું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંઘની પ્રાંત વ્યવસ્થાના પ્રમુખ સીતારામ ડાગાનું કહેવું છે કે સ્વયંસેવકો ઘરેઘરે જઈને લોકોને મતદાન માટે અપીલ કરે છે અને કોઈ પક્ષનું નામ નથી લેતા.
સીતારામ ડાગાએ જણાવ્યું કે, "અમે એ વાત કરીએ છીએ કે જે દેશના હિતમાં કામ કરે, જે રાષ્ટ્રહિતમાં કામ કરે, જે હિંદુત્વ માટે કામ કરે, જે સમાજની સેવાનું કામ કરે, તેમને તમે ચૂંટો."
"અમે એ નથી કહેતા કે તમે ભાજપને ચૂંટો, પરંતુ સંઘના સ્વયંસેવકો ભાજપમાં પણ છે તેથી તેમની સાથે થોડું ઇન્ટરેક્શન થાય છે. લોકોને આ ખબર છે તેથી લોકો સમજી જાય છે, પરંતુ અમે પોતાના મોઢેથી આવો પ્રચાર નથી કરતા."
જોકે, ટીકાકારોનો તર્ક છે કે શાખાઓ મારફત જ સમાજ પર લાંબા ગાળામાં વૈચારિક અસર પેદા કરવામાં આવે છે.
સંઘ આ આરોપને નકારી કાઢે છે, પરંતુ એ હકીકત છે કે ચૂંટણી દરમિયાન આ સ્વયંસેવકોની મંજૂરી જમીની સ્તરે અનુભવી શકાય છે.
આ ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતીને પૂર્ણ બહુમત મેળવ્યો છે.
ઘણા રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે મમતા બેનરજી સરકાર વિરુદ્ધ ઍન્ટી-ઇન્કમ્બન્સીનું મોજું હતું, જેના કારણે તેમની હાર થઈ છે.
સાથે સાથે એવી દલીલ પણ કરવામાં આવે છે કે સંઘના સહયોગ વગર ભાજપને કદાચ આટલી મોટી જીત મળી ન હોત.
ભાજપનું કહેવું છે કે ભાજપને સંઘનો ટેકો સ્વાભાવિક છે, કારણ કે બંનેની વિચારધારા રાષ્ટ્રવાદ પર આધારિત છે.
પાર્ટીના પ્રવક્તાઓના કહેવા મુજબ સંઘના કાર્યકરોએ ગુડ ગવર્નન્સ અને રાષ્ટ્રહિતના મુદ્દે જમીની સ્તરે કામ કર્યું છે.
પશ્ચિમ બંગાળ ભાજપના મુખ્ય પ્રવક્તા દેવજિત સરકારે કહ્યું કે, "સંઘે જે જમીની સ્તરે કામ કર્યું તે ગુડ ગવર્નન્સ માટે અને રાષ્ટ્રવાદના પક્ષમાં છે. ભાજપ રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલો છે. ભાજપ રાષ્ટ્રવાદી પક્ષ છે અને તેથી સંઘ અમને ટેકો આપે છે. નીચે સુધી તેમનું કામ હતું. તેમણે દરેક જગ્યાએ અમારા માટે વાત કરી. તેમણે આ કામ સ્વાભાવિક રીતે કર્યું."
'સોફ્ટ' રણનીતિ અને સાંસ્કૃતિક અસર
રાજકીય વિશ્લેષકો માને છે કે સંઘની અસર મોટા નારા કે મોટા મંચ દ્વારા નહીં, પરંતુ લાંબા સમય સુધી ચાલનારા સામાજિક અને સાંસ્કૃતિક સંપર્કો દ્વારા જોવા મળે છે. લોકો સાથે સતત વાતચીત, ફોન કૉલ, પારિવારિક મુલાકાતો - આ રણનીતિ બંગાળમાં પણ રહી હતી.
સંઘ સાથે સંકળાયેલા વરિષ્ઠ પ્રચારક બિજૉય આદ્યાનું કહેવું છે કે આ વખતની ચૂંટણીને હિંદુ સમાજના અસ્તિત્વ સાથે સાંકળીને જોવામાં આવી. તેમના કહેવા મુજબ બંગાળના ઐતિહાસિક અનુભવ - ખાસ કરીને 1947ના વિભાજનનો ઉલ્લેખ કરીને લોકોને સતર્ક કરવામાં આવ્યા કે "ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં ન આવે."
બિજૉય આદ્યા કહે છે, "સંઘના લોકોએ ઘરે ઘરે જઈને લોકોને સંઘની ભૂમિકા વિશે જણાવ્યું અને કહ્યું કે આ વખતની ચૂંટણી હિંદુઓના અસ્તિત્વનો સવાલ છે. સંઘે લોકોને જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓના જે હાલ છે, તેવા જ હાલ બંગાળમાં પણ થશે."
"તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ એ બંગાળી હિંદુઓ માટે એકમાત્ર હોમલૅન્ડ છે, તેથી તૃણમૂલ કૉંગ્રેસને હઠાવવી જોઈએ, કારણ કે તેની નીતિ તૃષ્ટીકરણની છે અને તેઓ મુસ્લિમ સમુદાયનું તૃષ્ટીકરણ કરે છે. અમે લોકોને કહ્યું કે ભાજપ સરકાર નહીં બને તો હિંદુઓએ ફરી એક વખત બંગાળ છોડીને જવું પડશે."
ધાર્મિક ધ્રુવીકરણનો સવાલ
ચોથી મેએ ચૂંટણી જીત્યા પછી ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ પોતાની પાર્ટીની જીતને હિંદુત્વની જીત ગણાવી હતી. સુવેંદુ અધિકારી હવે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રી છે.
તો શું આ વખતે બંગાળની ચૂંટણી હિંદુ વિરુદ્ધ મુસલમાનની હતી? જો હા, તો તેમાં સંઘની શું ભૂમિકા હતી?
કોલકાતાની પ્રેસિડન્સી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર જાદ મહમૂદે જણાવ્યું કે આ ચૂંટણીમાં ધાર્મિક આધાર પર સ્પષ્ટ રીતે ધ્રુવીકરણ જોવા મળ્યું.
પ્રોફેસર મહમૂદ કહે છે, "સુવેંદુ અધિકારી જ્યારે ભવાનીપુરના પરિણામ પર વાત કરતા હતા ત્યારે તેમણે એક જગ્યાએ કહ્યું કે મુસલમાન એરિયાનું ઇવીએમ ખૂલશે, હિંદુ એરિયાનું ઇવીએમ ખૂલશે. હિંદુ વોટ અહીં આવશે, મુસ્લિમ વોટ અહીં આવશે. આજે બંગાળમાં જે ધાર્મિક ધ્રુવીકરણ જોવા મળે છે, તે બદલાવમાં આરએસએસની ભૂમિકા રહે છે."
પ્રોફેસર મહમૂદે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, "આરએસએસનું કામ લોકો વચ્ચે ધીમે ધીમે, નરમાશથી સાંસ્કૃતિક અસર નાખવાનું અને તેમના વિચારો બદલવાનું છે."
"આરએસએસ દરેક જગ્યાએ આ રીતે કામ કરે છે. તે લોકો માટે કામ કરે છે, પરંતુ તેમની શાળાઓ અને અભ્યાસક્રમમાં એક પ્રકારની વિચારધારા શીખવવામાં આવે છે. અંતે આ જ વિચારધારા ભાજપના રાજનીતિક વિચારો અને તેમના રાજકીય ઍજન્ડામાં મદદ કરે છે."
પ્રોફેસર મહમૂદ મુજબ આરએસએસે બંગાળના લોકોના મનમાં ભાજપ માટે જગ્યા બનાવવાનું કામ કર્યું છે.
તેઓ કહે છે, "ભાજપના બાકીના ભાગોમાં એક બંગાળી મધ્યમવર્ગીય ભદ્રલોકની કેવી છબી હોય છે? સામાન્ય રીતે લોકો માને છે કે આવી વ્યક્તિ રવીન્દ્રનાથ ટાગોરની વાત કરશે, શિક્ષિત હશે, બુદ્ધિજીવી હશે. એટલે કે આ પાયાની તસવીર બને છે. આ એક સ્ટીરિયોટાઇપ છે, પરંતુ ધારણા મોજૂદ છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો ખૂલીને ભાજપના સમર્થક બની ગયા છે, તો સ્પષ્ટ છે કે કંઈક બદલાયું છે."
તેઓ પોતાની વાત આગળ વધારતા કહે છે, "આ બદલાવ શું છે અને કેવી રીતે થયો, તેને લાંબા સમયથી થયેલા સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનના સંદર્ભમાં સમજવાનું રહેશે જેના પર આરએસએસ બહુ સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે."
તેઓ કહે છે, "ભાજપ એક વિકલ્પ બની જાય, શિક્ષિત વર્ગ માટે સ્વીકાર્ય બની જાય, જે પાર્ટીને તૃણમૂલ કૉંગ્રેસે બહારના લોકોનો પક્ષ ગણાવ્યો, જેના માટે કહેવાયું કે તેનો કોઈ બંગાળી વિચાર કે સંસ્કૃતિ નથી અને બંગાળ વિશે સમજણ નથી, આ વાત 2021માં કામ કરી ગઈ, પરંતુ આ વખતે કામ ન આવી. તેમાં આરએસએસની ભૂમિકા રહી છે."
હવે આગળ શું થશે?
બંગાળની ચૂંટણીમાં પાયાના સ્તરે સંઘની ઘણી સંસ્થાઓ ખાસ સક્રિય રહી હતી. સંઘે મહિલાઓ અને યુવાનો સુધી પણ પોતાનો સંદેશ પહોંચાડવા ભરચક પ્રયાસ કર્યો હતો.
ઉપલબ્ધ જાણકારી મુજબ સરહદ નજીક આવેલા જિલ્લાઓમાં આ અભિયાનની આગેવાની સંઘના સીમાંત ચેતના મંચે લીધી હતી અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને અભિયાન ચલાવ્યું હતું.
હવે બંગાળમાં ભાજપની સરકાર બની ગઈ છે ત્યારે ભાજપ પાસે આરએસએસ કેવી અપેક્ષા રાખશે?
સંઘ સાથે સંકળાયેલા લોકો માને છે કે ભાજપમાં હવે ડરનો માહોલ ઓછો થયો છે અને આગામી સમયમાં વધુ લોકો ખૂલીને સંઘની પ્રવૃત્તિઓમાં જોડાશે.
જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે સંઘનું કામ સરકાર બનવા કે ન બનવા પર નિર્ભર નથી. ભાજપ સત્તા પર હોય કે વિપક્ષમાં હોય, સંઘ પોતાની વૈચારિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.
બંગાળના પરિણામે ફરી એક વખત દર્શાવ્યું છે કે વિચારધારા અને સંગઠન જ્યારે લાંબા સમય સુધી જમીન પર કામ કરે ત્યારે તેની અસર ચૂંટણીના રાજકારણ પર પડે છે.
હવે એ વાત પર બધાની નજર છે કે ભાજપ સરકાર બન્યા પછી પશ્ચિમ બંગાળમાં આરએસએસનો પ્રભાવ કઈ દિશામાં અને કેટલી હદે વધે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન