You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ન ખરીદવાની અપીલ પછી પીએમ મોદી સામે ઊઠ્યા સવાલો
- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને જે અપીલ કરી તેની ચર્ચા રાજકીય વર્તુળોથી લઈને ઉદ્યોગપતિઓ, ખેડૂત સંગઠનો, અર્થશાસ્ત્રીઓ અને સોશિયલ મીડિયામાં પણ ચાલી રહી છે.
પીએમ મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા, ઘરેથી કામ કરવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ 50 ટકા સુધી ઘટાડવાની અપીલ કરી હતી.
સરકાર આને મધ્યપૂર્વના સંકટ વચ્ચે સામાજિક જવાબદારી અને લૉંગ ટર્મ ઍનર્જી સિક્યૉરિટીની દિશામાં પગલું ગણાવે છે, પરંતુ ટીકાકારો કહે છે કે આ આર્થિક દબાણના સંકેત છે અને સામાન્ય લોકો પર બોજ નાખવાનો પ્રયાસ છે.
11 મેએ સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની બેઠક મળી હતી. તેમાં સરકારે કહ્યું કે દેશમાં કોઈ ચીજની અછત નથી.
સરકારનું કહેવું છે કે ભારત પાસે 60 દિવસ ચાલે તેટલું ક્રૂડઑઇલ, 60 દિવસ જેટલો નૅચરલ ગૅસ અને 45 દિવસનો એલપીજીનો સ્ટૉક છે. ભારત પાસે 703 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ છે.
સરકારે એવું પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવનો બધો બોજ નાગરિકો પર ન આવે તે માટે ઑઇલ કંપનીઓ દૈનિક લગભગ 1000 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવે છે.
બીજી તરફ ઉદ્યોગ સંગઠનોને બીક છે કે આવા પગલાથી રોજગારી અને માગ ઘટશે. ખેડૂત સંગઠનોએ ખાતરના ઉપયોગમાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટીકા કરી કે નાગરિકોને ઈંધણ બચાવવાની અપીલ કરતા નેતાઓ પોતે મોટા કાફલા લઈને ફરે છે અને રોડ શો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિપક્ષે ટાઇમિંગ પર સવાલ ઉઠાવ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી વિપક્ષે તેના ટાઇમિંગ વિશે સવાલ ઉઠાવ્યો છે.
વિપક્ષના નેતાઓનું કહેવું છે કે મધ્યપૂર્વમાં યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટ ફેબ્રુઆરીથી ચાલુ છે, ત્યારે સરકારે ચૂંટણી પૂર્ણ થયા પછી જ લોકોને બચત અને સંયમ રાખવાની અપીલ કેમ કરી.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું કે "28 ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયું, પરંતુ વડા પ્રધાન ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત રહ્યા."
તેમણે સવાલ કર્યો કે સરકાર પહેલેથી "સ્થિતિ કાબૂમાં હોવાનું" કહેતી હતી, તો પછી અત્યારે લોકોને "આ ન કરો, આ ન ખરીદો" જેવી અપીલ કેમ કરે છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ સવાલ ઉઠાવ્યો કે ઈંધણની બચત એટલી જરૂરી હતી તો પછી ચૂંટણીપ્રચાર દરમિયાન "હજારો ચાર્ટર હવાઈ પ્રવાસ" કેમ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે આવી અપીલોથી બજારમાં "ડર, ગભરાટ અને નિરાશા" ફેલાઈ શકે છે.
વિપક્ષનો આરોપ છે કે સરકાર આર્થિક દબાણનો બોજ સામાન્ય લોકો પર નાખી રહી છે, જ્યારે રાજકીય વર્ગ પોતે સાર્વજનિક સંયમનું પાલન કરતો નથી.
જોકે, ભાજપના નેતાઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ઍક્સ પર કહ્યું કે આખી દુનિયા "અભૂતપૂર્વ વૈશ્વિક સંકટ"માંથી પસાર થઈ રહી છે એવા સમયે વિદેશી ચલણ અને ઊર્જા સંસાધનોનો સમજદારીથી ઉપયોગ કરવાની અપીલ એ જવાબદાર સરકારનું કર્તવ્ય છે.
તેમણે કહ્યું કે, "દુનિયાના ઘણા દેશોમાં ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે અને ભારત પ્રમાણમાં સારી સ્થિતિમાં છે." ભાજપનું કહેવું છે કે સરકારનો લક્ષ્ય લોકોમાં ગભરાટ ફેલાવવાનો નહીં, પરંતુ સતર્કતા પેદા કરવાનો છે.
ગૃહમંત્રી અમિત શાહે વડા પ્રધાનની અપીલને દૂરદર્શી જણાવીને કહ્યું કે "પેટ્રોલ-ડીઝલના ઉપયોગમાં સંયમ, વર્ક ફ્રૉમ હોમને પ્રોત્સાહન અને કેમિકલ ફર્ટિલાઇઝરને છોડીને નૅચરલ ફાર્મિંગને અપનાવવાનું તેમનું આહ્વાન એ ભારતને આત્મનિર્ભર અને ઍનર્જી સિક્યૉર રાષ્ટ્ર બનાવવાનો સ્પષ્ટ રોડમેપ છે."
અર્થશાસ્ત્રીઓએ અપીલ વિશે શું કહ્યું?
અર્થશાસ્ત્રી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ વેદ જૈન આને માત્ર એક સામાન્ય અપીલ નથી માનતા.
તેઓ કહે છે કે, "વડા પ્રધાનના આ સંદેશનો સાર એ છે કે ભારતીય અર્થતંત્ર પર અત્યારે એક મોટું સંકટ તોળાય છે, જેને કોવિડ જેવી સ્થિતિ તરીકે જોવું જોઈએ."
વેદ જૈનનું કહેવું છે કે "અમેરિકા-ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક ઑઇલ સપ્લાયને અસર થઈ છે અને તેની સીધી અસર ભારત પર પડી રહી છે. તેમનું માનવું છે કે ઑઇલ, સોનું, વિદેશયાત્રા ઘટાડવાની અપીલ એ વિદેશી ચલણ પરનું દબાણ ઘટાડવાનો પ્રયાસ છે."
જોકે, તેઓ ચેતવણી પણ આપે છે કે, "લાંબા સમય સુધી આ સંકટ ચાલશે તો સરકારે આગળ જતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા, સોનાની આયાત પર નિયંત્રણ અને કેટલીક ચીજોના રૅશનિંગ જેવા પગલા લેવા પડી શકે છે."
સરકારનું કહેવું છે કે વિદેશી ચલણ બચાવવાનું અભિયાન હાલના સંકટના કારણે નહીં, પરંતુ લાંબા ગાળાની તૈયારી માટે છે.
સરકારના કહેવા મુજબ "ભારત એ દુનિયામાં ચોથા ક્રમે પેટ્રોલિયમ ઉત્પાદનોનો આયાતકાર દેશ છે અને ઘરેલુ માગ પૂરી કરવામાં આવી રહી છે." સરકારે એમ પણ કહ્યું કે હજુ ગભરાવાની જરૂર નથી.
સોનાનો કારોબાર અને મધ્યમવર્ગની ચિંતા
પીએમ મોદીની અપીલના કારણે સૌથી વધારે બેચેની એવા સેક્ટરમાં જોવા મળી રહી છે, જેની રોજગારી સોના સાથે સીધી રીતે જોડાયેલી છે.
ઇન્દોર સરાફા વ્યાપારી ઍસોસિયેશનના પીઆરઓ અજય લાહૌટીએ વડા પ્રધાનના 10 મેના ભાષણ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, "અમે દેશની પડખે ઊભા છીએ, પરંતુ આમાં અમારા પરિવાર અથવા કર્મચારીઓના પરિવારો ભૂખ્યા રહી જાય તો કેવી રીતે કામ ચાલે?"
તેમણે કહ્યું કે આવી કોઈ પણ અપીલ કરતા પહેલાં એક વખત વિચારવું જોઈએ. વડા પ્રધાને સમયાંતરે દેશવાસીઓને ઘણી વાતો કરી છે અને અમે તેમની વાત માનીએ છીએ, પરંતુ સોનું ન ખરીદવાની સલાહથી અમને નુકસાન જશે.
રાયપુરના સોનાના વેપારી ધરમ ભણશાળી કહે છે, "મિડલ ક્લાસ પર આ અપીલની સૌથી ખરાબ અસર પડશે. આપણે ત્યાં કોઈ પણ સમસ્યા હોય તો સોનાની સામે તરત રૂપિયા મળી જાય છે. તેથી નાના-મોટા તમામ લોકો સોનું ખરીદતા હોય છે. એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ સ્વીકારવામાં આવે તો કેટલાંય લગ્ન નહીં થઈ શકે. આ વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા લોકો બેઘર થઈ જશે. રાષ્ટ્રહિતમાં પીએમ મોદીની આ અપીલ સારી છે, પરંતુ નાગરિકોના હિતમાં નથી."
કારોબારીઓનું કહેવું છે કે સોનું એ માત્ર એક લક્ઝરી ચીજ નથી, પરંતુ બચત, લગ્ન અને સંકટના સમયે રોકડ ભેગી કરવાનું સાધન પણ છે. સોનું ન ખરીદવાની અપીલની અસર માત્ર કારોબાર પર નહીં, પરંતુ સામાજિક અને ઘરેલુ અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે.
ખાતર, ખેતી અને ખેડૂતોની ચિંતા
વડા પ્રધાન મોદીની અપીલના કારણે કૃષિ ક્ષેત્રમાં પણ ચિંતા છે.
આરએસએસનો ટેકો ધરાવતા ભારતીય કિસાન સંઘના મધ્ય પ્રદેશના અધ્યક્ષ કમલસિંહ આંજના કહે છે કે "વડા પ્રધાનની અપીલથી દેશમાં કૃષિ ક્ષેત્ર પર જોખમી અસર પડી શકે છે. દેશમાં ખાતરની ખપત વધી રહી છે, કારણ કે સિંચાઇને વિસ્તાર વધ્યો છે. આવામાં ખેડૂતને યુરિયા અને ડીએપી નહીં મળે, તો તે બરબાદ થઈ જશે."
તેમણે પીએમ મોદીની આ અપીલના ટાઇમિંગ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે "અત્યારના સમયે ખાતરની માગ વધવાની છે. મધ્ય ભારતનાં રાજ્યોમાં પહેલેથી ખાતરની અછત છે તેવામાં ખાતરનો ઉપયોગ ઘટાડવાની વાતથી બજારમાં ઊથલપાથલ પેદા થશે."
તેમણે કહ્યું કે "સરકારને એવું લાગતું હોય તો તે ખાતરના ભાવ વધારી દે, કારણ કે ખેડૂતોને તો પહેલેથી કાળાબજારના કારણે ઊંચા ભાવે ખાતર મળે છે, પરંતુ ખાતરનો સપ્લાય મહત્ત્વનો છે, નહીંતર દેશમાં ખાદ્યાન્ન ભંડાર માટે મુસીબત પેદા થશે."
જોકે, સરકારનું કહેવું છે કે રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે. સરકારના આંકડા પ્રમાણે 11 મે સુધીમાં દેશમાં કુલ 199.65 લાખ ટન ખાતરનો જથ્થો હતો, જે ગયા વર્ષની તુલનામાં વધારે છે. સરકારનું કહેવું છે કે આ ખરીફ સિઝનની જરૂરિયાતના 51 ટકા કરતાં વધુ છે.
સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદીની અપીલ પર આકરી ચર્ચા થઈ રહી છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું કે "મોદીજીએ કાલે લોકો પાસે ત્યાગની માગણી કરી - સોનું ન ખરીદો, વિદેશ ન જાવ, પેટ્રોલ ઓછું વાપરો, ખાતર અને ખાદ્યતેલનો વપરાશ ઘટાડો, મેટ્રોમાં જાવ, ઘરથી કામ કરો. આ ઉપદેશ નથી, પરંતુ નિષ્ફળતાનો પુરાવો છે."
તેમણે આગળ લખ્યું કે "12 વર્ષને દેશને એવા મુકામ પર લાવી દીધો છે કે જનતાને કહેવું પડે કે શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું, ક્યાં ન જવું. દરેક વખતે જનતા પર જવાબદારી નાખી દે છે જેથી પોતે જવાબદારીમાંથી બચી જાય."
પરંતુ સોશિયલ મીડિયા પર આવેલી પ્રતિક્રિયા માત્ર રાજકીય વ્યક્તિઓ પૂરતું સીમિત નથી. ઘણા લોકોએ આ અપીલને પોતાના આર્થિક સંઘર્ષ સાથે સાંકળીને જોઈ છે.
વડા પ્રધાનના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરાયેલા આ ભાષણના વીડિયો નીચે ઘણા લોકોએ સવાલ કર્યો કે સામાન્ય લોકોને પેટ્રોલ- ડીઝલ બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે તે જ દિવસે મોટા રાજકીય રોડ શો અને વીઆઇપી ગાડીઓના વિશાળ કાફલા કેમ જોવા મળે છે.
એક ઍક્સ યૂઝરે લખ્યું કે, "નાગરિકોને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે, પરંતુ સરકારનું ઉત્તરદાયિત્વ ક્યાં છે?"
બીજા યૂઝરે લખ્યું કે, "મોદી જી, આ જ વાત સાંસદો, વીઆઈપી, નેતાઓ, બ્યૂરોક્રેટ્સ અને અધિકારીઓને પણ કહી જુઓ. બધા નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે કેમ છે?"
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પીએમના ભાષણ પછી થોડા જ કલાકોમાં યોજાયેલા રોડ શોના ફોટા અને વીડિયો શૅર કરીને સવાલ ઉઠાવ્યો કે ઈંધણ બચાવવાની અપીલ અને મોટા રાજકીય કાફલા વચ્ચે વિરોધાભાસ કેમ જોવા મળે છે.
જોકે, કેટલાક લોકોએ સરકારની તરફેણમાં પણ પ્રતિક્રિયા આપી છે. કેટલાક યૂઝર્સે વર્ક ફ્રૉમ હોમ, જાહેર પરિવહન અને ઊર્જાની બચતને વ્યવહારુ પગલાં ગણાવ્યાં હતાં. કેટલાક લોકોએ તેને પર્યાવરણ અને ઊર્જા સુરક્ષા માટે પણ જરૂરી ગણાવ્યાં.
પરંતુ સમગ્ર ચર્ચા વચ્ચે એવો સવાલ ઊઠે છે કે શું આ માત્ર વૈશ્વિક સંકટ વચ્ચે અગમચેતીનું પગલું છે કે પછી સરકાર લોકોને આગામી કઠિન આર્થિક તકલીફો માટે માનસિક રીતે તૈયાર કરી રહી છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન