એલિયંસ છે? 'ઊડતી રકાબી અને રહસ્યમય ઘટનાઓ' પર અમેરિકાએ પહેલી વખત ગોપનીય દસ્તાવેજો જાહેર કર્યા, શું રહસ્ય બહાર આવ્યું?

    • લેેખક, સાક્ષી વેંકટરમન અને રેબેકા પીડર
    • પદ, સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા. આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે લોકોએ જોયેલી છે.

આ દસ્તાવેજ ધરતી પર સામાન્ય લોકોના દાવા અને ચંદ્ર પર અંતરિક્ષ મિશનમાં સામેલ યાત્રીઓનાં નિવેદનો પર આધારિત છે.

આ દસ્તાવેજ ઘણા દાયકા જૂના છે તથા શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સાર્વજનિક કરાયા અને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા.

ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ "લોકોના જબરદસ્ત રસને જોતાં " આ દસ્તાવેજોને સાર્વજનિક કરશે.

હાલનાં વર્ષોમાં, અમેરિકામાં લોકોનો રસ બહારની દુનિયાના જીવોમાં સતત વધતો રહ્યો છે.

વર્ષ 2022માં કૉંગ્રેસમાં (અમેરિકાની સંસદ) 50 વર્ષમાં પહેલી વખત યુએફઓ પર સુનાવણી થઈ અને સેનાએ આ મામલામાં વધુ પારદર્શક બનવાનો વાયદો કર્યો.

આવી 161 ફાઇલો અમેરિકાના સંરક્ષણ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આની સાથે જોડાયેલી વધુ ફાઇલો સાર્વજનિક થવાની છે.

શુક્રવારે આ ફાઇલ સાર્વજનિક કરવામાં આવી હતી. અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફેબ્રુઆરીમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એલિયંસ "અસલી છે, પણ મેં તેમને જોયા નથી."

ઓબામાએ પછી પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે આંકડાના હિસાબથી એવી સંભાવના છે કે બીજી દુનિયામાં પણ જીવન હોય, પરંતુ રાષ્ટ્રપતિ રહેતાં તેમને આના "કોઈ પુરાવા નહોતા મળ્યા."

ફેબ્રુઆરી મહિના પછી ટ્રમ્પે પેન્ટાગોનને નિર્દેશ આપ્યા કે તેઓ "એલિયંસ અને બીજી દુનિયાના જીવ, અજ્ઞાત હવાઈ ઘટનાઓ (યુએપી) અને અજ્ઞાત ઊડતી વસ્તુઓ(યુએફઓ) સાથે જોડાયેલી ફાઇલો સાર્વજનિક કરે."

શુક્રવારના જાહેર કરાયેલી ફાઇલોમાં કેટલાક દાયકાઓના એવા સૈન્ય મૅમો સામેલ છે જે હવે લોકો સામે આવ્યા છે.

આમાં અપોલોના ચંદ્ર સાથે જોડાયેલાં મિશનના રિપોર્ટ અને એ લોકોના રિપોર્ટ સામેલ છે, જેમાં દાવા કરાયો છે કે તેમણે કોઈ યુએફઓ અથવા અજ્ઞાત ઊડતી વસ્તુઓ જોઈ છે, અને તેમને લાગતું હતું કે તે બીજી દુનિયાથી આવી હતી.

ચમકતો પ્રકાશ અને ડરામણી વસ્તુઓ જોવાનો દાવો

આ ફાઇલોમાં 1960 અને 1970ના દાયકાના અપોલો 11, અપોલો 12 અને અપોલો 17ના ચંદ્ર પર ઊતરવાના મિશન પર ગયેલા અંતરિક્ષ યાત્રીઓના પહેલાંથી ક્લાસિફાઇડ ટ્રાન્સક્રિપ્ટ સામેલ છે.

અપોલો 11 મિશનના જાણીતા મશહૂર અંતરિક્ષ યાત્રી બઝ એલ્ડ્રિને વર્ષ 1969ના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે ચંદ્ર પર પોતાની યાત્રા દરમ્યાન કેટલીક એવી વસ્તુઓ જોઈ જેની પાછળનું કોઈ કારણ ન સમજાયું.

આ ઇન્ટરવ્યૂ શુક્રવારે પ્રકાશિત કરાયો હતો.

તેમણે કહ્યું કે, "મેં એક જગ્યાએ બહુ તેજ પ્રકાશ આવતો જોયો, જેને અમે શરૂઆતમાં એક સંભાવિત લેઝર માન્યો."

આ ટ્રાન્સક્રિપ્ટથી જાણવા મળ્યું કે 1969માં ચંદ્ર પર પગ મૂકનારા અપોલો 12ના અંતરિક્ષ યાત્રી એલન બીને કહ્યું કે મિશન દરમ્યાન તેમણે કેટલાક કણો અને પ્રકાશ "અંતરિક્ષમાં તરતા જોયા". તેમણે કહ્યું કે તે કણો એવા લાગી રહ્યા હતા જેમકે તે "ચંદ્રમાંથી બહાર નીકળી રહ્યા હોય."

1972માં અપોલો 17 મિશન પર ગયેલા બે અંતરિક્ષ યાત્રીઓએ પણ અંતરિક્ષ યાનમાં રહેતા ચમકતો પ્રકાશ જોવાની વાત કહી હતી.

અંતરિક્ષ યાત્રી જૅક શ્મિટે કહ્યું કે, "ત્યાં તો એવું લાગી રહ્યું છે કે જેમ કે 4 જુલાઈ (અમેરિકન સ્વતંત્રતા દિવસ) ની ઉજવણી ચાલી રહી હોય. આ પ્રકાશ કદાચ બરફના ટુકડા સાથે ટકરાઈને પાછો આવતો પ્રકાશ હોઈ શકે છે."

જે ફાઇલો જાહેર કરાઈ છે તેમાંથી એકમાં 1965ના જેમિનિ 7 અંતરિક્ષ ઉડાણનું એક ઑડિયો રેકૉર્ડિંગ છે, જેમાં અંતરિક્ષ યાત્રી ફ્રૅન્ક બોમન અને ગ્રાઉન્ડ સપોર્ટ ટીમ વચ્ચે વાતચીત રેકૉર્ડ છે.

તેમણે નાસાના મિશન કંટ્રોલને એક અજાણી વસ્તુ જોવાની જાણકારી આપી અને તેમને એક 'બોગી' (ડર પેદા કરતી વસ્તુ) ગણાવી. તેની સાથે તેમણે અંતરિક્ષ યાનની ડાબી બાજુ "અબજો નાના કણો" જોવાની માહિતી આપી.

પ્રકાશમાંથી નીકળીને હવામાં તરતી વસ્તુઓ

આ ફાઇલોમાં દાયકાઓ જૂના રિપોર્ટ જાહેર કરાયા છે. તેમાં ડઝનો એવા અલગ-અલગ દાવા કરાયા છે જેમાં લોકોએ એવી અજ્ઞાત ઘટનાઓને જોવાનો દાવો કર્યો, જે સામાન્ય નહોતી.

એક ફાઇલથી જાણવા મળ્યું કે 1957માં એફબીઆઈને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં એક વ્યક્તિએ જણાવ્યું કે તેણે જમીનથી ઉપર ઊઠતા એક મોટા ગોળાકાર યાનને જોયું હતું.

આ ઉપરાંત સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2023ના કેટલાક ઇન્ટરવ્યૂ પણ આ ફાઇલોમાં છે.

આમાં અમેરિકન નાગરિકોએ જણાવ્યું છે કે તેમણે તેજ પ્રકાશ વચ્ચે અચાનક સામે આવતા ધાતુથી બનેલા ઊડતાં ઑબજેક્ટ્સ (ઊડતી રકાબી) જોયાં છે.

ઇરાક, સીરિયા અને યુએઈ સાથે જોડાયેલા દાવા

આ ફાઇલ્સમાં 2022ની એ વીડિયો ક્લિપ પણ સામેલ છે, જે અમેરિકન સેનાએ મધ્ય પૂર્વમાં લીધો હતો.

ઇરાક, સીરિયા અને સંયુક્ત આરબ અમીરાતનાં ફૂટેજમાં એ વસ્તુઓ દેખાઈ હતી જેને પેન્ટાગોનની વેબસાઇટે "વણઉકેલ્યો, અજ્ઞાત અને અસામાન્ય બનાવ" ગણાવી હતી.

વર્ષ 2022ની એક ક્લિપ, જે મધ્ય પૂર્વમાં કોઈ અજ્ઞાત સ્થળ પર લેવાઈ હતી, તેમાં એક ઈંડાના આકારની વસ્તુને ડાબેથી જમણે ઝડપથી જતા જોઈ શકાય છે. તેની સાથેના રિપોર્ટમાં આને એક "સંભાવિત મિસાઇલ" ગણાવી છે.

યુએફઓ વિશે જાણવાની લોકોની ઇચ્છા નવી નથી અને આ વિશે અનેક દાવા થતા રહ્યા છે.

ટેનેસીના રિપબ્લિકન સાંસદ ટિમ બર્ચેટે પહેલાં પણ યુએફઓ જોવાના મામલામાં સરકારી પારદર્શિતા વધારવાની માગ કરી હતી.

તેમણે પેન્ટાગોન તરફથી ફાઇલો સાર્વજનિક કરવાનું સ્વાગત કર્યું અને ઍક્સ પર એક પોસ્ટમાં તેને એક સારી શરૂઆત ગણાવી.

ફ્લૉરિડાથી રિપબ્લિકન કૉંગ્રેસ સભ્ય અન્ના પૉલિના લૂના પણ આ મુદ્દા પર પારદર્શિતાની વકીલાત કરે છે.

તેમણે એક નિવેદનમાં આ પગલાને "યોગ્ય દિશામાં લેવાયેલું પહેલું બહુ મોટું પગલું " ગણાવ્યું.

જોકે ટ્રમ્પના સહયોગી રહી ચૂકેલાં પૂર્વ કૉંગ્રેસ સભ્ય માર્જોરી ટેલર ગ્રીને કહ્યું કે ફાઇલો સાર્વજનિક કરવી અમેરિકન લોકો સામે રહેલા જરૂરી મુદ્દા, જેમકે વધતી મોંઘવારી અને ઈરાનથી ચાલી રહેલા યુદ્ધ પરથી ધ્યાન હટાવવાનો એક પ્રયાસ છે.

જોકે, પછી માર્જોરી ટેલર ગ્રીનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ ખરાબ થઈ ગયા હતા અને તેમને કૉંગ્રેસ છોડી દીધી હતી.

ગ્રીને ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, "હું આ પ્રકારની 'ચમકતી વસ્તુઓ તરફ જુઓ' વાળા પ્રોપેગેંડાથી થાકી ગઈ છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન