You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : એક યુવાને પત્ની-બાળકીની હત્યા કરી તેમના મૃતદેહોને ઘરમાં દાટ્યા, સાત મહિના સુધી તે ઘરમાં જ રહ્યો, જમ્યો, પરંતુ આખરે.....
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
નોંધઃ આ અહેવાલની કેટલીક વિગતો વિચલીત કરી શકે છે.
મહેસાણા જિલ્લાના વડનગરમાં ચોથી મેએ એક યુવાને સિવિલ હૉસ્પિટલ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી.
પોલીસે જ્યારે તેના મૃતદેહની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતકે સાત મહિના અગાઉ પોતાની પત્ની અને બે વર્ષની દીકરીની હત્યા કરી હતી અને ઘરમાં જ તેમના મૃતદેહો દાટી દીધા હતા.
પોલીસે આગળ તપાસ કરીને મૃતકના ઘરમાંથી કપડાંમાં લપેટીને દાટી દેવાયેલા બંને મૃતદેહો બહાર કાઢ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આઘાતની વાત એ છે કે હત્યા કર્યા પછી સાત મહિના સુધી મૃતક યુવાન ત્યાં જ રહેતો હતો અને જે જગ્યાએ મૃતદેહો દાટવામાં આવ્યા હતા, ત્યાં જ જમતો હતો.
આખી ઘટના શું હતી?
4 મે, રવિવારના દિવસે વડનગરની સિવિલ હૉસ્પિટલના ચોથા માળેથી કૂદીને ગિરીશ પરમાર નામના યુવાને આત્મહત્યા કરી હતી.
30 વર્ષીય ગિરીશના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી. જેમાં તેણે પોતાની પત્ની પ્રિયંકા (ઉંમર 29 વર્ષ) અને દીકરી પરીની હત્યા કરી હોવાની 'કબૂલાત' કરી હતી.
તેણે એવું પણ લખ્યું હતું કે "પત્ની અને દીકરીને મારી નાખ્યા પછી તેમના મૃતદેહો શાહપુર વાડ વિસ્તારમાં આવેલા ઘરમાં દાટી દીધા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા દિવસે પોલીસે ઍક્ઝિક્યૂટિવ મૅજિસ્ટ્રેટને સાથે રાખીને ગિરીશના ઘરે પહોંચી અને બંધ ઘરનું તાળું તોડી અંદર બે કલાક સુધી ખોદકામ કર્યું ત્યારે બંને મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે પત્ની અને બાળકીને ભોંયતળિયામાં દાટી દીધા પછી ગિરીશે તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર કરી નાખ્યું હતું.
ગિરીશ વડનગરથી 12 કિમી દૂર શાહપુર ગામની સીમમાં રહેતો હતો અને તેના ઘરની આસપાસ દૂર દૂર સુધી કોઈ મકાન ન હતું. બાળપણમાં તેના પિતાનું અવસાન થયું હોવાથી તે માતા સાથે રહેતો હતો.
ગિરીશે એમ.એસ.ડબલ્યુ.ના અભ્યાસ વખતે પોતાની સાથે ભણતી યુવતી પ્રિયંકા સાથે ચાર વર્ષ અગાઉ કોર્ટમાં પ્રેમલગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા, પરંતુ પછીથી લગ્નને સ્વીકારી લીધાં હતાં.
ગિરીશ વિસનગર રોડ પર આવેલા માટેલ ગામમાં હીરા ઘસવાનું કામ કરતો હતો, જ્યારે પ્રિયંકાએ એક હૉસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી.
લગ્નના એક વર્ષ પછી ગિરીશનાં માતાનું મૃત્યુ થયું અને ત્યાર પછીના વર્ષે પ્રિયંકાએ જોડિયાં દીકરીને જન્મ આપ્યો હતો.
પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા
પ્રિયંકાના દાદા રમણભાઈ યોગીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "પ્રિયંકા નાનપણથી મારી પાસે ઉછરી હતી અને તેણે ગિરીશ સાથે લગ્ન કર્યાં ત્યારે હું નારાજ થયો હતો. પરંતુ પછી અમે તેમને સ્વીકારી લીધાં."
"ગિરિશનાં માતા જીવીત હતાં ત્યાં સુધી કોઈ વાંધો ન આવ્યો, પરંતુ બે દીકરીઓના જન્મ પછી મુશ્કેલીઓ શરૂ થઈ," એમ રમણભાઈએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, "જોડિયાં દીકરીઓ જન્મી હોવાથી પ્રિયંકાએ નોકરી છોડી દીધી. બીજી તરફ ઘરખર્ચ વધ્યો તેથી ગિરીશે તેની સાથે ઝઘડા શરૂ કર્યા. હું અને ગિરીશની બહેનો વચ્ચે પડ્યાં અને તેને સમજાવ્યો કે દીકરીઓ મોટી થશે પછી પ્રિયંકા ફરી નોકરી શરૂ કરશે."
"આ દરમિયાન અમે ગિરીશ અને પ્રિયંકાને કરિયાણું મોકલવા સહિતની બીજી મદદ કરતા હતા. પરંતુ ગિરીશ પ્રિયંકાને દીકરીઓના જન્મ પછી ટોણાં મારતો અને ક્યારેક હાથ પણ ઉપાડતો હતો. તેથી પ્રિયંકાને આઘાત લાગ્યો હતો. ડૉક્ટરે તેને આઘાતમાંથી દૂર કરવા દવાઓ લખી આપી હતી જે ગિરીશ લઈ આપતો ન હતો. તેથી હું દવા ખરીદી આપતો હતો."
પ્રિયંકાના દાદાએ રમણભાઈએ કહ્યું કે, "મારી પૌત્રી (પ્રિયંકા) નવરી પડે એટલે મને ફોન કરતી. છેલ્લે 18 સપ્ટેમ્બરના રોજ બપોરે તેણે મને ફોન કર્યો હતો. ત્યાર પછી ફોન બંધ જ આવતો હતો."
તેઓ કહે છે, "19 સપ્ટેમ્બરે ગિરીશનો ફોન આવ્યો કે પ્રિયંકા તેની દીકરી પરીને લઈને ક્યાંક ભાગી ગઈ છે, જ્યારે બીજી દીકરી ચાહત તેની પાસે છે."
રમણભાઈ કહે છે કે જ્યારે તેઓ તેના ઘરે ગયા ત્યારે તેમને પ્રિયંકા મળી નહોતી. તેમણે ગિરીશને પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું પરંતુ ગિરીશે તેમ ન કર્યું.
તેઓ જણાવે છે, "ગિરીશ બહાના કાઢતો અને કહેતો કે પ્રિયંકા થોડા દિવસમાં આવી જશે. આવું વારંવાર બન્યું. આ દરમિયાન ગિરીશનું વર્તન બદલાઈ ગયું હતું, તે પોતાની મસ્તીમાં જીવતો હતો. તેથી મને શંકા ગઈ કે કંઈક ખોટું થયું છે."
છેવટે 28 એપ્રિલે પ્રિયંકાના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી.
ત્યાર પછી પોલીસે ગિરીશને બે વખત પૂછપરછ માટે બોલાવ્યો. ગિરીશ જ્યારે કામે જતો ત્યારે પોતાની દીકરી ચાહતને પોતાની બહેનના ઘરે રાખી જતો હતો, તેથી પોલીસે ગિરીશને તેની બહેનને બોલાવી લાવવા કહ્યું.
પોલીસે તેની બહેનને પૂછપરછ માટે બોલાવી ત્યાર બાદ ગિરીશે વડનગરની હૉસ્પિટલમાં છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ દરમિયાન તેણે પોતાના ખિસ્સામાં સ્યૂસાઇડ નોટ લખી રાખી હતી જેમાં તેણે કરેલી ગુનાની વિગતો પણ લખી હતી.
પોલીસ શું કહે છે?
આ કેસ વિશે વડનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર (પીઆઈ) એમએન દવેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "પ્રિયંકા ગુમ થયાના સાત મહિના પછી તેમના દાદા પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. 75 વર્ષીય રમણભાઈની વાતમાં અમને તથ્ય લાગ્યું. તેથી અમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. અમે ગિરીશની પૂછપરછ કરી તો તેણે અમને જણાવ્યું કે તે રોજ હીરા ઘસવા જાય છે અને તેની બીજી દીકરી ચાહતને તેની બહેનને ત્યાં મૂકી જાય છે. તેની બહેન તેની બીજી દીકરીની દેખરેખ રાખે છે."
પીઆઈ દવેએ કહ્યું કે " અમને આ મામલે શંકા ઉપજી તેથી અમે તેને તેની બહેન સાથે તપાસ માટે આવવા કહ્યું."
જોકે, પીઆઈ દવે કહે છે, "તે તેની બહેનને લઈને પોલીસ સ્ટેશને આવે તે પહેલાં જ તેણે આત્મહત્યા કરી દીધી."
પીઆઈ દવે તેના ખિસ્સામાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટ વિશે જણાવે છે કે "સ્યૂસાઇડ નોટમાં તેણે કબૂલ કર્યું હતું કે પ્રિયંકા અને પરીની હત્યા તેણે જ કરી હતી. બાદમાં તેણે તેમના મૃતદેહોને ઘરમાં જ દાટી દીધા હતા."
તેમણે કહ્યું કે, "અમે ઍક્ઝિક્યૂટિવ મૅજિસ્ટ્રેટ અને મજૂરોને લઈને ગિરીશના ઘરે પહોંચ્યા. બંધ મકાનનું તાળું તોડી અંદર ગયા, તો ઘરના એક રૂમમાં ભોંયતળિયા પર ટાઇલ્સ ન હતી. માત્ર પ્લાસ્ટર કરેલું હતું. મજૂરોએ પ્લાસ્ટર તોડ્યું તો ચાર ફૂટની ઊંડાઈએથી એક મહિલા અને બાળકીના અવશેષ મળ્યા."
પોલીસે હાડકાંની ડીએનએ તપાસ કરી અને તે ગિરીશની પત્ની પ્રિયંકા તથા પુત્રી પરીના અવશેષ હોવાનું સાબિત થયું.
પોલીસે આ અવશેષોને અંતિમવિધિ માટે રમણભાઈને સોંપી દીધા હતા.
ગામના લોકો અને પરિવારજનો શું કહે છે?
બીબીસીએ વડનગર અને ખેરાલુ વચ્ચે મોલીપુર ગામમાં રહેતાં ગિરીશનાં બહેન મમતા પરમારનો સંપર્ક કર્યો. તેમણે આ હત્યા વિશે પોતે અજાણ હોવાનું કહ્યું હતું.
તેમણે કહ્યું કે, "મારા ભાઈએ મને કહ્યું હતું કે તેની પત્ની પ્રિયંકા તેમની એક દીકરીને લઈને ભાગી ગઈ છે. તે તેને શોધતો હોવાનું કહ્યું. આ સિવાય અમને કંઈ ખબર નથી."
વડનગર નજીક લગભગ 3,500ની વસતી ધરાવતા શાહપુર ગામના રહેવાસી અને ગિરીશ સાથે ભણનાર સુબોધ પરમારે બીબીસીને કહ્યું કે, "ગિરીશનું ઘર ગામની સીમમાં આવેલું છે અને આજુબાજુ કોઈ ઘર નથી."
તેમણે કહ્યું કે "ગામમાં તહેવારો વખતે ગિરીશ મળતો, ત્યારે કહેતો કે દીકરીઓના જન્મ પછી પત્ની સાથે ઝઘડા વધી ગયા છે. દિવાળી વખતે અમે તેને તેની પત્ની વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે પ્રિયંકા ઝઘડો કરીને એક દીકરીને લઈને ભાગી ગઈ છે, તથા બે રૂમના મકાનમાં તે એક દીકરી સાથે જ રહે છે."
"અમે પોલીસ સાથે તેના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં એક જગ્યાએ નવું પ્લાસ્ટર થયું હતું. ત્યાં ગાદલાં, વાસણો, બિસ્કીટ અને નાસ્તાનાં પડીકાં પડ્યાં હતાં. ગિરીશે જ્યાં મૃતદેહો દાટ્યા હતા ત્યાં નજીકમાં જ રસોડું છે. તેથી તે ત્યાં ખાતો હશે અને ઊંઘતો પણ હશે."
પોલીસ ઇન્સ્પેક્ટર દવેએ કહ્યું કે "પત્ની અને દીકરીની હત્યા કર્યા બાદ સાત મહિનાથી આરામથી જીવતા ગિરીશને લાગ્યું હશે કે પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જશે, તેથી તેણે આત્મહત્યા કરી હશે એવું અમારું માનવું છે."
નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન