You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોમનાથનાં દ્વાર જ્યારે અંગ્રેજોએ અફઘાનિસ્તાનથી પરત લાવી ભારતના '800 વર્ષના અપમાનનો બદલો' લીધો
- લેેખક, ત્રિભુવન
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના રોજ ગુજરાતના પ્રભાસ પાટણસ્થિત સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો.
ગુજરાતના પુનર્નિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનનાં 75 વર્ષ પૂરાં થયા બાદ વડા પ્રધાન મોદીએ મંદિરમાં મહાપૂજા અને કુંભાભિષેક કર્યો. મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથને ભારતની 'અતૂટ આસ્થા' અને 'સભ્યતાગત નિરંતરતા'નું પ્રતીક ગણાવ્યું.
તેમણે કહ્યું કે સોમનાથનો ઇતિહાસ માત્ર વિધ્વંસનો ઇતિહાસ નથી, દરેક વિધ્વંસ બાદ પુનર્નિર્માણ અને પુનરુત્થાનની ભારતીય ચેતનાનો ઇતિહાસ છે.
સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલ સાથે સંકળાયેલું રહ્યું છે અને 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે પુનર્નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
સોમનાથ મંદિરને ભારતીય ઇતિહાસકાર જ નહીં, પરંતુ આરબના ઇતિહાસકાર પણ "અસાધારણપણે સમૃદ્ધ", "અકલ્પનીય" અને "અતુલ્ય" ગણાવતા રહ્યા છે.
ખ્યાત ઇતિહાસકાર અલ-બિરૂની "તહકીક-એ-હિંદ"માં લખે છે, "સોમનાથ આટલું બધું પ્રસિદ્ધ હોવા પાછળનું કારણ એ છે કે એ એક બંદર હતું, જ્યાં પૂર્વ આફ્રિકા, ચીન સહિત વિશ્વના વિભિન્ન દેશોમાંથી વેપારીઓનાં જહાજ લાંગરેલાં રહેતાં."
પ્રસિદ્ધ નવલકથાકાર ચતુરસેન શાસ્ત્રી "સોમનાથ મહાલય"માં લખે છે, "સોમનાથના કીર્તિમાન મહાલયનો અલૌકિક વૈભવ બદરિકાશ્રમથી સેતુબન્થ રામેશ્વર સુધી અને કન્યાકુમારીથી બંગાળના છેડા સુધી વિખ્યાત હતું."
પ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપર "સોમનાથ: ધ મેની વૉઇસીસ ઑફ અ હિસ્ટ્રી"માં લખે છે, 600 સ્તંભો પર મહાલયનું રંગ-મંડપ ઊભું હતું. આ મંડપમાં દસ હજાર કરતાં પણ વધુ દર્શક એકસાથે સોમનાથના દર્શન કરી શકતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંડપમાં જ વિરાજમાન જ્યોતિર્લિંગ હતું, જે ગાઢ અંધકારમાં હતું: પરંતુ ખ્યાત ફારસી ઇતિહાસકાર ફિરિશ્તા (1560-1620) "તારિખે ફિરિશ્તા"માં લખે છે, "કહેવાય છે કે આમાં અઢળક શુદ્ધ અને અમૂલ્ય હીરા-ઝવેરાત હતા, જેના કારણે ત્યાં આંખ સામે અંધારું છવાઈ જતું હતું."
સોમનાથનું આ જ્યોતિર્લિંગ પાંચ ગજ ઊંચું હતું. તેનાં સ્નાન, અભિષેક-શ્રૃંગાર વગેરે નાની એવી સોનાની સીડી પર ચઢીને કરાવવામાં આવતાં.
થાપર અનુસાર, અહીં સોનાની એક સાંકળ પણ લાગેલી રહેતી, જેનું વજન 200 મણ (એક મણમાં 40 કિલો) હતું અને તેમાં ઘંટડીઓ બંધાયેલી રહેતી, જે પૂજારીઓની અવરજવર સમયે વાગતી.
સોમનાથમાં મોટો મેળો લાગતો
ઇતિહાસકાર ચતુરસેન અનુસાર દર વર્ષે શ્રાવણી પૂનમે અને શિવરાત્રિના દિવસે તથા સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે મહાલયમાં મોટો મેળો યોજાતો, જેમાં હિમાલયની પેલે પારથી માંડીને લંકા સુધીના મુસાફરો આવતા અને આ મેળામાં પાંચથી સાત લાખ સુધી મુસાફરો ઊમટી પડતા.
તેમજ, ફિરિશ્તા લખે છે કે સોમનાથના વૈભવની વાત સાંભળીને આક્રમણ માટે મોહમ્મદ ગઝની નીકળ્યો ત્યારે તેની પાસે 30 હજાર સૈનિક હતા, 20 હજાર ઊંટ વડે્ મહિનાઓ સુધી ચાલે ત્યાં સુધી અનાજ અને પાણી લાવવામાં આવ્યાં હતાં.
થાપર પોતાના ચર્ચિત પુસ્તક "સોમનાથ: ધ મેની વૉઇસીસ ઑફ અ હિસ્ટ્રી"માં લખે છે કે સોમનાથનો ઇતિહાસ "એકરેખીય" નથી. આ મંદિર ઘણી વખત તૂટ્યું, ઘણી વખત બન્યું અને દરેક વખત તેનો અર્થ બદલાયો. તેમના અનુસાર, મધ્યકાળમાં ભારતમાં મંદિરોનું વિધ્વંસ માત્ર ધાર્મિક દ્વેષ સાથે નહીં, સત્તા-પ્રદર્શન, લૂંટ અને પ્રતીકાત્મક પ્રભુત્વ સાથે પણ જોડાયેલું છે.
તેમનું અને અન્ય કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે સોમનાથ ન માત્ર "હિંદુ અસ્મિતાનો ઘા" છે અને ન માત્ર "ઇસ્લામી આક્રમણનું પ્રતીક" છે. તે આ બંનેથી ખૂબ વધુ જટિલ ઐતિહાસિક સ્થળ છે.
જટિલ ઐતિહાસિક સ્થળ રહ્યું છે સોમનાથ
ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અહમદનગર જેલમાં 1942થી 1945 સુધી લિપિબદ્ધ પ્રસિદ્ધ પુસ્તક "ડિસ્કવરી ઑફ ઇન્ડિયા"માં લખે છે, "મહમૂદ આસ્થાની વ્યક્તિ ઓછી અને યોદ્ધા વધુ હતો અને તેણે અન્ય અનેક વિજેતાઓની જેમ પોતાનાં આક્રમણો માટે ધર્મના નામનો ઉપયોગ અને દુરુપયોગ કર્યો."
"ભારત તેના માટે એ સ્થાનમાત્ર હતું, જ્યાંથી એ પોતાના દેશ માટે ધન અને સામગ્રી લૂંટી શકતો હતો. તેણે ભારતમાં એક સૈન્ય સંગઠિત કર્યું અને તેને પોતાના એક પ્રસિદ્ધ સેનાપતિ તિલકની આધીન રાખ્યું, જે ભારતીય અને હિંદુ હતો."
સોમનાથ ખરેખર "એક કહાણી" નથી, બલકે "ઘણા અવાજો" છે - સંસ્કૃત શિલાલેખ, ફારસી ક્રૉનિકલ, જૈન ગ્રંથ, સામ્રાજ્યવાદી દસ્તાવેજ અને આધુનિક રાષ્ટ્રવાદી આખ્યાન છે. આના માધ્યમથી દરેક યુગે સોમનાથને અલગ રીતે વાંચ્યું.
ઇતિહાસની ઍકેડેમિક ચર્ચાની સમાંતર હિંદી સાહિત્યે પણ સોમનાથને એક ભાવનાત્મક અને રાષ્ટ્રવાદી પ્રતીકમાં ઢાળ્યું.
આચાર્ય ચતુરસેનની 'સોમનાથ મહાલય' અને કનૈયાલાલ માણેકલાલ મુનશીની 'જય સોમનાથ', બંને નવકલથાઓએ સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્રતા બાદ ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરી.
'જય સોમનાથ'માં મુનશી સોમનાથને "રાષ્ટ્રીય આત્મસન્માન"ના પુનરુત્થાન તરીકે જુએ છે. આ એ જ દૃષ્ટિ છે, જેણે આઝાદી બાદ મંદિરનિર્માણના પ્રશ્નને સાંસ્કૃતિક પુનરુદ્ધાર સાથે જોડી દીધો.
બીજી તરફ, સોમનાથ મહાલય ઇતિહાસ અને કલ્પના વચ્ચે એક સેતુ બનાવે છે; જ્યાં વિધ્વંસ માત્ર પથ્થરોનો નહીં, સભ્યતાની ચેતનાનું પણ છે.
આ નવલકથાઓએ જનમાનસમાં સોમનાથને એક ભાવનાત્મક કથામાં બદલી દીધું; એવી કથા, જે બાદમાં રાજકીય ભાષાનો ભાગ બની.
પરંતુ આ મામલે સ્વામી દયાનંદ સરસ્વતીએ "સત્યાર્થપ્રકાશ"ના અગ્યારમા અધ્યાયમાં લખ્યું છે, "પૂજારીવાદ અને મૂર્તિપૂજાએ બધું નષ્ટ કર્યું. મહમૂદ ગઝનીનો વિરોધ કરવા તત્પર રાજા અને તેમનું સૈન્ય તૈયાર હતું, ત્યારે પૂજારીઓએ કહ્યું કે હાલ આઠમે ચંદ્ર છે અને આ આક્રમણ માટે હાલ મુહૂર્ત નથી."
દયાનંદ સરસ્વતીએ સોમનાથ લૂંટ માટે મહમૂદ કરતાં વધુ અંધવિશ્વાસોને જવાબદાર માન્યા છે. તેઓ હુમલાખોરોનો મુકાબલો કરવા માટે એ સમયે સૈન્ય કૌશલ્ય પર ધ્યાન આપવાને સ્થાને આ પ્રકારનાં મંદિરોમાં પૂજા કરવાની વાતને દેશના પતનનું કારણ ગણાવે છે.
જ્યારે સોમનાથ મંદિરનું પુનર્નનિર્માણ થયું
સોમનાથના પુનર્નિર્માણનો સૌથી નિર્ણાયક અધ્યાય ભારતની સ્વતંત્રતા બાદ લખાયો. ત્યારે ઇતિહાસ રાજકારણ સાથે સીધું અથડાયું.
ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરતના સ્થાનિક નેતાઓનું માનવું હતું કે સોમનાથનું પુનર્નિર્માણ સાંસ્કૃતિક આત્મવિશ્વાસની બહાલીનું પ્રતીક હશે.
તેનાથી ઊલટું, વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ મહાત્મા ગાંધીના મત મુજબ તેને એક ટ્રસ્ટના માધ્યમ વડે પૂર્ણ કરવાની વાતને સમર્થન આપ્યું. ત્યાં સુધી કોઈ વિવાદ નહોતો.
પરંતુ નહેરુના પત્રો અને આધિકારિક નોટ્સમાં વારંવાર એ વાતની ચિંતા જોવા મળે છે કે રાજ્યે ધાર્મિક પ્રતીકોથી અંતર જાળવવું જોઈએ; ખાસ કરીને ત્યારે, જ્યારે દેશ વિભાજનની હિંસાથી હજુ બહાર આવી રહ્યો હોય.
ઇતિહાસકારો અને અભિલેખો અનુસાર, નહેરુએ સાર્વજનિક ધન અને સરકારી પ્રતીકોના ઉપયોગ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. તેમનો તર્ક હતો કે ભારત એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે અને આવી સ્થિતિમાં રાજ્ય-પ્રાયોજિત મંદિરનિર્માણ એક ખતરનાક ઉદાહરણ બની શકે છે. એ બાદ આવે છે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનું પ્રસંગ.
1951માં સોમનાથ મંદિરના ઉદ્ઘટાનમાં રાજેન્દ્રપ્રસાદની હાજરીએ આ ઘર્ષણને જાહેર કરી દીધું. નહેરુએ સ્પષ્ટપણે રાષ્ટ્રપતિ તરીકે તેમની હાજરી અંગે આપત્તિ વ્યક્ત કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ આને વ્યક્તિગત આસ્થા અને સાંસ્કૃતિક ઉત્તરાધિકારનો પ્રશ્ન ગણ્યો.
આ ઘર્ષણ નહેરુની ધર્મનિરપેક્ષ ચિંતા વિરુદ્ધ પટેલ અને રાજેન્દ્રપ્રસાદની સાંસ્કૃતિક પુનર્સ્થાપના એટલે કે ભારતના બંધારણીય ઇતિહાસનો એક મૌન અધ્યાય બની ગયો.
આજે જ્યારે આ પ્રસંગ ફરી એક વાર સામે આવ્યો છે ત્યારે ઘણી વાર એક પક્ષને "રાષ્ટ્રવાદી" અને બીજાને "વિરોધી" તરીકે સરળીકૃત કરી દેવાય છે. ઇતિહાસ, જોકે, આ પ્રકારના વિભાજનની પરવાનગી નથી આપતો.
બ્રિટિશ ઇતિહાસકારોએ શું લખ્યું?
બ્રિટિશ સત્તાએ સોમનાથ અંગે એક ખાસ ભાષા ઘડી છે. અમેરિકન ઇતિહાસકાર રિચર્ડ એમ ઈટનનો તર્ક છે કે સોમનાથ અને મહમૂદની "દુષ્ટ" છબિને જે તીવ્રતાથી ઘડવામાં આવી, એ સામ્રાજ્યવાદી રાજકારણની દેણ છે.
ઈટન અનુસાર, 1842માં બ્રિટિશ ગવર્નર-જનરલ લૉર્ડ એલનબરોએ "ગેટ્સ ઑફ સોમનાથ"ની કહાણી રજૂ કરી, જેમાં ગઝનીથી કહેવાતા સોમનાથ મંદિરનાં દ્વાર ભારત લાવીને "800 વર્ષના અપમાન"નો બદલો લીધાની વાત કહેવાઈ.
આ એ ક્ષણ હતી, જ્યારે સોમનાથને ભારતના "રાષ્ટ્રીય અપમાન" અને મહમૂદને "સભ્યતાઓના શત્રુ" તરીકે બતાવવામાં આવ્યાં.
ઈટન અનુસાર, "આ કોડિંગ એટલી શક્તિશાળી હતી કે બાદમાં ભારતીય અને પાકિસ્તાન રાષ્ટ્ર-રાજકારણ-બંનેએ તેને પોતપોતાના હિસાબે અપનાવી."
ઈસવીસન 1026માં મહમૂદ ગઝની તેને પોતાની સાથે લઈ ગયો હતો, ન માત્ર પથ્થર અને લાકડાં સ્વરૂપે, બલકે એક સભ્યતાની અપમાનિત પ્રતિધ્વનિ તરીકે, આઠ સદી બાદ 1842માં અફઘાન યુદ્ધમાં વિજય બાદ બ્રિટિશ સૈન્ય એ દ્વાર ભારત પાછાં લાવ્યું.
ગવર્નર-જનરલ લૉર્ડ એલનબરોએ આ વાપસીને લગભગ નાટકીય ભાવુકતા સાથે પ્રસ્તુત કરી અને આ જ કારણે તેમને લંડનમાં ઠપકો પણ અપાયો.
થૉમસ મેકોલેનું 9 માર્ચ, 1843નું એ ભાષણ ("સ્પીચીઝ બાય લૉર્ડ મેકોલે: જીએમ યંગ"), જેમાં હિંદુ પરંપરા એક અસુવિધાજનક લોકકથા હતી અને ઇસ્લામ એક દૂરનો, પરંતુ પરિચિત સંબંધી.
"સોમનાથ ગેટની વાપસી" આવી રીતે માત્ર એક દ્વારની જ નહીં, એ સામ્રાજ્યવાદી માનસિકતાની કથા બની જાય છે, જે નક્કી કરવા માગતી હતી કે સ્મૃતિને ક્યાં રાખવામાં આવે - સંગ્રહાલયમાં કે વિસ્મૃતિમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન