You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારા પુત્રને આંખે પાટા બાંધીને પોલીસે માર માર્યો', દલિત યુવાનનું કથિત રીતે કસ્ટડીમાં મોત, બે મહિનાથી મૃતદેહ નથી સ્વીકાર્યો
- લેેખક, શેરિલાન મોલન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
- લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
- પદ, બીબીસી તામિલ, ચેન્નાઈ
- વાંચવાનો સમય: 6 મિનિટ
8મી માર્ચે દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યની એક હૉસ્પિટલમાં 26 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. એવો આરોપ છે કે તેનું મૃત્યુ કથિત રીતે પોલીસ કસ્ટડીમાં થયેલી ઈજાઓને કારણે થયું હતું.
લગભગ બે મહિના પછી પણ તેનો મૃતદેહ હજીયે હૉસ્પિટલના શબઘરમાં જ છે. તેનાં માતાપિતાનું કહેવું છે કે તેઓ ત્યારે જ શબ સ્વીકારશે, અને ત્યારે જ અંતિમ સંસ્કાર કરશે, જ્યારે તેમના પુત્રના મૃત્યુ માટે જવાબદાર પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવે.
તેમનો આરોપ છે કે આકાશ ડેલિસન અને તેના મિત્ર ગોપીની ફોજદારી કેસમાં ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા 'તેને ખૂબ ક્રૂર રીતે યાતના' આપવામાં આવી હતી.
આકાશનું મૃત્યુ તેની ધરપકડના બે દિવસ પછી થયું, જ્યારે ગોપી હજી પણ ન્યાયિક કસ્ટડીમાં છે. આકાશ અને તેનો પરિવાર એવા દલિત સમુદાયના માણસો છે, જે કઠોર જાતિવ્યવસ્થાના સૌથી નીચેના તળિયે આવે છે.
પોલીસે આ આરોપને નકારી કાઢ્યો છે, અને એમ કહ્યું છે કે પોલીસથી ભાગતી વખતે તે પુલ પરથી કૂદવા જતા પુલ પરથી નીચે પડવાથી ઈજાગ્રસ્ત થયો હતો.
વ્યાપક વિરોધ બાદ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તામિલનાડુ સરકારે આ મામલે રાજ્યની ટોચની ગુના વિરોધી એજન્સીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
પોલીસ કસ્ટડીમાં આરોપીઓ પર અત્યાચાર
આકાશના કથિત કસ્ટડી મૃત્યુએ હેડલાઇન્સ બનાવી છે, કારણ કે આ વર્ષે તામિલનાડુમાં આ પ્રકારનો ત્રીજો કેસ નોંધાયો છે.
ફેબ્રુઆરીમાં, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જણાવ્યું હતું કે શિવગંગા જિલ્લાના એક મંદિરમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા 27 વર્ષીય અજિતકુમારનું મૃત્યુ 'પોલીસના અતિરેક'ને કારણે થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે અજિતકુમારને જૂન 2025માં લૂંટના એક કેસમાં અટકાયતમાં લીધો હતો. બાદમાં એ કેસ 'ખોટી ફરિયાદ' પર આધારિત હોવાનું CBIએ જણાવ્યું હતું, અને પોલીસે કસ્ટડીમાં લીધાના એક દિવસ બાદ જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
આ મહિનાની શરૂઆતમાં મદુરાઈની એક ખાસ કોર્ટે 2020માં તામિલનાડુમાં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલા મૃત્યુ માટે નવ પોલીસ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી જેના કારણે વ્યાપક આક્રોશ અને વિરોધ થયો હતો.
આ પ્રકારના કિસ્સાઓ ફક્ત તામિલનાડુમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પોલીસ અને સુરક્ષા સેવાઓ દ્વારા કસ્ટડીમાં થતી હત્યાના વ્યાપક સ્વરૂપને રેખાંકિત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 2025 અને 2026 દરમિયાન (15 માર્ચ સુધી) કસ્ટડીમાં થયેલા મૃત્યુના 170 કેસ નોંધાયા હતા.
ઉત્તરીય રાજ્ય બિહારમાં સૌથી વધુ 19 કેસ નોંધાયા, ત્યાર બાદ પશ્ચિમી રાજ્ય રાજસ્થાનમાં 18 કેસ અને ઉત્તર પ્રદેશમાં 15 કેસ નોંધાયા છે.
કેટલાંક રાજ્યોમાં શંકાસ્પદ ઍન્કાઉન્ટરની પ્રથા
ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતમાં થતી આવી ગેરકાનૂની હત્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન અગેઇન્સ્ટ ટૉર્ચર (World Organisation Against Torture) દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટા-આધારિત ટૂલ ગ્લોબલ ટૉર્ચર ઇન્ડેક્સ (Global Torture Index) દ્વારા 2026માં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં ભારતને પોલીસ અને સુરક્ષા દળો દ્વારા અપાતી યાતના તથા દુર્વ્યવહાર માટે 'ઉચ્ચ જોખમ' ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
આ યાદીમાં પાકિસ્તાન, નાઇજીરિયા, કૉલંબિયા અને મૅક્સિકો જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, "[ભારતમાં] ગંભીર મારપીટ, બળજબરીથી કબૂલાત અને કસ્ટોડિયલ મૃત્યુ સાથે સંકળાયેલી ઘટનાઓ વારંવાર બને છે, ખાસ કરીને દલિત, આદિવાસી (આદિવાસી જૂથો), મુસ્લિમો, LGBTQIA+ વ્યક્તિઓ અને સ્થળાંતરિત મજૂરો જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પર નિશાન સાધવામાં આવે છે."
ફેબ્રુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના નિષ્ણાતોએ ભારત સરકારને "સેંકડો ગેરકાયદેસરની હત્યાઓ અને યાતના સંબંધિત મૃત્યુના ચિંતાજનક આરોપો"ની સ્વતંત્ર તપાસ શરૂ કરવા વિનંતી કરી છે.
તેમના પત્રમાં ઉત્તર પ્રદેશ અને આસામ જેવાં રાજ્યોમાં વારંવાર નોંધાતા "ઍન્કાઉન્ટર" અને "અર્ધ-ઍન્કાઉન્ટર"ની પ્રથા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે આના લીધે ગેરકાયદેસરની હિંસા સામાન્ય બની જવાનું જોખમ ઊભું થવાની શક્યતા છે.
"ઍન્કાઉન્ટર" એક એવો શબ્દ છે, જેનો ઉપયોગ પોલીસ અને મીડિયા દ્વારા પોલીસ અને ગુનેગારો વચ્ચેના મુકાબલાને વર્ણવવા માટે થાય છે, જેમાં ગુનેગારનું મૃત્યુ થાય છે. આવા મુકાબલામાં જ્યારે ગુનેગાર ઈજાગ્રત થાય ત્યારે તેને "હાફ ઍન્કાઉન્ટર" કહેવામાં આવે છે.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું બહાર આવ્યું?
ભારતમાં કસ્ટડીમાં થતાં મૃત્યુના કિસ્સાઓ વારંવાર નોંધાય છે.
જોકે, અધિકારો માટે લડતા કાર્યકરોનો આરોપ છે કે પોલીસ ઘણી વાર આવા મુકાબલાઓને જાણી જોઈને અંજામ આપે છે, જેથી કથિત ગુનેગારોને તપાસ અને કોર્ટ ટ્રાયલની લાંબી તથા ગૂંચવાડાભરી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા વિના જ ખતમ કરી શકાય.
યાતના અને અન્ય ક્રૂર અમાનવીય કે અપમાનજનક વર્તન અથવા સજા પર યુએનના ખાસ સંવાદદાતા ઍલિસ ઍડવર્ડ્સે બીબીસીને જણાવ્યું હતું કે ભારત સરકારે પત્રનો જવાબ આપ્યો નથી અને આમ કરવા માટે નિશ્ચિત 60 દિવસની સમયમર્યાદા પસાર થઈ ગઈ છે.
બીબીસીએ આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ માટે પત્ર લખ્યો છે.
આકાશના મૃત્યુના થોડા કલાકો પહેલાં હૉસ્પિટલમાં તેની મુલાકાત લેનાર તેમનાં માતા આનંદીએ બીબીસીને જણાવ્યું હતું કે તેમના પુત્રની આંખે પાટા બાંધીને પોલીસ અધિકારીઓ દ્વારા ક્રૂર રીતે મારઝૂડ કરવામાં આવી હતી.
આકાશના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં બે ડઝનથી વધુ બાહ્ય અને આંતરિક ઈજાઓનો ઉલ્લેખ છે. જેમાં તેના જમણા પગનાં હાડકાં તૂટી જવાં, મગજમાં રક્તસ્ત્રાવ થવો અને હૃદય તથા ફેફસાંમાં સોજો આવવા જેવી ઈજાઓનો સમાવેશ થાય છે.
આકાશના પિતા રાજેશે બીબીસીને જણાવ્યું કે, "જ્યારે મારી પત્ની આકાશને મળીને ઘરે આવી ત્યારે તે બેકાબૂ થઈને રડી રહી હતી અને કહેતી હતી કે તેને આકાશના જીવનો ડર છે."
તેમણે ઉમેર્યું કે તેમનો પરિવાર હજુ પણ તેમના પુત્રના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
"આકાશ વકીલ બનવા માંગતો હતો જેથી તે અમારા સમુદાયને મદદ કરી શકે. તે મારી દુકાન ચલાવવામાં પણ મને મદદ કરતો હતો. તેમણે [પોલીસે] ભવિષ્ય માટે મોટાં સપનાં જોતા એક સક્રિય યુવાનનું જીવન બરબાદ કરી નાખ્યું," રાજેશે કહ્યું.
આનંદી અને રાજેશ કહે છે કે તેમના પુત્રના અંતિમ સંસ્કાર ન કરી શકવા તેમના માટે અત્યંત દુઃખદાયક છે, પરંતુ તેઓ આ દુઃખ એટલા માટે સહન કરી રહ્યા છે જેથી તેમના દીકરાને ન્યાય મળે. રાજ્યનાં અનેક દલિત સંગઠનોએ આકાશના કથિત કસ્ટોડિયલ મૃત્યુની આકરી ટીકા કરી છે અને શોકગ્રસ્ત પરિવારને સમર્થન આપ્યું છે.
બીબીસીએ તામિલનાડુના ગૃહ સચિવ અને રાજ્યના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને આનંદી તથા રાજેશ દ્વારા તેમના પુત્રના મૃત્યુ પર લગાડવામાં આવેલા આરોપો અંગે અને જવાબદાર પોલીસકર્મીઓની ધરપકડ કરવાની તેમની માંગણી બાબતે જવાબ માંગ્યો છે.
કસ્ટોડિયલ અત્યાચાર રોકવો કેમ મુશ્કેલ?
વકીલો અને માનવાધિકાર કાર્યકરો કહે છે કે વ્યક્તિગત કેસોમાં પોલીસ કર્મચારીઓને જવાબદાર ઠેરવવા ખૂબ જ જરૂરી છે, પરંતુ ઊંડા સ્તરે સુધારા કર્યા વિના દેશમાં કસ્ટોડિયલ યાતના અને મૃત્યુનો અંત આવશે નહીં.
તેઓ દલીલ કરે છે કે ભારતનું બંધારણ અને ફોજદારી કાયદાઓ કસ્ટોડિયલ દુર્વ્યવહાર સામે રક્ષણ પૂરું પાડે છે, પરંતુ તેનું અમલીકરણ ખૂબ જ નબળું અને અસંગત છે.
કાનૂની સલાહકાર અનુપમા અરિગાલા કહે છે કે પોલીસ, મૅજિસ્ટ્રેટ અને ફરિયાદીઓએ ફક્ત ધરપકડ કરવા અથવા દોષિત ઠેરવવા કરતાં બંધારણીય સિદ્ધાંતોને પ્રાથમિકતા આપવી જોઈએ.
અનુપમા અરિગાલાએ આગળ જણાવ્યું કે, "આ ત્રણેય પક્ષોએ ધ્યાનથી વિશ્લેષણ કરવું જોઈએ કે શું ખરેખર પોલીસ કે ન્યાયિક કસ્ટડીની જરૂર છે, કે આરોપી જામીન પર બહાર રહીને પણ તપાસમાં સહકાર આપે તો કેસ વધુ સારી રીતે ચલાવી શકાય તેમ છે."
તેમણે આગળ ઉમેર્યું કે જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે મૅજિસ્ટ્રેટે યાતના અથવા બળજબરીથી કબૂલાત કરવાના સંકેતો માટે પણ સતર્ક રહેવું જોઈએ.
પરંતુ તેઓ જણાવે છે, ભારે કેસનો ભાર, સ્ટાફની અછત અને નબળી કાયદાકીય સહાય જેવી સમસ્યાઓને કારણે વ્યવસ્થામાં મોટા પાયે ફેરફાર લાવવો મુશ્કેલ બને છે.
ફેબ્રુઆરીમાં લખાયેલા પત્રમાં યુએનના નિષ્ણાતોએ ભારતને યાતના વિરોધી સંમેલન (Convention Against Torture)ને મંજૂરી આપવાનો આગ્રહ પણ કર્યો હતો. તેની માટે એક એવા કાયદાની જરૂર પડશે કે જે યાતનાને સ્પષ્ટ રીતે અપરાધ ગણે. ભારતમાં અત્યારે આવા કાયદાનો અભાવ છે.
કાર્યકર્તાઓ કહે છે કે આવો કાયદો રાતોરાત કસ્ટોડિયલ અત્યાચારનો અંત નહીં લાવે, પરંતુ તે સમસ્યાની સત્તાવાર માન્યતાનો સંકેત આપશે અને સંસ્થાગત પરિવર્તનને વેગ આપશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન