You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુસ્તી મહાસંઘ સાથે તકરાર વચ્ચે વીનેશ ફોગાટે કહ્યું - 'તેઓ ઇચ્છે છે, હું સંન્યાસ લઈ લઉં'
કુસ્તીબાજ વીનેશ ફોગાટ ગત સોમવારે ઉત્તર પ્રદેશના ગોંડા પહોંચ્યાં હતાં અને ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધિકારીઓ સાથે ત્યાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી માગી હતી.
અધિકારીઓ સાથે વાત કર્યાં પછી વીનેશ ફોગાટે કહ્યું હતું કે, તેમને 'શો કોઝ નોટિસ'નો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, પણ વિનેશે તે માટે સમય માગવા છતાં, તેમને સમય અપાયો નહોતો.
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ભારતીય કુસ્તી મહાસંઘ)એ શનિવારે વિનેશ ફોગાટને કારણ-દર્શક નોટિસ ફટકારીને તેમના પર ગેરશિસ્ત તથા ઍન્ટિ-ડોપિંગ નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સોમવારે ફોગાટે એવો આક્ષેપ કર્યો હતો કે, 'તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે, કે જેથી હું થાકી-હારીને કહું કે, મારે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવી છે.'
ડબલ્યૂએફઆઇના પ્રમુખ સંજયસિંહે કહ્યું હતું કે, ફોગાટ તેમને મળ્યાં હતાં, પણ જ્યાં સુધી તેઓ કારણ-દર્શક નોટિસનો જવાબ નહીં આપે, ત્યાં સુધી તેઓ કોઈપણ સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે.
સંજયસિંહે જણાવ્યું હતું, "તેઓ તેમને રમવા દેવાની પરવાનગી આપવામાં આવે, એવી વિનંતી લઈને આવ્યાં હતાં, પણ તેમને અગાઉથી જ કારણ-દર્શક નોટિસ આપવામાં આવેલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી તેનો જવાબ નહીં અપાય, ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ છે."
"તેમણે કહ્યું હતું કે, વાડા (WADA) પ્રમાણે બધું બરાબર છે. તેમણે કોઈ દસ્તાવેજ બતાવ્યા ન હતા. અમે કહ્યું હતું કે, તમે જ્યાં સુધી ખુલાસો નહીં કરો, ત્યાં સુધી તમે અહીં કુસ્તી રમી શકશો નહીં અને અમારી શિસ્ત સમિતિ તે વિશે નિર્ણય લેશે."
ભારતીય કુસ્તી મહાસંઘે એ સ્પષ્ટ કરી દીધું હતું કે, જ્યાં સુધી શિસ્તને લગતી કાર્યવાહી સંપન્ન નહીં થાય, ત્યાં સુધી વીનેશ ફોગાટને નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી શકાશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે ગોંડા જવા માટે રવાના થતાં પહેલાં વીનેશ અયોધ્યા પહોંચ્યાં હતાં અને ત્યાં કહ્યું હતું કે, તેઓ ગોંડામાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને તેઓ 'નિવૃત્ત નહીં થાય'.
ડબલ્યૂએફઆઇએ ઍન્ટિ-ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિમાંથી પરત ફરનારા ખેલાડીઓ માટે ફરજિયાત છ મહિનાના નોટિસ પિરિયડને આગળ ધરીને વીનેશને 26મી જૂન, 2026 સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરી દેતાં નવો વિવાદ છેડાયો હતો.
ગોંડામાં શું થયું, વીનેશે શું કહ્યું?
ભારતીય કુસ્તી મહાસંઘ તેમજ ડબલ્યૂએફઆઇના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામેનાં આંદોલનનો ચહેરો બનેલાં વીનેશ હવે તે જ બ્રિજભૂષણ સાથે જોડાયેલી કૉલેજમાં યોજાયેલી કુસ્તી હરીફાઈમાં ભાગ લેવાની માગણી કરી રહ્યાં છે.
સોમવારે ગોંડા પહોંચ્યા પછી તેમણે પત્રકારોને સંબોધ્યાં હતાં અને કહ્યું હતું, "તેઓ રાજકીય દૃષ્ટિએ સાચા ઠરવાની કોશિશ કરી રહ્યા છે કે, અમે સાચા છીએ અને પહેલાં તમે અમને 14 દિવસ અંગે જવાબ આપો. મેં કહ્યું કે, અત્યારે તેનો સમય નથી, તમે સમજો."
"હું 14 દિવસની અંદર મારો જવાબ આપીશ, પણ તે પહેલાં જ તમે મને દોષિત કેવી રીતે ધારી શકો? તમારી પાસે કોઈ સાબિતી નથી, પણ મારી પાસે છે. પણ તેમણે તે જોવાનો પણ ઇન્કાર કરી દીધો."
ફોગાટે કહ્યું હતું, "તેમણે કહ્યું કે, પહેલાં નોટિસનો જવાબ આપો, તે પછી સમિતિ બેસશે અને ત્યાર બાદ અમે જોઈશું. આથી, મેં કહ્યું કે, તમારે સીધે-સીધું કહી દેવું જોઈએ કે, તમે નથી ઇચ્છતા કે હું રમું."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમણે ડબલ્યૂએફઆઇના પ્રમુખ સાથે શું ચર્ચા કરી, ત્યારે ફોગાટે પત્રકારોને જવાબ આપ્યો હતો, "તેઓ ઈચ્છે છે કે, હું કુસ્તી છોડી દઉં અને નિવૃત્તિ લઈ લઉં, જેથી હું હાર સ્વીકારી લઉં અને તેમનાં કાવતરાં સફળ થાય. તેઓ મને રમાડવા નથી ઇચ્છતા."
તે પછી વીનેશે ઍક્સ ઉપર લખ્યું હતું, "આઇટીએએ મને પહેલી જાન્યુઆરી, 2026થી સ્પર્ધામાં ઉતરવાની લેખિત પરવાનગી આપી છે. તે ઉપરાંત મને ગોંડાના નંદિની નગરમાં યોજાનારી 2026ની સિનીયર ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાની પરવાનગી પણ મળી છે."
"આજે હું સ્પર્ધામાં ભાગ લેવા માટે ગોંડા પહોંચી, પણ મને વેરિફિકેશન પૂરું કરવા ન દેવાયું કે અહીંના ટ્રેનિંગ હૉલનો ઉપયોગ કરવાની પણ મંજૂરી ન મળી. મારે કોઈ વિશેષ સુવિધાઓ નથી જોઈતી, હું બસ યોગ્યતાના આધાર ઉપર સ્પર્ધા કરવા માગું છું."
ઉપરોક્ત પોસ્ટની સાથે તેમણે આઇટીએનો પત્ર પણ દર્શાવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમને પહેલી જાન્યુઆરી, 2026થી રમવાની છૂટ આપવામાં આવશે.
શનિવારે જારી કરવામાં આવેલી કારણ-દર્શક નોટિસ વિશે ફોગાટે કહ્યું હતું, "નોટિસનો જવાબ આપવા માટે મારે સમય જોઈએ છે. હું જવાબ આપું તે પહેલાં જ તમે મને દોષિત શી રીતે માની શકો? નોટિસમાં 14 દિવસની અંદર જવાબ આપવા કહેવાયું છે. મને ત્યાં સુધી રોકી ન રાખશો."
"જો તે પછી તમને જવાબ ન મળે, તો તમે આગામી કાર્યવાહી વિશે વિચારજો. અમે આપણા અધિકાર ક્ષેત્રની અંદર રહીને જે પગલાં ભરવાનાં હોય, તે ભરીશું, પણ તેઓ એ વાત ઉપર મક્કમ છે કે, નોટિસનો વિસ્તારપૂર્વક જવાબ આપવામાં આવે."
તેમની સામેના આક્ષેપોને લઈને ફોગાટે કહ્યું હતું, "જો મેં કોઈ નિયમનો ભંગ કર્યો હોત, તો નાડા ઇન્ડિયાએ મને નોટિસ આપી હોત કે વાડાએ પણ મારી સામે પગલાં ભર્યાં હોત. માતા બન્યાં પછી અને વિધાનસભાના સત્ર દરમિયાન, હું એક વેરઅબાઉટ ચૂકી ગઈ હતી. હું ભૂલી ગઈ હતી."
"તે બદલ મેં વાડા સમક્ષ માફી પણ માગી હતી. તેમણે મને ક્લિન ચીટ આપી હતી. વાડાએ કહ્યું હતું કે, તમે પહેલી જાન્યુઆરી, 2026થી કોઈપણ કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ શકો છો."
નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા) ભારતની રાષ્ટ્રીય સંસ્થા છે, જે રમત-ગમતમાં પ્રતિબંધિત પદાર્થો (ડોપિંગ)ના ઉપયોગને અટકાવવાનું કામ કરે છે. જ્યારે વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (વાડા) એ વિશ્વભરમાં ડોપિંગ-મુક્ત રમત-ગમતને વેગ આપતું આંતરરાષ્ટ્રીય સંગઠન છે.
15 પાનાંની કારણ જણાવો નોટિસ
ભારતીય કુસ્તી મહાસંઘે શનિવારે વીનેશ ફોગાટને કારણ-દર્શક નોટિસ જારી કરીને તેમને 26મી જૂન, 2026 સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કર્યાં હતાં.
ફેડરેશને કહ્યું હતું કે, ફોગાટે નિવૃત્તિ પછી પરત ફરનારાં ખેલાડીઓ માટે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યૂડબલ્યૂ)ના ઍન્ટિ-ડોપિંગ નિયમો હેઠળ ફરજિયાત છ મહિનાનો નોટિસ પિરિયડ પૂરો કર્યો નહોતો.
15 પાનાની નોટિસમાં ડબલ્યૂએફઆઇએ કહ્યું હતું કે, પૅરિસમાં વીનેશની વર્તણૂંકથી "ભારતીય કુસ્તીની પ્રતિષ્ઠાને કાયમી નુકસાન પહોંચ્યું હતું" અને તેમણે ડબલ્યૂએફઆઇ બંધારણ, યુડબલ્યૂડબલ્યૂ ઇન્ટરનૅશનલ રેસલિંગના નિયમો તથા ઍન્ટિ-ડોપિંગ નિયમોની જોગવાઈઓનો ભંગ કર્યો હતો.
ફેડરેશન કહે છે કે, 2024ની પૅરિસ ઑલિમ્પિક્સ પછી વીનેશે ઇન્ટરનૅશનલ ટેસ્ટિંગ એજન્સી (આઇટીએ)ને તેમની નિવૃત્તિ વિશે સત્તાવાર રીતે જાણ કરી હતી.
પૅરિસ ઑલિમ્પિક્સ મહિલાઓની 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધાના સુવર્ણ ચંદ્રક મુકાબલા પહેલાં ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હતાં.
છેલ્લા કેટલાક દિવસોથી બંને પક્ષો સતત એકબીજા ઉપર આરોપો લગાવી રહ્યા છે. વીનેશે ડબલ્યૂએફઆઇ ઉપર ગોંડા સ્પર્ધામાં પોતાનો પ્રવેશ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો.
વીનેશ ફોગાટે આ નોટિસને લઈને સોમવારે એક નિવેદન પણ જારી કર્યું હતું અને કહ્યું હતું કે, તેઓ નિયત સમય મર્યાદાની અંદર તેનો જવાબ આપશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન