સોના અને ચાંદીના ભાવ સતત ઘટવાનાં ચાર કારણો, હજુ કેટલો ઘટાડો આવશે?

પાંચ કારણોથી સમજો સોના અને ચાંદીના ભાવ કેમ સતત ઘટી રહ્યા છે? આગળ શું થશે?
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સોના અને ચાંદીના ભાવ જાન્યુઆરીના અંતે ટોચ પર પહોંચી ગયા પછી 10 મહિનામાં ચિત્ર એકદમ બદલાઈ ગયું છે. બંને મેટલના ભાવ સતત ઘટતા જાય છે અને તેમાં પણ સોનાનો ભાવ લગભગ 14 મહિનાના તળિયે પહોંચી ગયો છે.

ઑલ ઇન્ડિયા સરાફા ઍસોસિયેશનના આંકડા મુજબ ભારતમાં 29 જાન્યુઆરી 2026ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 1.83 લાખ રૂપિયા સુધી પહોંચ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 4.04 લાખ રૂપિયા સુધી ગયો હતો તેમ દર્શાવે છે.

તેની સાથે હાલના ભાવની તુલના કરવામાં આવે તો અમદાવાદમાં સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,29,500 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 1.55 લાખ રૂપિયા ચાલતો હતો. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું ટોચ પરથી 35 ટકા અને ચાંદી 65 ટકા જેટલી ઘટી ગઈ છે.

અહીં એ જાણવાનો પ્રયાસ કરીએ કે સોનું અને ચાંદી ટોચ પરથી આટલા બધા કેમ ઘટ્યા અને બીજી કઈ ધાતુમાં આવો ઘટાડો જોવા મળ્યો છે.

યુએસ ફેડ રેટ વધારશે

સોના અને ચાંદીના ભાવ સતત કેમ ઘટી રહ્યા છે તેના કારણો જાણો? હજુ કેટલો ઘટાડો આવશે?
ઇમેજ કૅપ્શન, કૉમોડિટી રિસર્ચ ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે યુએસ ફેડ રેટ વધારે તેવી શક્યતા હોવાથી સોના અને ચાંદીમાં ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં 29 જાન્યુઆરીએ એક ઔંસ સોનાનો ભાવ 5595 ડૉલરની ટોચ પર પહોંચ્યો ત્યારે તેમાં ટોચ બની હતી. ખાસ કરીને ભારતમાં ચાંદીએ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલોની સપાટી વટાવી તેનાથી સૌને આશ્ચર્ય થયું હતું, પરંતુ હાલમાં ચાંદીનો ભાવ દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલોથી થોડો વધારે છે. જ્યારે સોનાનો ભાવ 3620 ડૉલર પ્રતિ ઔંસ નજીક છે.

એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ આ અંગે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "યુએસ સેન્ટ્રલ બેન્ક દ્વારા ભવિષ્યમાં રેટ વધવાની શક્યતા વધી છે. તેના કારણે મોટા ફંડ્સ દ્વારા યુએસ ટ્રેઝરી અને યુએસ ડૉલરમાં રોકાણ વધ્યું છે."

તેઓ કહે છે કે, "ડિસેમ્બર 2026માં ફેડ દ્વારા અમેરિકામાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદર વધારવામાં આવી શકે છે. ત્યાર પછી પણ રેટમાં એક વધારો આવવાની શક્યતા છે. તેના કારણે સોનું અને ચાંદી જેવી નોન-યીલ્ડિંગ (વ્યાજ ન આપતી) એસેટ્સ રોકાણકારો માટે ઓછી આકર્ષક બની જાય છે. તેના બદલે વ્યાજ આપી શકે તેવી એસેટનું આકર્ષણ વધે છે."

તેમણે જણાવ્યું કે, "આ ઉપરાંત સોનામાં ઔંસ દીઠ 3900થી 4000 ડૉલરનો એક સપોર્ટ ભાવ હતો તે તૂટવાના કારણે સટોડિયાઓ દ્વારા ભારે વેચવાલી શરૂ થઈ છે."

ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં આંચકો

સોના અને ચાંદીના ભાવ સતત કેમ ઘટી રહ્યા છે તેના કારણો જાણો? હજુ કેટલો ઘટાડો આવશે?
ઇમેજ કૅપ્શન, મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો લાગ્યા પછી અમેરિકામાં આર્થિક સમીકરણો બદલાઈ ગયા છે.

આ વર્ષમાં એવી કેટલીક ઘટનાઓ બની છે જેણે સોના અને ચાંદીના ભાવને આંચકો આપ્યો છે જેમાં અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષનો પરાજય અને એનવીડિયાના શૅરોમાં જોવા મળેલો કડાકો મુખ્ય છે.

એનવીડિયામાં સીઈઓ જેન્સન હુઆંગના મામલે વિવાદ થયા પછી છેલ્લા એક મહિનામાં આ કંપનીનો શેર લગભગ 44 ટકા ઘટ્યો છે. તેની સાથે બીજી એઆઈ કંપનીઓના શૅરોમાં પણ ઘટાડો થયો છે.

કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે, "ઇક્વિટી બજારમાં એઆઈ શૅરોમાં જે કડાકો આવ્યો તેના કારણે માર્જિન કોલ આવવાથી યુએસ ડૉલર અને યુએસ ટ્રેઝરી સિવાય બધી એસેટ ક્લાસમાં ઘટાડો જોવા મળ્યો છે."

એનવીડિયાના શૅરમાં ભારે નુકસાન ગયા પછી રોકાણકારોએ પોતાના નુકસાનને સરભર કરવા સોનામાં પોતાનું રોકાણ હળવું કર્યું છે.

તેઓ કહે છે કે, "અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સના વિજય પછી અમેરિકામાં એઆઈ શૅરો અંગે આકર્ષણ એકદમ ઘટી ગયું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પણ નવા પગલાં માટે યુએસ સેનેટની મંજૂરી લેવી પડશે અને એઆઈને લગતા કાયદા પણ કડક બનશે. તેથી એઆઈ સેક્ટરમાં જે ગ્રોથ હતો તેને આંચકો લાગશે."

ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો

અત્યાર સુધી સોનાના ભાવ ઊંચા રહેવાના કારણે ભારતમાં સોનાની ખરીદી અને આયાત બંનેમાં ઘટાડો થયો હતો. પીટીઆઇના અહેવાલ પ્રમાણે ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (સીટીઆઈ)ના ચૅરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભારતમાં સોનાની આયાત 40 ટકા જેટલી ઘટી છે.

એપ્રિલથી ઑક્ટોબર 2025 દરમિયાન ભારતે 41.24 અબજ ડૉલરના સોનાની આયાત કરી હતી જ્યારે આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન સાત મહિનામાં આયાત ઘટીને 24.7 અબજ ડૉલર થઈ હતી. એટલે કે એક વર્ષમાં 16.46 અબજ ડૉલરની આયાત ઘટી છે.

કૉપરમાં પણ 20 ટકા ભાવ ગગડ્યા

સોના અને ચાંદીના ભાવ સતત કેમ ઘટી રહ્યા છે તેના કારણો જાણો? હજુ કેટલો ઘટાડો આવશે?
ઇમેજ કૅપ્શન, યુએસ ફેડના વડા કેવિન વૉર્શ ફુગાવાને અંકુશમાં રાખવા રેટ વધારવાની નીતિ ધરાવે છે.

સૌમિલ ગાંધીએ કહ્યું કે જાન્યુઆરીના અંતમાં અમેરિકામાં યુએસ ફેડના નવા ચૅરમેન તરીકે કેવિન વૉર્શનું નામ આવ્યું ત્યારે સોના અને ચાંદીમાં ટોચનો ભાવ બન્યો હતો. તે સમયે ગોલ્ડનો જે ભાવ હતો તેની સામે હવે ભાવ 35 ટકા ઘટી ગયો છે, જ્યારે ચાંદીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં 65 ટકાનો ઘટાડો થયો છે.

કૉપર અને સિલ્વર એ બંને ઇન્ડસ્ટ્રીયલ ધાતુઓ છે અને બંનેના ભાવ ઘટી રહ્યા છે. તેઓ માને છે કે ટ્રમ્પ સામે અડચણો વધવાથી આગામી દિવસોમાં ચિપ્સના મૅન્યુફેક્ચરિંગમાં પણ ઘટાડો થશે તેની અસર આ બે ધાતુઓ પર પડશે અને તેથી કૉપરના ભાવ પણ ઘટી ગયા છે. એક રીતે કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સમગ્ર થિમમાં કરેક્શન આવ્યું છે. કૉપર પણ તેની ટોચ પરથી 15થી 20 ટકા ઘટી ગયું છે.

ભારતીય ગ્રાહકો શું કરશે?

સોના અને ચાંદીના ભાવ સતત કેમ ઘટી રહ્યા છે તેના કારણો જાણો? હજુ કેટલો ઘટાડો આવશે?
ઇમેજ કૅપ્શન, સોનું સસ્તું થવાથી ભારતમાં લગ્નની સિઝનમાં લોકોને જ્વેલરી ખરીદવામાં રાહત રહેશે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોના અને ચાંદીના ભાવમાં આટલો ઘટાડો થયો છે ત્યારે ભારતીય ગ્રાહકોમાં કેવું વલણ છે? આ વિશે બજારના નિષ્ણાતો અલગ અલગ મત ધરાવે છે.

અમદાવાદ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રમુખ જિગર સોનીએ બીબીસીને જણાવ્યું કે આગામી દિવસોમાં ફેડના વ્યાજદર વધારવાની વાત ચાલે છે. જો 0.25 પૉઇન્ટ જેટલો રેટ વધે તો સોનાના ભાવમાં ચારથી પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

તેઓ કહે છે કે, ભારતીયો કોઈ પણ ભાવે સોનું ખરીદવા પ્રેરાય છે, પણ ભાવ બહુ ઊંચો હતો ત્યારે વૉલ્યુમ ઘટી જાય છે.

જિગર સોનીએ જણાવ્યું કે, થોડા સમય અગાઉ ભારતીય રૂપિયાનો ભાવ ડૉલરની સામે 97થી 98 સુધી ગગડી ગયો હતો, તે હાલમાં 92થી 93 પ્રતિ ડૉલરની આસપાસ ચાલે છે. એટલે કે રૂપિયાએ રિકવરી કહી છે. તેના કારણે પણ ભાવ ઘટ્યા છે. તેમના માનવા પ્રમાણે લોકોએ ટૂંકા ગાળા માટે ખરીદી કરવાનું ટાળવું જોઈએ, પણ લાંબા ગાળા માટે ખરીદી કરી શકાય.

ચાંદી વિશે તેમણે કહ્યું કે "દુનિયાભરના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચાંદીનો ઘણો સારો વપરાશ છે. ભારતમાં સોલર પેનલની ડિમાન્ડ વધવા સાથે ચાંદીનો વપરાશ વધશે."

"ચીને આ વર્ષે દેશની ચાંદી બહાર ન જાય તેવા પગલાં લીધા છે. હવે 2027માં જ ખબર પડશે કે ચીન ચાંદી પરનું નિયંત્રણ હટાવે છે કે નહીં."

સૌમિલ ગાંધીના માનવા પ્રમાણે આગામી લગ્નગાળાની સિઝનમાં ભારતીયો સોનાની જ્વેલરી ખરીદવા પ્રેરાઈ શકે છે. પરંતુ ગોલ્ડ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં ખરીદી નબળી જ રહેશે એવું લાગે છે.

સોના અને ચાંદીના ભાવ સતત કેમ ઘટી રહ્યા છે તેના કારણો જાણો? હજુ કેટલો ઘટાડો આવશે?
ઇમેજ કૅપ્શન, ભારતીયો સોનું મોંઘું હોય ત્યારે ઓછા કેરેટની જ્વેલરી ખરીદવાનું વલણ ધરાવે છે.

જ્યારે બુલિયન ઉદ્યોગ સાથે સંકળાયેલા હેમંત મહેતાએ જણાવ્યું કે, "સોના ચાંદીના ભાવનો આધાર ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએસ ફેડની ચાલ પર આધારિત રહેશે."

તેમને લાગે છે કે અમેરિકામાં વ્યાજદરમાં બહુ વધારો નહીં થાય. હાલમાં લગ્નસરાની સિઝનની ડિમાન્ડ રહેશે, પણ લોકો ઓછા વોલ્યુમમાં ખરીદી કરશે.

તેમણે એમ પણ કહ્યું કે, "સોના અને ચાંદીના ભાવ ઘટવા છતાં લોકો હજુ પણ વેઇટ ઍન્ડ વોચની નીતિ અપનાવે છે. અગાઉ તહેવારોની સિઝનમાં લોકો 22 કેરેટના દાગીના ખરીદતા હતા, તેના બદલે હવે 16 અને 18 કેરેટમાં ખરીદી જોવા મળી રહી છે."

ચાંદી વિશે તેમણે કહ્યું કે "લોકો સિલ્વર જ્વેલરી નહીં પણ સિક્કા અથવા બાર ખરીદતા હોય છે. ચાંદીમાં દાગીનો ખરીદો તો તમારે શુદ્ધ મેટલના ભાવે જ ખરીદવી પડે અને છ મહિના પછી તેનું વેચાણ કરો ત્યારે બજાર ભાવ કરતા બહુ ઓછો ભાવ મળે છે. તેથી ચાંદીની જ્વેલરી ખરીદવામાં બહુ નુકસાન છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન