You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું તો ઝાઝું ન ભણી શક્યો, પણ દીકરી દસમામાં 93% લાવી,' ગુજરાતનાં વિદ્યાર્થીઓની કહાણી જેમણે સંઘર્ષને સફળતામાં બદલી નાખ્યો
અમદાવાદનાં નિમિષા મોદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસએસસી એટલે કે દસમા ધોરણની પરીક્ષા 93 ટકા આવતાં તેઓ ખૂબ આનંદમાં હતાં. જોકે, નિમિષા કરતાંય તેમનાં માતાપિતા વધુ ખુશ હતાં.
"હું દસમાં ધોરણ સુધી માંડ ભણી શક્યો હતો. ઘરની સ્થિતિને લીધે આગળ ભણી શકાયું નહોતું. હવે મારી દીકરીને દસમા ધોરણમાં 93 ટકા આવ્યા છે. મારા જીવનમાં આટલી ખુશી મેં ક્યારેય અનુભવી નથી."
નિમિષાના પિતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમની ખુશીને કંઈક આ રીતે વ્યક્ત કરી હતી.
આટલું કહેતાં જ નિમિષાના પિતા અને માતા બંનેની આંખો છલકાઈ ગઈ હતી.
નિમિષાએ જણાવ્યું હતું કે, "મારે મમ્મી પપ્પાને ખુશીનાં આંસુએ રડાવવાં હતાં અને મારું એ સ્વપ્ન સાકાર થયું છે."
ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ બુધવારે છ મેના રોજ જાહેર થયું હતું, જેમાં આવી ઘણી લાગણસર અને પ્રેરણાદાયક કહાણીઓ સામે આવી છે.
નિમિષાનાં માતા રજનીબહેને કહ્યું હતું કે, "અમે નથી ભણી શક્યાં, પણ અમારી દીકરીએ સપનું સાકાર કર્યું છે, તેનો અમને ગર્વ છે."
નિમિષાના પપ્પાની અમદાવાદમાં ડિસ્પોઝેબલ ચીજવસ્તુઓની દુકાન છે. તેમણે જણાવ્યું હતું કે, "હું ભલે આર્થિક સંઘર્ષને લીધે પૂરતું ભણી શક્યો ન હતો, પણ મેં નક્કી કર્યું હતું કે હું આર્થિક રીતે ખેંચાઈને પણ મારી દીકરીને અભ્યાસમાં કોઈ ખોટ નહીં પડવા દઉં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બસ કંડક્ટરના પુત્રને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા
અમદાવાદમાં જ રહેતા વ્યોમ ભટ્ટને ધોરણ દસમાં 94 ટકા આવ્યા છે. જેમાં વિજ્ઞાનમાં તેમને 100માંથી 100 માર્ક્સ આવ્યા છે.
વ્યોમના પિતા મયૂરભાઈ ભટ્ટ એસટી (સ્ટેટ ટ્રાન્સપૉર્ટ) બસમાં કંડક્ટર છે.
બોર્ડની પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરી? એ સવાલના જવાબમાં વ્યોમે કહ્યું હતું કે, "પપ્પા મારું પ્રેરણાસ્થાન છે. તેમને મેં સવારે ચાર વાગ્યે ઊઠીને કામે વળગતાં અને મોડી રાતે કામેથી પાછા ફરતા જોયા છે. તેમને જોઈ જોઈને જ હું શીખ્યો કે તૈયારી કેવી રીતે કરવી. આજે મારા આટલા સારા માર્ક્સ આવ્યા છે તો તેનું શ્રેય પપ્પાને જાય છે."
મયૂરભાઈ ભટ્ટ કલોલ બસ ડેપોમાં અમદાવાદ – રાધનપુરના રૂટ પર એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "એક પિતા તરીકે એટલી જ ઇચ્છા છે કે વ્યોમ જીવનમાં આગળ વધે."
એવી જ કંઈક કહાણી અમદાવાદનાં વિધિ લોઢાની છે. તેમને દસમા ધોરણની પરીક્ષામાં 89.5 ટકા આવ્યા છે.
વિધિના પપ્પા અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.
વિધિએ કહ્યું હતું કે, "મમ્મી – પપ્પાએ તેમની પોતાની જરૂરિયાતો પર કાપ મૂકીને મારી અભ્યાસની તમામ જરૂરિયાતો પૂરી કરી છે. અમે લોકો એક રૂમ રસોડાના ઘરમાં રહીએ છીએ, છતાં મને ઘરમાં અભ્યાસ કરવામાં ક્યારેય કોઈ અડચણ આવી નહોતી. મારા ઘરની આસપાસમાં ઘોંઘાટ ખૂબ હોવાથી હું દિવસે ઓછું ભણતી અને શાંતિ હોવાથી રાત્રે જ વધારે અભ્યાસ કરતી હતી. હું રાત્રે લાઇટ ચાલુ કરીને ભણતી તો પણ મમ્મી – પપ્પાએ ક્યારેય મને લાઇટ બંધ કરવા માટે કહ્યું નહોતું."
અમદાવાદના જ પ્રિન્સ ગોસ્વામીને 94.5 ટકા આવ્યા છે. પ્રિન્સનાં મમ્મી ઘરે સિલાઇકામ કરે છે અને પપ્પા ગાર્મેન્ટ્સના વ્યવસાયમાં ઇસ્ત્રીકામ કરે છે.
પ્રિન્સે કહ્યું હતું કે, "મારા પપ્પાને કમરનો દુખાવો છે. તેમણે પટ્ટો બાંધીને કામ કરવું પડે છે. મને સારા માર્ક્સ આવ્યા છે. ધીમે ધીમે હું ઘરની જવાબદારી સંભાળી લઈશ. જેથી મમ્મી પપ્પાને કોઈ કામ ન કરવા પડે. મારા પરિવારે મને ભણાવવા માટે જે સંઘર્ષ કર્યો છે તે જોઈને જ મારી અંદર ચેતના જાગૃત થઈ હતી કે મારે ખૂબ મહેનત કરીને સારા માર્ક્સ મેળવવાના છે. તે મહેનત આજે લેખે લાગી છે. મારી એક જ ઝંખના છે કે હું મારાં મમ્મી – પપ્પા પાસેથી તેમનું કામ છોડાવું."
બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં દીકરીઓએ મારી બાજી
ધોરણ દસની પરીક્ષાનું કુલ પરિણામ 83.86 ટકા જાહેર કરાયું છે.
ગુજરાત બોર્ડ અનુસાર, રાજ્યના 87 ઝોનનાં 1006 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી.
કેન્દ્રના પરિણામની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રનું સૌથી વધુ, 100 ટકા પરિણામ આવ્યું છે. તો દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે.
જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા આવ્યું છે.
આ પરીક્ષામાં કુલ 7,69,993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,56,392 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 6,34,327 પરીક્ષાર્થીઓ સફળ થયા છે. બેઝિક મૅથ્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ધોરણ દસના છોકરાઓનું પરિણામ 80.12 ટકા અને છોકરીઓનું પરિણામ 88.28 ટકા આવ્યું છે. એટલે કે છોકરીઓએ પરીક્ષામાં મેદાન માર્યું છે.
જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેઓ આગામી જૂન-2026માં યોજાનારી પૂરક પરીક્ષા આપી શકશે.