You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને લઈને ઇસ્લામ શું કહે છે અને તે નિયમને સુપ્રીમ કોર્ટમાં કોણે પડકાર્યો છે?
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
કલમ 25 અને કલમ 26ના સંદર્ભમાં સાત સવાલો ઉપર સુપ્રીમ કોર્ટમાં અત્યારે એક મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે.
કલમ 25 ધાર્મિક સ્વાતંત્ર્ય તથા કલમ 26 આંતરિક ધાર્મિક વ્યવસ્થાપન વિશે છે.
આ સાત પ્રશ્નો દ્વારા અદાલત એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ધાર્મિક બાબતોમાં તે કેટલો હસ્તક્ષેપ કરી શકે છે.
આ પ્રશ્ન કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને ચાલતી સુનાવણી દરમિયાન સામે આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની નવ સભ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી થઈ રહી છે.
મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અંગેની અરજી યાસ્મિન ઝુબૈર પીરઝાદાએ દ્વારા દાખલ કરી હતી.
તેમાં મસ્જિદમાં મહિલાઓને પ્રથમ હરોળમાં નમાઝ પઢવાની છૂટ આપવા ઉપરાંત અન્ય ઘણી માગણીઓ કરવામાં આવી છે.
તેમાં નમાઝ પઢાવનારા ઈમામને જોવાની અને એક જ દરવાજેથી મસ્જિદમાં પ્રવેશવાની માગણી પણ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યાસ્મિન ઝુબૈર પીરઝાદાએ દાખલ કરેલી અરજીમાં મિક્સ્ડ જેન્ડર નમાઝ, અર્થાત મહિલાઓ અને પુરુષો, બંને સાથે નમાઝ પઢી શકે, તેની છૂટ આપવાની માગણી પણ કરવામાં આવી છે.
અરજદારે એવી માગણી કરી છે કે, જે રીતે પુરુષો મસ્જિદમાં નમાઝ પઢે છે, તેવી જ આઝાદી મહિલાઓને પણ હોવી જોઈએ.
આ અરજીને હાલના તબક્કે સબરીમાલાની સુનાવણી સાથે જોડી દેવામાં આવી છે અને આથી તે જ સુનાવણી દરમિયાન મુસ્લિમ મહિલાઓની આ અરજીની સુનાવણી પણ સાથે જ ચાલી રહી છે.
યાસ્મિન ઝુબૈર પીરઝાદાની અરજી 2019ની છે. તેમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઇએમપીએલબી)ને પ્રતિવાદી બનાવવામાં આવ્યું હતું.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો શું અભિપ્રાય છે
યાસ્મિન ઝુબૈર પીરઝાદાની અરજીના જવાબમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઇએમપીએલબી)એ અદાલતમાં એફિડેવિટ દાખલ કરી છે.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અદાલતમાં જણાવ્યું છે કે, મહિલાઓને મસ્જિદમાં જવાની છૂટ તો છે, પણ કેટલાક નિયમોની મર્યાદામાં રહીને જ તેઓ મસ્જિદમાં નમાઝ પઢી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ ફુઝલ અહમદ અય્યૂબીએ અદાલતમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ વિશે વાત કરતાં બીબીસી ન્યૂઝ હિંદીને કહ્યું હતું, "મસ્જિદમાં ગર્ભગૃહ હોતું નથી. મસ્જિદનું આંગણ એ પણ મસ્જિદ જ છે. જે વ્યક્તિ પહેલી આવે, તેને પહેલા જગ્યા મળે છે. અહીં કોઈ અનામત આપી શકાય નહીં."
જોકે, અય્યૂબી કહે છે, "હાલ અદાલત કલમ 25 તથા કલમ 26ને લગતા કેસોની સુનાવણી કરી રહી છે. નિર્ણય અપાઈ જાય, તે પછી આ તમામ કેસો સુનાવણી માટે મૂળ ખંડપીઠમાં જશે."
ઇસ્લામમાં મહિલાઓનો મસ્જિદમાં નમાઝ પઢવાનો ઇતિહાસ શું છે
ઇસ્લામિક કાયદા (જે શરિયા તરીકે પણ ઓળખાય છે)માં મહિલાઓના મસ્જિદમાં પ્રવેશને લઈને ઘણી હદીસ (મહંમદ પયગંબરના ઉપદેશો) મોજૂદ છે.
ઇસ્લામના ધર્મગુરુ ઇમામ અહમદ બિન હંબલના પુસ્તક 'મુસનદ'ના વૉલ્યૂમ-9માં પયગંબરને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે, "જ્યારે મહિલાઓ મસ્જિદમાં જવા ઇચ્છે, ત્યારે તેમને અટકાવવી નહીં, કારણ કે, એ તેમનો અધિકાર છે."
એ જ રીતે, શિયા સમુદાયની હદીસ 'કુર્બુલ અસનદ'માં અબ્દુલ્લા બિન જાફરે કહ્યું છે, "હઝરત અલીએ કહ્યું છે કે, મહિલાઓ પયગંબર સાથે નમાઝ પઢતી હતી."
ઇસ્લામિક વિદ્વાન મૌલાના વહિદુદ્દીન ખાને તેમના પુસ્તક - 'વિમેન ઇન ઇસ્લામ'ના પાના નંબર 59-60માં મહમ્મદ પયગંબરના સમયમાં મહિલાઓની સ્થિતિ વિશે વિસ્તારપૂર્વક લખ્યું છે.
તેઓ લખે છે, "ઇસ્લામિક યુગ દરમિયાન, મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં જવાની અને જમાત સાથે કે એકલા નમાઝ પઢવાની છૂટ હતી."
સંશોધક શબ્બીર હસનના પ્રકાશિત કરવામાં આવેલા સંશોધન 'મોડેલ ઍન્ડ ઍન્વાયરમેન્ટ ઑફ ધ પ્રોફેટ્સ મૉસ્ક'માં પયગંબરના સમયમાં મુસ્લિમ મહિલાઓની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી છે.
સંશોધનમાં જણાવ્યું છે, "પંદરમી સદી દરમિયાન, ઇસ્લામિક વિદ્વાન ઇબ્ન હજર અલ-અસ્કલાનીનાં પત્ની - જેઓ ઉન્સ બિન્ત અલ-કાદી અથવા તો ઉન્સ ખાતૂનના નામથી ઓળખાતાં હતાં, તેઓ નિયમિતપણે મસ્જિદમાં જાહેર વ્યાખ્યાનો આપતાં હતાં."
તેઓ દાવો કરે છે, "ઉન્સ ખાતુન પાસે ઇજિપ્તની 'અમ્ર ઇબ્ન અલ-આસ મસ્જિદ'માં જાહેર સ્તર પર વ્યાખ્યાન આપવાની અઢળક તકો હતી અને પ્રખ્યાત વિદ્વાનો હદીસ સાહિત્ય અંગેના ઉન્સ ખાતુનના વ્યાપક જ્ઞાન તથા સમજનો લાભ લેવા માટે તેમની સભાઓમાં હાજરી આપતા હતા."
વધુમાં, શેખ અક્રમ નદવીએ મહિલા હદીસ વિદ્વાનો પરના તેમના કામમાં હિજાઝ (પશ્ચિમી સાઉદી અરેબિયાનો દરિયાકાંઠાનો પ્રદેશ), સીરિયા, ઇરાક અને મુસ્લિમ વિશ્વના અન્ય ભાગોની તમામ મુખ્ય મસ્જિદોમાં મહિલાઓ અભ્યાસ કરતી હોય કે ભણાવતી હોય, તેવાં સેંકડો દૃષ્ટાંતો શોધ્યાં હતાં.
શબ્બીર હસન તેમના સંશોધનમાં લખે છે, "હકીકતમાં, તે સમયમાં મહિલાઓ માટે ખાસ કરીને જ્ઞાન પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું એ સામાન્ય વાત હતી. તે પૈકીની મોટાભાગની મહિલાઓ માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનું મુખ્ય કેન્દ્ર મસ્જિદ જ હતી. "
ઑલ ઇન્ડિયા મુસ્લિમ વિમેન પર્સનલ લૉ બોર્ડ (એઆઇએમડબલ્યૂપીએલબી)નાં નેતા અને સામાજિક કાર્યકર્તા શાઇસ્તા અંબર કહે છે, "ઇસ્લામમાં મહિલાઓ સમાન અધિકારો ધરાવે છે. મહિલાઓને વ્યવસાય કરવાની છૂટ છે, અને ઘણા મુદ્દાઓ પર તેમના અભિપ્રાયો પણ મહત્ત્વના ગણાય છે."
"મહમ્મદ પયગંબરનાં પત્ની ખદીજા અરેબિયાનાં જાણીતાં મહિલા વ્યવસાયી હતાં. મુસ્લિમોમાં ઉપાસનાને લઈને પુરુષો અને મહિલાઓ વચ્ચે કોઈ મૂળભૂત તફાવત રાખવામાં આવ્યો નથી."
લખનૌના અગ્રણી ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલીએ બીબીસી હિંદીને જણાવ્યું હતું, "આ પરંપરા મહંમદ પયગંબરના સમયથી ચાલી આવે છે. સાઉદી અરેબિયામાં, મસ્જિદ-એ-હરામ અર્થાત્ મક્કામાં કાબા અને મદીનામાં મસ્જિદ-એ-નબવી, ઇઝરાયલમાં મસ્જિદ-અલ-અક્સા જેને બૈતુલ મુકદ્દસ પણ કહેવામાં આવે છે, ત્યાં હજ અને ઉમરા દરમિયાન મહિલાઓ પુરુષોની સાથે નમાઝ પઢે છે."
જોકે, મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલી દલીલ કરે છે, "મહિલાઓને મસ્જિદમાં આવવાની છૂટ નથી, કારણ કે, નમાઝના અમુક સમય રાતના હોય છે, જેમકે, મળસ્કે અને સાંજે થતી નમાઝ - અને આ બાબત સુરક્ષાનાં કારણો સાથે જોડાયેલી છે."
આ મુદ્દે મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલી કહે છે, "જ્યાં મસ્જિદો મોટી હોય, ત્યાં મહિલાઓ માટે અલાયદી વ્યવસ્થા હોય છે. પણ ભારતમાં, મસ્જિદો નાની હોય છે. આથી, અલાયદી જગ્યા બનાવવી મુશ્કેલ છે. લખનૌના ઐશબાગમાં મહિલાઓ જમાતની સાથે નમાઝ પઢે છે, કારણ કે, ત્યાં જગ્યા છે."
જોકે, દરેક મસ્જિદમાં મહિલાઓ નમાઝ નથી પઢી શકતી. મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલી કહે છે, "જગ્યાની અછતને કારણે દરેક મસ્જિદમાં વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. જોકે, જ્યારે મહિલાઓ નમાઝ પઢી રહી હોય, ત્યારે તેઓ પડદામાં રહીને જ નમાઝ પઢી શકે છે."
આ મામલે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ ફુઝલ અહમદ અય્યૂબીએ કહ્યું હતું, "આ મામલે મુસ્લિમોનો અભિગમ બંધારણને અનુરૂપ છે."
તેઓ દાવો કરે છે, "બંધારણની કલમ 25 ભેદભાવ થતો રોકે છે, તે રીતે જોતાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા પર કોઈ નિયંત્રણ નથી, પણ મસ્જિદની અંદર બંધારણની કલમ 26 અને 26-બી હેઠળ વ્યવસ્થાપન કરવાની સ્વતંત્રતા પણ છે."
મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ વિશે શિયા-સુન્ની વિદ્વાનોનો અભિપ્રાય શું છે
આ દરમિયાન, બંને અગ્રણી મુસ્લિમ સમુદાયો - શિયા અને સુન્ની મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશવા પર અને નમાઝ પઢવા પર એકસમાન વિચારો ધરાવે છે. તેનો અર્થ એ કે, મહિલાઓ મસ્જિદની અંદર પડદામાં રહીને નમાઝ પઢી શકે છે.
મુંબઈ સ્થિત શિયા ધર્મગુરુ મૌલાના અશરફ ઝૈદી સુન્ની મૌલાનાઓની વાત સાથે સંમત થતાં કહે છે, "ઇસ્લામમાં મહિલાઓના મસ્જિદમાં પ્રવેશવા પર કોઈ નિયંત્રણ નથી, પણ મહિલાઓ માટે ઘરને જ મસ્જિદ ગણવામાં આવે છે."
તેઓ કહે છે, "મહંમદ પયગંબરે હિજરી સન 10માં હજ કરી હતી. તે સમય દરમિયાન તેમની સાથે મહિલાઓ પણ હતી."
તેમના મતે, "મહિલાઓ ઉપર ઘરનાં કામોનું દબાણ હોવાથી તેમના માટે મસ્જિદમાં નમાઝ પઢવું ફરજિયાત નથી."
"બીજી તરફ, પુરુષો માટે મસ્જિદમાં નમાઝ પઢવી વધુ મહત્ત્વપૂર્ણ છે. વધુમાં, ઘણાં સ્થળોએ મસ્જિદમાં પ્રવેશવા માટે મહિલાઓ માટે અલાયદા દરવાજા બનાવવામાં આવે છે."
મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલી આ મામલે તેમના વિચારો વ્યક્ત કરતાં કહે છે, "ઇસ્લામમાં પુરુષો ઉપર નજરનો પડદો છે અને મહિલાઓએ શરીર ઢાંકવું ફરજિયાત છે, આથી અલાયદા પ્રવેશદ્વારો બનાવવામાં આવે છે, જેથી કોઈને અસુવિધા ન થાય."
તેમના જણાવ્યા પ્રમાણે, "તે શરિયાનો ફરજિયાત નિયમ નથી, બલ્કે વ્યવહારુ ગોઠવણ છે. જેથી, દરેક વ્યક્તિ નમાઝના યોગ્ય સમયે મસ્જિદમાં પ્રવેશ કરી શકે."
વિશ્વનાં વિવિધ સ્થળોએ કઈ પદ્ધતિ છે?
એક અંદાજ અનુસાર, વિશ્વભરમાં આશરે બે અબજ મુસ્લિમોની વસ્તી છે, અને ભારતમાં મુસ્લિમોની વસ્તી બે કરોડની આસપાસ હોવાનો અંદાજ છે.
ભારતીય મુસલમાનો વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી વિશાળ વસ્તી ધરાવે છે. દુનિયાભરમાં મુસલમાનો જુદા-જુદા પંથ ધરાવે છે. ભારત, પાકિસ્તાન તથા સાઉદી અરેબિયા જેવા દેશોમાં સુન્ની સમુદાયની બહુમતી છે. જ્યારે ઈરાનમાં શિયા મુસ્લિમોની વસ્તી બહુમતીમાં છે.
મહમ્મદ જાવેદ ખાન મૂળ લખનૌના છે અને તેઓ હાલ આશરે 30 વર્ષથી જાપાનમાં રહે છે. તેઓ ત્યાંની સંસદીય સમિતિના સલાહકાર પણ છે.
તેઓ કહે છે, "જાપાનની રાજધાની ટોક્યોમાં લગભગ 200 જેટલી મસ્જિદો આવેલી હશે, પણ અમુક જ મસ્જિદોમાં મહિલાઓને નમાઝ પઢવા માટેની સુવિધા છે."
જાવેદ ખાન કહે છે, "મેં વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો છે, પણ કોઈપણ જગ્યાએ મસ્જિદમાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. જોકે, દરેક મસ્જિદમાં નમાઝ પઢી શકાતી નથી, કારણ કે, જ્યાં પડદાની વ્યવસ્થા હોય, માત્ર તેવી જ મસ્જિદોમાં મહિલાઓ નમાઝ પઢી શકે છે."
મુંબઈ સ્થિત ઇસ્લામિક વિદ્વાન અને શિયા ધર્મગુરુ મૌલાના અશરફ ઝૈદી કહે છે, "ઇસ્લામમાં પડદો જરૂરી છે, આથી, મહિલાઓ મસ્જિદના અલગ ભાગમાં જ નમાઝ પઢી શકે છે."
લખનૌનાં સામાજિક કાર્યકર તાહિરા હસન મહિલાઓના અધિકારો માટે કામ કરે છે. તેમણે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું હતું, "ઇસ્લામ મહિલાઓને સમાન અધિકારો આપે છે. આથી, મસ્જિદમાં જવા પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. વાસ્તવમાં, મુસ્લિમ સમાજમાં એવી પણ મહિલાઓ છે, જેમણે દાખલો બેસાડ્યો હોય."
તેઓ આગળ કહે છે, "મહંમદ પયગંબરનાં પત્ની ખદીજા એક સફળ મહિલા વ્યવસાયી હતાં. તેમનાં પુત્રી ફાતિમા અને દોહિત્રી ઝૈનબ મહિલાઓ માટે દૃષ્ટાંતરૂપ છે. જો ઝૈનતે કરબલાના યુદ્ધ પછી યાઝિદ સામે અવાજ ન ઉઠાવ્યો હોત, તો ઇસ્લામનું સ્વરૂપ આજે કંઈક અલગ જ હોત."
મૌલાના વહિદુદ્દીન ખાને પણ તેમના પુસ્તક 'વિમેન ઇન ઇસ્લામ'માં લખ્યું છે, "યુદ્ધ કે કોઈ હોનારતની સ્થિતિ દરમિયાન, પયગંબરનાં પુત્રી ફાતિમા લોકોની સેવા કરતાં હતાં."
બીજી તરફ, કેટલાક સામાજિક કાર્યકરો એવો દાવો કરે છે કે, મહિલાઓને મસ્જિદોમાં નિર્વિઘ્ને આવવા-જવાની છૂટ નથી.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ વિમેન પર્સનલ લૉ બોર્ડ (એઆઇએમડબલ્યૂપીએલબી)નાં પ્રમુખ શાઇસ્તા અંબર કહે છે, "1995માં હું મારા બાળકને લખનૌની એક મસ્જિદમાં ઈદની નમાઝ પઢાવવા માટે લઈ ગઈ હતી, પણ મંદિરના સંચાલકોનો મારી સાથેનો વ્યવહાર યોગ્ય નહોતો."
તેઓ દાવો કરે છે, "તે પછી મેં મારા પોતાના પૈસે લખનૌમાં જમીન ખરીદી અને ત્યાં મસ્જિદ અને ધરમશાળાનું નિર્માણ કરાવ્યું. અહીં તમામ પંથના મુસ્લિમો અને મહિલાઓ નમાઝ પઢી શકે છે."
શાઇસ્તા અંબર ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એ દાવા સાથે સંમત નથી કે, મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની સંપૂર્ણ છૂટ છે.
શાઇસ્તા અંબર કહે છે, "મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે એ જણાવવું જોઈએ કે, કેટલી મસ્જિદોમાં મહિલાઓ માટે અલગ જગ્યા, વુઝુખાના અને શૌચાલયની સુવિધાઓ છે."
તેઓ કહે છે કે, મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થાન એવા મક્કામાં મહિલાઓને પુરુષો સાથે નમાઝ પઢવાની આઝાદી છે.
"કાબામાં મહિલાઓ તેમની અલગ લાઇન બનાવે છે અને નમાઝ પઢે છે," એમ મુંબઈ સ્થિત મૌલાના અશરફ ઝૈદીએ કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના સાત સવાલ કયા છે?
સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન અદાલતે સાત સવાલો તૈયાર કર્યા હતા અને તે માળખાની અંદર જ તમામ અરજીઓ ઉપર સુનાવણી થઈ રહી છે.
વકીલ ફુઝલ અહમદ અય્યૂબીએ જણાવ્યું હતું કે, અદાલતે સુનાવણી માટે સાત સવાલો તૈયાર કર્યા છે અને તેની મર્યાદામાં જ સુનાવણી થઈ રહી છેઃ
- ભારતના બંધારણની કલમ 25 હેઠળ ધર્મની સ્વતંત્રતાના અધિકારના અવકાશ અને સીમા શું છે?
- ભારતના બંધારણની કલમ 25 હેઠળ વ્યક્તિઓના અધિકારો અને કલમ-26 હેઠળ ધાર્મિક સંપ્રદાયોના અધિકારો વચ્ચે શું સંબંધ છે?
- શું કલમ-26 હેઠળ કોઈપણ ધાર્મિક સંપ્રદાયના અધિકાર, જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્ય સિવાય, બંધારણના ભાગ-3ની જોગવાઈઓને આધીન છે?
- કલમ-25 અને 26 હેઠળ નૈતિકતા શબ્દના અવકાશ અને મર્યાદા શું છે અને શું તેમાં બંધારણીય નૈતિકતા સામેલ છે?
- કલમ-25માં ઉલ્લેખાયેલી કોઈ ધાર્મિક પ્રથાના સંદર્ભમાં ન્યાયિક સમીક્ષાના અવકાશ અને મર્યાદા શું છે?
- કલમ-25(2) (બી)માં વપરાયેલી અભિવ્યક્તિ - હિંદુઓના વર્ગનો અર્થ શું થાય છે?
- કોઈ ધાર્મિક સંપ્રદાય કે ધર્મ સમૂહમાંથી ન આવતી હોય, તેવી કોઈ વ્યક્તિ શું પીઆઈએલ (જાહેર હિતની અરજી) દાખલ કરીને કોઈ બીજા ધર્મની ધાર્મિક પ્રથાને પડકારી શકે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન