You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોઈને જમીન તો કોઈને રોકડા પૈસા, આ વિદ્યાર્થીઓ પર જાતભાતની ભેટોનો વરસાદ કેમ થઈ રહ્યો છે?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઘણા લોકો માટે વિમાનમાં હવાઈ મુસાફરી કરવી હજુ પણ એક સ્વપ્ન છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ સ્વપ્ન હજુ ઘણું દૂર અને અઘરું લાગતું હોય છે.
પરંતુ, આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં દસમા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓનું આ સ્વપ્ન સાકાર થયું છે, આવું તેમણે પરીક્ષામાં મેળવેલા ગુણને કારણે બન્યું છે.
કેટલાક શિક્ષકોએ એવું વચન આપેલું કે જો આ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવશે તો તેમને વિમાનમાં મુસાફરી કરાવાશે. અને આ ક્ષણ વિદ્યાર્થીઓના જીવનમાં એક અવિસ્મરણીય સ્મૃતિ બની ગઈ.
વિજયનગરમ જિલ્લાના મેરાકામુદીદમ મંડળમાં ગોપન્નાવલાસા જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત સત્ય રાવ છ વિદ્યાર્થીઓને વિમાન દ્વારા પ્રવાસ પર લઈ ગયા.
શરૂઆતમાં વિદ્યાર્થીઓએ શિક્ષકના વચનને મજાક માન્યું, પરંતુ દસમા ધોરણમાં સારું પરિણામ પ્રાપ્ત કર્યા પછી આ વચન હકીકતમાં પરિણમ્યું.
ફક્ત શિક્ષકો જ નહીં, પરંતુ રાજ્યના કેટલાક જન પ્રતિનિધિઓએ પણ આવું જ કર્યું.
આ વર્ષે દસમાની પરીક્ષામાં ટૉપર રહેનાર કેટલાક વિદ્યાર્થીઓને ઇનામ તરીકે વિમાનની ટિકિટ મળી, જ્યારે કેટલાકને જમીન અને અન્યને રોકડ રકમ મળી.
પણ આ લોકો આવું કેમ કરી રહ્યા છે? વિદ્યાર્થીઓને પ્રથમ ઉડાણનો અનુભવ આપનારા શિક્ષકો શું કહી રહ્યા છે? વિદ્યાર્થીઓ અહીંથી ક્યાં ગયા? વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા શું કહી રહ્યાં છે? જાણીએ આ અહેવાલમાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્યાર્થીઓની હવાઈ મુસાફરી
વિજયનગરમ જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીની વિજયાલક્ષ્મીએ કહ્યું, "સત્ય રાવસર કહેતા હતા કે હું દસમા ધોરણમાં મંડળ (તાલુકા) સ્તરે પ્રથમ આવીશ, તો તેઓ મને વિમાનમાં બેસાડશે. તેમણે આપેલા વચન મુજબ તેઓ અમને વિમાનમાં લઈ ગયા."
વિજયનગરમ જિલ્લામાં કેટલાક શિક્ષકો શિક્ષણમાં રસ વધારવા માટે નવીન પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
તેના ભાગરૂપે, સારા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને ફ્લાઇટમાં લઈ જવામાં આવી રહ્યા છે. પહેલી વાર વિમાનમાં મુસાફરી કરેલ વિદ્યાર્થીઓ પોતાનો આનંદ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
વિજયાલક્ષ્મીએ કહ્યું, "આટલી નાની ઉંમરે વિમાનમાં બેસવાનો અનુભવ આનંદમય રહ્યો. અમને પર્યટન અને આધ્યાત્મિક સ્થળો જોવાની ખૂબ મજા આવી"
વિદ્યાર્થીઓ કહે છે કે આ ઉડાનથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
અન્ય એક વિદ્યાર્થિની લિખિતાએ બીબીસીને જણાવ્યું, "હું પહેલી વાર વિમાનમાં બેઠી. મને ખૂબ આનંદ તો થયો સાથે હું થોડી નર્વસ પણ હતી. સત્ય રાવસર તરફથી મળેલી આ ભેટ પણ સારા માર્ક્સ લાવવા પાછળનું એક કારણ હતું."
દિનેશ નામના વિદ્યાર્થીએ કહ્યું, "જે દિવસે પરિણામ આવ્યું, સાહેબે ફોન કર્યો અને કહ્યું કે મારે સારા માર્ક્સ આવ્યા હોવાથી તેઓ મને વિમાનમાં મુસાફરી કરાવશે. મને ખૂબ આનંદ થયો."
સત્ય રાવ વિજયનગરમ જિલ્લાના છ વિદ્યાર્થીઓને વાઇઝેગથી હૈદરાબાદની ફ્લાઇટમાં લઈ ગયા.
સ્પર્ધાત્મક વાતાવરણ તૈયાર થશે : શિક્ષકો
શિક્ષકોને આશા છે કે આ પ્રયાસથી બાળકોમાં સ્પર્ધાત્મકતા વધશે.
વિજયનગરમ જિલ્લાના ગોરલા મંડળમાં આવેલા જેડપીએચએસ વલ્લપુરમના આચાર્ય અપ્પારાવે બીબીસીને જણાવ્યું, "મેં પહેલાં ક્યારેય વિમાનમાં મુસાફરી કરી નથી. પરંતુ મને અમારા વિદ્યાર્થીઓ માટે વિમાનમાં મુસાફરી કરવાની વાત ખૂબ જ રોમાંચક લાગી. આનાથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધશે."
વિદ્યાર્થી દિનેશે કહ્યું, "જ્યારે તેમણે અમને કહ્યું કે તેઓ અમને વિમાનમાં બેસાડશે, ત્યારે અમે બહુ ધ્યાન ન આપ્યું. થોડા દિવસ પછી અમને ખ્યાલ આવ્યો કે તેઓ ખરેખર અમને વિમાનમાં બેસાડશે. ત્યારથી મને લાગવા માંડ્યું કે મારે સ્પર્ધા કરવી જોઈએ અને ભણવામાં વધુ મહેનત કરવી જોઈએ."
માતાપિતા પણ આ વાતથી ખુશ છે. તેઓ કહે છે કે તેમનાં બાળકોએ માત્ર સારા માર્ક્સ જ ન મેળવ્યા, પણ હવાઈ મુસાફરીનો આણંદ પણ માણ્યો.
વિદ્યાર્થી વિજયાલક્ષ્મીના પિતા કાર્તિકે કહ્યું, "અમે ભલે બાળકોને વિમાનમાં ન લઈ જઈ શક્યા, પણ અમારાં બાળકો વિમાનમાં બેઠાં ખરાં."
વિદ્યાર્થી દિનેશના પિતા નારાયણ રાવે જણાવ્યું, "બાળકોએ ઘરે આવ્યા પછી અમારી સાથે ત્યાં જોયેલું બધું શૅર કર્યું. મારા દીકરાની આંખોમાં એ આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો."
હવાઈ મુસાફરી એક ભેટ છે કારણ કે...
તેલુગુ શિક્ષક સત્ય રાવે કહ્યું કે આ વિચાર પાછળ તેમની બાળપણની ઇચ્છા હતી.
તેમણે કહ્યું "મને બાળપણમાં વિમાનમાં મુસાફરી કરવાની ઇચ્છા હતી. નોકરી મળ્યા પછી હું પહેલી વાર વિમાનમાં બેઠો. મેં મારાં માતાપિતાને પણ સાથે લીધાં હતાં. પણ હું તે અનુભવ સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ આપવા માંગતો હતો. એટલા માટે મેં આ હવાઈ મુસાફરી પુરસ્કાર એવા વિદ્યાર્થીઓને આપ્યો, જેમણે દસમા ધોરણની પરીક્ષાના પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું"
સત્ય રાવે કહ્યું, "મેં ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું. આ વખત મેં છ લોકોને હવાઈ મુસાફરી કરાવી છે. હું આવતા વર્ષે પણ આવા પુરસ્કારો આપવાનું ચાલુ રાખીશ."
તેઓ કહે છે, "અમે સરકારી શાળાઓમાં ભણતાં બાળકોને એક યાદગાર અનુભવ આપવા માંગતા હતા. તેથી જ અમે આ ઑફર ફક્ત સરકારી શાળાના વિદ્યાર્થીઓને જ આપી રહ્યા છીએ."
આવી જ રીતે, વિજયનગરમ જિલ્લાના મિરિયાલા કૃષ્ણ રાવ પણ શ્રેષ્ઠ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ સાથે વિમાનમાં ગયા હતા.
જનપ્રતિનિધિઓ પણ...
સત્ય રાવ એકલા નથી... રાજ્યના કેટલાક અન્ય શિક્ષકો અને જનપ્રતિનિધિઓ પણ સારા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
નંદીગામાના ધારાસભ્ય થંગીરાલા સૌમ્યાએ વિદ્યાર્થીઓ હવાઈ મુસાફરી કરી શકે એ માટે 'વિંગ્સ ફૉર ડ્રીમ્સ' નામની યોજના બનાવી છે... જ્યારે શ્રીકાલહસ્તીના ધારાસભ્યે જાહેરાત કરી છે કે તેઓ સારા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને બેઠકો પૂરી પાડશે.
એનટીઆર જિલ્લાના નંદીગામા મતવિસ્તારના ધારાસભ્ય થાંગીરાલા સૌમ્યા પણ છ વિદ્યાર્થીઓને વિજયવાડાથી હૈદરાબાદ ફ્લાઇટમાં લઈ ગયા હતા.
તેમણે કહ્યું કે આ બાળકોને આડકતરી રીતે સંદેશ આપવાનો પ્રયાસ છે કે જો તેઓ તેમના અભ્યાસમાં સારાં પરિણામ પ્રાપ્ત કરશે, તો તેમનાં સપનાં પણ આકાશને આંબી શકે છે.
શ્રીકાલહસ્તીના ધારાસભ્ય બોજ્જલા સુધીર રેડ્ડીએ જાહેરાત કરી કે તેઓ તેમના મતવિસ્તારના દસમા ધોરણના ટૉપર્સ, જસ્મિતા, સાઈ પુજિતા અને મોહિત ચરણને ત્રણ-ત્રણ સેન્ટ (1306 ચોરસ ફૂટ) જમીન આપવામાં આવશે.
તેમણે કહ્યું, "આનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ તેમના અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરવા અને લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રેરણા મળશે."
વિજયનગરમ જિલ્લા કલેક્ટર રામસુંદર રેડ્ડીએ દસમા ધોરણનાં પરિણામોમાં સારા ગુણ પ્રાપ્ત કરનાર અને સરકારી શાળાઓનું ગૌરવ વધારનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
તેમણે કહ્યું હતું કે સરકારી શાળામાં 590થી વધુ ગુણ પ્રાપ્ત કરવા એ વિદ્યાર્થીઓની અસાધારણ પ્રતિભાનો પુરાવો છે.
તેમણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવા, તેમની એકાગ્રતા ન ગુમાવવાની અને ઉચ્ચ અભ્યાસમાં શ્રેષ્ઠ બનવા અને સારા ભવિષ્યનું નિર્માણ કરવાની સલાહ આપી. તેમણે આ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ઉપલબ્ધ ગુણવત્તાયુક્ત શિક્ષણના વાસ્તવિક બ્રાન્ડ ઍમ્બેસૅડર તરીકે પ્રશંસા કરી.
રામસુંદર રેડ્ડીએ સૂચન કર્યું, "દસમા ધોરણ પછી, તમારે સાચો રસ્તો પસંદ કરવો જોઈએ. તમારે એવો કોર્સ પસંદ કરવો જોઈએ જે તમારી રુચિને અનુરૂપ હોય. તમારે સફળતાને નિયંત્રણમાં રાખવી જોઈએ અને વધારે ઉત્સાહમાં પણ ન આવી જવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન