નર્મદા નદીના પટમાં એક વિશાળ જડબું મળ્યું, જેના દાંત 7 થી 9 હરોળમાં ગોઠવાયેલા હતા; સંશોધકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Vishnukant Tiwari/BBC
10 નવેમ્બરની એક ઠંડી સવાર હતી. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા પટઈ ગામ નજીકના પટઈ ઘાટ પર અરુણ નૌરિયા અને તેની સાથેનાં કેટલાંક બાળકો રમવાં ગયાં હતાં.
રમતાં-રમતાં અરુણની નજર જમીનમાંથી બહાર નીકળેલા કેટલાક દાંત પર પડી. અરુણને સમજાયું નહીં કે આ કયા પ્રાણીના દાંત છે. બાળકોની ઉત્સુકતા વધી અને તેમણે આસપાસની માટી હટાવવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં જમીનની અંદર એક મોટા જડબા જેવી આકૃતિ દેખાઈ.
અરુણ અને અન્ય બાળકોને તો તેનો અંદાજ પણ નહોતો કે તેઓ શું જોઈ રહ્યા હતા.
ધીમે ધીમે આ વાત સરકારી કચેરીઓ સુધી પહોંચી અને હવે બાળકોની આ નાની શોધે વૈજ્ઞાનિકોનું ધ્યાન નર્મદા ખીણના તે વિસ્તાર તરફ દોર્યું છે, જ્યાં લાખો વર્ષ જૂના જીવોના જીવાશ્મ જમીનની અંદર દટાયેલા હોઈ શકે છે.
પ્રારંભિક તપાસ કરનારા વૈજ્ઞાનિકોએ સંભાવના વ્યક્ત કરી છે કે આ જડબું કોઈ પ્રાચીન હાથી અથવા તેના જેવા કોઈ પ્રાણીનું હોઈ શકે છે.
આ પેલિયોલોક્સોડોન નમાડિકસ (Palaeoloxodon namadicus) પ્રજાતિ તરીકે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ છે. આ પ્રજાતિના હાથીઓને પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સૌથી વિશાળકાય હાથીઓમાંના એક માનવામાં આવે છે.
મધ્ય પ્રદેશના ડૉ. રવિ ઉપાધ્યાય નર્મદા ખીણમાં મળતા જીવાશ્મ અને પ્રાચીન જીવના અવશેષો પર લાંબા સમયથી સંશોધન કરતા રહ્યા છે.
આ જીવાશ્મની પ્રાથમિક તપાસ કરનારા ડૉ. રવિ ઉપાધ્યાયે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું હતું, "જે જીવાશ્મ મળ્યું છે તેની રચના કોઈ પ્રાચીન હાથી જેવા પ્રાણી સાથે મેળ ખાતી દેખાય છે. હાલમાં ખૂબ જ વધારે સંભાવના છે કે આ પેલિયોલોક્સોડોન નમાડિકસ પ્રજાતિના હાથીના જીવશ્મ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જીવાશ્મ કેવા છે?
સંશોધકોના જણાવ્યા મુજબ, આ જીવાશ્મની લંબાઈ આશરે 75 સેન્ટીમીટર અને પહોળાઈ 25 સેન્ટીમીટર છે. આ જીવાશ્મના મોલર દાંત પર સાતથી નવ કતાર જોવા મળે છે.
ડૉ. ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, દાંતની રચના અને જડબાના આકાર પરથી તેવું જણાય છે કે તે કોઈ પ્રાચીન હાથી જેવા જીવનું હોઈ શકે છે.
તેમનું કહેવું છે કે આ અશ્મિ પેલિયોલોક્સોડોન હોવાની સંભાવના વધુ છે, જ્યારે સ્ટેગોડોન (હાથી જેવો એક વિલુપ્ત જીવ) હોવાની સંભાવના ઓછી છે. આ બંને હાથી જેવા જીવોની લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ છે.
ડૉ. ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, જડબામાં દાંતની કતારોને જોતાં એવું લાગે છે કે આ સંપૂર્ણ રીતે વિકસિત પુખ્ત જીવનું નહોતું.
તેઓ કહે છે, "જડબામાં દાંતને જોતા એક બાજુ છ અને બીજી બાજુ સાત કતારો દેખાય છે. તે પરથી એવું લાગે છે કે આ નાની વયનો હાથી હતો. તે સંપૂર્ણ રીતે વિકસિત પુખ્ત જીવ ન હતો."
તેમના જણાવ્યા મુજબ, જડબામાં ડેન્ટાઇન (દાંતની અંદરની પરત) પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. દાંતની વધુ તપાસ કરવામાં આવશે તો તેની ઓળખ વિશે વધુ ચોક્કસ માહિતી મળી શકે છે.
આ જીવાશ્મ કેટલા જૂના છે?

ઇમેજ સ્રોત, Vishnukant Tiwari/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ જીવાશ્મની ઉંમર અંગે વૈજ્ઞાનિકોના પ્રારંભિક અંદાજ અલગ અલગ છે.
ડૉ. રવિ ઉપાધ્યાયનું કહેવું છે કે જે પીળી માટીમાં આ જીવાશ્મ મળ્યો છે, તે પ્લાઇસ્ટોસીન કાળ (આશરે 26 લાખથી 11,700 વર્ષ અગાઉનો સમય)ની છે. આ કાળ દરમિયાન પેલિયોલોક્સોડોન જેવી હાથીઓની પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી.
તેમનો પ્રારંભિક અંદાજ છે કે આ જીવાશ્મ આશરે ચારથી પાંચ લાખ વર્ષ જૂના હોઈ શકે છે.
જ્યારે ભોપાલ સ્થિત બરકતુલ્લાહ યુનિવર્સિટીના નિવૃત્ત જિનેટિક્સ પ્રોફેસર ડૉ. એચ.કે. ગોસ્વામીનો અંદાજ છે કે તેની ઉંમર આશરે સાતથી આઠ લાખ વર્ષ હોઈ શકે છે.
જોકે, ડૉ. ગોસ્વામી પણ કહે છે કે વૈજ્ઞાનિક તપાસ વિના તેની ઉંમર વિશે કોઈ અંતિમ દાવો કરી શકાય નહીં.
તેમણે કહ્યું, "આ ખૂબ જ સારું ફૉસિલ છે. અત્યાર સુધીની તપાસ પરથી એવું લાગે છે કે તે આશરે સાતથી આઠ લાખ વર્ષ જૂનું હોઈ શકે. પરંતુ જ્યાં સુધી તેના દાંતોની તપાસ કરવામાં નહીં આવે, તેના શરીરની રચનાનો અભ્યાસ કરવામાં નહીં આવે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેની ઉંમર નક્કી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેની સાચી ઉંમર વિશે ચોક્કસ રીતે કહી શકાય નહીં."
જીવાશ્મની ઉંમર જાણવા માટે વૈજ્ઞાનિકોને તેના દાંતો અને આસપાસની માટીના નમૂનાઓની તપાસ કરવી પડશે.
જીવાશ્મની ઉંમર નક્કી કરવા માટે વૈજ્ઞાનિકો તેમાં રહેલા તત્ત્વો તેમજ તેની આસપાસની માટી અથવા ખડકોની તપાસ કરે છે. આ માટે રેડિયોમેટ્રિક ડેટિંગ જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.
રેડિયોમેટ્રિક ડેટિંગમાં વૈજ્ઞાનિકો ખડકોમાં રહેલા કેટલાક વિશિષ્ટ પદાર્થોમાં સમય સાથે થતા ફેરફારોનું માપન કરે છે. તેના આધારે ખડક કેટલો જૂનો છે તે જાણવા મળે છે અને તેના આધારે જીવાશ્મની ઉંમરનો વધુ ચોક્કસ અંદાજ લગાવવામાં આવે છે.
નર્મદા ખીણમાં બીજું શું મળી શકે?

ઇમેજ સ્રોત, Dr Ravi Upadhyaya
વૈજ્ઞાનિકોનું માનવું છે કે પટઈ ઘાટ ખાતે મળેલા આ જીવાશ્મ એકલી શોધ ન પણ હોઈ શકે. તેના આસપાસનો સમગ્ર વિસ્તાર પ્રાચીન જીવજંતુઓના અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.
ડૉ. રવિ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, હાલની જગ્યાથી આશરે એક કિલોમીટરના વિસ્તારમાં જમીનની વિવિધ સ્તરો હાજર છે. આ સ્તરોમાં અલગ અલગ સમયગાળાના જીવોના અશ્મિ દટાયેલા હોઈ શકે છે.
તેઓ કહે છે કે નર્મદા ખીણમાં અગાઉ ગેંડા, દરિયાઈ ઘોડા અને ઘોડા જેવાં પ્રાણીઓના અશ્મિ મળી ચૂક્યા છે.
તેમનું કહેવું છે કે જો સમગ્ર વિસ્તારમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોદકામ કરવામાં આવે તો શક્ય છે કે હાલ મળેલા અશ્મિ સાથે સંબંધિત શરીરના અન્ય અવશેષો પણ મળી આવે.
સંશોધકોના જણાવ્યા મુજબ, આસપાસ હાડકાંના કેટલાક ટુકડા અને અનેક સ્થળોએ ખનિજોના જમા થયેલા અંશો પણ મળ્યા છે. તેથી એ જાણવું જરૂરી છે કે અહીં કોઈ એક જ જીવના શરીરના અવશેષો છે કે પછી જુદી-જુદી પ્રજાતિઓના અશ્મિ પણ હાજર છે.
પટઈ ઘાટ ખાતે મળેલા જીવાશ્મ અંગે ડૉ. એચ.કે. ગોસ્વામીની રસપ્રદતા માત્ર પ્રાચીન પ્રાણીઓ સુધી મર્યાદિત નથી. તેમનું કહેવું છે કે નર્મદા ખીણ માનવ વિકાસના ઇતિહાસને સમજવા માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ડૉ. ગોસ્વામી લાંબા સમયથી માનવ વિકાસના વિષયમાં રસ ધરાવે છે. તેમનો દાવો છે કે આશરે 10 થી 12 લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસ (માનવની લુપ્ત પ્રજાતિ) આ વિસ્તારમાં હાજર હતો.
ડૉ. ગોસ્વામી કહે છે કે નર્મદા નદીના કિનારા અને ખાસ કરીને તેના રેતાળ વિસ્તારોમાં યોગ્ય રીતે સર્વેક્ષણ કરવામાં આવવું જોઈએ.
તેમનું માનવું છે કે આ રીતે માનવ વિકાસના પ્રારંભિક ઇતિહાસ સાથે જોડાયેલા એવા પુરાવાઓ મળી શકે છે, જે અત્યાર સુધી સામે આવ્યા નથી.
જીએસઆઈ અને પુરાતત્વ વિભાગ શું કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Vishnukant Tiwari/BBC
આ શોધ બાદ ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)ની ભોપાલ સ્થિત ચાર સભ્યોની ટીમે 13 નવેમ્બરે પટઈ ઘાટનું નિરીક્ષણ કર્યું હતું.
ટીમે જીવાશ્મ અને તેની આસપાસની માટીની સ્તરોનો અભ્યાસ કર્યો.
આ ટીમ સાથે હાજર રહેલા રાયસેન જિલ્લાના દેવરી વિસ્તારના એસડીએમ અંકિત જૈને પત્રકારોને જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ જીવાશ્મ અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે. ટીમ ટૂંક સમયમાં પોતાની રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપશે. ત્યારબાદ તેની ઓળખ અને તેના ઐતિહાસિક મહત્ત્વ અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.
બીજી તરફ, મધ્ય પ્રદેશના પુરાતત્વ વિભાગે પણ આ જીવાશ્મની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમની રચના કરી છે.
આ ટીમમાં માનવવિજ્ઞાનીઓ, પ્રાણીવિજ્ઞાનીઓ અને અન્ય વિષયોના નિષ્ણાતો સામેલ છે. આ ટીમ જીવાશ્મની ઉંમર અને તેની ઓળખ અંગે અભ્યાસ કરવા ઉપરાંત આસપાસના વિસ્તારનું પણ સર્વેક્ષણ કરશે.
હાલમાં પ્રશાસને તે સ્થળની બેરિકેડિંગ કરી દીધી છે જ્યાં આ જીવાશ્મ મળ્યો હતો, જેથી લોકો ત્યાં ખોદકામ અથવા કોઈપણ પ્રકારની છેડછાડ ન કરી શકે.
ડૉ. રવિ ઉપાધ્યાયનું કહેવું છે કે આ વિસ્તારને સુરક્ષિત રાખવાની સાથે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોદકામ કરવાની જરૂર છે.
તેમના જણાવ્યા મુજબ, પ્રશાસને ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI), ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓના નિષ્ણાતો સાથે મળીને એક સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ.
બીજી તરફ, અરુણ અને તેમની સાથે રહેલાં અન્ય બાળકો લાખો વર્ષ જૂના જીવાશ્મની શોધ અંગેની ઘટનાથી હવે આગળ વધી ચૂક્યાં છે. તેમણે રમવાં માટે બીજી જગ્યાની શોધ શરૂ કરી દીધી છે.
પરંતુ તેમની આ આકસ્મિક શોધે વૈજ્ઞાનિકો સામે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે. શું આ કોઈ વિશાળકાય પ્રાચીન હાથીનું જડબું છે?
શું તેની આસપાસ તે જીવના શરીરના અન્ય ભાગો પણ દટાયેલા છે? અને શું નર્મદા ખીણમાં હજુ આવા અનેક અશ્મિઓની શોધ થવાની બાકી છે?
આ પ્રશ્નોના જવાબ આગળ થનારી વૈજ્ઞાનિક તપાસ અને ખોદકામ પછી જ મળી શકશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























