You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઊંઘની ગોળી કેટલા મિલિગ્રામ લેવી સુરક્ષિત છે, વધારે પડતી લેવાનાં જોખમો કયાં-કયાં છે?
- લેેખક, ડિંકલ પોપલી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
કોમેડિયન સમય રૈનાએ તેમના શો 'સ્ટિલ અલાઇવ'માં તેમની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું હતું, "હું ભારે તણાવમાં હતો અને ઊંઘી શકતો નહોતો. મારા ડૉક્ટરે મને 3 મિલીગ્રામ મેલાટોનિન લેવાની સલાહ આપી."
"પણ કોઈ ફેર ન પડ્યો. આથી, મેં ત્રણ મિલીગ્રામ કરતાં વધારે ડોઝ લીધો. તે પછી હું સળંગ 16 કલાક સુધી સૂતો રહ્યો," એમ તેમણે કહ્યું હતું. યૂટ્યૂબ ઉપર આ વીડિયો 2.2 કરોડ કરતાં વધુ વખત જોવાયો છે.
તે કોમેડી શો હોવા છતાં તે આજના સમયમાં લોકોમાં વધી રહેલા ટ્રેન્ડ પર પ્રકાશ પાડે છે.
ઘણાં લોકો હવે ડૉક્ટરની સલાહ લીધા વિના જ મેલાટોનિનની ગોળીઓ તથા મેગ્નેશિયમ સ્લીપ સ્ટ્રિપ્સ જેવી નિદ્રા સંબંધિત દવાઓનું સેવન કરી રહ્યા છે.
આ દવાઓ સ્ટોર પર અને ઑનલાઇન સરળતાથી મળી રહે છે અને સામાન્યપણે તે સસ્તી હોય છે. આ દવાઓ "વેલનેસ સપ્લિમેન્ટ્સ" અથવા "ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ" તરીકે વેચાતી હોવાથી તેમના વેચાણના નિયંત્રણના નિયમો એટલા કડક નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના મત પ્રમાણે, ન્યુટ્રાસ્યૂટિકલ્સ એ ખાદ્ય સ્રોતોમાંથી મેળવવામાં આવતાં ઉત્પાદનો છે, જે આરોગ્ય માટે લાભદાયી છે અને બીમારી નિવારવામાં કે તેના ઉપચારમાં પણ સહાયરૂપ બને છે.
મેલાટોનિન શું છે?
નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના જણાવ્યા પ્રમાણે, મેલાટોનિન એ પિનીયલ ગ્રંથિ તરીકે ઓળખાતા મગજના એક નાના ભાગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું કુદરતી હોર્મોન છે. આ હોર્મોન આપણા સૂવા-જાગવાના ચક્રનું નિયમન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
જ્યારે અંધારું થાય, ત્યારે પિનીયલ ગ્રંથિ વધુ મેલાટોનિન ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રકાશ થાય, ત્યારે તેનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. આ ફેરફાર શરીરને ક્યારે આરામ કરવો અને ક્યારે સૂવા માટેની તૈયારી કરવી, તેની સમજ મેળવવામાં મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરળ શબ્દોમાં કહીએ તો, મેલાટોનિન તમારા શરીરને - ક્યારે રાત પડી છે અને ક્યારે સૂવાનો સમય છે - તે જાણવામાં મદદ કરે છે.
એ સમજવું જરૂરી છે કે, મેલાટોનિન તમને સૂવાની ફરજ નથી પાડતું. બલ્કે, તે શરીરને સંકેત આપે છે કે, હવે સૂવાનો સમય છે.
મેલાટોનિનના ઉપયોગ વિશે નિષ્ણાતો શું કહે છે?
મેલાટોનિનનો ઉપયોગ આરોગ્યના ઘણા લાભો માટે કરવામાં આવે છે. તે જેટ લેગને કારણે શરીરની બાયોલૉજિકલ ઘડિયાળમાં થતી ગડબડને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને સાથે જ મગજમાં પહોંચતી ઈજા, ન્યૂરોડિજનરેટિવ બીમારીઓ (મસ્તિષ્ક સંબંધિત બીમારીઓ) અને માઇગ્રેન જેવી સ્થિતિમાં પણ તે ઉપયોગમાં લેવાય છે.
મેલાટોનિન દવા સહેલાઈથી ખરીદી શકાય છે, કારણ કે તેની આડઅસરો ઘણી ઓછી છે.
આ દવા ઘણી વખત પ્રિસ્ક્રિપ્શન વિના પણ મળી રહે છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે, ઊંઘની સમસ્યાનો તે કાયમી ઉકેલ નથી.
વરિષ્ઠ મનોચિકિત્સક ડૉક્ટર સંયમ ગુપ્તા જણાવે છે, "ભારતમાં, 18 વર્ષ કરતાં વધુ વયના લોકો માટે 10 મિલીગ્રામ સુધીના ડોઝની છૂટ છે."
"પરંતુ, તે એક ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ હોવાથી ઘણાં લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના કે પછી સાચા ડોઝ વિશે જાણકારી મેળવ્યા વિના જ તેની ખરીદી કરે છે."
તેમણે કહ્યું હતું કે, ટૂંકમાં, મેલાટોનિન સહેલાઈથી મળી રહે છે અને સલામત જણાય છે, પણ નિષ્ણાતો લોકોને તકેદારી રાખવાનો અનુરોધ કરે છે. યોગ્ય માર્ગદર્શન વિના તેને લેવાથી કે ખોટો ડોઝ લેવાથી જોખમ તોળાઈ શકે છે.
મેલાટોનિનના વધુ પડતા વપરાશથી શું જોખમ હોઈ શકે છે?
ડૉક્ટર સંયમ ગુપ્તા ચેતવણી ઉચ્ચારે છે કે, ઊંઘવાની દવાનું નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રમાણમાં સેવન કરવાથી દિવસના સમયે વધુ પડતી ઊંઘ આવી શકે છે. ખાસ કરીને વાહન ચાલકો કે ભારે મશીનરી ચલાવનારા લોકો માટે તે ખતરનાક છે, કારણ કે, તેઓ સંપૂર્ણપણે સતર્ક નથી રહી શકતા.
સાથે જ તેમણે કહ્યું હતું કે, દવાઓ તથા પોષણલક્ષી ઉત્પાદનોના વેચાણ અંગે યોગ્ય નિયમન હોવું જોઈએ.
અન્યથા, લોકો જોખમો જાણ્યા વિના જ તેમનું સેવન કરી શકે છે અને અજાણતાં જ તેમના શરીરમાં હાનિકારક પદાર્થોનું સ્તર વધારી શકે છે.
દયાનંદ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઑફ એન્ડોક્રાઇનોલૉજીના વડા ડૉક્ટર નવીન મિત્તલે પણ આ જ મુદ્દા પર ભાર મૂક્યો હતો.
તેઓ કહે છે કે, કોઈ વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ પ્રકારની દવા લેવી જોઈએ નહીં અને તે "સોનેરી નિયમ" ગણાવો જોઈએ.
મેલાટોનિન સલામત ગણાતી હોવા છતાં તેનું અતિશય સેવન કરવાથી વધુ પડતી ઊંઘ આવી શકે છે.
તે ઉપરાંત માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓ ધરાવતા લોકો ઉપર તેની નકારાત્મક અસર પણ પડી શકે છે.
ડૉક્ટર સંયમ ગુપ્તા જણાવે છે, "દુકાનોમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવાઓનો દુરુપયોગ થતો અટકાવવા માટે કડક નિયમો હોવા જોઈએ. વળી, આ દવાઓના પૅકેજિંગમાં પણ પરિવર્તન આવવું જોઈએ."
ઊંઘમાં સુધારો લાવવા માટેના માર્ગો
બીબીસી સાથે વાત કરનારા નિષ્ણાતોએ ઊંઘમાં સુધારો લાવવા માટેના કેટલાક સરળ અને કુદરતી રસ્તા વિશે પણ વાત કરી હતી. તે ઉપાયો આ પ્રમાણે છેઃ
સૂવા માટેનો ચોક્કસ સમય નક્કી કરી દોઃ રોજ એક જ સમયે સૂવા જાઓ અને સમાન સમયે જ ઊઠો. તેનાથી તમારા શરીરને રૂટિન અનુસરવામાં મદદ મળી રહેશે.
પથારીનો ઉપયોગ માત્ર સૂવા માટે જ કરો: કામ કરતી વખતે કે લેપટોપનો ઉપયોગ કરતી વખતે પથારીમાં બેસવાનું ટાળવું. તમારું મગજ પથારીને આરામ અને સુવિધા સાથે સાંકળે છે, તણાવ સાથે નહીં.
20 મિનિટનો નિયમઃ જો તમને ઉંઘ ન આવતી હોય, તો પથારીમાં જાગતા પડ્યા રહેવાને બદલે ઊભા થઈને થોડી વાર ચાલવાનો પ્રયત્ન કરો.
કશુંક કંટાળાજનક વાંચોઃ ખાસ રસપ્રદ ન હોય, તેવું લખાણ વાંચવાથી તમારું મન શાંત થઈ શકે છે અને તમને ઊંઘવામાં મદદ મળી શકે છે.
કેફેઇનના સેવનથી દૂર રહોઃ સાંજના સમયે ચા, કૉફી કે સૉફ્ટ ડ્રિન્ક જેવાં પીણાંથી દૂર રહો, કારણ કે, તેના સેવનથી તમે લાંબા સમય સુધી જાગતા રહેશો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન