કૅન્સરની સારવારમાં કીમોથેરાપી કરતાં ઇમ્યુનોથેરાપીનો ઉપયોગ કેમ અસરકારક છે?

    • લેેખક, સઇદ ઉઝમાન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

કૅન્સરની સારવાર દાયકાઓથી મોટાભાગે સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરપી એવા ત્રણ સ્તંભો પર આધારિત રહી છે.

હવે ઇમ્યુનોથેરાપી નામની કૅન્સરની સારવારની નવી પદ્ધતિ વિશે ડૉક્ટર્સ વિચારતા થયા છે.

મુંબઈ નજીકના થાણેની જ્યુપિટર હૉસ્પિટલનાં મેડિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. ચેતના બક્ષીએ કહ્યું હતું કે "ઇમ્યુનોથેરાપી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં મોટા પાયે અપનાવવામાં આવી રહી છે."

એક સદીથી વધુ સમય સુધીના સંશોધન પછી ભારતમાં ઘણા પ્રકારનાં કૅન્સરની સારવાર માટે ઇમ્યુનોથેરાપીનો ઉપયોગ વધી રહ્યો છે.

આ સારવાર પદ્ધતિ વધુ ટાર્ગેટેડ ટ્રીટમેન્ટની શક્યતા તથા કેટલાક દર્દીઓમાં ઓછી આડઅસરો ઑફર કરે છે અને ચોક્કસ કિસ્સામાં લાંબા સમય સુધી કૅન્સરને નિયંત્રણમાં રાખી શકે છે.

કીમોથેરાપીમાં ઝડપથી વિભાજિત થતા કૅન્સરના કોષો પર સીધું આક્રમણ કરવામાં આવે છે અને તેમાં ઘણીવાર સ્વસ્થ કોષોને પણ નુકસાન થાય છે.

તેનાથી વિપરીત ઇમ્યુનોથેરાપી શરીરની અંદર પોતાની રોગપ્રતિકારક શક્તિને કૅન્સરની ભાળ મેળવવામાં અને લડવામાં મદદ કરે છે.

જોકે, ડૉક્ટરો તેને ચમત્કારિક ઉપચાર ગણવા સામે ચેતવણી આપે છે. તેની સફળતાનો વ્યાપક આધાર કૅન્સરના પ્રકાર, દર્દીના સ્વાસ્થ્ય અને રોગના જીવવિજ્ઞાન પર હોય છે.

કીમોથેરાપીથી કઈ રીતે અલગ છે ઇમ્યુનોથેરાપી?

કીમોથેરાપીમાં ઝડપથી વિભાજિત થતા કૅન્સરના કોષોને મારવા માટે દવાઓના ઉપયોગ વડે કામકાજ થાય છે.

કીમોથેરાપી શરીરમાં ઝડપથી વિકસતા સ્વસ્થ કોષોને પણ અસર કરે છે, જેના કારણે વાળ ખરવાનું, ઉબકાનું, થાક લાગવાનું અને ચેપનું જોખમ વધી શકે છે.

વેદાંત મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશનનાં મેડિકલ ડિરેક્ટર ડૉ. ભાવના સિરોહીએ કહ્યું હતું કે "કીમોથેરાપી કૅન્સરના કોષોને મારી નાખે છે, પરંતુ તે ઝડપથી વિભાજિત થતા તમામ કોષો પર પણ કામ કરતી હોવાથી તેની અસર શરીરના સામાન્ય કોષોને પણ થાય છે. તેથી જ કીમોથેરાપીની ઘણી આડઅસરો હોય છે."

ઇમ્યુનોથેરાપી અલગ રીતે કામ કરે છે.

કૅન્સર પર સીધો હુમલો કરવાને બદલે તે રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અથવા મજબૂત બનાવે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ કૅન્સરના કોષોને ઓળખી શકે અને તેનો નાશ કરી શકે.

ડૉ. સિરોહીએ કહ્યું હતું કે "ઇમ્યુનોથેરાપી શરીરની રોગપ્રતિકારક શક્તિને કૅન્સરના કોષોને ઓળખવાની અને તેને દૂર કરવાની તાલીમ આપે છે."

સરળ શબ્દોમાં કહીએ તો કીમોથેરાપી કૅન્સર પર સીધો હુમલો કરે છે, જ્યારે ઇમ્યુનોથેરાપી શરીરને એવો હુમલો કરવામાં મદદ કરે છે.

આડઅસરો શું છે?

ડૉક્ટર્સના કહેવા મુજબ, ઇમ્યુનોથેરાપી સામાન્ય રીતે કીમોથેરાપી કરતાં ઓછી પરંપરાગત આડઅસરો પેદા કરે છે, પરંતુ તેમાં કેટલાંક જોખમો જરૂર છે, કારણ કે એકેય દવા આડઅસર વિનાની હોતી નથી.

ઇમ્યુનોથેરાપી રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરતી હોવાથી તે ક્યારેક શરીરને સ્વસ્થ અવયવો પર પણ હુમલો કરવા પ્રેરિત કરી શકે છે.

ડૉ. સિરોહીના કહેવા મુજબ, "કોઈ દવા આડઅસર વિનાની હોતી નથી. કીમોથેરાપીની આડઅસરો હોય છે પરંતુ ઇમ્યુનોથેરાપીની હોતી નથી, એવું કહેવું ખોટું છે. બંનેમાં આડઅસરો થાય છે."

ડૉ. બક્ષીના મતાનુસાર, "ઇમ્યુનોથેરાપી શરીરના પોતાના રોગપ્રતિકારક કોષોને કૅન્સર પર હુમલા માટે સક્રિય કરીને કામ કરે છે, પરંતુ ક્યારેય આ રોગપ્રતિકારક કોષો વધુ પડતા સક્રિય થઈ શકે છે અને સામાન્ય કોષો પર, ખાસ કરીને થાઇરૉઇડ અથવા એડ્રેનલ ગ્રંથીઓ જેવા હોર્મોન ઉત્પન્ન કરતાં અંગોને, અસર કરી શકે છે. તેનાથી હાઇપોથાઇરૉડિઝમ, સ્ટીરૉઇડના ઓછા સ્તર, સોડિયમના ઓછા સ્તર અને થાક જેવી આડઅસરો સર્જાઈ શકે છે."

ઇમ્યુનોથેરાપી કેવી રીતે કામ કરે છે?

ઇમ્યુનોથેરાપીના બે સૌથી જાણીતા સ્વરૂપ CAR T-સેલ થેરાપી અને ઇમ્યુન ચેકપોઇન્ટ ઇન્હિબિટર છે.

CAR T-સેલ થેરાપી

CAR T-સેલ થેરાપી હાલમાં મુખ્યત્વે કેટલાંક બ્લડ કૅન્સર માટે ઉપયોગમાં લેવાતી ખૂબ જ વ્યક્તિગત સારવાર છે.

ડૉક્ટર્સ દર્દીના ટી સેલ્સ કાઢે છે. આ કોષો અત્યંત ચોક્કસ રોગપ્રતિકારક કોષો છે, જે ચોક્કસ પ્રકારના આક્રમણકર્તાઓને ખતમ કરી નાખે છે. કૅન્સરના કોષોને વધુ સારી રીતે ઓળખવા માટે પ્રયોગશાળામાં તેમને જેનેટિકલી મોડિફાય કરવામાં આવે છે અને પછી દર્દીના શરીરમાં પાછા દાખલ કરવામાં આવે છે.

આ ઍન્જિનિયર્ડ સેલ્સ પછી કૅન્સરને વધુ અસરકારક રીતે ઓળખી શકે છે અને તેના પર હુમલો કરી શકે છે.

હાલમાં આ ઉપચારનો ઉપયોગ બ્લડ કૅન્સરની સારવાર માટે કરવામાં આવે છે.

ઇમ્યુન ચેકપૉઇન્ટ ઇન્હિબિટર્સ શું છે

બીજી મુખ્ય શ્રેણી રોગપ્રતિકારક ચેકપૉઇન્ટ અવરોધકો છે, જે હાલમાં ઇમ્યુનોથેરાપીનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સ્વરૂપ છે.

કૅન્સરના કોષો ક્યારેક મોલેક્યુલર 'ઑફ્ફ સ્વીચ' સક્રિય કરીને રોગપ્રતિકારક તંત્રથી બચી શકે છે. આ સ્વીચ રોગપ્રતિકારક કોષોને હુમલો ન કરવા જણાવે છે.

ચેકપોઇન્ટ અવરોધકો દવાઓ આ સ્વીચોને અવરોધે છે, રોગપ્રતિકારક તંત્રને સક્રિય રાખવામાં મદદ કરે છે.

આ દવાઓ કૅન્સરના ખતરાને ઓળખવામાં અને તેના પર હુમલો કરવામાં ટી-સેલ્સને મદદ કરે છે.

આ નાવીન્યસભર સારવારના શોધક વિજ્ઞાનીઓને 2018માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ દવાઓ હવે ઘણાં પ્રકારનાં કૅન્સરમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ફેફસાંનાં કૅન્સર, સર્વાઇકલ કૅન્સર અને કેટલાંક કોલોરેક્ટલ કૅન્સર જેવા કૅન્સર્સની સારવારમાં આ દવાઓનો ઉપયોગ ભારત સહિત વિશ્વભરમાં કરવામાં આવી રહ્યો છે.

અલબત, ઇમ્યુનોથેરાપી બધા કૅન્સરમાં સમાન રીતે અસરકારક નથી.

ડૉ. સિરોહીએ કહ્યું હતું કે "મગજ અને સ્તનનાં કૅન્સર જેવાં કેટલાંક કૅન્સરમાં ઇમ્યુનોથેરાપી સારી રીતે કામ કરતી નથી. તે લીવરનાં કૅન્સરમાં કામ કરી શકે છે, પરંતુ ફેફસાનાં કૅન્સર, સર્વાઇકલ કૅન્સર અથવા એમએસઆઈ હાઈ કોલોરેક્ટલ કૅન્સર અને ત્વચાનાં કૅન્સરમાં એટલી અસરકારક નથી."

"મેં કહ્યું તેમ, ઇમ્યુનોથેરાપી કેટલાંક પ્રકારનાં કૅન્સરમાં વધુ અસરકારક છે અને અન્યમાં ઓછી અસરકારક છે."

ઇમ્યુનોથેરાપી કૅન્સરનો ઇલાજ છે?

ડૉક્ટર્સ જણાવે છે કે ઇમ્યુનોથેરાપીને ખાતરીપૂર્વકનો ઇલાજ અથવા કામચલાઉ રાહતની સારવાર ગણાવવી તે ગેરમાર્ગે દોરનારું છે.

કેટલાંક કૅન્સરમાં આ થેરાપી ઇલાજના દરમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે અથવા રોગને લાંબા સમય સુધી નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

ડૉ. સિરોહીએ કહ્યું હતું કે "ઇમ્યુનોથેરાપી કેટલાંક કૅન્સરમાં ક્યોર રેટ વધારે છે. તેથી ઇમ્યુનોથેરાપીથી કૅન્સર મટી જાય છે કે નથી મટતું એવું વ્યાપકપણે કહી શકાય નહીં."

"તેનો આધાર કૅન્સરની બાયૉલૉજી અને દર્દીની એકંદર સ્થિતિ પર હોય છે."

કોઈ દર્દીને ઇમ્યુનોથેરાપી આપવી જોઈએ કે કેમ તે કૅન્સરના ટ્યુમરનાં પ્રકાર, તબક્કા અને સ્થાન જેવાં પરિબળો પર પણ આધારિત હોય છે.

"દરેક દર્દીને ઇમ્યુનોથેરાપી આપી શકાતી નથી," એમ ડૉ. સિરોહીએ કહ્યું હતું.

"તેનાથી 70 ટકા, 100 ટકા કે 20 ટકા લાભ થઈ શકે છે, પરંતુ એ બધાનો આધાર કૅન્સરના પ્રકાર, તેની બાયૉલૉજી અને દર્દી કેટલો સ્વસ્થ છે તેના પર હોય છે."

લખનૌની કમાન્ડ હૉસ્પિટલના મેડિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. મનજીત અહલાવતના જણાવ્યા અનુસાર, "જે દર્દીઓ ઇમ્યુનોથેરાપીને પ્રતિભાવ આપે છે તેમનો રિસ્પોન્સ ખૂબ ટકાઉ હોય છે."

ભારતમાં ઇમ્યુનોથેરાપીનો ખર્ચ કેટલો થાય?

ઇમ્યુનોથેરાપીનો ભારે ખર્ચ સૌથી મોટા અવરોધકો પૈકીનો એક છે.

પરંપરાગત કીમોથેરાપી કરતાં ઇમ્યુનોથેરાપી નોંધપાત્ર રીતે વધુ ખર્ચાળ છે. તેમાં કુલ ખર્ચનો આધાર કૅન્સરના પ્રકાર, દવાઓ અને સારવારના સમયગાળા પર હોય છે.

ડૉક્ટરોના કહેવા મુજબ, કેટલાક કિસ્સામાં સારવાર એકથી બે વર્ષ સુધી ચાલુ રહી શકે છે.

સારવારનો કુલ ખર્ચ બેથી ત્રણ લાખ રૂપિયાથી શરૂ કરીને 30-40 લાખ રૂપિયા સુધીનો થઈ શકે છે.

કેટલીક દવાઓની પ્રતિ ડોઝ કિંમત લાખો રૂપિયાની હોય છે. ડૉ. સિરોહીએ કહ્યું હતું કે "એક દવાની કિંમત ચાર લાખ રૂપિયા હોય અને દર્દીને 17 ડોઝની જરૂર હોય તો તેમને મોટો ખર્ચ થઈ શકે છે."

"જોકે, કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ દર્દી સહાય યોજના ચલાવે છે. કેટલાક કિસ્સામાં દર્દીને 17 ડોઝની જરૂર હોય તો તેને આઠ ડોઝ મફતમાં મળી શકે છે."

આવી યોજનાઓ અમલમાં હોવા છતાં ભારતમાં પોસાણક્ષમતા એક મોટો પડકાર છે. ભારતમાં ઘણા દર્દીઓ કૅન્સરની સારવાર માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચે છે.

કૅન્સરની સારવારનું ભવિષ્ય છે ઇમ્યુનોથેરાપી?

ઇમ્યુનોથેરાપી, કીમોથેરાપી અથવા રેડિયોથેરાપીનું સ્થાન લઈ રહી નથી. આ ઉપચાર પદ્ધતિ કૅન્સરની સારવારમાં વધારાનો એક મહત્ત્વપૂર્ણ વિકલ્પ બની રહી છે.

બહેતર પરિણામ મેળવવા માટે ડૉક્ટર્સ ઇમ્યુનોથેરાપીને કીમોથેરાપી, સર્જરી અથવા રેડિયેશન સાથે વધુને વધુ સાંકળી રહ્યા છે.

ડૉ. અહલાવતના કહેવા મુજબ, "ઇમ્યુનોથેરાપીને કીમોથેરાપી સાથે જોડવામાં આવે છે ત્યારે ઘણી બીમારીઓમાં બહેતર રિસ્પોન્સ મળે છે."

"અમે સામાન્ય રીતે 'રોગમુક્તિ' શબ્દનો ઉપયોગ કરતા નથી," ડૉ. બક્ષીએ કહ્યું હતું.

"અલબત, અમે જોયું છે કે ઇમ્યુનોથેરાપી કેટલાક દર્દીઓના એકંદર જીવનમાં સર્વગ્રાહી સુધારો કરે છે. દાખલા તરીકે, મારી પાસે મેટાસ્ટેટિક કૅન્સરના એવા દર્દીઓ છે, જેમણે ઇમ્યુનોથેરાપી લીધી હતી. તેઓ 10 વર્ષ પછી પણ જીવંત છે. હું હજુ પણ તેને રોગમુક્તિ કહેતાં ખચકાઇશ, કારણ કે આ રોગ ફરી ઉથલો મારશે કે કેમ? તેની અમને ખબર નથી. ચોક્કસ કિસ્સામાં આ થેરાપી જીવન લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે," એમ તેમણે ઉમેર્યું હતું.

સંશોધકો નવી ઇમ્યુનોથેરાપી દવાઓ અને ટેસ્ટિંગ કૉમ્બિનેશન્શ વિકસાવી રહ્યા છે, જેથી ક્યા દર્દીને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે તે જાણી શકાય.

ઇમ્યુનોથેરાપી કોઈ રામબાણ ઇલાજ નથી, પરંતુ જે દર્દીઓ પર તેની સારી અસર થાય છે તેમના માટે કૅન્સરનાં નિદાનનો અર્થ બદલાઈ જરૂર રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન