'મારા શિશ્નનો 30 ટકા ભાગ કાઢી નાખ્યો અને મારો જીવ બચી ગયો'

    • લેેખક, કેથરિન લિસ્ટ
    • પદ, બીબીસી સ્કૉટલૅન્ડ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

એલિસ્ટર મુનરોએ જોયું કે તેમના શિશ્ન પરનો એક નાનો ગઠ્ઠો મોટો થવા લાગ્યો છે ત્યારે તેમને શંકા પડી હતી કે તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.

તેમણે લગભગ છ સપ્તાહ સુધી ડૉક્ટર પાસે જવાનું ટાળ્યું હતું, પરંતુ ડૉક્ટરે તેને જોતાં જ કહ્યું હતું કે તે કૅન્સર હોવાની શક્યતા છે.

49 વર્ષના એલિસ્ટર કહે છે, "એ કહેવું ખૂબ જ હિંમતભર્યું હતું. હું ચોંકી ગયો હતો. તેમણે ખાતરીપૂર્વક કહ્યું ન હતું, પરંતુ તેમને લાગ્યું હતું કે તે કૅન્સર છે."

"એક સપ્તાહ પછી રેગમોરના યુરોલૉજિસ્ટે પણ એવું જ કહ્યું હતું. પછી બાયોપ્સી કરાવવાનો એકમાત્ર વિકલ્પ હતો."

ઇન્વરનેસના કન્સ્ટ્રક્શન એન્જિનિયર એલિસ્ટરને ગઠ્ઠો નિહાળ્યાના ત્રણ મહિના પછી તે કૅન્સર હોવાની પુષ્ટિ થઈ હતી. આ એક એવી દુર્લભ સ્થિતિ છે, જે સ્કૉટલૅન્ડમાં દર વર્ષે ફક્ત 80થી 90 પુરુષોમાં અને સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમમાં 700 પુરુષોમાં જોવા મળે છે.

(આ સ્ટોરીમાં સર્જરીનું વર્ણન છે)

એલિસ્ટરે બીબીસી સ્કૉટલૅન્ડ ન્યૂઝને કહ્યું કે "મને ખૂબ જ આઘાત લાગ્યો હતો, પણ મને ખાતરી હતી કે તે કૅન્સર છે."

"મેં આ પ્રકારના કૅન્સર વિશે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. એ પછી પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ હતી."

સીટી સ્કેનથી પુષ્ટિ થઈ હતી કે કૅન્સર ફેલાઈ રહ્યું છે.

એલિસ્ટરની સર્જરીનું ફિલ્માંકન બીબીસીની કૅમેરા ક્રૂએ કર્યું હતું. સાત કલાકના જટિલ ઑપરેશનમાં ગાંઠ અને એલિસ્ટરના શિશ્નનો 30 ટકા હિસ્સો દૂર કરાયો હતો.

કૅન્સર એલિસ્ટરના જંઘામૂળમાં લસિકા ગાંઠો સુધી ફેલાઈ ગયું હતું. તેથી તેને દૂર કરવું પડ્યું હતું. એ પછી એલિસ્ટરના શિશ્નને તેમની જાંઘમાંથી સ્કિન ગ્રાફ્ટ દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું હતું.

મૂળ કિગુસીના રહેવાસી એલિસ્ટરની પહેલી સર્જરીના છ સપ્તાહ પછી બીજી વખત સર્જરી કરવામાં આવી હતી અને પહેલી સર્જરી બાદ થોડી માત્રામાં રહી ગયેલી ગાંઠને સાડા ત્રણ કલાકની સર્જરીમાં કાઢવામાં આવી હતી.

કૅન્સર એલિસ્ટરના પેલ્વિક વિસ્તારમાં ફેલાય તેવી 50 ટકા શક્યતા હતી.

એલિસ્ટર કહે છે, "શરીરની અંદર તપાસ ન કરવામાં આવે ત્યાં સુધી ડૉક્ટરો કહી શકતા નથી કે બીજો હિસ્સો કૅન્સરગ્રસ્ત છે કે નહીં. તેઓ કૅન્સરગ્રસ્ત ગાંઠને કાપીને તપાસે છે. મૂળભૂત રીતે તેઓ તમારા શરીરમાં તરતપાસ કરે છે."

"કૅન્સરનો છેડો ન મળે ત્યાં સુધી તેઓ એ કામ ચાલુ રાખે છે. તે બહુ પ્રાચીન લાગે, પરંતુ તેઓ એવું કરતા હોય છે."

એ પછી એલિસ્ટરે એક મહિના સુધી રેડિયોથૅરપી લીધી હતી અને ફેબ્રુઆરીમાં તેમને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા.

એલિસ્ટર હાલમાં યોગ્ય રીતે સેક્સ કે પેશાબ કરી શકતા નથી, કારણ કે સર્જરી અને રેડિયોથૅરપીના કૉમ્પ્લિકેશનને લીધે તેમને લિમ્ફેડેમા થયો છે. તેમાં ત્વચા પર સોજો આવી જાય છે.

આ સમસ્યાના નિવારણ માટે એલિસ્ટર લગભગ એક વર્ષમાં રિકન્સ્ટ્રક્ટિવ પ્લાસ્ટિક સર્જરી કરાવે તેવી શક્યતા છે.

તેમને ચેતવણી આપવામાં આવી છે કે કૅન્સર બે વર્ષમાં ફરી ઊથલો મારે તેવી શક્યતા વધુ છે.

'કોઈને ગાંઠ દેખાય અથવા શિશ્નોત્થાન કે લોહીની સમસ્યા હોય તો તેણે તરત જ તપાસ કરાવવી જોઈએ'

પોતાને થયેલા કૅન્સર વિશે પરિવારજનોને જણાવવાનું એલિસ્ટરને મુશ્કેલ જણાયું હતું, કારણ કે તે એક એવું કૅન્સર હતું, જેના વિશે ઘણા લોકોએ સાંભળ્યું ન હતું.

તેમણે પરિવારજનોને એવું જણાવવું પડ્યું હતું કે તેમની સર્જરીનું ફિલ્માંકન બીબીસી ડૉક્યુમેન્ટર શ્રેણી માટે કરવામાં આવ્યું છે.

"તેનો હેતુ પુરુષોને થતા કૅન્સર વિશે જાગૃતિ લાવવાનો છે," એમ એલિસ્ટર કહે છે.

"કોઈ પુરુષના શિશ્નમાં ગડબડ હોય અને ડૉક્ટર પાસે જવા માટે તેઓ ખૂબ શરમ અનુભવતા હોય તો તેઓ આ કાર્યક્રમ નિહાળે અને કહે કે મારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મૂળભૂત રીતે આનો હેતુ એ જ છે."

"તે ઓળખવું ખૂબ મુશ્કેલ છે. તેનાં લક્ષણો ખૂબ સામાન્ય હોય છે. તે તમારા શિશ્ન પર એક નાના ડાઘ સ્વરૂપે પણ હોઈ શકે છે."

"કોઈને ગાંઠ દેખાય અથવા શિશ્નોત્થાન કે લોહીની સમસ્યા હોય તો તેણે તરત જ તપાસ કરાવવી જોઈએ."

એલિસ્ટરના શિશ્નની ટોચ પર એક ગાંઠ હતી. તે પીડાદાયક ન હતી, પરંતુ સતત મોટી થતી હતી અને એક સમયે તેમાં લોહી દેખાયું હતું.

એડિનબર્ગની વેસ્ટર્ન જનરલ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ યુરોલૉજિકલ સર્જન સીજે શુક્લે એલિસ્ટરની સર્જરી કરી હતી.

આ હૉસ્પિટલ સ્કૉટલૅન્ડનાં માત્ર બે કેન્દ્રો પૈકીનું એક છે, જ્યાં પુરુષોના ખૂબ જ દુર્લભ કૅન્સરની સારવાર કરવામાં આવે છે.

એલિસ્ટરે કાર્યક્રમનો પ્રીવ્યૂ જોઈ લીધો છે.

"સંપૂર્ણપણે પ્રમાણિકતાથી કહેવું ખૂબ જ ભયાનક હતું, એ મારે સ્વીકારવું પડશે. મને ખૂબ જ રક્તસ્રાવ થયો હતો, એવું કાર્યક્રમમાં જોવા મળ્યું. એ નિહાળ્યું ત્યારે મેં કહેલું કે આ વિશે તો મને કોઈએ કહ્યું જ નથી."

"જોકે, મારા સર્જને કહ્યું કે એવું કંઈ નથી કે તે કાયમ થયા જ કરે."

સાડા પાંચ મહિના પછી કામ પર પાછા ફરેલા એલિસ્ટર સ્વીકારે છે કે વિષયવસ્તુ ભલે લોહિયાળ હોય, પરંતુ કાર્યક્રમ પ્રસારિત થશે ત્યારે તેઓ તેમની સર્જરીને ફરીથી નિહાળશે.

તેઓ કહે છે, "હું સર્જનો અને એડિનબર્ગ વેસ્ટર્ન જનરલના તમામ કર્મચારીઓ તેમજ ડિસ્ટ્રિક્ટ નર્સિસનો આભાર માનું છું."

"મને અવિશ્વનીય સારવાર મળી હતી. હું તેમાં કોઈ ખામી કાઢી શકતો નથી. હું નૅશનલ હેલ્થ સર્વિસનો પણ આભાર માનું છું."

"મૂળભૂત રીતે ડૉ. શુક્લાએ મારો જીવ બચાવ્યો."

'અત્યંત વ્યક્તિગત'

14 વર્ષથી કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત્ ડો. શુક્લાના જણાવ્યા મુજબ, યુનાઇટેડ કિંગ્ડમમાં પેનાઇલ કૅન્સરનું સૌથી વધુ પ્રમાણ સ્કૉટલૅન્ડમાં છે.

તેઓ કહે છે, "2030થી 2040 સુધીમાં તેમાં વધારો થવાનો અંદાજ છે. તેથી એ દર્દીઓની સંભાળ રાખવા માટે આપણે તૈયાર રહેવું પડશે."

"બે કે ત્રણ મહિના સુધી કશું જ કરે અને પછી ડૉક્ટરને દેખાડે એવા દર્દીઓ ઘણા જોવા મળે છે."

તેમના કહેવા મુજબ, ઘણી દર્દીઓએ પેનાઇલ કૅન્સર કે પ્રોસ્ટેટ કૅન્સર વિશે પણ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું. પ્રોસ્ટેટ કૅન્સર બાબતે જાગૃતિ વધારે હોય છે. પુરુષો શરમને કારણે મદદ મેળવવાથી દૂર રહે છે.

તેમના જણાવ્યા અનુસાર, જનરલ પ્રેક્ટિશનર પણ કૅન્સરને યીસ્ટ ઇન્ફેક્શન થ્રશ ગણીને તેનું ખોટું નિદાન કરી શકે છે અને સારવારના ઘણા સપ્તાહ પછી દર્દીને હૉસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

સામાન્ય રીતે પહેલાં તો તેમને સ્થાનિક હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એ પછી જ કોઈ સ્પેશિયાલિસ્ટ સેન્ટરમાં તેમને પ્રવેશ મળે છે.

ડૉ. શુક્લા કહે છે, "પુરુષો માટે ઝડપી કાર્યવાહી કરવી મહત્ત્વપૂર્ણ છે."

"સવાલ એ છે કે બાકીના યુનાઇટેડ કિંગ્ડમ કરતાં આપણે ત્યાં આ કૅન્સરનું પ્રમાણ વધારે કેમ છે?"

તેઓ જણાવે છે કે જોખમી પરિબળોમાં ધૂમ્રપાન, સ્થૂળતા, સ્વચ્છતા અને હ્યુમન પેપિલોમાવાઇરસ (એચપીવી)નો સમાવેશ થાય છે. તેમાંથી ઘણા સામાજિક વંચિતતા સાથે સંકળાયેલા હોઈ શકે છે.

જોકે, કોઈ પણ વ્યક્તિને આવું કૅન્સર થઈ શકે છે. તેની વય કે સામાજિક પૃષ્ઠભૂમિ ભલે ગમે તે હોય, એમ તેઓ જણાવે છે. તેઓ માને છે કે સ્કૉટલૅન્ડને પીડિતો માટે વધારે નર્સ પ્રેક્ટિશનર્સ અને માનસિક સહાયની જરૂર છે.

ડૉ. શુક્લા પહેલી વાર આ ટીવી શ્રેણીમાં દેખાયા છે.

તેઓ કહે છે, "મારા માટે પ્રેરક બળ એ હતું કે કોઈ દર્દીઓ તેમની કથા શૅર કરવા તૈયાર છે કે કેમ. એલિસ્ટરે તેમની કથા જાહેર કરવાની હિંમત દેખાડી છે, કારણ કે તે અત્યંત વ્યક્તિગત છે."

"મૂળ વાત પોતાની સ્ટોરી શૅર કરવાની છે, જેથી અન્ય પુરુષો તેનો લાભ લઈ શકે."

('સર્જન્સ: ઍટ ધ એજ ઓફ લાઇફ' બુધવારે 21:00 વાગ્યે બીબીસી ટુ પર, સોમવાર 11 મેના રોજ 21:00 વાગ્યે બીબીસી સ્કૉટલૅન્ડ પર પ્રસારિત થશે અને પછી બીબીસી આઇપ્લેયર પર ઉપલબ્ધ થશે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન