You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને બીક છે કે તેને ક્યાંક તાવ ન આવી જાય', રોગચાળો ફાટી નીકળતાં માતાપિતાને ચિંતા કે ફરી રસી અપાવવી કે નહીં
- લેેખક, મુકિમુલ અહસાન
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઢાકાના રામપુરામાં રહેતાં ફરઝાના અખ્તરને બે બાળકો છે, મોટો પુત્ર સાત વર્ષનો છે અને નાની દીકરી ચાર વર્ષની છે. તેમણે બંને બાળકોના જન્મ બાદ તેમને તમામ રસીઓ નિયમિતપણે આપી હતી, જેનો અર્થ એ કે બાળકોએ ઓરીની રસીના બે ડોઝ પણ મેળવ્યા હતા.
બાંગ્લાદેશમાં ગત માર્ચ મહિનાથી ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ઓરીના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં દૈનિક ધોરણે સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમિત લોકોની વધી રહેલી સંખ્યાને કારણે હૉસ્પિટલો પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
આવી સ્થિતિમાં પાંચમી એપ્રિલથી ઓરીના રસીકરણનો દેશવ્યાપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, રામપુરામાં રહેતાં ફરઝાના અખ્તર અવઢવમાં છે કે બંને બાળકોને ફરી રસી મુકાવવી કે નહીં.
ફરઝાનાએ બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું, "મારી ચાર વર્ષની દીકરીને ઓરીના બે ડોઝ સમય પર અપાયા છે. મને હવે ચિંતા સતાવી રહી છે કે તેને રસીનો વધુ એક ડોઝ આપવો કે નહીં, કારણ કે મને બીક છે કે ફરી વખત રસી આપવાથી તેને ક્યાંક તાવ ન આવી જાય."
સરકારે રસીકરણનો જે કાર્યક્રમ શરૂ કર્યો છે, તેનું લક્ષ્ય છ મહિનાથી 59 મહિનાના અથવા પાંચ વર્ષ સુધીનાં બાળકોને રસી આપવાનું છે. આ સ્થિતિમાં માતાપિતાના મનમાં ઓરીની રસીને લઈને વિવિધ સવાલો છે.
આ અંગે ડૉક્ટરો કહે છે કે, વર્તમાન સમયમાં ઓરીના ફેલાવાને કારણે (અગાઉ બે ડોઝ આપી ચૂકાયા હોવા છતાં) રસીનો વધુ એક ડોઝ આપવો જરૂરી છે.
ઢાકાની મુગદા મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ સુબ્રતા રૉયે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું, "અગાઉ રસીના બે ડોઝ આપ્યા હોવા છતાં જો બાળકોના શરીરમાં ઍન્ટિ-બોડી વિકસિત ન થયા હોય, તો હજુયે ઓરી ફેલાવાનું જોખમ રહેલું છે. આથી બૂસ્ટર ડોઝ પર ભાર મુકાઈ રહ્યો છે."
પરિણામે, ડૉક્ટરો રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની ભલામણ કરી રહ્યા છે, પછી ભલે અગાઉ રસીના બે ડોઝ અપાઈ ચૂક્યા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તેની સાથે જ ડૉક્ટરોએ અમુક કિસ્સાઓમાં વર્તમાન સમયમાં ચોક્કસ બાળકોને ઓરીનો બૂસ્ટર ડોઝ ન આપવાની સલાહ પણ આપી છે.
કયાં બાળકોને રસી આપવાની જરૂર છે?
ઓરી વિશ્વની સૌથી ચેપી બીમારીઓમાંની એક છે. ડૉક્ટરોના મત અનુસાર, ઓરીનો ભોગ બનેલી એક વ્યક્તિ 12થી 18 સંવેદનશીલ લોકોને ચેપ લગાડી શકે છે.
બાંગ્લાદેશમાં ગત માર્ચ મહિનાથી ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે, 15મી માર્ચથી બીજી મે સુધીમાં ઓરીગ્રસ્ત તેમજ ઓરીની આશંકા ધરાવતા 26,911 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓરીને કારણે તથા ઓરીની આશંકા ધરાવતા 235 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
દેશભરમાં ઓરીના વ્યાપને કારણે ડૉક્ટરો હાલ ચાલી રહેલા રસીકરણના કાર્યક્રમમાં બાળકોને રસી મુકાવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.
સાથે જ, ડૉક્ટરો કહે છે કે, અગાઉ રસીના બે ડોઝ અપાઈ ચૂક્યા હોય, તો ત્રીજા ડોઝની જરૂર નથી, છતાં ઓરીના રોગચાળાને ડામવો અત્યંત જરૂરી છે.
બાંગ્લાદેશ મેડિકલ યુનિવર્સિટીના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર સૈફુલ ઇસ્લામે બીબીસી બાંગ્લાને કહ્યું હતું, "સામાન્યપણે 15 વર્ષની નીચેની વયનું કોઈ પણ બાળક ઓરીથી સંક્રમિત થઈ શકે છે. આથી જ, 15 વર્ષની નીચા દરેક બાળકને રસીનો વધારાનો ડોઝ આપવો જોઈએ. તેનો આશય સામૂહિક રોગપ્રતિકારકતા વધારવાનો છે."
આ કિસ્સામાં ડૉક્ટરો અમુક અપવાદોને બાદ કરતાં તમામ બાળકોને રસીનો ઉમેરારૂપ ડોઝ આપવાની હિમાયત કરી રહ્યા છે.
ડૉક્ટર સુબ્રતા રૉયે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું, "સૌપ્રથમ તો, 15 વર્ષ કરતાં નીચેની વયનાં અને ગંભીર બીમારી ન ધરાવતાં હોય, તેવાં તમામ બાળકો આ રસી મુકાવી શકે છે."
વિવિધ પ્રકારની રસી લીધા બાદ કેટલાંક બાળકોને તાવ આવી જતો હોય છે. તેના કારણે ઘણાં માતાપિતા તેમનાં બાળકોને તાવ આવવાની બીકે રસી મુકાવવા માટે રાજી નથી (સિવાય કે તે માટેની ફરજ પાડવામાં આવે). માતાપિતાના મનમાં આશંકા પ્રવર્તી રહી છે.
આ સંદર્ભમાં પીડિયાટ્રિશિયન ડૉક્ટર રૉયે બીબીસી બાંગ્લાને જણાવ્યા મુજબ, "રસીકરણ દરમિયાન, બાળકને સિરીન્જ મારવામાં આવે છે, આથી કેટલાંક બાળકોને તાવ આવી જતો હોય છે. જોકે, ઓરીની રસીથી તાવ આવવાની શક્યતા ઘણી ઓછી હોય છે. અને જો તાવ આવે, તો પણ પૅરાસિટામોલથી ઊતરી જશે."
તેમણે આગળ કહ્યું હતું, "વળી, અગાઉ રસીનો એક ડોઝ લઈ ચૂકેલા, પણ બીજો ડોઝ ન લીધો હોય અથવા તો રસી કેન્દ્રમાં ગયાં હોય, પણ રસી ન લીધી હોય, તેવાં તમામ બાળકોને રસી આપવી જરૂરી છે."
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના મત અનુસાર, આ કાર્યક્રમોનો આશય સમુદાયમાં ઝડપથી ઊંચી રોગપ્રતિકારકતા ઊભી કરવાનો અને અગાઉ રસીકરણમાં રહી ગયેલી ઊણપો દૂર કરવાનો છે.
આથી જ ડૉક્ટરોએ દેશમાં ઓરીના રોગચાળાને ડામવા માટે તમામ બાળકોને રસીનો વધારાનો ડોઝ આપવાની ભલામણ કરી છે.
આ સમયે કોણે રસી ન મુકાવવી જોઈએ?
બાંગ્લાદેશમાં ઓરીની એક (સિંગલ) રસી 1989માં શરૂ કરવામાં આવી હતી. પછીથી 2012થી મીસલ-રૂબેલા (એમઆર) તરીકે ઓળખાતી રસી બાળકોને અપાઈ રહી છે.
ઓરીનો રોગચાળો પ્રસર્યો છે, ત્યારે બાંગ્લાદેશનો આરોગ્ય વિભાગ ઓરીના બે ડોઝ ઉપરાંત વધારાનો ડોઝ આપવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યો છે.
ડૉક્ટરોનું કહેવું છે કે, બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યો હોવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ 2020માં લગભગ ત્રણ કરોડ બાળકોને આ જ રીતે ઓરીની વધારાની રસી આપવામાં આવી હતી.
ડૉક્ટરોનું એવું પણ માનવું છે કે, જેમને અગાઉના બે ડોઝ પછી બૂસ્ટર ડોઝ અપાયો હતો, તેમની રોગપ્રતિકારક શક્તિ વધી હતી.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, અમુક સંજોગોમાં બાળકોને તરત રસી આપી શકાતી નથી.
ડૉક્ટર રૉયે જણાવ્યું હતું કે, છ માસ કરતાં નાનાં શિશુઓને ઓરીની રસી ન આપવી જોઈએ.
તે ઉપરાંત, ડૉક્ટરો સલાહ આપી રહ્યા છે કે, જે બાળકો ઓરીથી સંક્રમિત હોય, તેમને પણ અત્યારે ઓરીની રસી ન આપવી જોઈએ.
ડૉક્ટર રૉયે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું, "ઘણાં બાળકો ઓરીની ઝપેટમાં આવ્યાં હોય, પણ કોઈ કારણસર તેમની ઓળખ થઈ ન શકી હોય, પરંતુ પછીથી માતાપિતાને માલૂમ પડે કે તેમને ઓરી થયો હતો, તો તેવા કિસ્સામાં પણ એક મહિનાની અંદર રસી આપવી ન જોઈએ."
વધુમાં, ડૉક્ટરો ભલામણ કરી રહ્યા છે કે છ મહિનાથી 15 વર્ષની વચ્ચેની વયનાં તમામ બાળકોને ઓરીની રસી આપવી જોઈએ.
પરંતુ અત્યાર સુધી સરકારે પાંચ વર્ષ કરતાં મોટી વયનાં બાળકોને વધારાનો કે બૂસ્ટર ડોઝ આપવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
ડિરેક્ટરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિઝ ખાતે ઇપીઆઇના આસિસ્ટન્ટ ડિરેક્ટર હસનુલ મહમૂદે બીબીસી બાંગ્લાને કહ્યું હતું, "અત્યાર સુધીમાં માત્ર પાંચ વર્ષ કરતાં નાની વયનાં બાળકોને જ રસી મુકાવવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી વધુ વયનાં બાળકોને રસી આપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી."
જોકે, આ રસી જુદી-જુદી ખાનગી હૉસ્પિટલો કે રસીકરણ કેન્દ્રોમાં સ્વખર્ચે મેળવી શકાય છે.
રસીકરણ શા માટે જરૂરી છે?
બાંગ્લાદેશમાં આ વર્ષના માર્ચ મહિનામાં ઓરીનો ફેલાવો વધી ગયા પછી સરકારે ગત એપ્રિલ મહિનાથી દેશભરમાં નવો ઓરી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે.
રસીકરણ કાર્યક્રમનો પ્રથમ તબક્કો પાંચમી એપ્રિલના રોજ દેશના 18 જિલ્લાના 30 ઉપજિલ્લાઓમાં શરૂ થયો હતો. તે પછી રસીકરણનો બીજો તબક્કો 12મી એપ્રિલથી દક્ષિણ ઢાકા, ઉત્તર ઢાકા, બારિસલ અને મયમનસિંહ નગર કૉર્પોરેશનોમાં શરૂ થયો હતો.
મીસલ-રૂબેલા રસીકરણનો ત્રીજો દેશવ્યાપી તબક્કો 20મી એપ્રિલે શરૂ થયો હતો.
ડૉક્ટરોનું કહેવું છે કે, અગાઉ રસી મેળવી ચૂકેલાં બાળકોને રસીનો ઉમેરારૂપ ડોઝ આપવા પાછળનો હેતુ "સામૂહિક રોગપ્રતિકારકતા ઊભી" કરવાનો છે, જેથી દેશમાં ઓરીને નાથવા માટે અસરકારક રોગ નિયંત્રણ વ્યવસ્થા પ્રસ્થાપિત કરી શકાય.
બાંગ્લાદેશ મેડિકલ યુનિવર્સિટીના ડૉક્ટર સૈફુલ ઇસ્લામે કહ્યું હતું, "જો સમુદાયમાં કોઈને રસી આપવામાં આવે, તો આવી ચેપી બીમારીનો પ્રસાર સહેલાઈથી અટકાવવો શક્ય બને છે. આથી જ ઉમેરારૂપ ડોઝને મહત્ત્વ અપાઈ રહ્યું છે."
બાંગ્લાદેશ આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ગયા મહિને રસીકરણ કાર્યક્રમ શરૂ થયો, ત્યારથી લઈને 61 ટકા બાળકોને મીસલ-રૂબેલા રસી આપવામાં આવી છે.
રસી આપીને કેટલાં બાળકોમાં બીમારીને નિયંત્રિત કરી શકાય છે, તેની માહિતી સુબ્રતા રૉયે આપી હતી.
તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું, "જો એક વિસ્તારમાં 97 ટકા બાળકોને ઓરી વિરોધી રસી આપવામાં આવે અને બાકી બચેલાં ત્રણ ટકા બાળકોને રસી ન અપાઈ હોય, તો તે ત્રણ ટકા બાળકો પણ પ્રભાવિત નહીં થાય. કારણ કે, તે વિસ્તારનાં બાળકોમાં બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ગઈ છે."
"બીજી તરફ, જો એક વિસ્તારનાં બાળકોમાં ઓરીના રસીકરણનો દર 95 ટકા કરતાં નીચો હોય, તો ત્યાંનાં તમામ બાળકોમાં ઓરી ફેલાઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન