You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલિતા માઝી : 'સપનેય નહોતું વિચાર્યું કે આ મુકામ સુધી પહોંચીશ', અન્યનાં ઘરોમાં કામ કરવાથી ધારાસભ્ય બનવા સુધીની સફર
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
પશ્ચિમ બંગાળમાં લોકોનાં ઘરોમાં કામ કરતાં એક મહિલા કલિતા માઝી ઔસગ્રામ વિધાનસભાની બેઠક પર જીતી ગયાં છે.
ભાજપને પશ્ચિમ બંગાળમાં મોટી જીત મળી તેમાં કલિતા માઝી પણ સફળ થયાં છે.
કલિતા માઝીએ ટીએમસીના શ્યામા પ્રસન્ના લોહારને 12,535 મતના માર્જિનથી હરાવ્યા છે. ભાજપને આ ચૂંટણીમાં કુલ 207 બેઠકો પર જીત મળી છે જ્યારે મમતા બેનરજીના ટીએમસીને માત્ર 80 બેઠકો મળી છે.
કોલકાતાથી લગભગ ત્રણ કલાકના અંતરે વર્ધમાનના ગુસકુરા માછપુર પારામાં કલિતા માઝી એક સાંકડી શેરીમાં રહે છે. હજુ થોડા દિવસો અગાઉ જ તેઓ લોકોનાં ઘરોમાં ઘરકામ કરતાં હતાં.
કલિતા માઝીના ઘરે પહોંચ્યા પછી સૌથી પહેલાં તેમણે પોતાનું ઘર દેખાડ્યું. તેમના નાનકડા ઘરના એક ઓરડામાં તેમના પતિ આરામ કરતા હતા.
કલિતા માઝીએ જણાવ્યું કે આ ઘરમાં તેમના બે દિયર અને માતા પણ સાથે જ રહે છે.
મહેનત-મજૂરી કરીને ઘર ચલાવતાં કલિતા માઝી ચૂંટણીમાં સફળ થયાં તે આશ્ચર્યની વાત છે, કારણ કે હવે રાજકારણ બહુ ખર્ચાળ બની ગયું છે.
કલિતા માઝી કહે છે કે "હું 2014માં ભાજપની બૂથ એજન્ટ હતી. પછી 2019માં મને ઘુસ્કુરાનગરની જવાબદારી સોંપવામાં આવી. હું શહેરમાં પાર્ટીની સચિવ હતી. પછી વર્ષ 2021માં ભાજપે મને વિધાનસભા ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે ચૂંટણીમાં કલિતા માઝી ટીએમસીના અભેદાનંદ થંડર સામે 11,815 મતથી હારી ગયાં હતાં. જોકે, આ હાર પછી પણ તેમની રાજકીય સફર ચાલુ રહી.
તે વખતે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં 293 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો અને 77 બેઠકો પર જીત મળી હતી.
ટિકિટ મળવાની કોઈ આશા ન હતી
માઝી કહે છે, "વર્ષ 2022માં મને વર્ધમાન જિલ્લામાં પાર્ટી સચિવ નિયુક્ત કરવામાં આવ્યાં. 2024માં મેં પાર્ટી માટે એક સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યું. વર્ષ 2025માં મને બોલપુર જિલ્લા માટે પક્ષની મહામંત્રી બનાવાઈ અને 2026માં પાર્ટીએ મને ફરી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી."
પક્ષે તેમના પર ભરોસો મૂક્યો, જેના માટે તેઓ ભાજપનો આભાર માને છે, પરંતુ શું ચૂંટણી લડવામાં તેમણે ક્યારેય રસ દેખાડ્યો હતો અથવા પાર્ટી પાસેથી ટિકિટ માગી હતી?
કલિતા માઝી કહે છે, "ના, ના. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ધારાસભ્ય બની શકું છું, કારણ કે હું એક સાધારણ પરિવારમાંથી આવું છું. મારાં માતાપિતા રૂપિયાવાળા નથી અને મારા સાસરિયા પણ આર્થિક રીતે સદ્ધર નથી."
તેઓ કહે છે, "ઘર ચલાવવા માટે હું એક ઘરેલુ સહાયક તરીકે કામ કરતી હતી. મને ક્યારેય આશા ન હતી અને મેં સપનું પણ નહોતું જોયું કે હું આ મુકામ સુધી પહોંચીશ. માત્ર ભાજપ જેવા પક્ષમાં આ બધું શક્ય છે અને અમારા જેવા લોકોને તક આપી શકે છે."
કલિતા માઝી કહે છે, "મેં ક્યારેય ટિકિટ મેળવવા માટે વિચાર્યું પણ ન હતું. વર્ષ 2021માં જ્યારે પક્ષે મને ટિકિટ આપી ત્યારે હું રડી પડી હતી. હું વિચારતી હતી કે 'પક્ષે મારી સાથે આવું કેમ કર્યું?' મને ખબર ન હતી કે હું આવું બધું કેવી રીતે સંભાળી શકીશ?
કલિતા માઝીએ કહ્યું કે 2021ની ચૂંટણીમાં તેમના ભાઈ સમાન બે લોકો (ચંદ્રચૂડ પાત્રા અને પ્રદીપ તિવારી)એ તેમની ઘણી મદદ કરી હતી અને સાથે મળીને કામ કર્યું હતું.
પરિવારનું વલણ કેવું હતું?
કલિતા માઝીએ જણાવ્યું કે રાજકારણમાં તેમના સસરાએ ઘણી મદદ કરી હતી. જોકે, તેઓ કલિતાને ધારાસભ્ય બનતાં જોઈ ન શક્યા. લગભગ બે વર્ષ અગાઉ કલિતાના સસરાનું નિધન થયું હતું.
કલિતા કહે છે, "2021માં મારા સસરાને જ્યારે ખબર પડી કે પક્ષ મને ટિકિટ આપવાનું વિચારે છે, તો તેઓ મારી પાસે આવ્યા અને પૂછ્યું કે વહુ, શું તમે આખી જિંદગી એક ઘરેલુ સહાયક તરીકે જ કામ કરતાં રહેશો? તમે અમારા માટે તો આટલું બધું કરો છો, પરંતુ શું તમે સમાજ માટે કંઈ નહીં કરો?"
કલિતા કહે છે કે તેમણે પોતાના સસરાને કહ્યું હતું કે રાજકારણમાં સામેલ થયાં પછી તેમણે પક્ષને સમય આપવો પડશે, જેના કારણે પરિવાર માટે સમય ઘટી જશે.
પરંતુ કલિતાને તેમના સસરાએ ઘરની ચિંતા ન કરવા કહ્યું. આ રીતે તેમને સસરા, સાસુ, બંને દિયર અને પાંચેય નણંદનો સાથ મળ્યો.
કલિતાનાં લગ્ન 2006માં થયાં હતાં. ત્યાર પછી બે વર્ષ સુધી તેમણે પોતાનાં ઘર અને બાળકોની સારસંભાળ રાખી. ત્યાર પછી પરિવારને આર્થિક મદદ કરવા માટે લોકોનાં ઘરમાં કામ શરૂ કર્યું.
તેઓ કહે છે, "મારો દીકરો જ્યારે ત્રણથી ચાર વર્ષનો હતો, ત્યારે મેં એક કામવાળી તરીકે કામ શરૂ કર્યું હતું. અમારી નાણાકીય સ્થિતિ નબળી હતી. એકબીજાની મદદથી અમે કોઈ રીતે પરિવારમાં બધું સંભાળ્યું."
વર્ષ 2008માં કલિતાએ એક ઘરેલુ સહાયક તરીકે કામ શરૂ કર્યું. તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયાં તેના થોડા દિવસો અગાઉ સુધી આ કામ કરતાં હતાં.
તેઓ કહે છે, "વિધાનસભાની ટિકિટ મળ્યા પછી પણ મેં સાત દિવસ સુધી એક મેડ તરીકે કામ કર્યું. નૉમિનેશન ફાઇલ કર્યા પછી અને ચૂંટણીપંચના દિશા-નિર્દેશ લાગુ થયા પછી પણ મેં આ કામ બંધ ન કર્યું, કારણ કે ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉમેદવાર સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રચાર કરી શકે છે."
"હું એક ઘરેલુ સહાયક તરીકે કામ કરતી હોત તો હું પ્રચાર કરી શકી ન હોત. જે લોકોના ઘરોમાં કામ કરતી હતી, તેમણે મને કહ્યું કે વહુ, પાર્ટીએ તમને બહુ મોટી જવાબદારી સોંપી છે. ઘરના કામની ચિંતા ન કરો, અમે તેને સંભાળી લેશું. પક્ષે તમને બહુ મોટું સન્માન આપ્યું છે."
લોકોએ કેવી પ્રતિક્રિયા આપી?
કલિતા માઝી કહે છે કે જે ઘરોમાં તેઓ કામ કરતાં હતાં, ત્યાંના લોકો હંમેશાં તેમની સાથે પોતાની દીકરી અને બહેન જેવો વ્યવહાર કરતાં હતાં.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વખતે હિંસાના અહેવાલો વારંવાર આવતા હોય છે. જોકે આ ચૂંટણી સામાન્ય રીતે શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ પરિણામો જાહેર થયાં પછી રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી.
શું કલિતા માઝી ક્યારેય પશ્ચિમ બંગાળના રાજકીય હિંસાના ઇતિહાસથી ડરી ગયાં હતાં?
તેઓ કહે છે, "મને આ બાબતોથી ક્યારેય ડર લાગ્યો નથી. 2021માં ચૂંટણી પછી અમારા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. તે વર્ષે 2 મેએ ચૂંટણી પરિણામો જાહેર કરાયાં હતાં. 4 મેના રોજ લોકોના ટોળાએ સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડી હતી. છતાં, હું બિલકુલ ડરી ન હતી."
રાજકારણ, પરિવાર અને કામકાજ
કલિતા કહે છે કે તેઓ દરરોજ સવારે 5.30 વાગ્યે ઊઠી જતાં હતાં અને ઘરનું બધું કામ પતાવ્યા પછી સવારે 6.30થી સાત વાગ્યા સુધી કામ પર નીકળી જતાં હતાં.
કામ પરથી પાછા આવ્યાં પછી તેઓ પાર્ટી માટે કામ કરતાં હતાં.
કલિતા કહે છે, "સાંજે ઘરનાં બધાં કામ અને ચા વગેરે... પછી હું ફરી પક્ષ માટે કામ કરતી હતી. પરિવારમાં પણ ઘણાં કામ હોય છે. કેટલાંક કામ એવાં હોય, જેને ધીમે ધીમે એક પછી એક કરવાં પડે. જેમ કે આજે આ કામ કર્યું, કાલે બીજું કામ કર્યું."
કલિતા કહે છે કે જંગલમહલના વિસ્તારમાં આજે પણ ઘણી પાયાની સગવડો ઉપલબ્ધ નથી.
તેમનો આરોપ છે કે, "કેન્દ્ર સરકારની કોઈ પણ કલ્યાણ યોજનાના લાભ આ વિસ્તાર સુધી નથી પહોંચ્યા. મારી ફરજ છે કે લોકોને સરકારી મદદ મળે. મારા શહેરના હેલ્થ સેન્ટરમાં કોઈ ફૂલ-ટાઇમ ડૉક્ટર નથી. કોઈ દર્દી હેલ્થ સેન્ટર જાય અને વીજળી જતી રહે તો ત્યાં કોઈ જનરેટર પણ નથી. અમારી સમજણ કરતા પણ સ્થિતિ વધુ ખરાબ છે. ડૉક્ટર ટૉર્ચ અને મોબાઇલ ફોનની લાઇટ ચાલુ કરીને સારવાર કરે છે."
અમે શહેર અને ગામમાં ઘણી મહિલાઓ સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેમને પોતાની સુરક્ષાને લઈને ચિંતા રહે છે.
આ મામલે કલિતા માઝીએ કહ્યું કે, "મહિલાઓને સુરક્ષા આપવી એ અમારી જવાબદારી છે. મને સામાન્ય લોકોના આશીર્વાદથી આટલું મોટું પદ મળ્યું છે. તેમના કારણે જ ધારાસભ્ય બની છું. હું લોકોના આદેશનું પાલન કરીશ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન