'ઓછાં કપડાં પહેરેલી મહિલા પર મારો ફોટો જોડવામાં આવ્યો, સાથે બેઠેલા પુરુષ પર મારા 12 વર્ષના પુત્રનો ફોટો લગાવ્યો'

    • લેેખક, શુભાંગી મિશ્રા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 8 મિનિટ

એક પૉડકાસ્ટના વાઇરલ થયા બાદ મરાઠી અભિનેત્રી ગિરિજા ઓક ઇન્ટરનેટ પર છવાઈ ગયાં છે. ઇન્ટરનેટ પર તેમને લોકો 'નૅશનલ ક્રશ' કહી રહ્યા છે.

પણ ત્યાર બાદ તેમની તસવીરોનો જે રીતે દુરુપયોગ થયો તેનાથી તેઓ પરેશાન થઈ ગયાં.

મુંબઈમાં એક ઇન્ટરવ્યૂમાં ગિરિજાએ આ વિશે બીબીસી હિંદી સાથે વિસ્તારથી વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "મને એક ફોટો મોકલવામાં આવ્યો હતો, જેમાં એક બહુ જ ઓછાં કપડાં પહેરેલી મહિલાના શરીર પર મારો ચહેરો જોડવામાં આવ્યો હતો, તેની બાજુમાં એક બહુ જ ઓછાં કપડાં પહેરેલો પુરુષ બેઠો હતો, જેના શરીર પર મારા 12 વર્ષના દીકરાનો ચહેરો લગાવેલો હતો. મને બહુ ગુસ્સો આવ્યો."

આ ફોટો જોયા બાદ ગિરિજા ઓકે ડિસેમ્બર 2025માં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. ત્યાર બાદ ઘણા ફોટો અને વીડિયો હટાવવામાં આવ્યા હતા.

એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 9 (મહિલાની મર્યાદાને ઠેસ પહોંચાડવી), 356 (2) (માનહાનિ), અને આઈટી ઍક્ટની લાગુ પડતી કલમો લગાવવામાં આવી છે.

ગિરિજા ઓકે કહ્યું કે, "આ એઆઈ નામનું ટૂલ કોઈના પણ હાથમાં હોઈ શકે છે અને બહુ ડરામણું છે."

ગિરિજા ઓકની કહાણી શું છે?

ગિરિજા ઓક મરાઠી સિનેમાનાં જાણીતાં અભિનેત્રી છે. તેઓ 'તારે જમીન પર', 'શોર ઇન ધ સિટી' અને 'જવાન' જેવી હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.

અમે તેમને મુંબઈના કાર્ટર રોડ પર મળ્યાં, જ્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા આવી રહ્યા હતા અને ગિરિજા હસતાં મોઢે ફૅન્સ સાથે ફોટો પડાવી રહ્યાં હતાં.

નવેમ્બર 2025માં સૌરભ દ્વિવેદી સાથે એક પૉડકાસ્ટ સિરીઝ કર્યા બાદ ગિરિજા ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયાં. બ્લૂ સાડીમાં બેઠાં ગિરિજા જે કૉન્ફિડન્સ સાથે વાત કરી રહ્યાં હતાં, તે લોકોને પસંદ પડ્યું.

એક તરફ તો તેમના ઘણા પ્રશંસકો બન્યા, બીજી તરફ કેટલાક એવા લોકો પણ હતા જેમણે તેમના ફોટો સાથે છેડછાડ કરી અને આવા ફોટો પોસ્ટ કર્યા.

ગિરિજા કહે છે કે કદાચ ઇન્ટરનેટને નવો ચહેરો મળી ગયો હતો જેની પર લોકોએ એઆઈનો ઉપયોગ કરવાનું વિચાર્યું.

તેમણે કહ્યું, "કેટલીક એવી તસ્વીરો છે જેમાં મેં સાડી પહેરી હતી તે બિકનીમાં ફેરવાઈ ગઈ અથવા મારું ટૉપ હટાવી દેવાયું."

"લોકો આવી તસ્વીરોમાં ઍનિમેશન પણ વાપરે છે, જેમકે હું આગળ ઝૂકીને જીભ બહાર કાઢી રહી છું અથવા અચાનક કોઈ પુરુષ ફ્રેમમાં આવી જાય છે અને પછી અમે કિસ કરવા લાગીએ છીએ."

ગિરિજાએ ઘણાં એવાં કન્ટેન્ટને અવગણ્યું પણ જ્યારે તેમને તેમના દીકરા સાથેની એક એઆઈ ફોટો મોકલવામાં આવ્યો, તો તેમણે મુંબઈના ઓશિવારામાં ફરિયાદ નોંધવી. પછી આ તસ્વીર સોશિયલ મીડિયા પરથી હટાવી લેવાઈ.

એઆઈનો દુરુપયોગ

એઆઈ હવે આપણા સામાન્ય જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે એઆઈ આપણી મદદ માટે છે પણ તેનો દુરુપયોગ પણ જોવા મળે છે અને આપણે સૌ તેના નિશાન પર છીએ.

ખાસ કરીને એઆઈની મદદથી મહિલાઓ અને બાળકોના વાંધાજનક અને અશ્લીલ વીડિયો બનાવવામાં આવે છે અને તેને સર્ક્યુલેટ પણ કરાય છે. તેમાં એઆઈની મદદથી ડીપફેક જેવાં અનેક ટૂલ્સનો ઉપયોગ થાય છે.

હાલમાં જ તામિલનાડુમાં પણ આવો જ મામલો આવ્યો હતો, જેમાં કેટલીક વિદ્યાર્થિનીઓના ફેક વીડિયો બનાવાયા હતા.

એક વિદ્યાર્થીએ કેટલીક વિદ્યાર્થિનીઓના ફોટો એઆઈ મારફતે મૉર્ફ કરીને ઑનલાઇન પોસ્ટ કર્યા હતા. આ મામલામાં પોલીસે એફઆઈઆર પણ નોંધી હતી અને 20 વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

વેર વાળવા પણ લોકો આ પ્રકારના વીડિયો બનાવતા હોય છે.

આવા જ એક મામલામાં બીબીસીના રિપોર્ટ અનુસાર, એક મહિલાના પૂર્વ બૉયફ્રૅન્ડે વેર વાળવાની ભાવનાથી મહિલાની તસવીરમાં એઆઈની મદદથી ફેરફાર કર્યા અને તે અશ્લીલ તસ્વીરો ઑનલાઇન પોસ્ટ કરી હતી. આ તસ્વીરો ઑનલાઇન પોસ્ટ કરીને તેણે લાખો રૂપિયાની કમાણી કરી.

નિષ્ણાતો જણાવે છે કે 'ન્યૂડિફિકેશન ઍપ્સ', એટલે જે ઍપ્સ મારફતે ફોટો સાથે અડપલાં કરાય છે, આજકાલ ઘણા સામાન્ય થઈ ગયાં છે.

ગૃહમંત્રાલયે રાજ્યસભાને જણાવ્યું કે 2025માં નૅશનલ સાઇબર ક્રાઇમ પૉર્ટલ પર ક્રાઇમ્સ અગેન્સ્ટ વિમૅન્સના 76,657 કેસ નોંધ્યા છે, જ્યારે 2024 માં એવા 48,335 કેસ નોંધાયા હતા.

એક બિનસરકારી સંસ્થા 'રતિ ફાઉન્ડેશન'નાં સહ-સંસ્થાપક ઉમા સુબ્રમણિયન અનુસાર મોટાં શહેરોની સાથે નાનાં શહેરોમાં પણ આ ટ્રૅન્ડ શરૂ થઈ ગયો છે અને આ શહેરોની યુવતીઓ ડીપફેકનો ભોગ બની રહી છે.

આ સંસ્થા ઑનલાઇન જેન્ડર હિંસાનો ભોગ બનનાર યુવતીઓ માટે કામ કરી રહી છે.

ઉમા સુબ્રમણિયન કહે છે કે હૅલ્પલાઇન પર તેમની પાસે વર્ષ 2024-2025 વચ્ચે જે કૉલ આવ્યા તેમાં દસમાંથી એક કૉલ એઆઈ કન્ટેન્ટ સંબંધિત ફરિયાદ નોંધાવવા માટે આવ્યા.

વારાણસીમાં એક એવાં જ ઇન્ફ્લુએન્સરના ફોટો સાથે એઆઈની મદદથી છેડછાડ કરાઈ અને તે અશ્લીલ ફોટોને વાઇરલ કરાયા.

આ મામલામાં વકીલ રાઘવ અવસ્થી જણાવે છે કે જ્યારે પણ આ ઇન્ફ્લુએન્સર પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હતાં, તેમના એઆઈ જનરેટેડ અશ્લીલ ફોટો વાઇરલ કરી દેવાતા હતા.

રાઘવ અવસ્થીએ બીબીસી હિંદીને જણાવ્યું કે, "અમને આ મામલે પોલીસ અથવા જિલ્લા અદાલતથી રાહત નથી મળી. ત્યાર બાદ અમે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને એક ડાયનામિક ઇન્જંક્શનની માગ કરી હતી."

"ડાયનામિક ઇન્જંકશનનો અર્થ છે કે જે ફોટોની લિંક્સ રિપોર્ટ કરાય છે, તેને તો હટાવી જ શકાય. સાથે જ, અદાલત સોશિયલ મીડિયા કંપનીઓને નિર્દેશ આપે છે કે આવી તસવીરોને દરેક જગ્યાએથી હટાવી દેવાય."

રાઘવ અવસ્થી કહે છે કે આ મામલામાં ફોટોને હટાવવા માટે ઘણી કાયદાકીય મહેનત કરવી પડી, પણ દરેક સર્વાઇવર પાસે આ લડાઈ લડવાની હિમંત અને સાધન હોય, એવું નથી હોતું.

નિષ્ણાત એવું પણ કહે છે કે એઆઈ મારફતે બનેલાં કન્ટેન્ટમાં ઘણી વખત મહિલાઓ વિરુદ્ધ રૂઢિચુસ્ત વિચારસરણીને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હોય છે. જેમ કે આ કન્ટેન્ટથી એવું પણ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરાય છે કે મહિલાઓ આગળ વધવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે છે.

'સેન્ટર ફૉર સોશિયલ રિસર્ચ ઇન્ડિયા'નાં જ્યોતિ વઢેરા કહે છે કે, "જે સામાજિક સમસ્યાઓ સાથે આપણે આટલાં વર્ષોથી લડી રહ્યાં છીએ, તે સમસ્યાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે."

"કન્ટેન્ટમાં ગોરા રંગને કારણે સફળતા મળે છે અથવા એક પ્રકારના શરીરથી જ સફળતા મળે છે, એવું દર્શાવવામાં આવે છે. બહુ નાની છોકરીઓ અથવા બાળકીઓનું પણ ઑનલાઇન જાતીય શોષણ થઈ રહ્યું છે."

તમારાં ડીપફેક કન્ટેન્ટ બનાવાયાં હોય તો મદદ કેવી રીતે મળે?

ગુરુગ્રામ પોલીસની 'ડિજિટલ સહેલી' હૅલ્પલાઇનનું સંચાલન ચાર મહિલા કૉન્સ્ટેબલ કરે છે.

ગુરુગ્રામ પોલીસ કહે છે કે ઑનલાઇન જાતીય ઉત્પીડનની વધતી ઘટનાઓને જોતાં તેમણે 'ડિજિટલ સહેલી' નામની એક હૅલ્પલાઇન લૉન્ચ કરવામાં આવી છે.

આ હૅલ્પલાઇન 24 કલાક ચાલે છે અને અહીં ચાર મહિલા કૉન્સ્ટેબલ તહેનાત રહે છે. આ હૅલ્પલાઇનની શરૂઆત વર્ષ 2022માં થઈ હતી અને આ હૅલ્પલાઇન પર પહેલા એક મહિનામાં જ દેશભરમાંથી 373 કૉલ નોંધાયા હતા.

ગુરુગ્રામ પોલીસ કમિશનર વિકાસ અરોડાએ જણાવ્યું કે, "મોટાભાગની ફરિયાદ સેક્સટૉર્શન (કોઈની ખાનગી તસવીરો અથવા વીડિયો લીક કરવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા અથવા અન્ય માગ કરવી) અને રિવેન્જ પૉર્ન (કોઈની ખાનગી તસ્વીરો અથવા વીડિયો સાર્વજનિક કરવા, તેમને શર્મિંદા કરવા માટે અથવા નુકસાન પહોંચાડવા માટે) માટે કરાઈ હતી. સાથે જ કેટલાક એવા કેસ હોય છે જ્યાં ગુનેગારનો હેતુ માત્ર મજા લેવાનો હોય છે."

તેઓ એક કેસનો ઉલ્લેખ કરતાં કહે છે કે, "અમારી પાસે એક ફરિયાદ આવી હતી કે જ્યાં એક સ્ટેજ પર એક વીવીઆઈપી ઊભા હતા અને તેમની સાથે એક મહિલા પણ ઊભાં હતાં. પણ એઆઈનો ઉપયોગ કરીને તેમને કિસ કરતા દર્શાવવામાં આવ્યાં. તપાસમાં ખબર પડી કે આ વીડિયો બિહારના ગોપાલગંજમાં રેહતા એક 15 વર્ષના કિશોરે બનાવ્યો હતો."

નિષ્ણાતો જણાવે છે કે જો તમે તમારું આ પ્રકારનું કોઈ કૉન્ટેન્ટ પોસ્ટ થયેલું જુઓ તો ગભરાવાની જરૂર નથી, પણ તમારે કાયદા વિશે જાણવું જોઈએ.

ઉમા સુબ્રમણિયન આવા મામલામાં પુરાવા ભેગા કરવા પર ભાર મૂકે છે અને કહે છે કે તમે કેવી રીતે ફરિયાદ નોંધાવી શકો છો.

તેઓ જણાવે છે કે:

  • જ્યારે કોઈ ડીપફેક, અશ્લીલ પોસ્ટ દેખાય તેનો સ્ક્રીનશૉટ લઈ લો, સાથે જ લિંક્સ ભેગી કરો.
  • જો તમને આવી કોઈ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ અથવા વૉટ્સઍપ જેવાં પ્લૅટફૉર્મ પર દેખાય તો એ પ્લૅટફૉર્મ પર જ રિપોર્ટ કરી શકો છો
  • તમે નૅશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલ પર ગોપનીય રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. સાથે 1930 પર કૉલ કરી શકો છો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન