You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિમાન ઊડ્યું ને થોડી ક્ષણોમાં પાઇલટે ફોન કરીને કહ્યું, 'અમે કોઈની સાથે અથડાયા છીએ'
- લેેખક, ગ્રેસ એલિઝા ગૂડવિન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકામાં એક વિમાન ઉડાન ભરવા માટે રનવે પર ઝડપથી દોડતું હતું, ત્યારે એક વ્યક્તિ વચ્ચે આવી જતા તેની સાથે ટક્કર થઈ હતી. આ ઘટનામાં એ વ્યક્તિનું મોત થયું છે.
ફ્રન્ટિયર ઍરલાઇન્સનું વિમાન શુક્રવારે ડેન્વર ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર રનવે પર દોડતું હતું ત્યારે એક વ્યક્તિ ફેન્સ કૂદીને વચ્ચે આવી ગઈ, જેની સાથે વિમાન ટકરાયું હતું. ત્યાર પછી વિમાનના પાઇલટે સીધી ઍર ટ્રાફિક કન્ટ્રોલરને જાણ કરી હતી.
પાઇલટે ફ્લાઇટ 4345નું ટેક-ઑફ અટકાવીને ઍર ટ્રાફિકને જણાવ્યું કે, "અમે હમણાં જ કોઈ સાથે ટકરાયા છીએ. અમારા એન્જિનમાં આગ લાગી ગઈ છે."
ઍરબસ A321 વિમાનની કૅબિનમાંથી ધુમાડો ઊઠતો જોઈ શકાતો હતો, પરંતુ ડેન્વર ફાયર ડિપાર્ટમેન્ટે તરત આગ ઠારી નાખી હતી. વિમાન પર સવાર તમામ 224 પ્રવાસીઓને હવા ભરેલી ઇમરજન્સી સ્લાઇડ પરથી સહીસલામત ઉતારી લેવાયા હતા.
ઍરલાઇને ઉમેર્યું કે "અમને આ ઘટનાથી બહુ દુખ થયું છે. આ ઘટનામાં વિમાન પર સવાર 12 પ્રવાસીઓને સાધારણ ઇજા થઈ છે."
"પાંચ ઇજાગ્રસ્ત પ્રવાસીઓને નજીકની હૉસ્પિટલોમાં લઇ જવાયા હતા," તેમ ઍરપૉર્ટ ઑથૉરિટીએ જણાવ્યું છે. તેમની સ્થિતિ કેવી છે તે હજુ સ્પષ્ટ નથી.
ફ્રન્ટિયર ઍરલાઇન્સનું વિમાન લૉસ એન્જલસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સ્થાનિક સમય પ્રમાણે રાતે 11 વાગ્યે ટેક-ઑફ કરવા જઈ રહ્યું હતું ત્યારે એક વ્યક્તિ સાથે ટક્કર થઈ હતી.
વિમાનમાં સવાર 231 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ઍરલાઇને જણાવ્યું કે "વિમાન અથડાયું તેનાથી બે મિનિટ પહેલાં જ આ વ્યક્તિ પેરીમીટરની વાડ કૂદીને રનવે પર આવી ગઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍર ટ્રાફિક કન્ટ્રોલરે થોડી ક્ષણો અગાઉ જ ફ્રન્ટિયરના પાઇલટને ટેક-ઑફ કરવા માટે મંજૂરી આપી હતી અને ગૂડ નાઇટ પણ કહ્યું હતું.
થોડી જ વારમાં પાઇલટે ટાવરને ફોન કર્યો એવું ઍર ટ્રાફિક કન્ટ્રોલનો ઓડિયો દર્શાવે છે.
પાઇલટે ટાવરને કહ્યું કે, "અમે રનવે પર અટકી રહ્યા છીએ. વિમાન કોઈની સાથે અથડાયું છે."
પાઇલટે કહ્યું કે, "એક વ્યક્તિ રનવે પરથી ચાલીને પસાર થતી હતી."
તેમણે કહ્યું કે, "વિમાનમાં સાત ક્રૂ મેમ્બર સહિત કુલ 231 લોકો સવાર છે."
પરિવહનમંત્રી સીન ડફીએ કહ્યું કે, "તે સમયે વિમાન બહુ ઝડપે દોડી રહ્યું હતું."
ડફીએ એક નિવેદનમાં કહ્યું કે, "ગઈ કાલે રાતે એક માણસ ડેન્વર ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર ઍરપૉર્ટની સુરક્ષા ભેદીને ઘૂસી ગયો, જાણી જોઈને પેરીમીટર ફેન્સ પર ચઢી ગયો અને રનવે પર દોડી ગયો હતો."
"ઍરપૉર્ટ પર આ રીતે કોઈએ પસાર થવું ન જોઈએ."
'મને લાગ્યું હું આગમાં સળગી જઈશ'
કૉમર્શિયલ વિમાનો ટેક-ઑફ કરતા હોય ત્યારે તેની ઝડપ 240થી 290 કિમી પ્રતિ કલાક સુધી હોય છે.
"રનવે પર આવી જનાર વ્યક્તિ ઍરપૉર્ટનો કર્મચારી હોય તેમ લાગતું નથી," તેમ ડેન્વર ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટે (ડીઆઈએ) જણાવ્યું છે.
ડીઆઈએ મુજબ ઍરપૉર્ટે વાડ જોઈ હતી અને તે બરાબર છે.
એક પ્રવાસીએ વિમાનનો ફોટો અને વીડિયો શૅર કર્યો હતો જેમાં કૅબિનમાંથી ધુમાડો ઊઠતો જોઈ શકાય છે.
જોસ સર્વેન્ટસ નામના પ્રવાસીએ બીબીસીની પાર્ટનર સીબીએસને જણાવ્યું કે તેમને "કંઈક અથડાવાનો અવાજ સંભળાયો અને પછી જમણી પાંખમાં આગ જોવા મળી, જાણે તેમાં ધડાકો થયો હોય."
"મેં જ્યારે આગ અને ધુમાડો જોયો, ત્યારે મને લાગ્યું કે હું સળગી જઈશ."
વિમાનમાંથી પ્રવાસીઓને સહીસલામત ઉતાર્યા પછી તેમને તરત ટર્મિનલ પર પરત લઈ જવાયા હતા.
ઍરપૉર્ટે જણાવ્યું કે તેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ ફ્રન્ટિયરની બીજી ફ્લાઇટમાં બેસીને રવાના થઈ ગયા છે.
રનવેને બંધ કરવામાં આવ્યો હતો જ્યારે ફેડરલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશન અને નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ડીઆઇએએ જણાવ્યું કે "અમે આ ઘટનાથી બહુ દુખી છીએ અને તેમાં સામેલ લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન