You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જુગાર રમવા એક માતાએ પુત્રને કૅન્સર હોવાનું બહાનું બનાવ્યું અને લાખો ડૉલરનું દાન મેળવ્યું, ભાંડો ફૂટી ગયો ત્યારે શું થયું?
- લેેખક, લાના લૅમ
- પદ, સિડની
- વાંચવાનો સમય: 2 મિનિટ
ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ પોતાના છ વર્ષના પુત્રને કૅન્સર હોવાનું ખોટું નિદાન બતાવીને લોકો પાસે લાખો ડૉલરોનું ભંડોળ મેળવ્યું હતું. આ ભંડોળની મદદથી આ મહિલા પોતાના શોખ પૂરા કરીને વૈભવી જીવનશૈલી જીવતી હતી. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો અને અદાલતે આ મહિલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી.
દક્ષિણ ઑસ્ટ્રેલિયાની 45 વર્ષની મહિલાએ પરિવારજનો અને મિત્રોને છેતરીને તેમની પાસેથી હજ્જારો ડૉલરનું ફંડ મેળવવા માટે તેના પુત્રનું માથું મુંડાવી નાંખ્યું હતું, આઇબ્રૉના વાળ પણ ઉતરાવી દીધા, તેના હાથ અને માથા ઉપર પાટા બાંધી દીધા અને તેને દવાઓ પણ આપી.
કાનૂની કારણોસર મહિલાની ઓળખ છતી કરવામાં આવી નથી. તે મહિલાએ તેના પુત્રને નુકસાન પહોંચી શકે, તેવાં કૃત્યો સાથે સંકળાયેલી હોવાના આરોપો તમજ છેતરપિંડીના 10 આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું.
ગત બુધવારે સજાની સુનાવણીની કાર્યવાહીમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશે મહિલાનાં કૃત્યોને "ક્રૂર", "ગણતરીપૂર્વકનાં" અને "છેતરપિંડીયુક્ત" ગણાવ્યાં હતાં.
કોર્ટે જાણ્યું કે, એક અકસ્માત નડ્યા બાદ મહિલાના પુત્રને ઓપ્થૅમોલૉજીસ્ટ (આંખના ડૉક્ટર) પાસે લઈ જવાયો, તે પછી મહિલાએ છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું હતું.
ઍપોઇન્ટમેન્ટ પછી મહિલાએ તેના પતિ, પરિવારજનો, મિત્રો તેમજ શાળાના સમુદાયને કહ્યું હતું કે, તેના પુત્રને આંખનું કૅન્સર છે.
તેણે તેના પુત્રને પરાણે વ્હીલચૅરનો ઉપયોગ કરવાની ફરજ પાડી અને રોજિંદી પ્રવૃત્તિઓ પણ મર્યાદિત કરી દીધી, જેથી લોકોને લાગે કે તેની રેડિયેશન ટ્રિટમેન્ટ ચાલી રહી છે. સ્થાનિક માધ્યમોના અહેવાલ અનુસાર, મહિલાએ તેના પુત્રને પેઇન રિલીફ દવાઓ અને હેલ્થ સપ્લિમેન્ટ્સ સુદ્ધાં આપ્યાં હતાં.
કોર્ટમાં પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે, "મહિલાએ સ્વજનો તથા વ્યાપક સમુદાયને છેતરવા માટેના એક સાધન તરીકે તેના પુત્રનો સ્વાર્થી રીતે ઉપયોગ કર્યો હતો" અને પછી પરિવાર "ધનાઢ્ય અને પ્રસિદ્ધ" લોકો જેવું જીવન જીવી શકે, તે માટે તે દાનનો ખર્ચ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાના વકીલે કહ્યું હતું કે, કોવિડ-19 મહામારી પછી તે મહિલાને જુગારની લત લાગી હતી તેણે તેના પુત્રના અકસ્માતનો ગેરફાયદો ઉઠાવ્યો, પણ તેનો આશય કદી પુત્રને કે પરિવારને હાનિ પહોંચાડવાનો નહોતો.
બલ્કે, બે બાળકોની માતાએ તેની નાણાંકીય ભીંસને હળવી કરવા માટે સ્વાર્થપૂર્વક નિર્ણય લેવાની ગંભીર ભૂલ કરી હતી, એમ તેના વકીલે અદાલતને જણાવ્યું હતુ.
તેમણે કહ્યું હતું કે, મહિલાને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસૉર્ડર હોવાનું નિદાન થયું હતું અને તેણે ગુનો કબૂલી લીધો હતો.
તેના વકીલે કહ્યું હતું, "દુર્ભાગ્યે તે તેની આવક કરતાં વધારે ખર્ચો કરતી હતી અને પહોંચ બહારનું જીવન જીવી રહી હતી. તે એવી મૂર્ખામીભરી ગેરમાન્યતા ધરાવતી હતી કે, તેના પરિવારને લેટેસ્ટ બ્રાન્ડ્ઝની જરૂર છે."
તેના પતિ ઉપર શરૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો હતો, પણ પછીથી પોલીસે તેની સામેનો કેસ પડતો મૂક્યો હતો.
તેના વિક્ટિમ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટમાં તેમણે (પતિએ) કહ્યું હતું, "મારી પત્નીએ મને અને મારાં બાળકોનાં જીવન બરબાદ કરી નાંખ્યાં."
"મારી પત્ની તરીકે મને તારા ઉપર પૂરો વિશ્વાસ હતો અને મેં કદીયે તારા ઉપર શંકા નહોતી કરી. હું આપણા પરિવારને સમર્પિત હતો. હવે મને લાગે છે કે, જાણે હું શતરંજનું કોઈ પ્યાદું હોઉં."
ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પૉરેશન અનુસાર, અદાલતની બહાર પતિએ મીડિયાને જણાવ્યું હતું, "મારાં બાળકો સાથે જે કરવામાં આવ્યું છે, તેના માટે કોઈપણ સજા ઉચિત ગણાઈ શકે નહીં."
મહિલાને ચાર વર્ષ અને ત્રણ માસની કેદની સજા થઈ હતી, પણ આગામી એપ્રિલમાં તે પેરોલ માટેની યોગ્યતા મેળવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન