ઓટીપી મોકલો ને ખાતું ખાલી, ભારતીયોએ 2025માં ડિજિટલ છેતરપિંડીમાં 2.5 અબજ ડૉલર ગુમાવ્યા

    • લેેખક, નિખિલ ઈનામદાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

મહારાષ્ટ્રના પુણે શહેરના બિઝનેસ વિશ્લેષક આલોક (નામ બદલ્યું છે)ને ફેબ્રુઆરીમાં એક ટેક્સ્ટ મૅસેજ મળ્યો હતો અને તેમને ઝડપથી વાહન હંકારવા બદલ રૂ. 1000 દંડ તરીકે ચૂકવવા જણાવાયું હતું.

ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ ન થાય એટલા માટે દંડની રકમ ઝડપથી ચૂકવી દેવા તેમને મૅસેજમાં જણાવાયું હતું. તેથી આલોકે મૅસેજમાંની લિન્ક પર તરત ક્લિક કર્યું હતું. પેમેન્ટ પૂર્ણ કરવા માટે તેમને એક ઓટીપી (વનટાઇમ પાસવર્ડ) શૅર કરવા જણાવવામાં આવ્યું હતું.

થોડી મિનિટો પછી આલોકના ક્રેડિટ કાર્ડમાંથી 3,225 ડૉલર (અંદાજે રૂ. 3,03,876) કપાઈ ગયા હતા. આ તેમની મેક્સિમમ ટ્રાન્ઝેક્શન લિમિટ હતી.

આલોકે દંડ કરતાં ઘણી વધારે રકમના પેમેન્ટ માટે અજાણપણે મંજૂરી આપી દીધી હતી. તેઓ ભારતમાં આચરવામાં આવતી એક સર્વસામાન્ય છેતરપિંડીનો શિકાર બન્યા હતા. એ છેતરપિંડીમાં કૌભાંડકારો સરકારી વેબસાઇટોની નકલ કરીને નકલી મૅસેજ મોકલે છે અને ભોળા લોકોને ફિશિંગ લિન્ક પાઠવીને તેમનાં બૅન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

નિષ્ણાતો આ પ્રકારની છેતરપિંડીને "સોશિયલ એન્જિનિયરિંગ" કહે છે. તેમાં કૌભાંડકારો મનોવૈજ્ઞાનિક હાથચાલાકી કરીને તેમના મનમાં ભય તથા ઉતાવળની લાગણી સર્જે છે અને તેમને છેતરે છે.

દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં જે ઝડપથી ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું છે, એ જ ઝડપથી આ પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે.

2025માં લગભગ અઢી અબજ લોકોએ અઢી અબજ ડૉલર આ રીતે ગુમાવ્યા હતા. 2021ની સરખામણીએ આ 4,300 ટકા ગણો વધારો છે. આવા કિસ્સાઓમાં જોરદાર વધારો થવાને કારણે ભારતીય રિઝર્વ બૅન્કે આખરે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

પેમેન્ટમાં વિલંબની જોગવાઈ

આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા એક ચર્ચાપત્રમાં રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે આ સમસ્યાના સામના માટે તે અનેક ઉપાય વિશે વિચારણા કરી રહી છે.

આ ઉપાયોમાં એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ ટ્રાન્ઝેક્શનમાં ચુકવણીકારોના પક્ષે એક કલાકના વિલંબ અને વયોવૃદ્ધ લોકો જેવા સમાજના નબળા વર્ગો દ્વારા હાઈ-વેલ્યુ પેમેન્ટ માટે "વિશ્વસનીય વ્યક્તિ" દ્વારા વધારાના ઑથૉન્ટિકેશનનો સમાવેશ થાય છે.

ચુકવણી મ્યુલ એકાઉન્ટ્સ (નાણાંની ગેરકાયદે ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતા ખાતા)માં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ ચર્ચાપત્રમાં કસ્ટમર એકાઉન્ટ્સમાં મોટી ક્રેડિટ્સની મર્યાદા અને સમીક્ષા વિશે પણ વાત કરવામાં આવી છે. ડિજિટલ પેમેન્ટ ચાલુ કે બંધ કરવા માટે સ્વિચ અને કાર્ડ્સ માટે પેમેન્ટ લિમિટ્સ નક્કી કરવાનો વધારે અધિકાર લોકોને આપવાની વાત પણ આ ચર્ચાપત્રમાં કહેવામાં આવી છે.

બીબીસીએ આ સંદર્ભે અનેક નિષ્ણાતો સાથે વાત કરી હતી અને નિષ્ણાતોએ રિઝર્વ બૅન્કના આ સક્રિય પગલાને આવકાર્ય ગણાવ્યું હતું. આ દરખાસ્તને લોકોની ટિપ્પણીઓ અને સૂચનો બાદ આખરી ઓપ આપવામાં આવશે, પરંતુ તેની અસર મર્યાદિત હોઈ શકે છે, એમ પણ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

દાખલા તરીકે, પહેલી દરખાસ્તમાં પેમેન્ટમાં વિલંબ (લેગ્ડ પેમેન્ટ્સ)ની જોગવાઈ છે. તે આલોક સાથે થયો હતો તેવો ઓટીપી ફ્રોડ રોકવામાં અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ રિઝર્વ બૅન્કના ઇનોવેશન હબના ભૂતપૂર્વ સીઇઓ રાજેશ બંસલે બીબીસીને જણાવ્યું હતું કે મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો આવાં કૌભાંડો "કુલ છેતરપિંડીના જંગી પ્રમાણનો નજીવો હિસ્સો" છે.

"ત્રણ કે ચાર વર્ષ પહેલાં આ પ્રકારનાં કૌભાંડો વ્યાપક હતાં, પરંતુ છેતરપિંડી હવે નવા જ સ્તરે પહોંચી ગઈ છે અને વધારે ચતુરાઈપૂર્વક કરવામાં આવે છે."

નિષ્ણાતોના મતાનુસાર, આ પગલાનો અમલ પણ પડકારજનક હોઈ શકે છે.

અગ્રણી રેગ્યુલેટરી ટૅક્નૉલૉજી કંપની IDfyના વૃજુ રેએ કહ્યુ હતું કે "પેમેન્ટ નેટવર્કમાં ઘણા બધા પક્ષો સામેલ હોવાને કારણે લેગ્સ પેમેન્ટનો અમલ સરળ નહીં હોય. વર્તમાન આર્કિટેક્ચર બદલ્યા વિના તેના અમલનો બીજો કોઈ આસાન માર્ગ નથી."

'કૌભાંડ કરનારા માર્ગ શોધી કાઢશે'

રિઝર્વ બૅન્કે પોતે પણ ચર્ચાપત્રમાં સ્વીકાર્યું છે કે લેગ્સના અમલ માટે ટ્રાન્ઝેક્શન ક્યૂઇંગથી માંડીને કેન્સલેશન પદ્ધતિ સુધીની સમગ્ર સિસ્ટમમાં ફેરફાર કરવા પડશે અને તેમાં "ખર્ચ અને ઇકૉસિસ્ટમ માટે પ્રયાસો" કરવા પડશે.

"તે ડિજિટલ પેમેન્ટના તત્કાળ ચુકવણીના મુખ્ય સિદ્ધાંત સાથે વિરોધાભાસી હશે," એવું પણ રિઝર્વ બૅન્કે સ્વીકાર્યું છે.

"આ તો ઍક્સપ્રેસવે બનાવવો અને દર થોડા કિલોમીટરના અંતરે સ્પીડ બ્રેકર્સ બનાવવા જેવું છે," એમ રાજેશ બંસલે કહ્યુ હતું.

આ વ્યવસ્થાથી ખાસ કોઈ મદદ મળે તેવી શક્યતા નથી.

વૃજુ રેએ કહ્યું હતું કે "કૌભાંડકારો તેને પાર કરવાનો માર્ગ શોધી કાઢશે. દાખલા તરીકે, તેઓ ગ્રાહકોને ચુકવણી કરવા અને તેની સ્વીકૃતિ માટે એક કલાક રાહ જોવા કહેશે, જેથી ચેતવણીની ઘંટડી વાગે જ નહીં."

તેમના મતાનુસાર, કેટલાંક સૂચિત પગલાંઓ વાજબી છે, પરંતુ ઘણા સવાલ ઊભા કરે છે.

વૃજુ રેએ સવાલ કર્યા હતા કે "વરિષ્ઠ નાગરિકો માટે વધારાની તકેદારીની ભલામણ કરવામાં આવે છે, પરંતુ તેનું પાલન કેવી રીતે કરવું? તમારા કહેવાતા 'વિશ્વાસુ સલાહકાર' વિદેશમાં હોય તો શું કરવાનું? અને તેઓ છેતરપિંડી સાબિત થાય એવા એક ટ્રાન્ઝેક્શનમાં આગળ વધવાની સલાહ તમને આપે તો શું કરવાનું? જવાબદારી કોની ગણાશે?"

ક્રેડિટ મર્યાદિત કરીને તથા ડ્યુ ડિલિજન્સ વધારીને મ્યુલ એકાઉન્ટ્સ શોધવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો પ્રસ્તાવ અસરકારક પણ હોઈ શકે છે, પરંતુ તેમાં જંગી સંસાધનોની જરૂર પડશે તથા જંગી ખર્ચ પણ થશે અને તે બધું ગ્રાહકોના માથે આવી પડશે, એમ વૃજુ રેએ જણાવ્યું હતું.

રાજેશ બંસલના મતાનુસાર, રિઝર્વ બેન્ક પાસે Mulehunter.AI નામનું એક મ્યુલ ડિટેક્શન પ્લૅટફૉર્મ પહેલેથી જ છે. આ પ્લૅટફૉર્મ લાભાર્થી ખાતાની વિગત પૂરી પાડે છે.

"તેની કલ્પના હું સીઇઓ હતો ત્યારે કરવામાં આવી હતી. તેને બૅન્કિંગ સિસ્ટમમાં તત્કાળ અમલી બનાવવાની જરૂર છે. કમનસીબે, એવું થયું નથી," એવું રાજેશ બંસલે પ્લૅટફૉર્મના ઝડપી અમલીકરણની હાકલ કરતાં કહ્યું હતું.

નિષ્ણાતો એવું પણ કહે છે કે વધુ નિયમન ઉકેલનો એક ભાગ માત્ર છે.

શિક્ષણ પર ભાર આપવાની જરૂર

આ પૈકીનાં કેટલાંક પગલાંની સાથે સાથે શિક્ષણ પર પણ વધારે ભાર મૂકવાનો રહેશે.

ભારતની વસ્તી જે ઝડપથી ડિજિટલ થઈ રહી છે એટલી જ ઝડપથી સલામતીના ઉપાય કે સાક્ષરતા તેની સાથે તાલમેલ બેસાડી શકતા નથી.

રિઝર્વ બૅન્ક પહેલેથી જ શૈક્ષણિક પહેલને આગળ વધારી રહી છે. એ માટે તેણે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારને સાંકળ્યા છે અને વધારે દર્શકો નિહાળતા હોય તેવી આઇપીએલ ક્રિકેટ મૅચોનો ઉપયોગ કરીને પોતાની ઝુંબેશને લોકો સુધી પહોંચાડી છે, પરંતુ વૃજુ રેના જણાવ્યા અનુસાર, ડિજિટલ સાક્ષરતા વધારવા માટે વધારે રોકાણ કરવાની જરૂર છે.

રાજેશ બંસલનું કહેવું છે કે આ સમસ્યાને મૂળમાંથી નાબૂદ કરવા માટે રિઝર્વ બૅન્કે પોલીસ, વિવિધ મંત્રાલયો, માર્કેટ રેગ્યુલેટર અને અન્યો સાથે મળીને વધારે કામ કરવું જોઈએ.

"હવે સૌથી મોટો પડકાર એ છે કે આ કામ કોની જવાબદારી છે?"

અલબત્ત, વૃજુ રેનું કહેવું છે કે એક વણસતી જતી સમસ્યા પર રિઝર્વ બૅન્કે સલાહ-મસલતયુક્ત પ્રક્રિયા મારફત ફરીથી ધ્યાન આપ્યું તે સ્વાગતપાત્ર પગલું છે.

"આ ચર્ચાના પરિણામે આખરે નિયમોની રચના થશે. અગાઉની સરખામણીએ આ એક મોટું પરિવર્તન છે. અગાઉ રિઝર્વ બૅન્ક તેનો નિર્ણય જણાવી દેતી હતી."

(વ્યક્તિની ઓળખ છુપાવવા માટે તેમનું નામ બદલ્યું છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન