હંટા વાઇરસ : જહાજમાંથી પરત આવેલા અમેરિકન અને ફ્રાન્સના નાગરિક સંક્રમિત – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 6 મિનિટ

હંટા વાઇરસના પ્રકોપથી પ્રભાવિત ક્રૂઝ જહાજને છોડીને પોતાના દેશ પરત ફરેલા એક અમેરિકાના અને એક ફ્રાન્સના નાગરિકને આ વાઇરસનું સંક્રમણ થયું હોવાનું માલૂમ પડ્યું છે. અધિકારીઓએ તેની જાણકારી આપી છે.

અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે પરત આવનારી ફ્લાઇટમાં ઉપસ્થિત એક અન્ય અમેરિકન નાગરિકમાં પણ આ સંક્રમણનાં હળવાં લક્ષણો દેખાયાં છે.

વિભાગે કહ્યું, "અત્યાધિક સાવધાની રાખીને બંને મુસાફરોએ બાયૉકન્ટેનમેન્ટ યૂનિટમાં યાત્રા કરી હતી."

જ્યારે કે ફ્રાન્સનાં સ્વાસ્થ્ય મંત્રી સ્ટેફની રિસ્ટે જણાવ્યું કે એક મહિલા પેરિસમાં આઇસૉલેશનમાં છે અને તેમની તબિયત નાદુરસ્ત છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમના સંપર્કમાં આવેલા 22 લોકોની ભાળ મળી ચૂકી છે.

હંટા વાઇરસનાં લક્ષણ ધરાવતા દર્દીની ભાળ મળતા એમવી હોંડિયન્સ જહાજના 90થી વધુ યાત્રીઓને તેમના દેશ પરત મોકલાઈ રહ્યા છે. આ જહાજ હાલ સ્પેનના કૅનરી દ્વીપમાં છે.

સિંહની કથિત પજવણીની ઘટના મામલે ધરપકડ કરાયેલા બે આરોપીને કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા

બૃહદ ગીર વિસ્તારમાં એક સિંહની કથિત પજવણીનો વીડિયો આ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વન વિભાગે આ ઘટનાની તપાસ કરવા અને આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી હતી.

બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા જણાવે છે કે, "આ મામલે વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીને ખાંભાની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને બે દિવસના રિમાન્ડ આપ્યા છે."

વન વિભાગના અધિકારીઓની પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે, "સિંહોની પાછળ મોટરસાઇકલ દોડાવીને તેમની ગંભીર પજવણી કરનારા બે આરોપીની વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ 2(12)એ, 2(16), 2(35), 2(36), 2(38), 9, 50, અને 51 અન્વયે ગુનો નોંધી અટક કરી હતી. તેમની પાસેથી ગુનામાં વપરાયેલો મોબાઇલ તથા સીમકાર્ડ અને મોટરસાઇકલ જપ્ત કર્યું છે."

પીએમ મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ પેટ્રોલિયમ મંત્રાલયે શું કહ્યું?

રવિવારે એક વર્ષ સુધી સોનું ન ખરીદવા તથા ખાવાના તેલનો ઓછો ઉપયોગ કરવાની અને પેટ્રોલ-ડીલઝની બચત કરવાની પીએમ મોદીની અપીલ બાદ પેટ્રોલિયમ મંત્રાલયે એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે. આ પ્રેસ કૉન્ફરન્સમાં પેટ્રોલિયમ મંત્રાલયે ભારતમાં પેટ્રોલિયમ પેદાશો વિશેની જાણકારી આપી.

પેટ્રોલિયમ મંત્રાલયનાં જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "અમારી રિફાઇનરી સારી રીતે કામ કરી રહી છે."

તેમણે ભરોસો આપ્યો, "પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત સ્ટૉક છે, ઘરેલુ જરૂરત માટે એલપીજીની સપ્લાય યથાવત્ છે."

સુજાતાએ કહ્યું, "અમારી રિફાઇનરી બહેતર ક્ષમતા પર કામ કરી રહી છે, કોઈ પણ રિટેલ આઉટલેટ પર ઈંધણ સમાપ્ત થયું હોવાની સૂચના નથી."

હિઝ્બુલ્લાહનો દાવો- ઇઝરાયલી સેનાનાં ઠેકાણાં પર કર્યો હુમલો – ન્યૂઝ અપડેટ

લેબનોનના હિઝ્બુલ્લાહે દાવો કર્યો છે કે તેણે તૈયિબા શહેરમાં એક ઘરમાં સ્થિત ઇઝરાયલી આર્મીના ઠેકાણાને નિશાન બનાવ્યું.

હિઝ્બુલ્લાહના જણાવ્યા પ્રમાણે, તેની સેનાએ એ જગ્યા પર ત્રણ વખત હુમલો કર્યો, ત્યાર બાદ એક ઇઝરાયલી હેલિકૉપ્ટર ઘાયલ લોકોને રૅસ્ક્યૂ કરવા માટે પહોંચ્યું હતું.

હિઝ્બુલ્લાહે દાવો કર્યો કે આ હુમલા બાદ ઇઝરાયલી સેનાને પાછળ હઠવું પડ્યું. જોકે, હજુ સુધી ઇઝરાયલી સેનાએ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી.

ત્યાં, ટીવી નેટવર્ક અલ જઝીરાએ જણાવ્યું કે ઇઝરાયલે દક્ષિણ લેબનોનનાં ઘણાં શહેરમાં બૉમ્બમારો કર્યો હતો.

રિપોર્ટ પ્રમાણે, ઇઝરાયલી હુમલામાં કાફર બેનિત અને શોકિન શહેરોને નિશાન બનાવાયાં છે.

સોનું ન ખરીદવા પીએમ મોદીની અપીલ પછી જ્વેલરી કંપનીઓના શૅરોમાં કડાકો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વિદેશી ચલણ બચાવવા માટે એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી છે. તેના કારણે સોમવારે જ્વેલરી કંપનીઓના શૅરોમાં મોટો કડાકો આવ્યો છે.

મોટી જ્વેલરી કંપનીઓના શૅર 10 ટકા આસપાસ ઘટ્યા છે. સ્કાયગોલ્ડનો શૅર સૌથી વધુ 12 ટકા સુધી ઘટીને 475 રૂપિયા પર ચાલતો હતો. જ્યારે સેન્કોનો શૅર 11 ટકા ઘટીને 325.05 પર ચાલતો હતો. કલ્યાણ જ્વેલર્સનો શૅર પણ 425 રૂપિયાથી 10 ટકા ઘટીને 382 પર આવી ગયો હતો.

ટાઇટનનો શૅર શરૂઆતના કારોબારમાં લગભગ આઠ ટકા ઘટીને 4150 રૂપિયા પર પહોંચી ગયો હતો. બપોરે 12.30 વાગ્યાની આસપાસ સૅન્સેક્સ લગભગ 900 પૉઇન્ટ ઘટ્યો હતો.

આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શૅરોમાં મોટો ઘટાડો હતો અને આ સેક્ટોરલ ઇન્ડેક્સ ત્રણ ટકા કરતાં વધુ નીચે ચાલતો હતો.

વડા પ્રધાન મોદી સોમનાથ પહોંચ્યા, વિશેષ પૂજામાં ભાગ લીધો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, તેમણે સોમનાથના મંદિરે વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.

જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વડા પ્રધાન મોદીએ સોમનાથના મંદિરમાં જળાભિષેક કર્યો હતો. તેમણે વિશેષ પૂજામાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને મંદિર ઉપર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી.

પીએમ મોદીએ આજે કુંભાભિષેક વિધિમાં પણ ભાગ લીધો હતો. કુંભાભિષેક માટે મંદિરની બહાર એક ક્રેન ગોઠવવામાં આવી છે જે 90 મીટરની ઊંચાઈ સુધી કુંભને લઈ જાય છે. ત્યાર પછી મંત્રોચ્ચાર વચ્ચે અભિષેક કરવામાં આવે છે.

આજે સાંજે તેઓ વડોદરામાં સરદારધામની મુલાકાત લઈને લોકાર્પણ કરશે.

સોનું ન ખરીદવાની પીએમ મોદીની અપીલ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન યુદ્ધ વચ્ચે દેશવાસીઓને સોનું ન ખરીદવા, વિદેશયાત્રા ઘટાડવા, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરવા અને વર્ક ફ્રૉમ હોમની સલાહ આપી છે. તેના પર કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે આ વડા પ્રધાનની નિષ્ફળતાનો પુરાવો છે. હવે જનતાને એ પણ કહેવું પડે છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું કે "મોદીજીએ ગઈ કાલે જનતા પાસે ત્યાગની માગણી કરી - સોનું ન ખરીદો, વિદેશ ન જાવ, પેટ્રોલ ઓછું બાળો, ખાતર અને ખાદ્ય તેલ ઓછું વાપરો, મેટ્રોમાં સફર કરો, ઘરેથી કામ કરો. આ ઉપદેશ નથી, પરંતુ નિષ્ફળતાનો પુરાવો છે."

તેમણે લખ્યું કે "12 વર્ષમાં દેશને એવા મુકામ પર લાવી દીધો કે જનતાને કહેવું પડે છે કે શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું, ક્યાં ન જવું. દરેક વખતે જનતા પર જવાબદારી નાખવામાં આવે છે, જેથી પોતે જવાબદારીમાંથી છટકી શકે. દેશ ચલાવવો હવે કૉમ્પ્રોમાઇઝ્ડ પીએમના હાથની વાત નથી."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે, ઍર-શો યોજાશે

ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથના પ્રવાસે આવશે. જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ તેઓ હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યાર પછી સોમનાથ મહાદેવ મંદિરે પૂજન અને કુંભાભિષેક બાદ જનસભાને સંબોધિત કરશે

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, સોમનાથ મંદિરના નવનિર્માણનાં 75 વર્ષની ઉજવણીના નિમિત્તે "સોમનાથ અમૃતપર્વ-2026"નું આયોજન કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન મોદી સોમનાથ મંદિર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. ત્યાર પછી વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં ઍર શો યોજાશે. ત્યાર બાદ વડા પ્રધાન સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે.

આ સભામાં તેઓ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સાથેની વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ 75 રૂપિયાના સિક્કાનું વિમોચન કરશે.

ઈરાને કેરોલાઇન લેવિટને શુભેચ્છા પાઠવી ટ્રમ્પને નિશાન બનાવ્યા

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટને ત્યાં પુત્રીનો જન્મ થયા પછી ઈરાને શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન પણ બનાવ્યા છે.

લેવિટે 7મેએ એક ઍક્સ પોસ્ટ મારફત જાણકારી આપી હતી કે તેમને દીકરી આવી છે. તેના પર અલગ-અલગ દેશોના ઈરાની દૂતાવાસોએ પ્રતિક્રિયા આપી છે.

આર્મેનિયામાં ઈરાની દૂતાવાસે તેમની પોસ્ટ રિશૅર કરીને લખ્યું કે, "તમને અભિનંદન. બાળકો બહુ માસૂમ અને વહાલાં હોય છે. જે 168 બાળકો, જેને તમારા "બૉસે (ડોનાલ્ડ ટ્રમ્પ) મિનાબની સ્કૂલમાં મારી નાખ્યાં અને તમે તેમનું સમર્થન કર્યું, તે પણ બાળકો જ હતાં."

તેમણે આગળ લખ્યું, "તમે જ્યારે તમારાં બાળકને ચૂમો, ત્યારે તે બાળકોની માતાઓને પણ યાદ કરજો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન