બંગાળની ખાડીની નજીક બન્યો લૉ-પ્રેશર એરિયા, ભારતમાં ચોમાસાના આગમન પર શું અસર થશે?

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં બંગાળની ખાડીની પાસે એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગલ્ફ ઑફ મન્નાર અને શ્રીલંકાની પાસે એક લૉ-પ્રેશર એરિયા બન્યો છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આ સિસ્ટમ આવનારા દિવસોમાં હજી બંગાળની ખાડીમાં જ આગળ વધશે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતના વિસ્તારો પર થવાની છે.

ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત આંદામાન-નિકોબારના ટાપુઓ પરથી થતી હોય છે અને તે બાદ જ્યારે ચોમાસું કેરળ પહોંચે ત્યારે તેની વિધિવત્ શરૂઆત થઈ ગણાય છે.

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના કહેવા પ્રમાણે આ સિસ્ટમ ભારતમાં ચોમાસાના આગમાન માટે મહત્ત્વની છે અને ચોમાસાને ભારત તરફ આગળ વધવામાં મદદ કરશે.

સામાન્ય રીતે મે મહિનામાં બંગાળમાં વધારે સિસ્ટમો બને છે અને ક્યારે આ સિસ્ટમો વાવાઝોડામાં પણ પરિવર્તિત થતી હોય છે.

ભારતમાં ચોમાસું ક્યારે શરૂ થશે?

હવામાન વિભાગ પ્રમાણે આંદામાન-નિકોબારના ટાપુઓ પર ચોમાસાના આગમાનની સત્તાવાર તારીખ 22 મે છે. એટલે કે 22 મેની આસપાસ ચોમાસું ભારતના વિસ્તારોમાં પ્રવેશ કરતું હોય છે.

જે બાદ તે બંગાળની ખાડીમાં આગળ વધે અને ત્યાંથી તે અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે. આખરે કેરળમાં જ્યારે ચોમાસાનું આગમાન થાય ત્યારે ભારતમાં ખરેખર ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે.

કેરળમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 1 જૂન છે. જોકે, વર્ષ 2025માં 24 મેના રોજ કેરળ સહિત બીજા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે કે સમય કરતાં વહેલી શરૂઆત થઈ હતી.

હાલની સ્થિતિ પ્રમાણે ભારતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમને કારણે ચોમાસાને મદદ મળે તેવી શક્યતા છે.

આ સિસ્ટમને કારણે ભેજના પરિવહનમાં વધારો થશે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસાના પ્રવાહને સક્રિય કરવામાં મદદ થાય તેવી પણ શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ભારતના વિસ્તારોમાં ચોમાસા પહેલાંના વરસાદમાં વધારો થશે અને કદાચ ચોમાસાને શરૂઆતમાં આ સિસ્ટમને કારણે મદદ મળે તેવી શક્યતા છે. સ્કાયમેટ પ્રમાણે જો આ સિસ્ટમ વધારે મજબૂત બને તો ચોમાસાનો પ્રવાહ સમય કરતાં પહેલાં બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે.

આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે?

હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ આગામી 48 કલાકમાં વધારે મજબૂત બનશે. જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં અથવા કેટલી મજબૂત બનશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ ઉપરાંત હવામાનની આગાહી કરતાં મોટા ભાગનાં મૉડલ આ સિસ્ટમ વધારે મજબૂત થઈને વાવાઝોડું બને તેવી આગાહી કરતાં નથી. એટલે કે સિસ્ટમ મજબૂત થાય તો પણ વેલમાર્ક્ડ લૉ-પ્રેશર એરિયા અથવા વધારે મજબૂત થઈને ડિપ્રેશન બની શકે છે.

એટલે કે હાલની સ્થિતિ પ્રમાણે ભારત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. આ સિસ્ટમ થોડી વધારે મજબૂત બને તો વરસાદ અને ચોમાસા માટે ફાયદો થઈ શકે છે.

પરંતુ હાલના સમયમાં ભારતના દરિયામાં જો વાવાઝોડું સર્જાય તો તેની ચોમાસાના આગમાન પર નકારાત્મક અસર પણ થઈ શકે છે. એટલે કે ઘણી વખત વાવાઝોડું ચોમાસાના પ્રવાહને વિખેરી પણ નાખે છે.

જોકે, હાલ આ પ્રકારે કોઈ સ્થિતિ બનવાની શક્યતા નથી, ઉપરાંત આ સિસ્ટમની ગુજરાત પર કોઈ સીધી અસર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં આપણે ત્યાં હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં હાલ હીટ વેવની સ્થિતિ છે અને આગામી દિવસોમાં પણ હજી રાજ્યમાં ગરમી પડતી રહેવાની સંભાવના છે. આગામી ચારથી પાંચ દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.

આ ઉપરાંત રાજ્યમાં પશ્ચિમ અને વાયવ્ય દિશા તરફથી પવનો આવતા રહે તેવી સંભાવના હાલ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જોવા મળશે.

ગુજરાતમાં 14 મે સુધી હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે, જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

રાજ્યમાં ચોમાસા પહેલાં પ્રિ-મૉન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે પરંતુ તેને હજી થોડો સમય લાગે તેવી સંભાવના દેખાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન