ઓમાન પાસે હુમલો થતાં ભારતીય જહાજ ડૂબ્યું, ભારત સરકારે શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળા એક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરતાં તેને 'અસ્વીકાર્ય' ગણાવ્યો હતો.

તેમજ સમુદ્ર સુરક્ષા પર નજર રાખતી એજન્સીઓ અને ભારતે કહ્યું છે કે માલવાહક જહાજ ડૂબી ગયું છે.

ભારતે બુધવારે થયેલા આ હુમલા અંગે વધુ માહિતી આપી નથી.

વિદેશ મંત્રાલયે ન તો જહાજનું નામ જણાવ્યું અને ન એ વાતની સ્પષ્ટતા કરી કે ભારત જહાજ પર થયેલા હુમલા માટે કોને જવાબદાર માને છે.

પરંતુ ભારતના પૉર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલયે આ જહાજનું નામ હાજી અલી હોવાનું જણાવ્યું છે.

ગુરુવારે વિદેશ મંત્રાલયે એક લેખિત નિવેદનમાં કહ્યું કે "અમે વ્યવસાયિક જહાજો અને નાવિકોને સતત નિશાન બનાવાઈ રહ્યા હોવાની વાતની નિંદા કરીએ છીએ."

મંત્રાલયે આગળ કહ્યું, "જહાજ પર હાજર તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને તેમને બચાવવા માટે અમે ઓમાન પ્રશાસનનો આભાર માનીએ છીએ."

જોકે, શિપિંગ મંત્રાલયે આ અંગે ઝાઝી માહિતી ન આપી.

શિપિંગ મંત્રાલયે શું કહ્યું?

પૉર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગળે પણ આ ઘટના અંગે જાણકારી શૅર કરી છે.

તેમણે કહ્યું, "હું એક દુખદ ઘટનાની જાણકારી પણ આપવા માગું છું. 'હાજી અલી'નામનું એક લાકડાનું બનેલું અને મોટર વડે ચાલતું જહાજ સોમાલિયાથી સંયુક્ત આરબ અમીરાતથી શારજાહ જઈ રહ્યું હતું. 13 મે 2026ની સવારે ઓમાન સમુદ્રી ક્ષેત્રમાં તેના પર કથિતપણે હુમલો થયો. તેનાથી જહાજમાં આગ લાગી ગઈ અને બાદમાં એ ડૂબી ગયું."

મુકેશ મંગલે જણાવ્યું, "જહાજ પર સવાર તમામ 14 ક્રૂ મેમ્બરને ઓમાન કોસ્ટગાર્ડે સુરક્ષિત બચાવી લીધા અને ઓમાનના ડિબ્બા પૉર્ટ પહોંચાડી દીધા. તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે."

તેમણે જણાવ્યું કે આ ઘટના સિવાય ગત 72 કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ કે ભારતીય ક્રૂવાળા જહાજ પર કોઈ ઘટનાની જાણકારી નથી મળી.

તેમણે કહ્યું કે ભારતીય અને અન્ય જહાજો પર તહેનાત તમામ ભારતીય નાવિક પણ સુરક્ષિત છે.

અત્યાર સુધી શું ખબર પડી?

સમાચાર એજન્સી એએફપીએ સમુદ્રી સુરક્ષા કંપની વેનગાર્ડના હવાલાથી જણાવ્યું કે 14 ક્રૂ મેમ્બરવાળા આ માલવાહક જહાજનું નામ એમએલની હાજી અલી છે.

કંપની પ્રમાણે, ઓમાનના લિમાહ કાંઠા પાસે આ જહાજ વિસ્ફોટ બાદ ડૂબી ગયું છે. આ જગ્યા હોર્મુઝની સામુદ્રધુનીના દક્ષિણમાં સ્થિત છે.

વેનગાર્ડે કહ્યું કે જહાજ સોમાલિયાના અલગાવવાદી ક્ષેત્ર સોમાલીલૅન્ડના બેરબેરાથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ સુધી પશુ લઈ જઈ રહ્યું હતું.

આ દરમિયાન હાજી અલી નામના એક જહાજ પર "ડ્રોન કે મિસાઇલ હુમલાથી સંદિગ્ધ વિસ્ફોટ" થયો.

વેનગાર્ડ પ્રમાણે, "જહાજમાં આગ ફાટી નીકળી, જે બાદ ક્રૂ મેમ્બર્સે જહાજ છોડવું પડ્યું અને એ બાદ જહાજ ડૂબી ગયું."

ઇન્ડિયા ટુડે પ્રમાણે હાજી અલી ગુજરાતના 'દેવભૂમિ દ્વારકા' જિલ્લાના સલાયા બંદરે રજિસ્ટર્ડ છે. આ જહાજ સવારે સાડા ત્રણ વાગ્યે ઓમાનના ઉત્તર કાંઠા પાસે લીમાની નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેની સાથે એક વિસ્ફોટક વસ્તુ અથડાઈ.

વિસ્ફોટ બાદ જહાજમાં આગ લાગી ગઈ અને તેનું સંતુલન ખરાબ થવા લાગ્યું, એ બાદ જહાજ ડૂબી ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન