રીંછની કહાણી, જે પરિવારમાં પુત્રની જેમ ઉછર્યું અને પછી વિશ્વભરમાં સ્ટાર બની ગયું

    • લેેખક, બીબીસી ન્યૂઝ મુંડો
  • વાંચવાનો સમય: 5 મિનિટ

જ્યારથી સ્કૉટલૅન્ડના ડનબ્લેન નજીક શેરિફમ્યુરમાં આવેલા મૅગી અને રોબિનના ઘરે હરક્યૂલિસનું આગમન થયું, ત્યારથી તે ત્રણેયનાં જીવન એકમેક સાથે વણાઈ ગયાં હતાં.

સવારે રસોડામાં નાસ્તો (કોફી, ઈંડાં અને સોસેજ) ખાવા સાથે તેમના દિવસની શરૂઆત થતી. તે પછી બાકીનો આખો દિવસ રમવામાં, પ્રેક્ટિસ કે પછી એકબીજાના સંગાથમાં પસાર થતો.

એકબીજા સાથે તેમનો વ્યવહાર એકદમ પરિવાર જેવો રહેતો હતો, છતાં આ ત્રિપુટી જરા અનોખી હતી.

હરક્યુલિસ અથવા તો 'હર્ક' માણસ નહીં, બલકે એક રીંછ હતું.

હા, એક ગ્રિઝલી રીંછ, જે નવ મહિનાનું બચ્ચું હતું, ત્યારે દંપતીએ તેને દત્તક લીધું હતું. જ્યારે રીંછ મોટું થયું, ત્યારે તેની ઊંચાઈ 2.50 મીટર કરતાં વધારે અને તેનું વજન 190 કિલોગ્રામ કરતાં વધારે હતું.

પુત્રની જેમ રીંછનો ઉછેર

મૅગીને હંમેશાંથી પ્રાણીઓ પ્રત્યે લગાવ રહ્યો છે. સ્કૉટલૅન્ડના એક ફાર્મમાં ઉછરેલાં મૅગી કહે છે કે, તેમને પ્રથમ પ્રેમ અશ્વોથી થયો હતો. બાળપણમાં તેમણે ઘોડેસવારી શીખી હતી અને ઘોડેસવારીની સ્પર્ધાઓમાં ઈનામો પણ જીત્યાં હતાં.

મૅગીના પતિ ઍન્ડી લાકડાં કાપવાનું કામ કરતા અને કુસ્તી ચૅમ્પિયન હતા. તેઓ મૅગી કરતાં 15 વર્ષ મોટા હતા. તેમણે મૅગીને જ્યારે રીંછનું એક બચ્ચું દત્તક લેવાનું સૂચન કર્યું, ત્યારે મૅગીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ હા પાડી દીધી.

મૅગી બીબીસીને જણાવે છે, "મને હજુયે યાદ છે કે ઍન્ડીએ પ્રથમ વખત મને સવાલ કર્યો હતો, 'જો હું તને એમ પૂછું કે, તું મારા માટે એક ટેડી બીઅર ખરીદી લાવીશ, તો તું શું કહીશ?' મેં ક્યારેય અમારું જીવન કેવું હશે, તે વિશે કલ્પના નહોતી કરી, મેં કદીયે નહોતું વિચાર્યું કે, આ આવો જાદુઈ સંબંધ બની જશે."

ઍન્ડીને આ વિચાર કૅનેડામાં આવ્યો હતો, જ્યાં "ટેડ ધ ટેરિબલ" નામના ગ્રિઝલી રીંછ સાથે લડવા માટે તેમને એક હજાર ડૉલર ઑફર કરવામાં આવ્યા હતા. પ્રાણી સાથેના આ આમને-સામને મુકાબલાને કારણે તેમના મનમાં રીંછને ઉછેરવાની ઇચ્છા જાગી હતી.

તેમના પરિવાર તથા મિત્રોનું માનવું હતું કે આ વિચાર માત્ર અવ્યવહારુ જ નહીં, બલકે તરંગી પણ હતો, પરંતુ ઍન્ડી તથા મૅગી તેમની યોજનાનો અમલ કરવા માટે મક્કમ હતાં. સ્કૉટલૅન્ડના એક ઝૂમાં તેમને જેવું જોઈતું હતું, તેવું રીંછનું બચ્ચું મળી ગયું.

રીંછના બચ્ચાને રાખવા માટે તેમણે તમામ આવશ્યક વ્યવસ્થા કરી અને 67 ડૉલર ચૂકવીને 31મી ઑગસ્ટ, 1975ના રોજ ઔપચારિક રીતે રીંછને દત્તક લીધું.

તેમણે તેનું નામ હરક્યુલિસ રાખ્યું. હરક્યુલિસના બે ભાઈ તેની માતા સાથે ઝૂમાં રહેતાં હતાં, તેનાં નામ એટલાસ અને સેમસન હતાં.

ઍન્ડી અને મૅગીએ હરક્યુલિસને પસંદ કર્યું, તે પાછળનું કારણ એ હતું કે તેના બે ભાઈઓની સરખામણીમાં હરક્યુલિસ વધુ શાંત, વધુ પ્રેમાળ અને તેની માતા સાથે વધુ જોડાયેલું હતું.

જોકે, તે આવ્યું, ત્યારે તે એટલું આક્રમક હતું કે મૅગી બે મહિના પછી જ તેની પીઠ પર સવારી શક્યાં હતાં. મૅગી માટે હરક્યુલિસ તેમના પુત્ર જેવું હતું.

"જ્યારે તમને તક આપવામાં આવે છે - ચાહે તે બાળક હોય કે પ્રાણી હોય - તે સાવ નિર્દોષ હોય છે. કોઈ તેમને નુકસાન નથી પહોંચાડતું. તેને તેવું જ રાખવું, તે તમારા પર નિર્ભર રહે છે."

એક મનોરંજક યાત્રા

સાથે રહેવું અદભુત હતું. હર્ક ઍન્ડીના કુસ્તીના શોમાં તેમની સાથે કામ કરતું હતું અને તેમની અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેમની સાથે રહેતું હતું.

ઍન્ડી અને મૅગી જે બાર ચલાવતાં હતાં, તેમાં પણ હરક્યુલિસ હાજર રહેતું. રીંછ ગ્રાહકો સાથે સહેલાઈથી હળી-મળી જતું અને તેને શરાબનો સ્વાદ પણ ગમતો. ઍન્ડીની માફક જ રીંછને પણ લીંબુના રસ અને બીયરમાંથી બનાવેલું પીણું ખૂબ ભાવતું હતું.

તેનાં વિરાટ કદ અને માસૂમ, મળતાવડા સ્વભાવના મિશ્રણે સ્થાનિક સમુદાયનાં બાળકો અને મોટેરાંનાં દિલ જીતી લીધાં હતાં. હરક્યુલિસ તે વિસ્તારનું સેલિબ્રિટી બની ગયું હતું. "તે ડનબ્લેનના સામાજિક ફલકનો હિસ્સો બની ગયું હતું," એમ મૅગી જણાવે છે.

તેની પ્રસિદ્ધિને કારણે હરક્યુલિસને 1980ના ઉનાળામાં વેસ્ટર્ન હેબ્રાઇડ્ઝની એક લોકપ્રિય ટૉઇલેટ પેપર બ્રાન્ડ માટેની જાહેરાતમાં ચમકાવવા માટે કરારબદ્ધ કરવામાં આવ્યું હતું.

શૂટિંગ શરૂ થાય, તે પહેલાં ઍન્ડી હર્કને સાથે લઈને સ્કોટિશ દ્વીપસમૂહના ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવા માટે ગયા.

કાયમની માફક તેમના ગળા ફરતે દોરડું બાંધીને તેમણે પાણીમાં છલાંગ લગાવી, પણ કદાચ ઠંડીને કારણે દોરડું સંકોચાઈ ગયું, ગાંઠ ખૂલી ગઈ અને હર્ક તરતું રહ્યું. તેને જાણ ન થઈ કે, તેણે તેના માલિક સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

હર્ક તરતું જ રહ્યું અને પછી અદૃશ્ય થઈ ગયું.

જ્યારે રીંછ ગુમ થઈ ગયું

તેને શોધતાં 24 દિવસ લાગ્યા, જેમાં સેંકડો સ્વયંસેવકોની મદદ લઈને હવાઈ અને જમીન પર શોધખોળ હાથ ધરવામાં આવી.

મીડિયા આ શોધ અભિયાનના દરેક કદમ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું હતું અને હર્ક વિશે કોઈ કડી આપનારી કોઈ પણ જાણકારી પૂરી પાડવા માટે સજ્જ હતું.

આખરે હરક્યુલિસ જ્યારે મળ્યું, "ત્યારે તે ફરના ખાલીખમ કોટ જેવું દેખાતું હતું. તે દયનીય હાલતમાં હતું, સાવ કમજોર થઈ ગયું હતું," એમ મૅગી જણાવે છે.

તેનું વજન અડધું થઈ ગયું હતું.

મૅગીએ બીબીસીને જણાવ્યું હતું, "જે ટાપુવાસીઓ પાસે ગાયો હતી, તેમણે આખી રાત અને બીજા દિવસે સવાર સુધી ગાયો દોહી અને તેઓ હરક્યુલિસ માટે 50 લિટર કરતાં વધુ દૂધ લઈ આવ્યા. તે દૂધથી હરક્યુલિસના જીવમાં જીવ આવ્યો."

હર્કને કાળજીપૂર્વક ઘરે લઈ જવાયું, જ્યાં ધીમે-ધીમે તે સાજું થવા માંડ્યું.

તેના આ અણધાર્યા સાહસ પછી તેની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઈ અને હર્ક આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગયું.

હર કોઈ હર્કની કહાણીનો હિસ્સો બનવા માગતું હતું. તેણે અમેરિકા અને જાપાન સહિતના દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. તે રાજનેતાઓ અને ટીવી સ્ટાર્સને મળ્યું હતું (માર્ગારેટ થેચર, બોબ હોપ, વગેરે), ઍન્ટરટેઇન્મેન્ટ શોમાં દેખાયું હતું અને રૉબર્ટ મૂરને ચમકાવતી જેમ્સ બૉન્ડની ફિલ્મ (ઓક્ટોપસી)માં પણ તેણે કામ કર્યું હતું.

જ્યારે રીંછ બીમાર પડી ગયું

2000ની સાલ સુધીમાં હર્કનું આરોગ્ય કથળવા માંડ્યું. પીઠમાં થયેલી ઈજાને લીધે તે તેના પાછલા પગનો ઉપયોગ કરી શકતું નહોતું.

ઍન્ડીએ ભારે જહેમત કરીને તેને ફરી પહેલાં જેવું બનાવી દીધું.

મૅગી કહે છે, "રોજ હું તેને સ્વિમિંગ-પૂલમાં લઈ જતી. તેને પૂલના એક છેડાથી બીજા છેડા ખૂબ ચલાવવામાં આવતું હતું."

હર્કની સ્થિતિમાં સુધારો થયો, પણ હાલત પાછી કથળી ગઈ.

તેની પીઠ પર ફોલ્લો થયો હતો. તેઓ તેને બચાવી ન શક્યાં. ફેબ્રુઆરી, 2001માં આશરે 25 વર્ષની વયે ઍન્ડીના ઍડવેન્ચર તથા રેસલિંગ પાર્ટનર હરક્યુલિસે અંતિમ શ્વાસ લીધા.

2019માં 84 વર્ષની વયે ઍન્ડીનું પણ નિધન થયું.

હર્ક જ્યાંથી ખોવાઈ ગયું હતું, તે જગ્યા પાસે બંનેને દફનાવાયા છે.

ઍન્ડીની કબર ઉપર એક તકતી છે અને હરક્યુલિસ જ્યાં દફન છે, ત્યાં તેનું પૂર્ણ કદનું શિલ્પ છે.

મૅગી કહે છે, "હું જ્યારે આ સ્થળની મુલાકાત લઉં છું, ત્યારે મારા ચહેરા પર સ્મિત ફરકી ઊઠે છે. હું ઘણું વિચારું છું. ફરવા માટે આ એક સુંદર જગ્યા છે."

"ઍન્ડી અને હરક્યુલિસ વચ્ચેનો સંબંધ અસાધારણ હતો. જો કોઈ વ્યક્તિ રીંછ તરીકે જન્મ ધારણ કરવા માટે નિર્ધારિત હોય, તો તે ઍન્ડી છે. જો કોઈ પ્રાણી માણસ બનવા માટે નિર્ધારિત હોય, તો તે હર્ક છે."

"હરક્યુલિસે તમામ મુશ્કેલીઓ અને જે કંઈ નકારાત્મક કહેવામાં આવ્યું, તે બધું ખોટું ઠેરવ્યું. તેણે પુરવાર કરી આપ્યું કે, દયા અને પ્રેમથી કશું પણ હાંસલ કરી શકાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન